પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !
સુરેશ દલાલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઊજમશી પરમાર

ઊજમશી પરમાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જેગવી દીધાં તન – ઊજમશી પરમાર

કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન,
જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.

સાંજ પડે ને વાયરે કોનાં પગલાં ભીનાં વાય?
દોડવું મારે નહીં ને અલી દોડું દોડું થાય;
ભીંતમાં ગરું તોય તે યાંથી આવશે રે સાજન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.

ટોડલાં મૂઆં ટહુકે મારે શરમાવાનું રયું,
નેવાં ઊઠી ડોકિયાં કરે, રોજનું આ તો થ્યું;
હીંચવા માંડે ઘર ભરીને ગાણાનું ગવન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.

કોક જો આવે હાથનું ભરત મેલી ઊભી થઉં;
ફળિયું મારી મોર્ય લળીને જોવે પછી, હઉં;
‘ઇ’ હશે તો દોટ મેલીને પરખી લ્યે પવન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.

– ઊજમશી પરમાર

દુનિયાની કોઈપણ ભાષાનું સાહિત્ય જે તે સમયના સમાજનો આયનો હોય છે. તળપદી ભાષાની આવી કવિતા સાંપ્રત સમયની બોલીને સમયની કિતાબના કોઈ એક પાનામાં ઈતિહાસ બનીને જાળવી રાખે છે. જો કે આજે તો હવે આવી ગામઠી બાનીને સર્વાંગ સાચવી શકે એવા કવિઓ અને કવિતાઓ જ લુપ્ત થવાના આરે છે…

આ વર્ષે જ કવિ દુનિયાને અલવિદા કરી ગયા. પ્રસ્તુત રચના એમની સિગ્નેચર પોએમ બની રહી હતી. મિત્રો એમની પાસે આ કવિતા વારંવાર ગવડાવતા.

Comments (1)

સુરતાના રંગે રમતાં… – ઊજમશી પરમાર

અમલ ચડે જો અસલ,
આતમો જઈ ચડતો આકાશે.
પરહરવાના પંથક એવા
પથરાતા પગતાશે.

મનમાં મગન થવાને
ખોલો દેહી તણા દરવાજા.

રત થાનારા રડ્યાખડ્યા,
ઝરડે અટવાતા ઝાઝા;
ઊતરે ભારો ભરમ તણો તો
હીંચો જઈ હળવાશે.

અધવચ ઊભા હડી કાઢતા
પોગ્યા જઈ પગપાળા.

આરત અસલી ધરાવનારા
બેઠાં બાંધી માળા;
સુરતા સંગે રમતાં રમતાં
ઝળહળ મારગ થાશે.

– ઊજમશી પરમાર

આંખથી નહીં, અંતરથી વાંચવાની વાત… સંસારના ભ્રમ ત્યાગીને, દુન્યવી ઉપાધિઓમાં અટવાયા કરવાને બદલે દેહના દરવાજા ખોલીને ‘અસલી’ અમલ કરી, સુરતા સાધીએ તો આતમરામ સાચા સરનામે પહોંચે…

(પરહરવું = ત્યાગ કરવો; પગતાશ = મોકળાશ; ઝરડું = (દુન્યવી) લફરાં; સુરતા = લગની, અંતર્વૃત્તિ)

Comments (3)

વાયરા ધીરા ધીરા કળપે – ઊજમશી પરમાર

કોકડ મોકડ વળી અમસ્તો પડ્યો ક્યારનો સોપો,
સવળે નહીં લગરીકે, મારો ડંગોરો કે તોપો.

લહલહ કરતો હાંફે, લાંબી જીભ લટકતી હેઠે,
જરીય પડખું ફેરવવાની તસ્દી ના’વે નેઠે.

હવે વાયરો ફરકે ક્યાંથી, સૂતો હેઠ દબાવી,
કિયા ગુનામાં ઝાડ નમીને ઊભાં પાંદડાં ઢાળી ?

વાટેઘાટે એદી અજગર સમો પડ્યો જળ-સ્થળમાં,
કરે જાગતું પડ એને તો ધરબી દઉં હું તળમાં.

જરી ય ફફડે ધજા તો એના ઉડાડું લીરેલીરા,
સોગ પાળતા ખૂણે વાયરા કળપે ધીરા ધીરા.

– ઊજમશી પરમાર

સન્નાટાની કવિતા… લય અને શબ્દની બાંધણી એવી ચસોચસ થઈ છે કે ભારીખમ્મ સુનકાર આપણી છાતી પર ચડી બેસતો હોય એમ લાગે. કૂકડું વાળીને સોપો એ રીતે પડ્યો છે કે લાકદીથી ફટકારો કે તોપ ફોડો, એ જરાય સવળવાનો નથી. આળસુ અજગર પેઠે જાણે જીભ લટકાવીને એ હાંફી રહ્યો ન હોય… વાયરાને એ જાણે પોતાની નીચે દબાવી બેઠો ન હોય એમ એ વાતો અટકી ગયો છે. ઝાડના પાંદડા પણ વાયરાની ગેરહાજરીમાં નીચા ઢળી પડ્યાં છે. શોકાતુર વાયરો ધીમે ધીમે ઝૂરી રહ્યો છે…

Comments (9)

અસલ ઝુરાપો આલો – – ઊજમશી પરમાર.

વળી,દાખડો શીદને કરવો પળ બે પળનો-ઠાલો,
આલો તો આલો રે અમને અસલ ઝુરાપો આલો;
દુનિયા આખીથી નોખી આ અજબ સમી રટ લાગી!

ચપટી ચપટી તલસાટે તો ફૂટે એક-બે ટશિયા,
ઘા વ્હેવા દ્યો ધોધમાર,નહીં ખપતા ટેભા-બખિયા;
તણખા સાટે ઝાળ અમે તો ચાહી કરીને માગી.

અધકચરા આ હદડા જીવને રોજ કરાવે ફાકા,
ધરવ પામવા કાજે ખપતા અજંપ આખેઆખા;
લખત કરી સાચકલી સમજણ,ભલે કહો વરણાગી.

– ઊજમશી પરમાર.

અભિવ્યક્તિ નું નાવીન્ય આ ખાસ્સા એવા ખેડાઈ ગયેલા આ વિષયને એક નવી જ તાજગી આપે છે.

Comments (2)

ઘટમાં ઝાલર બાજે – ઊજમશી પરમાર

ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.

પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારેયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે;
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી ?

વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી !

– ઊજમશી પરમાર

એકવાર ઘટમાં ઝાલર વાગવા માંડે તો પછી દુનિયાનો લય પણ અનોખો જ લાગે… અને એકવાર ભીતરની દૃષ્ટિ બદલાઈ જાય, પછી તો સાવ અજાણી આંખોની ભાષા પણ મધઝરતી જ લાગે.

Comments (6)