ન જાણે કોણ, ક્યારે આવી ઘૂંટી લે અઢી અક્ષર,
બને તો સ્વચ્છ રખો હરઘડી હૈયાની પાટીને !
મુસાફિર પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કવિ

કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ફેસબુક સૉનેટ – શર્મન એલેક્સી (અનુ. વિવેક મનહર ટેલર)

આવો, છે સ્વાગત હર કોઈનું હાઇ-સ્કૂલના અંતહીન
પુનર્મિલનમાં. ને સદા સ્વાગત છે જૂના મિત્રો ને
પ્રેમીજનોનું, હો ગમે તેવા ભલા કે ક્રૂર પણ.
ચાલો, તો અવમૂલ્યન કરો ને નાદુરસ્તી પણ કરો

આ આજની. શા માટે એ ધારી ના શકીએ આપણે
કે એકસરખા જિંદગીના સૌ તબક્કા હોય છે?
ખોદીએ, ચાલો તો, પુનઃ આરંભીએ, વિસ્તારીએ
એ બાળપણ. ચાલો રમીએ સાથે એ સઘળી રમત

જે વ્યસ્ત રાખે છે યુવાનોને. શરમ ને ખ્યાતિને
એકમેકમાં લપટાવા દો. ને થઈ જવા દો કો’કની
ઈશ્વરતલાશીને સરાજાહેર ડોમેન નેટ પર.
બનવા દો દેવળ.કોમને દેવળ ચલો, હરકોઈનું.

તો, કરીએ સાઇન અપ, ને સાઇન ઇન તથા એકરાર પણ
કરીએ ચલો, અહીંયા આ એકલતા તણી વેદી ઉપર.

– શર્મન એલેક્સી
(અનુ. વિવેક મનહર ટેલર)

ફેસબુક આપણને આજને ભૂલીને ગઈકાલમાં જીવતાં શીખવે છે. ફેસબુક જીવનના દરેક તબક્કે એકસરખી લાઇક્સ અને કોમેન્ટ્સ લઈને આવે છે. જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે એની એ જ કી વાપરીને કામ કરતાં શીખી જઈએ છીએ. ફેસબુકના દરિયામાં લાગણીઓની ભરતી-ઓટ છે જ નહીં, કેમકે ફેસબુકનો દરિયો તો પથ્થરનો દરિયો છે. ભલે આનું નામ સોશિઅલ મીડિયા કેમ ન હોય, અહીં કશું જ સોશિઅલ નથી. આ તો માત્ર સમાજનો આભાસ છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની હોડમાં ને દોડમાં આપણે જાત સુધી પહોંચવાનું જ વિસરી ગયાં છીએ. #MeToo ના આરોપનો ભોગ બનેલા અમેરિકન કવિ શર્મન એલેક્સી ફેસબુકના સંદર્ભે સોશિઅલ મિડીયાના આક્રમણ સામે લાલ બત્તી ધરે છે…

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે…

The Facebook Sonnet

Welcome to the endless high-school
Reunion. Welcome to past friends
And lovers, however kind or cruel.
Let’s undervalue and unmend

The present. Why can’t we pretend
Every stage of life is the same?
Let’s exhume, resume, and extend
Childhood. Let’s play all the games

That occupy the young. Let fame
And shame intertwine. Let one’s search
For God become public domain.
Let church.com become our church

Let’s sign up, sign in, and confess
Here at the altar of loneliness.

– Sherman Alexie

Comments

(કોનો સાદ છે!) – મેઘબિંદુ

ભૂલી જવી જે જોઈએ એ વાત યાદ છે,
બસ એટલે તો આપણી વચ્ચે વિવાદ છે.

ધાર્યું થયું ના એટલે વિવશ બની ગયો,
દૃષ્ટિ કરું છું જ્યાં હવે ઘેરો વિષાદ છે.

શ્રદ્ધા રહી ના એટલે શંકા વધી ગઈ,
મંઝિલ મળે ક્યાંથી હવે પ્રયત્ને પ્રમાદ છે.

એથી તમારા દ્વાર પર આવ્યો નહીં કદી,
સમજી ગયો’તો આપની મેલી મુરાદ છે.

છું એકલો ને આસપાસે રણની રિક્તતા
અથડાય છે જે કાન પર એ કોનો સાદ છે!

– મેઘબિંદુ

મત્લાનો શેર કેવો સરળ, સહજ પણ કેવો સચોટ! વાહ!

Comments (5)

અશ્રુ – નિરંજન ભગત

તારે પ્રાણે પુલકમય કૈં રાગિણી રમ્ય સૂરે
જાગી રહેતી, મધુર લયનો દોલ દૈ મંદ મંદ;
તાલે તાલે સ્વરપરશથી વિશ્વનો નૃત્યછંદ
ડોલી રહે ને પલ પલ કશો મુગ્ધ થૈ તાલ પૂરે!
મેં એમાંથી અધરસ્મિતનો શાંત પ્રચ્છન્ન સૂર
માગ્યો, જેથી સ્વરમધુર એ દોરમાં ગીતફૂલે
માળા ગૂંથું, ચિરજનમ જે તાહરે કંઠ ઝૂલે;
રે એ આશા ક્ષિતિજ સરખી રહૈ ગઈ દૂર દૂર!
મેં માગ્યું’તું અધરસ્મિત, તેં અશ્રુનું દાન દીધું;
તારે પ્રાણે મુજ હૃદયની માગણીને જડી દૈ,
થંભી તારી શત શત કશી રાગિણી, તું રડી ગૈ!
હું શું જાણું પ્રિય, પ્રણયનું એમ તેં ગાન કીધું!
રે તારું એ અરવ સરતું અશ્રુનું એક બિન્દુ
જાતે સપ્ત સ્વરે શું છલછલ પ્રણયોન્માદનો મત્ત સિન્ધુ!

– નિરંજન ભગત

રવીન્દ્રનાથની ગીતાંજલિમાંથી પસાર થતા હોવાની અનુભૂતિ આ સૉનેટ વાંચતા થયા વિના રહેતી નથી. સહવાસના સંગીતની પરાકાષ્ઠાની વાત છે. પ્રિયપાત્રના સ્મિતને ગીતમાં ઢાળવા માંગતા પ્રિયજનને સ્મિતના સ્થાને સામેથી અશ્રુ પ્રાપ્ત થાય છે ત્યારે પહેલાં તો પ્રિયજન વિમાસણમાં પડે છે પણ પછી એને તરત જ સમજાય છે કે આ અશ્રુ એ પ્રણયની ચરમસીમા છે. આ એક બિંદુમાં પ્રણયોન્માદનો મત્ત સિંધુ ભર્યો પડ્યો છે…

આખું સૉનેટ શિખરિણીમાં લખીને આખરી પંક્તિ સ્ત્રગ્ધરા છંદમાં લખીને કવિ પ્રિયાના અશ્રુની માળાને જરા અલગ તારવી આપે છે એની પણ એક મજા છે.

