કશું પણ નથી – ટેરેન્સ જાની ‘સાહેબ’
પામવા જેવું કશું પણ નથી
રાખવા જેવું કશું પણ નથી
શું કરું રેતીને ફેંદીને હું
શોધવા જેવું કશું પણ નથી
દાસ થઈ બેઠા છે શબ્દો, છતાં
બોલવા જેવું કશું પણ નથી
જિંદગી કશકોલ લઈ ઉભી છે
મૂકવા જેવું કશું પણ નથી
વેદનાઓ તો વધે છે સતત
ને દવા જેવું કશું પણ નથી
પ્રેમ નાહક તું હવે માંગ ના
આપવા જેવું કશું પણ નથી
શ્વાસ આ ‘સાહેબ’ ત્યાં પણ લે છે
જ્યાં હવા જેવું કશું પણ નથી
-ટેરેન્સ જાની ‘સાહેબ’
અકાળે આથમી ગયેલા આશાસ્પદ શાયરની મજાની ગઝલ માણીએ…
જગદીશ કરંગીયા ‘સમય’ said,
February 9, 2018 @ 5:16 AM
ટૂંકી બહેરની સુંદર ગઝલ.
બહુ નાની ઉંમરમાં “સાહેબ” જતા રહ્યા. નહિં તો આપણે બહુ બધી આવી સુંદર ગઝલો માણવા મલત.
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com
જયેન્દ્ર ઠાકર said,
February 9, 2018 @ 1:03 PM
દિલ મહીં તારા સ્મરણના ભારથી,
જીવતા લાગે ફકત બધા બહારથી.
સવાલ છે..શા માટે છીની લીધા સાહેબને?
ઈશ્વર શું ખોટ હતી તારા ઘરૅ??
yogesh shukla said,
February 13, 2018 @ 2:46 PM
સરસ રચના ,…પણ આ શેર દમદાર ,
પ્રેમ નાહક તું હવે માંગ ના
આપવા જેવું કશું પણ નથી
લગ્ન ને વર્ષો થયા પછી વેલેન્ટાઈન દિવસે આ શેર પણ બોલી શકાય ,….