કરવું હતું – હેમેન શાહ
આખરી ને એક નાનકડું કથન કરવું હતું ,
એ પછી આ રંગમંડપને નમન કરવું હતું.
પ્રેમની એકાદ કવિતાનું પઠન કરવું હતું,
એમને તો રોજ એનું એ ભજન કરવું હતું.
જાતરા કરવી નહોતી મારે એકે ધામની,
ગૌણ ઝરણાંઓનાં જળનું આચમન કરવું હતું.
એ સમય, એ વય, અને એ બોલવું ઉન્માદમાં,
ક્યાં મનન કરવું હતું ? ક્યાં સંકલન કરવું હતું ?
રાહમાં મળતા રહ્યા’તા નાનામોટા છાંયડા,
બેફિકર લહેરી મુસાફરને સહન કરવું હતું.
શોધવા મથતો હતો કંઈ કેટલાંય મૂળિયાં,
વાંસળીમાંથી ફરીથી વાંસવન કરવું હતું.
સર્વ ઓગળતું રહે, જેમાં અનાદિકાળથી,
હઠ હતી કે એ જ ધુમ્મસનું વજન કરવું હતું.
– હેમેન શાહ
ચોથા શેર થી ગઝલ ઉંચકાય છે. પહેલા ત્રણ શેર નબળા લાગ્યા.
Dhaval Shah said,
April 21, 2015 @ 9:55 AM
શોધવા મથતો હતો કંઈ કેટલાંય મૂળિયાં,
વાંસળીમાંથી ફરીથી વાંસવન કરવું હતું.
સર્વ ઓગળતું રહે, જેમાં અનાદિકાળથી,
હઠ હતી કે એ જ ધુમ્મસનું વજન કરવું હતું.
– સરસ !
PUSHPAKANT TALATI said,
April 21, 2015 @ 11:29 PM
તિર્થેશભાઈ, નમસ્તે.
ચોથી કડી – “એ સમય, એ વ્ય, અને એ બોલવું ઉન્માદમાં,” – માં “એ વ્ય,” લખ્યું છે તેનો તથા પાંચમી કડી -“બેફિકર લહેરી મુસાફરને શન કરવું હતું.”- માં “શન” નો અર્થ ન સમજાણો. – મદદ કરશો ?
Thanks in anticipation Please. – Pushpakant Talati
તીર્થેશ said,
April 22, 2015 @ 2:24 AM
sorry sorry sorry……typing error…..corrected…. thanks