(પુલકમય=પુલકિત, રોમાંચિત, દોલ=હિંચકો, સ્વરપરશથી=સ્વરના સ્પર્શથી)

Comments

ગીત સમાં લાગે.. – મુકેશ જોષી

કોઈ કોઈ વાર મારાં ટેરવાંને
રડવાની એવી તો ઇચ્છાઓ જાગે
મૂકી કલમની છાતી પર માથું ને
હીબકાંઓ ભરવાને લાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે

કોઈ મનગમતી વાત, કોઈ અણગમતી રાત
અમે દાટી તો દેતાં પાતાળે
કેમ કરી સમજાવું લાગણીને
ટેરવાંની માંહેથી ડોકિયાંઓ કાઢે
ટેરવાંથી દદડે આ ચોમાસાં ધોધમાર
વેદનાની ઠેસ સ્હેજ વાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે

લયના ઊંડાણમાં હું ડૂબકી મારું ને
આમ શબ્દોનાં છીપ ઘણાં નીકળે
કાગળ પર મૂકીને છીપલાંઓ ખોલું તો
અર્થોનાં મોતી કંઈ વીખરે
મોતી પર ઊર્મિઓ કોતરવા માટેની
જીદ હું ગાતો જે રાગે
— તો કાગળ પર આંસુ આ ગીત સમાં લાગે

– મુકેશ જોષી

Comments (1)

ઉદાસીને શી ખબર – શ્યામ સાધુ

ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,
હું પાનખરના નામથી પણ થરથર્યા કરું.

આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા,
પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું.

બહુ બહુ તો એક પળને લીલીછમ બનાવશે,
હું ક્યાં સુધી પતંગિયાને કરગર્યા કરું?

બોલો હે અંધકાર ! અજંપાની રાતના,
કોને સ્મરણ હું સૂર્ય બની તરવર્યા કરું ?

મારા વિષાદનાં ગુલાબો મ્હેકતા રહો,
હું તો આ બારમાસી ફૂલે ઝરમર્યા કરું.

– શ્યામ સાધુ

Comments

અમરુશતક – અમરુ (અનુ. વિવેક મનહર ટેલર)

आलोलामलकावलीं विलुलितां बिभ्रच्चलत्कुण्डलं
किञ्चिन्मृष्टविशेषकं तनुतरैः स्वेदाम्भसः शीकरैः ।
तन्व्या यत्सुरतान्तदीप्तनयनं वक्त्रं रतिव्यत्यये
तत्त्वां पातु चिराय किं हरिहरस्कन्दादिभिर्देवतैः ॥३॥

વીંખાયેલ લટો, હલે સહજ જે કાને ધર્યાં કુંડળો,
ભૂંસાયો મુખલેપ ભાલ પરની પ્રસ્વેદ બુંદો થકી
આંખો વિહ્વળ મૈથુનાંત થઈ છે એ તન્વીનું મોઢું જ
દેશે રક્ષણ દીર્ઘકાળ, શું હરિ, મા’દેવ, સ્કંદાદિથી?

तद्वक्राभिमुखं मुखं विनमितं दृष्टिः कृता पादयो-
तस्यालापकुतूहलाकुलतरे श्रोत्रे निरुद्धे मया
पाणिभ्यां च तिरस्कृत सपुलकः स्वेदोद्गमो गण्डयोः
सख्यः किं करवाणि यान्ति शतथा यत्कंचुके संधयः ॥११॥

સન્મુખે મુખ જોઈ મેં મુખ નમાવ્યું, દૃષ્ટિ કીધી પગે,
તેના સાદપિપાસુ કાન ફટ ઢાંક્યા મેં અને હાથથી
સંતાડ્યો પસીનો કપોલ પરનો રોમાંચથી જે થયો,
સૈ! સો બાજુથી કંચુકીની કસ તૂટે; શું કરું, તું કહે.

दंपत्योर्निशि जल्पतोर्गृहशुकेनाकर्णितं यद्वच-
स्तत्प्रातर्गुरुसंनिधौ निगदत: श्रुत्वैव तारं वधूः ।
कर्णालम्बितपद्मरागशकलं विन्यस्य चञ्चवा: पुटे
व्रीडार्ता प्रकरोति दाडिमफलव्याजेन वाग्बन्धनम् ॥१६॥

પ્રેમાલાપ થયો હતો યુગલનો રાતે, શુકે એ સુણી
પ્રાતઃ સૌની સમક્ષ તારસ્વરથી એ બોલવા માંડતા,
કાઢીને મણિ કાનથી તરત એની ચાંચમાં મૂકી દૈ
લાજેલી વહુએ અનારભ્રમથી રોકી દીધી બોલતી.

दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरा
देकस्या नयने निमील्य विहितक्रीडानुबन्धच्छलः
ईषद्वक्रितकंधरः सपुलकः प्रेमोल्लसन्मानसा
मन्तर्हासलसत्कपोलफलकां धूर्तोऽपरां चुम्बति ॥१९॥

જોઈ એક જ આસને પ્રિયતમા બેને, પૂરા માનથી
આંખો પાછળથી જઈ રમતના બા’ને બીડી એકની
ઢાળી ડોક જરા અને પ્રણયના ઉલ્લાસ-રોમાંચ ને
હાસ્યે ફુલ્લ કપોલવાળી અપરાને ધૂર્તે ચૂમી લીધી.

एकस्मिञ्शयने पराङ्मुखतया वीतोत्तरं ताम्यतो-
रन्योन्यं हृदयस्थितेऽप्यनुनये संरक्षतोगौरवम् ।
दंपत्योः शनकैरपाङ्गवलनान्मिश्रीभवंच्चक्षुषो
र्भग्नो मानकलिः सहासरभसं व्यावृत्तकण्ठग्रहः ॥२३॥

બંને એક જ સેજ પે અવળું મોં રાખી, જવાબો વિના
મૂંઝાતા, હૃદયે મનામણું છતાંયે ગર્વ રક્ષી સૂતાં.
થોડી આંખ ફરી, મળી નજર ને ટંટો હતો બેઉમાં
એ આલિંગન સાથ તુર્ત જ તૂટ્યો આવેગથી હાસ્યના.

तस्याः सान्द्रविलेपनस्तनयुगप्रश्लेषमुद्राङ्कितं
किं वक्षश्चरणानतिव्यतिकरव्याजेन गोपाप्यते ।
इत्युक्ते क्व तदित्युदीर्य सहसा तत्संप्रमार्ष्टुं मया
साश्लिष्टा रभसेन तत्सुखवशात्तस्याश्च तद्विस्मृतम् ॥२६॥

જે વિલેપન તેણીના સ્તનપુટે આલિંગતાં લાગ્યું છે
છાતીએ, ચરણે પડી શીદ છુપાવે એ બહાનાં તળે?
કે’તાં આવું, હું તુર્ત ‘ક્યાં છે’ વદતો એ લેપને ભૂંસવા
આલિંગ્યો સહસા, સુખે મગન થૈ તે વાત એ ભૂલી ગૈ.

प्रस्थानं वलयैः कृतं प्रियसखैरस्त्ररैजस्रं गतं
धृत्या न क्षणमासितं व्यवसितं चित्तेन गन्तुं पुरः ।
यातुं निश्चितचेतसि प्रियतमे सर्वे समं प्रस्थिता
गन्तव्ये सति जीवित ! प्रियसुहृत्सार्थः किमु त्यज्यते ॥३५॥

ચાલ્યાં કંગન, આંસુ દોસ્ત સમ પૂંઠે એકધારાં વહે,
ને ધૈર્યે ન ક્ષણાર્ધ ટક્યું, મન તો પે’લાં જ માંડ્યું જવા,
કીધો નિશ્ચય જ્યાં જવા પ્રિયતમે, ચાલ્યાં બધાં સાથમાં,
છે નક્કી જવું સૌનું તો, હૃદય! શા માટે ત્યજે સંઘ તું?

