ગઝલ – પંકજ મકવાણા
તું અમસ્તો આટલું ગભરાય છે,
જો ઉદાસીમાંય રસ્તો થાય છે.
ફક્ત હાથેથી નથી સરતો સમય,
તુંય સામે એટલો ખર્ચાય છે.
એટલે નારાજ છું હું, હાથથી-
ફક્ત મુઠ્ઠી જેટલું વ્હેંચાય છે.
પાસપાસે છો ને ઊભાં હો છતાં
વૃક્ષથી ક્યાં કોઈ દી ભેટાય છે?
એટલે ઊડતી રહે છે રેત અહીં,
એક મારામાં નદી સુકાય છે.
– પંકજ મકવાણા
ફેસબુક પર લટાર મારતાં-મારતાં અચાનક આ મજાની ગઝલ જડી આવી. કવિના નામનો ખાસ પરિચય નથી પણ કવિની સાચી ઓળખ તો એની કવિતા જ. મરીઝ જેવી સાદગી અને મનોજ જેવું અર્થગાંભીર્ય અહીં સાયુજ્ય પામ્યું નજરે ચડે છે. આખરી પંક્તિમાં છંદ સાચવવાની મથામણમાં વ્યાકરણનો ઉંબરો ઓળંગવો પડ્યો છે એ બાદ કરીએ તો આખેઆખી ગઝલ સો ટચનું સોનું !