જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પરાજિત ડાભી

પરાજિત ડાભી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – પરાજિત ડાભી

લખવા જેવું કાંઈ નથી ને તોય લખું છું – પાગલ છું હું
કહેવા જેવું કાંઈ નથી ને તોય કહું છું – પાગલ છું હું.

ભીડની વચ્ચે જન્મેલો છું, ભીડ મને ભીંસે છે કાયમ,
ખસવા જેવું કાંઈ નથી ને તોય ખસું છું – પાગલ છું હું.

ચારે કોર પડ્યા છે પથ્થર, ચકમકનો આભાસ ધરીને,
ઘસવા જેવું કાંઈ નથી ને તોય ઘસું છું – પાગલ છું હું.

સાચા-ખોટા, અસલી-નકલી, બંધન તોડી મુક્ત થવાને,
મથવા જેવું કાંઈ નથી ને તોય મથું છું – પાગલ છું હું.

ફેલાઈ છે ગંધ હવામાં, મરતા માણસનાં મડદાંની,
શ્વસવા જેવું કાંઈ નથી ને તોય શ્વસું છું – પાગલ છું હું.

આમ જુઓ તો ભીડ શહેરમાં, આમ જુઓ તો ખાલીખમ છે,
વસવા જેવું કાંઈ નથી ને તોય વસું છું – પાગલ છું હું.

– પરાજિત ડાભી

ગઝલની લાંબી રદીફ ક્યારેક મરાલીની ડોકમાં અધમણ દાગીનાની જેમ ગઝલ પર ચડી બેસતી હોય છે. પણ કવિ અહીં લાંબી રદીફની હારોહાર કાફિયા બેવડાવીને ધારી અસર ઉપજાવવામાં અને ગઝલનું અંતર્ગત સૌંદર્ય ઉજાગર કરવામાં સફળ રહ્યા છે.

Comments (6)