तयाभूदस्माकं प्रथममविभक्ता तनुरियं
ततो न त्वं प्रेयानहमपि हताशा प्रियतमा ।
इदानीं नाथस्त्वं वयमपि कलत्रं किमपरं
मयाप्तं प्राणानां कुलिशकठिनानां फलमिदम् ॥६९॥

હતી પ્રીતિ એવી, તન ઉભયના એક જ હતા
તમે પ્રેમી થૈ ગ્યા, હું થઈ ગઈ આશાહીન પ્રિયા,
તમે બન્યા સ્વામી, હુંય ફકત પત્ની થઈ રહી.
અરે! નક્કી આ વજ્ર સમ મુજ પ્રાણોનું ફળ છે.

સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં ચઢી જાય છે. સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે કામદેવ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે પૂર્ણોત્થ શિશ્ન અને સંભોગરત યોનિની પૂજા કરે છે… ખજૂરાહો, કામસૂત્ર, શૃંગારશતક, અમરુશતકનો આ દેશ છે… આપણી સાચી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી, નિખાલસ અને નિર્ભીક છે. આજે સંસ્કૃતિના નામે આપણે આજે જે ‘ઇનટોલરન્સ’ (અસહિષ્ણુતા) ફેલાવી છે એના જ દુષ્પરિણામે શેરી-શેરીમાં માસૂમ બાળાઓ વાસનાભૂખ્યા શિકારીઓના હાથે પીંખાઈ રહી છે.. આવા સમયે ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા સંભોગશૃંગારરસના કવિ અમરુના સુપ્રસિદ્ધ અમરુશતકનું અલ્પ આચમન યથાર્થ બની રહે છે…

અમરુશતકના આ મુક્તકોના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે…

Comments (1)

ફૂલ-કથા – મણિલાલ હ પટેલ

(દોહરા)

ફૂલમાં ઊઘડે આભલું ફૂલમાં ચૌદે લોક
ફૂલ વગરના આંગણે જીવ્યું જીવતર ફોક

ફૂલમાં પગલાં દેવનાં ફૂલમાં પ્રીતમ વાસ
ફૂલ અમારી એષણા ફૂલ અમારા શ્વાસ

નભમાં જેવા તારલા એવાં વેણી-ફૂલ
પાંપણ-આંસુ-તોરણો મૂલ એનાં અણમૂલ

ફૂલથી માટી મહેકતી ફૂલથી મહેકે પ્રીત
મહેકી મહેકી મટી જવું એની નોખી રીત

ફૂલને ના કોઈ કુળ છે એને કેવળ મૂળ
એ ચાહે આકાશને પણ ના ભૂલે મૂળ

માટી એને આપતી જાતજાતના રંગ
મળતો ફૂલને એટલે પતંગિયાનો સંગ

ફૂલને કાંટા હોય છે હોય ઘણાં સુખદુઃખ
ટગટગ હસતાં ફૂલ તો શૂળને માને સુખ

ફૂલ નેહનું નામ છે ફોરમને ના રોક
પડદે ઢાંક્યું નહીં રહે એમાં સૂતું કોક

– મણિલાલ હ પટેલ

સામાન્ય ઘરેડમાં વહ્યા કરતી કવિતાઓની ભરમારની વચ્ચે ક્યારેક આવી સાવ અલગ રચના હાથ જડી આવે તો આખો દિવસ મઘમઘ થઈ ગયો હોવાનું અનુભવાય. ફૂલની વાત છે. આપણા કોઈથી કશું અજાણ્યું નથી, પણ કવિ કેવી રીતે ફૂલની એક-એક પાંખડી ઊઘાડીને રસરંગથાળ સજાવે છે એની જ મજા છે. ફરી-ફરીને માણ્યા કરવાનું મન થાય એવી ખુશબૂદાર રચના…

Comments (3)

( હું પણ જાણું, તું પણ જાણે) – મકરંદ મુસળે

કોણ ખરું છે ખોટું શું છે? હું પણ જાણું તું પણ જાણે,
મનમાં કોના ઓછું શું છે? હું પણ જાણું તું પણ જાણે.

સૌનું હસવું રડવું સરખું, ચઢવું ને ઓસરવું સરખું,
તોય બધામાં નોખું શું છે? હું પણ જાણું તું પણ જાણે.

ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો, બાકી,
ઊંટ, વજીર ને ઘોડુ શું છે? હું પણ જાણું તું પણ જાણે.

દિલ પર રોજે રોજનું ભારણ, સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું નહીં તો થોડું શુ છે? હું પણ જાણું તું પણ જાણે.

તારો મોભો, માન, પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ ર’વા દે,
કાળું શું છે, ધોળું શું છે? હું પણ જાણું તું પણ જાણે.

– મકરંદ મુસળે

મજાની રમતિયાળ રદીફ અને એકદમ સરળ સહજ ભાષાનું પોત લઈને આ ગઝલ જિગરજાન યારની જેમ સીધી જ આવીને ગળે મળે છે. પણ બધા જ શેર જેટલા હલકાફુલકા લાગે છે એટલા જ ધીરગંભીર છે.

Comments (1)

પોયણીએ……. – રાજેન્દ્ર શાહ

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

કોણને એ મ્હોતી,
ને નેણ ભરી જોતી,
શું જાણ એને ન્હોતી ?
કે ચાંદલો બંધાણો પાણીનાં પાશમાં… પોયણી o

તમરાએ ગાન મહીં,
વાયરાને કાન કહી,
વન વન વાત વહી,
ઢૂંઢતી એ કોને આટલા ઉજાસમાં… પોયણી o

અંકમાં મયંક છે,
ન તોય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શિબાવરી બનેલ અભિલાષના હુતાશમાં… પોયણી o

-રાજેન્દ્ર શાહ

ક્લાસિકલ રચના…..

Comments

ન્હાઈ ધોઈને….- ચિનુ મોદી

હું રાજી રાજી થઇ ગયો છું જોઈ જોઈને
સપનાંઓ તારા આવી ગયા ન્હાઈ ધોઈને

એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઈને

અમને જીવાડવા તો એ રાજીનો રેડ છે
તારા વગર શું હોઈ શકું હોઈ હોઈને

‘ઇર્શાદ’ એવું કોઈ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઈને.

-ચિનુ મોદી

હું તો પહેલો શેર વાંચીને જ ખુશ ખુશ થઇ ગયો…….

Comments (2)

લાલચ – નીના કેસિઅન (અનુ.: વિવેક મનહર ટેલર)

તમારી જાતને જીવંત કહો છો? જુઓ, હું વચન આપું છું
કે પહેલવહેલીવાર તમે તમારા છિદ્રો ઊઘડતાં અનુભવશો
માછલીઓના મોંની જેમ, અને તમે હકીકતમાં સક્ષમ થશો
તમારા લોહીને એ તમામ ગલીઓમાં થઈ ધસમસતું સાંભળવા માટે,
અને તમે પ્રકાશને નેત્રપટલને અડીને પસાર થતો અનુભવશો
પોશાકની ઘસડાતી ચાળની જેમ. પહેલવહેલીવાર
તમે ગુરુત્વાકર્ષણથી અવગત થશો
એડીમાંના કાંટાની જેમ,
અને તમારા ખભાના હાડકાં પાંખો પામવાને પીડાશે.
તમારી જાતને જીવંત કહો છો? હું વચન આપું છું
તમે ફર્નિચર પર પડતી ધૂળથી બહેરાં થઈ જશો,
તમે તમારા ભ્રૂકુટીઓને બે ઊંડી ફાડમાં પરિણમતી અનુભવશો,
અને દરેક સ્મૃતિ જે તમારી કને હશે – આરંભાશે
ઠેઠ ઉદ્ભવથી.

