ગઝલ – ટેરેન્સ જાની ‘સાહેબ’
ક્યાં પડી છે સવાર વરસોથી
મિત્ર ! છે અંધકાર વરસોથી
ઇશના માટે તો હતો એક જ
અહીં તો છે શુક્રવાર વરસોથી
પાનખરનો રૂઆબ ત્યાં પણ છે
જ્યાં વસે છે બહાર વરસોથી
તોય મક્તા સુધી નથી પહોંચ્યો
છું કલમ પર સવાર વરસોથી
દિલમાં છે ગેરકાયદેસરનો
નહિ જતો આ જનાર વરસોથી
જિંદગી જેવો શ્રાપ આપીને
એ ખુદા છે ફરાર વરસોથી
– ટેરેન્સ જાની ‘સાહેબ’
એક એક શેર પાણીદાર… વરસોથી સવાર પડી જ નથી. આપણે રોજ ઊઠીએ છીએ પણ જાગતા નથી. ઇશુ ખ્રિસ્તના જીવનમાં તો શૂળી પર ચડવું પડ્યું એવો એક જ શુક્રવાર હતો પણ અહીં તો વરસોથી નિતાંત શુક્રવાર, શૂળી સિવાય બીજું કશું જ નથી. મક્તા એટલે ગઝલનો આખરી શેર. આખરી મુકામ.કયો સાચો કવિ જિંદગીમાં કવિતાના આખરી મુકામ પર પહોંચી શક્યો છે? મંઝિલનો સંતોષ થવાની ઘડી જ મુસાફરી ખતમ થવાની ઘડી છે એટલે જ સાહેબ વરસોથી કલમ પર સવાર છે પણ મક્તા હજી હાથ આવતો નથી. ગેરકાયદેસર વસવાટવાળો શેર પણ માસ્ટર સ્ટ્રોક. સાહેબને જાણે મૃત્યુનો પૂર્વાભાસ કેમ ન થઈ ગયો હોય એમ એની ગઝલોમાં જીવન અને મૃત્યુની વાત અવારનવાર આવતી જ રહે છે.. છેલ્લો શેર જુઓ… અને ફરાર ખુદાને સવાલ કરો… શા માટે? ૨૭ વરસના ઉમદા શાયરની એને શી જરૂર પડી ?
Rajnikant Vyas said,
February 13, 2015 @ 3:16 AM
ખૂબ સુન્દર ગઝલ. ગુજરાતી ગઝલ વિશ્વમા ‘સાહેબ’ ની ખોટ બહુ સાલશે.
Hardik Vora said,
February 13, 2015 @ 3:28 AM
વાહ સાહેબ ….
Girishparikh's Blog said,
February 13, 2015 @ 6:31 PM
[…] નોંધઃ ટેરેન્સ જાની ‘સાહેબ’ની ગઝલઃ https://layastaro.com/?p=12558 એના શેર તોય મક્તા સુધી નથી પહોંચ્યો […]
સુનીલ શાહ said,
February 14, 2015 @ 1:43 AM
‘સાહેબ’ની સુંદર ગઝલ..
એમનો જ એક શેર…
શ્વાસ આ ‘‘સાહેબ’’ ત્યાં પણ લે છે,
જ્યાં હવા જેવું કશું પણ નથી.
mehul patel ish said,
February 14, 2015 @ 3:34 AM
વાહ સાહેબ ! ગઝલો થકી હમેશા જીવશો
સુંદર ગઝલ !
Harshad said,
February 14, 2015 @ 10:33 AM
Beautiful Gazal. Loved and like this Gazal.