– નીના કેસિઅન
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

તમે તમારી જાતને છેલ્લે ક્યારે મળ્યા હતા? ચાલો, આજે રોમાનિઅન કવયિત્રી નીના કેસિઅન નો હાથ ઝાલીને ગ્લૉબલ કવિતાની કેડીએ આપણે આપણી જાતને મળવા જઈએ… પણ રહો… જો જો જરા… બીજાને મળવાનું જેટલું સહેલું છે, પોતાની જાતને મળવાનું એટલું જ કઠિન… તમારી ડાયરીમાં તમે તમારી જાત સાથેની એપૉઇન્ટમેન્ટ છેલ્લે ક્યારે ગોઠવી હતી એ યાદ કરીએ? જાતને મળતાં, જીવવાની શરૂઆત કરતાં શીખીએ આજની કવિતાનો હાથ હાથમાં લઈને… ચાલો…

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદનો આનંદ મેળવવા અહીં ક્લિક કરવા વિનંતી છે…

Temptation

Call yourself alive? Look, I promise you
that for the first time you’ll feel your pores opening
like fish mouths, and you’ll actually be able to hear
your blood surging through all those lanes,
and you’ll feel light gliding across the cornea
like the train of a dress. For the first time
you’ll be aware of gravity
like a thorn in your heel,
and your shoulder blades will ache for want of wings.
Call yourself alive? I promise you
you’ll be deafened by dust falling on the furniture,
you’ll feel your eyebrows turning to two gashes,
and every memory you have – will begin
at Genesis.

– Nina Cassian
(Translated from the Romanian by Brenda Walker and Andrea Deletant)

Comments

(કદંબ ને ગુલમ્હોર) – નંદિતા ઠાકોર

અડખે પડખે ઊગ્યાં જોને
.           કદંબ ને ગુલમ્હોર
અહો, શો રંગીલો આ તોર!

એકમેક પર ઢળે ડાળીઓ
જ્યમ રાધા ને શ્યામ
કેસરભીની રૂપછટા પર
મન મોહે અભિરામ
પાનપાનમાં ઊઘડે જાણે લીલપનો કલશોર…

મદભીની મોસમની આ તો
વહે મનહર માયા
છેક આભને ખોળે એની
રંગબિરંગી છાયા
લીલેરા પટકૂળને જાણે સુહે સુનેરી કોર…

– નંદિતા ઠાકોર

અડખે પડખે ઊભેલાં બે અલગ-અલગ રંગના ફૂલોવાળાં વૃક્ષને જોઈને કવિ કેવી મજાની કલ્પનાઓ કરી બેસે છે તે તો જુઓ… ગીતકાર પોતે ઉમદા ગાયક અને સંગીતના જાણતલ હોવાના નાતે ગીતનો લય તો પ્રવાહી જ હોવાનો…

Comments (2)

વળી શું? – યામિની વ્યાસ

પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું, કદી કાફલો છે;
મળી મહેફિલો તો મેં માણી લીધી છે, સવાલો, જવાબો, સમસ્યા વળી શું?

નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;
કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે;
અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું?

જગતના વિવેકો ને વ્યવહાર છોડી, ઉઘાડા જ મેં દ્વાર રાખી મૂકયાં છે,
ભલે કોઇ અણજાણ આવે અતિથિ, પ્રતીક્ષા વળી શું, ટકોરા વળી શું?

– યામિની વ્યાસ

કોઈપણ વાત જ્યારે જ્યારે સપ્રમાણતાની હદ બહાર જાય ત્યારે હંમેશા કઠિન જ થઈ પડતી હોય છે. ગઝલ પણ સપ્રમાણ બહેર છોડીને લાંબી કે ટૂંકી બહેરમાં લખવામાં આવે ત્યારે ઉત્તમ કૃતિ નિપજાવવી થોડું કપરું બની જતું હોય છે. યામિની વ્યાસ અહીં લાંબી બહેરની ગઝલ લઈને આવ્યાં છે. આ ગઝલની એક બીજી વિશેષતા એ છે કે બહેર ભલે લાંબી પ્રયોજી હોય, રદીફ સાવ ટૂંકી ને ટચ માત્ર ત્રણ જ અક્ષરની બની છે. સામાન્યતઃ લાંબી બહેરની ગઝલમાં રદીફ પણ બહુ લાંબી હોય છે, જેથી કવિએ માત્ર દોઢ પંક્તિ જેટલી જ કસરત કરવાની રહે. પણ અહીં બહેર લાંબી અને રદીફ ટૂંકી હોવા છતાં યામિનીબેન અદભુત કહી શકાય એવી બિલકુલ સંઘેડાઉતાર ગઝલ આપવામાં સફળ રહ્યાં છે એ વાત સાચે જ કાબિલે-દાદ છે. કવિની સિગ્નેચર ગઝલ કહી શકાય એવી બળકટ આ કૃતિ છે…

Comments (9)

તું જ મોજું થઈ મળવાને આવ ને ! – તુષાર શુક્લ

પેલી મોજાંએ ભીંજવેલી રેતી, સજન ! મને કાનમાં એ એટલું કહેતી, સજન…
‘તારા સાજનને એવું સમજાવ ને,
તું જ મોજું થઈ મળવાને આવ ને !’

રોજ ભીંજાતી રેત થાય કોરીધાકોર, રોજ ભીંજવતાં મોજાં પણ નવ્વાનક્કોર,
એક તરસે ને એક વળી વરસાવે હેત, મને સમજાયો હેત કેરો સાચો સંકેત,
હું તરસું, તું વ્હાલપ વરસાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!

કોરી રેતીને ભીંજવતા મોજાં સમો પ્રેમ વર્ષો વિતે ને તોયે રહેતો નવો,
કોઈ બાંધે ન કોઈને એ સાચો સંગાથ, કેવો પળ પળનો બેઉ જણા માણે છે સાથ !
તારા હૈયાને તું પણ સમજાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!

તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત, જો પૂછ્યું હોત છીપને તો એ પણ કહેત,
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન ! તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!

-તુષાર શુક્લ

” દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’; એમ પૂછીને થાય નહીં પ્રેમ………”- આ કાવ્ય તો ખૂબ પ્રખ્યાત છે જ, પણ મને તો આજે પ્રસ્તુત કરેલું કાવ્ય પણ એટલું જ ગમ્યું…. જાણે કે બંને કાવ્ય એક-બીજાના પૂરક ન હોય !!!!!

Comments (2)

પીવું – એનાક્રિઓન્ટી (અનુ. વિવેક મનહર ટેલર)

પ્યાસી ધરતી ચૂસે છે વરસાદને,
ને પીએ છે ને ફરી પીવા ચહે;
છોડ ધરતીને ચૂસે છે, ને સતત
પીએ રાખીને થયાં તાજાં ને તર;
ખુદ સમંદર (જેના વિશે સૌ કહે
કે તરસ એને તો શી હોવી ઘટે)
ગટગટાવે છે નદીઓ દસ હજાર,
એટલું કે પ્યાલો પણ છલકાઈ જાય,
વ્યસ્ત સૂરજ (નું પિયક્કડ રાતુંચોળ
મુખ નિહાળી ધારી ન લે ઓછું કોઈ)
પી લે દરિયો, ને પીવું જ્યારે પતે,
ચાંદ-તારા પી રહે છે સૂર્યને;
પીને નાચે છે પ્રકાશે પંડના,
પીને પાછા રાતભર રહે એશમાં:
શાંત ના કંઈ પ્રકૃતિમાં, દોર તોય
કાયમી દુરસ્તીનો ચાલુ જ હોય.
વાટકો ભરી લો, ભરી લો ઠેઠ લગ,
છે એ સૌ પ્યાલાં ભરી લો, શાને પણ
જીવ સૌ પીએ અને બસ હું જ નહીં,
કેમ, નૈતિકતાના સૈનિક, કેમ નહીં?

– એનાક્રિઓન્ટી
(અંગ્રેજી પરથી અનુ. વિવેક મનહર ટેલર)

હજારો વર્ષોથી માનવજાત શરાબ બનાવતી અને પીતી આવી છે. હજારો વર્ષોથી કવિઓ શરાબનો મહિમા અને બદબોઈ –બંને કરતાં આવ્યાં છે. ગઝલે તો શરાબ અને સાકીને પરમાત્મા સાથે પણ સાંકળી લીધા છે. પણ પોતે દારૂ શા માટે પીવો જોઈએ અથવા પોતાને દારૂ શા માટે પીવા દેવો જોઈએ એ બાબતમાં છવ્વીસસો વર્ષ જૂની આ કવિતામાં એનાક્રિઓન્ટી દારૂની શી વકાલત કેવી અનૂઠી ભાષામાં કરે છે એ જોવા જેવું છે….

પ્રસ્તુત રચનાના વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરો…

Drinking

The thirsty earth soaks up the rain,
And drinks and gapes for drink again;
The plants suck in the earth, and are
With constant drinking fresh and fair;
The sea itself (which one would think
Should have but little need of drink)
Drinks ten thousand rivers up,
So filled that they o’erflow the cup,
The busy Sun (and one would guess
By’s drunken fiery face no less)
Drinks up the sea, and when he’s done,
The Moon and Stars drink up the Sun;
They drink and dance by their own light,
They drink and revel all the night:
Nothing in Nature’s sober found,
But an eternal health goes round.
Fill up the bowl, then, fill it high,
Fill all the glasses there, for why
Should every creature drink but I,
Why, man of morals, tell me why?

– Anacreontea
(Eng. Tran: Abraham Cowley)

Comments

ગઝલ – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

ઈર્ષાથી સળગે છે આખો,
કોઈ તો માણસને ઠારો.

શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.

કરવી છે સાચ્ચે સેવા તો,
ઘરડાઘરને તાળાં મારો.

આપણને બાકોરું લાગે,
પંખીનો થાશે ત્યાં માળો.

ભીંતોનો તો દોષ જ ક્યાં છે,
આરોપી છે મનનો ગાળો.

ખરતા તારે સૌ કોઈ ધારે,
ધારું હું ને ખરશે તારો.

દિલ તો એની સાથે ચાલ્યું,
નજરુંને તો પાછી વાળો.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

સુરતના કવિ મિત્ર વિપુલ માંગરોલિયાનું એમના તરોતાજા પ્રથમ સંગ્રહ ‘ક્ષિતિજ પર ઝાકળ’ સાથે લયસ્તરો પર બાઅદબ બામુલાહિજા સ્વાગત છે… રચનાઓમાંથી પસાર થતાં સમજાય છે કે કવિ પરંપરા અને આધુનિકતા -બંનેમાં એક-એક પગ મૂકીને ગઝલની ભૂમિ પર વિહાર કરે છે. મહત્ત્વની વાત એ છે કે આ કામ કવિ સફળતાપૂર્વક કરી શક્યા છે. પહેલાં બંને શેર એકસમાન અર્થ ધરાવતા હોવા છતાં મત્લા પરંપરાની તો બીજો શેર આધુનિકતાની જમીન પર ઊભો છે. ઘરડાંઘરવાળો શેર તો માત્ર કવિસંમેલન માટેનો ગણી શકાય એટલો સપાટ થયો છે. પણ ખરી મજા પંખીના માળામાં છે. જીવનમાં જે વસ્તુ કોઈ એકને નકામી કે ફાલતુ લાગે એ જ વસ્તુ કોઈ બીજા માટે જીવનદાયિની કે બહુમૂલ્યવાન પણ હોઈ શકે એ વાસ્તવિકતા સમજાવવા માટે કવિ બાકોરું અને માળાના પ્રતિકોને જે રીતે વાપરે છે એ સાચે જ કાબિલે-દાદ છે. ભીંતોવાળો શેર પણ એવો જ અદભુત થયો છે. બે જણ વચ્ચે ઊભી થતી ભૌતિક દીવાલોથી કદી છૂતાં થતાં નથી હોતાં. માણસો વચ્ચે અલગાવ બે જણના મનમાં જ્યારે ગાળો-અલગાવ-અંતર પડી જાય છે ત્યારે જ ઊભો થાય છે. ઈંટ-સિમેંટની દીવાલ કરતાં મનભેદ વધુ મજબૂત અંતરાય છે. એ પછીના બંને શેર વળી પરંપરાના શેર છે અને બંને ખૂબ મજાના થયા છે.

Comments (8)

(પહેલો દિવસ) – પારસ એસ. હેમાણી

નિયત સમયે જ સવાર પડી ગઈ,
ઓફિસમાં સમયસર પહોંચવાની
ઉતાવળમાં ઝડપથી તૈયાર થઈ ગયો…
પહોંચી ગયો
ચા-નાસ્તો કરવા,
પત્ની બગાસાં ખાતાં ખાતાં દોડી આવી,
સુસ્તીથી ચા માટે ચૂલો જલાવી કહ્યું:
“સવારી ક્યાં જશે?
આજે તમારી નિવૃત્તિનો પહેલો દિવસ છે.”

– પારસ એસ. હેમાણી

દ્વિતીય કાવ્યસંગ્રહ ‘આપણી વાત’ સાથે લયસ્તરોના આંગણે પારસ એસ. હેમાણીનું સહૃદય સ્વાગત… આ અગાઉ તેઓ ‘હું અને તું’ સંગ્રહ આપી ચૂક્યા છે.

આદતનું કામ ‘પડી પટોળે ભાત’ જેવું હોય છે… જલ્દી છૂટતી નથી…

Comments (1)

એમ મારે જવાનું – હર્ષદ ત્રિવેદી

આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,
ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.

મુઠ્ઠી ખોલી સકળ સપનાં આંખમાં આંજવાનાં,
ને આંખોને અમલ ન ચડે એમ મારે જવાનું.

ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહ્ને કણ કણ જડે એમ મારે જવાનું.

મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું;
ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.

ઊભાં ઊભાં વિવશ નજરે દોડતાં દૃશ્ય જોઉં,
ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.

સંધ્યાટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,
ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.

– હર્ષદ ત્રિવેદી

વાત જવાની છે….મૃત્યુ પણ હોઈ શકે….કોઈની જિંદગીમાંથી જવાની વાત પણ હોઈ શકે. એક જ ભાવ ઉજાગર કરતા શેરોમાં સહજરીતે ચમત્કૃતિ વણી લેવાઈ છે, જેમ કે બીજા શેરમાં સિકંદરની મૃત્યુટાણે ઉઘાડી રહી ગયેલી મુઠ્ઠીની વાત છે. ‘ખિસ્સામાં સ્મરણ ખખડે…’ – અભિવ્યક્તિ પણ સબળ છે. મને સૌથી વધુ પાંચમો શેર ગમ્યો. હૃદય જે કરવા માંગે છે તેને વ્યવહારમાં મૂકી નથી શકાતું-કારણ કોઈ પણ હોઈ શકે – એ વિવશતાને મસ્ત અંદાઝમાં ગૂંથી છે…..

Comments (1)

તાપણાં – સંજુ વાળા

સળગે છે
સમગ્ર સૃષ્ટિ અજવાળવાનાં સારત્વ સાથે
ચોરફ.

હુંફ આપે એટલાં
દૂર
અને દઝાડે એટલાં નજીક.

સોનું સોનું થઈ ઉઠેલી માટી
મુઠ્ઠી ભરતાં જ નક્કર વાસ્તવ

ગજબ છે જ્વાળાઓનું અટ્ટહાસ્ય
લીલી છાલનો તતડાટ,
શરીર પર ઉપસી આવતી
ઝીણી ઝીણી ફોલ્લીઓમાં ભરાયેલાં પાણી
ઠારશે કદાચ.

વાંસ થઈ ફૂટી નીકળતો
આછો ભૂરો ધુમાડો
ઘડીના છઠ્ઠાભાગમાં તો-
બધી ધારણાઓ પર
કાળવીગંધની કુલડીઓ ઢોળી દઈ
પડતા મૂકી દે અધવચ્ચે
બપોરવેળાના સ્વપ્ન જેમ.
બિલકુલ માયાવી લાગે છે આ તાપણાં
દૂરના હુંફ આપી શકતા નથી
નજીકનાંને
ફોલ્લીઓનું પાણી ઠારી શકતું નથી.
ત્યારે સાંભળેલી વાતો સ્વરૂપ બદલે છે.
એમ તો,
એવું પણ સાંભળ્યું છે :
હકીકત દ્વિમુખી હોય છે
ડરનો ચહેરો સાવ નજીકથી જોયા પછી
સ્થિર
એટલાં વધુ સલામત.

– સંજુ વાળા

કવિની લાક્ષણિકતા જ એ છે કે તેઓ એક થી વધુ અર્થ અભિપ્રેત હોય તેવી રચના સર્જે છે….તાપણાં એટલે અંગત સંબંધ મૂકીને જુઓ-જે અણગમતો પણ હોઈ શકે, તાપણાં એટલે કટુસત્ય મૂકીને જુઓ, તાપણાં એટલે prejudicial દ્રઢ ભ્રામક માન્યતાઓ અથવા desires મૂકીને જુઓ…..

Comments (1)

ઓચિંતી – લિઓનારા સ્પાયર (અનુ. વિવેક મનહર ટેલર)

ઓચિંતી સળગી એક ઝાળ
ઓચિંતી ફફડી એક પંખ:
શું, ગાઈ શકે એક મૃત વિહંગ?
કો’ક બોલ્યું આપનું નામ.

ઓચિંતી ફફડી એક પંખ,
અવાજ જાણે એ જ હો સાવ,
કો’ક બોલ્યું આપનું નામ:
ઓહ, યાદનો તે શો રંગ!

અવાજ જાણે એ જ હો સાવ,
ગીત – હૃદયની હરિત વસંત,
ઓહ, યાદનો તે શો રંગ!
આપણ બેઉમાં કોનો વાંક?

ગીત – હૃદયની હરિત વસંત,
પાંખ લૂલી હજી કરે ફફડાટ,
આપણ બેઉમાં કોનો વાંક?
પ્રભુ, મુરઝાવું આ મંદ!

– લિઓનારા સ્પાયર
(અનુ. વિવેક મનહર ટેલર)

એક સ્ત્રીની કવિતા. એક સ્ત્રીની જ હોઈ શકે એવી કવિતા. કેમકે એક સ્ત્રી જ આટલા બધા પ્રેમથી ભરીભાદરી ફરિયાદ કરી શકે. સદીઓથી સ્થિર થઈ ગયેલાં પાણીમાં જાણે એક પથ્થર પડે છે અને અચાનક જ વમળો સર્જાય છે. ભૂલી જવાયેલી સારી યાદોની સાથોસાથ છૂટાં પડતી વખતે સહન કરવા પડેલા તમામ ઘા પણ આગની જ્વાળાની જેમ ભભૂકી ઊઠે છે. અમેરિકન કવયિત્રી લિઓનારા સ્પાયર અચાનક તાજા થઈ આવેલા આ સ્મરણનો હાથ ઝાલીને વિરહ પછીની ક્ષણોનો તાગ મેળવવાની કોશિશ કરે છે…

રચનાના વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરીને ફેસબુક પર પધારવા વિનંતી છે…

Suddenly

Suddenly flickered a flame,
Suddenly fluttered a wing:
What, can a dead bird sing?
Somebody spoke your name.

Suddenly fluttered a wing,
Sounded a voice, the same,
Somebody spoke your name:
Oh, the remembering!

Sounded a voice, the same,
Song of the heart’s green spring,
Oh, the remembering:
Which of us was to blame?

Song of the heart’s green spring,
Wings that still flutter, lame,
Which of us was to blame? —
God, the slow withering!

– Leonora Speyer

Comments

(મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ) – અનિલ ચાવડા

મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ
ઠૂંઠવાતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડી ચાદર કે વહાલ?

ક્યારની કરું છું એવી રે અટકળ કે
મહેક્યા છે પુષ્પો કે શ્વાસ?
સહેજ કરી આંખો જ્યાં બંધ અમે ત્યાં તો
સાવ નાનકડું લાગ્યું આકાશ
ગાલ ઉપર ફરતું’તું પીંછું કે પીંછા પર ફરતા’તા ગાલ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ

ક્યારે આવીને તમે પ્રગટાવી દીધો રે
છાતીના કોડિયામાં દીવો,
શરબતની જેમ મારા હોઠ લગી આવીને
હળવેથી બોલ્યા કે ‘પીઓ!’
શરમે રતુંબડા છે ગાલ થયા મારા કે ઊડ્યો છે સઘળે ગુલાલ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ.

– અનિલ ચાવડા

રમતિયાળ સ્વયંસ્પષ્ટ સ્વયંસિદ્ધ ગીત… પ્રણયની તાજા અનુભૂતિ…

Comments (6)

પાછું ફરી ના શકાયું! – હર્ષા દવે

વહી ના શક્યા, આછરી ના શકાયું!
અપેક્ષા મુજબ કૈં કરી ના શકાયું!

ઘણા ગેરલાભો થયા ટોચ ઉપર,
તળેટીમાં તોયે સરી ના શકાયું!

બની ફૂલ શૉ-કેસમાં ગોઠવાયાં,
ખીલી ના શક્યાં ને ખરી ના શકાયું!

ઉકેલ્યા પછી ભેદ નીર-ક્ષીર કેરાં,
જીવણ! એકે મોતી ચરી ના શકાયું!

ડૂમાનાં વહાણો રહ્યાં લાંગરેલાં,
અને આંખમાં જળ ભરી ના શકાયું!

ધપ્યા એ રીતે કંઈ તમારા ભણી કે,
પછી સાવ પાછું ફરી ના શકાયું!

– હર્ષા દવે

આમ તો બધા જ શેર સંતર્પક થયા છે પણ નીર-ક્ષીર અને ડૂમાનાં વહાણોવાળા શેર તો અફલાતૂન થયા છે. નીર અને ક્ષીરનો ભેદ એકવાર જાણી લેવાય તો પછી ચરવાની ઇચ્છા જ ક્યાંથી રહે, ભલે ને સામે મોતી કેમ ન હોય? દુનિયામાં સારું શું છે ને નરસું શું છે એ સમજ પડી જાય એ ઘડી જીવ માટે જીવન આકરું થઈ પડવાની ઘડી છે. સચ્ચાઈની મુઠ્ઠી જ્યાં સુધી બંધ રહેલી છે, ત્યાં સુધી જ જીવવામાં મજા છે…

Comments (2)

જનારા વિહંગમે…..- રઘુવીર ચૌધરી

આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે.

આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી,
ચાલી ગયા એ સંગ સમયની, ઊભા અમે.

મેં મિત્રને જુદા ગણીને ઓળખ્યા નથી,
જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે.

ભૂલી જવાય તોય ગુમાવાનું કંઈ નથી,
એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે.

મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.

– રઘુવીર ચૌધરી

maturity સ્વયંસ્પષ્ટ છે !!

Comments (5)

પ્રેમમાં – કમલા દાસ (અનુ. વિવેક મનહર ટેલર)

ઓ આ સળગતા હોઠ
સૂર્યના, સળગી રહેલા આજના
આકાશમાં, મને શું યાદ અપાવે છે… ઓહ, હા, એના
હોઠ, અને.. એના અંગો જાણે ફિક્કા અને
માંસાહારી છોડ લંબાઈ
રહ્યા છે મારા માટે, અને દુઃખી જૂઠાણું
મારી અંતહીન વાસનાનું.
ક્યાં છે જગ્યા, બહાનાં કે જરૂર સુદ્ધાં
પ્રેમ માટે, કેમ કે, શું દરેક
આશ્લેષ એક સંપૂર્ણ ચીજ નથી એક પૂરી થયેલ
જિગ્સૉ, જ્યારે હોઠ હોઠ પર છે, હું આડી પડી છું,
મારા ગરીબડા મિજાજી મનને અવગણતી
જ્યારે આનંદ, સુનિર્ધારિત ઉલ્લાસ સાથે
કમરાની ચુપકીમાં ચિલ્લાય છે
કઠોરતાથી… બપોરે
હું નિરખું છું હૃષ્ટપુષ્ટ કાગડાઓને ઊડતા
પાંખ પર ઝેર હોય એ રીતે- અને
રાત્રે, ભટાર રોડની પાછળ
તરફથી, ડાઘુઓ આરડે છે, ‘બોલ
હરિ બોલ’, ચંદ્રહીન રાત્રિઓ માટે
એક વિચિત્ર શણગાર, જ્યારે હું નિદ્રાહીન
ભટકું છું વરંડામાં, લાખો
પ્રશ્નો જાગે છે
મારામાં, અને બધા જ એના વિશે, અને
આ ચામડીથી પ્રત્યાયિત થયેલ
વસ્તુ જેને હું હજીય હિંમત નથી કરી શકતી
એની હાજરીમાં આપણો પ્રેમ કહેવાની.

– કમલા દાસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

સ્ત્રી દેહ આપીને સ્નેહ પામે છે, જ્યારે પુરુષો સ્નેહ આપીને દેહ! પુરુષ માટે સ્ત્રી સાથેનો સંબંધ ટોઇલેટ પેપર જેવો છે, લૂછી નાંખો, ફ્લશ કરો અને ચાલતા થાવ. સ્ત્રી માટે આ સંબંધ અંગત ડાયરીના પાનાં જેવો છે. એ એને સાચવીને રાખે છે, સમયે-સમયે ખોલીને હાથ ફેરવે છે, સૂંઘે છે અને પાનાં પર એક આંસુ પાડીને ડાયરી સંતાડી દે છે.

કમલા કહો, કમલા દાસ કહો કે કમલા સુરૈયા – પોતાના જમાનાથી એકાદ-બે સદી આગળનું જીવન જીવી ગયેલ આ ઉત્તમોત્તમ કવયિત્રી સ્ત્રી-પુરુષના સંબંધની વાસ્તવિક્તા કેવી રીતે રજૂ કરે છે એ આજની ગ્લૉબલ કવિતામાં માણીએ…

Skin-deep પ્રેમની આ Soul-deep કવિતાનો વિગતવાર આસ્વાદ માણવા ફેસબુક પેજની મુલાકાત લેવા વિનંતી છે…

*

In Love

O what does the burning mouth
Of sun, burning in today’s,
Sky, remind me….oh, yes, his
Mouth, and….his limbs like pale and
Carnivorous plants reaching
out for me, and the sad lie
of my unending lust.
Where is room, excuse or even
Need for love, for, isn’t each
Embrace a complete thing a finished
Jigsaw, when mouth on mouth, i lie,
Ignoring my poor moody mind
While pleasure, with deliberate gaeity
Trumpets harshly into the silence of
the room… At noon
I watch the sleek crows flying
Like poison on wings-and at
Night, from behind the Burdwan
Road, the corpse-bearers cry ‘Bol,
Hari Bol’ , a strange lacing
For moonless nights, while I walk
The verandah sleepless, a
Million questions awake in
Me, and all about him, and
This skin-communicated
Thing that I dare not yet in
His presence call our love.

– kamala das

Comments (2)

તમને સમય નથી – બાપુભાઈ ગઢવી

તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !

વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી !

રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !

હું ઈન્તજારમાં ને તમે હો વિચારમાં,
એ પણ છે શરૂઆત, કૈં આખર-પ્રલય નથી !

એવું નથી કે એળે ગઈ મારી ઝંખના
એવું નથી કે સાવ તમારે હૃદય નથી !

– બાપુભાઈ ગઢવી

મનહર ઉધાસના કંઠે હજાર વાર સાંભળેલી આ ગઝલ બાપુભાઈની છે એ વાત અનિલ ચાવડાએ ફેસબુક પર આ રચના મૂકી ત્યારે જ જાણી… ગઝલ આખી જ અદભુત થઈ છે પણ મત્લા તો ગુજરાતી ગઝલના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ મત્લાઓમાં અગ્રેસર સ્થાન પામે એવો મજબૂત થયો છે…

Comments (3)

જેગવી દીધાં તન – ઊજમશી પરમાર

કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન,
જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.

સાંજ પડે ને વાયરે કોનાં પગલાં ભીનાં વાય?
દોડવું મારે નહીં ને અલી દોડું દોડું થાય;
ભીંતમાં ગરું તોય તે યાંથી આવશે રે સાજન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.

ટોડલાં મૂઆં ટહુકે મારે શરમાવાનું રયું,
નેવાં ઊઠી ડોકિયાં કરે, રોજનું આ તો થ્યું;
હીંચવા માંડે ઘર ભરીને ગાણાનું ગવન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.

કોક જો આવે હાથનું ભરત મેલી ઊભી થઉં;
ફળિયું મારી મોર્ય લળીને જોવે પછી, હઉં;
‘ઇ’ હશે તો દોટ મેલીને પરખી લ્યે પવન;
કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન.

– ઊજમશી પરમાર

દુનિયાની કોઈપણ ભાષાનું સાહિત્ય જે તે સમયના સમાજનો આયનો હોય છે. તળપદી ભાષાની આવી કવિતા સાંપ્રત સમયની બોલીને સમયની કિતાબના કોઈ એક પાનામાં ઈતિહાસ બનીને જાળવી રાખે છે. જો કે આજે તો હવે આવી ગામઠી બાનીને સર્વાંગ સાચવી શકે એવા કવિઓ અને કવિતાઓ જ લુપ્ત થવાના આરે છે…

આ વર્ષે જ કવિ દુનિયાને અલવિદા કરી ગયા. પ્રસ્તુત રચના એમની સિગ્નેચર પોએમ બની રહી હતી. મિત્રો એમની પાસે આ કવિતા વારંવાર ગવડાવતા.

Comments (1)

એક તો એવોર્ડ મને આપો! – કૃષ્ણ દવે

છાસ લેવા જાઉં છું ને દોણી નહી સંતાડું,
મારી આ પંક્તિ છે,છાપો,એક તો એવોર્ડ મને આપો!

ચોવીસ કલ્લાક આમ હું ક્યાં ફરું છું કોઈ મોટ્ટા કવિશ્રીના વ્હેમમાં?
“એવોર્ડ મેળવવાની કળા” એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં,
ત્યારથી આ સ્પીડબોટ સામે ઉતાર્યો છે નાનકડો આપણો તરાપો.
એક તો એવોર્ડ મને આપો!

ફંક્શનમાં હંમેશાં જઈએ ને આવીએ તે અમને પણ ભાવ થોડો થાય,
ઊઠતાં ઘોંઘાટમાં ય સુરીલો કંઠ કો’ક નાનું પણ ગીત મારું ગાય;
એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલ્લી કોઈ ડાળ તમે કાપો ,
એક તો એવોર્ડ મને આપો!

ઓરીજીનલ ચંદનનું લાકડું છું; એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર,
વર્ષોથી આમ હું ઘસાઉં છું; છતાંય એક તિલ્લકમાં આટલી કાં વાર?
એવોર્ડ મેળવવાનું લોબિંગ કરાવવાનાં મેં ક્યાં કર્યાં છે કોઈ પાપો?
એક તો એવોર્ડ મને આપો!

– કૃષ્ણ દવે

આજે જરા હળવા મૂડની વાત……

Comments (8)

એકલો પડું ત્યારે…. – ડૉ મહેશ રાવલ

હું મને મળી લઉં છું એકલો પડું ત્યારે,
શ્વાસ, સાંભળી લઉં છું એકલો પડું ત્યારે.

વિસ્તરેલ પગલામાં ક્યાં સમાય છે રસ્તા ?
માત્ર, સાંકળી લઉં છું એકલો પડું ત્યારે.

પ્રશ્નતા પ્રભાવિત થઈ ઓગળે જવાબોમાં,
એમ ઓગળી લઉં છું એકલો પડું ત્યારે.

આવતી જતી ક્ષણને એકમેકની સાથે,
ભેળવી, ભળી લઉં છું એકલો પડું ત્યારે.

સહેજ પણ પડે નોંખી શક્યતા તફાવતથી,
એ તરફ વળી લઉં છું એકલો પડું ત્યારે !

પર્વ જેમ પડઘાતાં, આંતરિક અભરખાંને,
ઢાળ દઈ ઢળી લઉં છું એકલો પડું ત્યારે.

મીણ જેમ ઓગળતી હાંફતી શ્વસનબત્તી,
ખૂટતી કળી લઉં છું એકલો પડું ત્યારે.

રાખનું રમકડું આ સર્વશ્રેષ્ઠ છે કહીને,
જાતને છળી લઉં છું એકલો પડું ત્યારે !

વીર્યહીન સગપણની ભૂખ ભાંગવા ખાતર,
લાગણી રળી લઉં છું એકલો પડું ત્યારે.

– ડૉ મહેશ રાવલ

‘એકલા પડવું’ પોતે જ એક પ્રયત્ન માગે છે. માણસ વિપશ્યના સાધનામાં એકલો ન પડી શકે એમ બને. એકલા પડવું અને એકલા પડીને તટસ્થ આત્મનિરીક્ષણ કરવું એ બે પાછી વળી તદ્દન ભિન્ન વાતો છે…..કોઈ જાતને ભાળે છે તો કોઈ જાતને છળે છે……

Comments (5)

ટેલિફોનમાંથી – ફ્લોરેન્સ રિપ્લી મેસ્ટિન (અનુ. વિવેક મનહર ટેલર)

અંધારા ડબલામાંથી આવતો
તારો અવાજ ફૂલની જેમ ફૂટ્યો.
એ કાંપ્યો, એની તંગ દાંડી પર લહેરાતો.
એના સ્પર્શમાંના લાડપંપાળે
બીડી દીધી મારી આંખો.

– ફ્લોરેન્સ રિપ્લી મેસ્ટિન
(અનુ. વિવેક મનહર ટેલર)

નિર્જીવ ટેલિફોનના કાળા ડાબલાંમાંથી નિતરી આવતા અવાજમાંથી ઊભું થતું પરસ્પરના અભૂતપૂર્વ વહાલનું અને વિયોગની વાસ્તવિક્તાના રણની વચ્ચોવચ રચાતા અતૂટ સાયુજ્યના રણદ્વીપનું સર્વાંગ સપૂર્ણ ચિત્ર અહીં તાદૃશ થાય છે…

રચના વિશદ આસ્વાદ માટે ફેસબુક પર પગલાં પાડવા વિનંતી…

From the Telephone

Out of the dark cup
Your voice broke like a flower.
It trembled, swaying on its taut stem.
The caress in its touch
Made my eyes close.

– Florence Ripley Mastin

Comments (1)

એકલો છું હું – ધર્મેશ ભટ્ટ

છેડી ગઝલના તાર હજી એકલો છું હું,
તું આવ એકવાર હજી એકલો છું હું.

લાંબો આ રાહ ને વળી પડછાયાનાં વનો,
માથે સ્મરણનો ભાર હજી એકલો છું હું.

એક સાંજ આંખમાં ઊગે ને આથમે છે રોજ
વ્યાકુળ છે ઇંતઝાર હજી એકલો છું હું.

લે, આવ યાદ આપું તને ભીની આંખની
અશ્રુની આરપાર હજી એકલો છું હું.

તું આવ આ ક્ષણે જ બહુ એકલો છું હું,
લાંબો ન કર વિચાર હજી એકલો છું હું.

– ધર્મેશ ભટ્ટ

એકલતાનું અદભુત ગાન…

Comments (2)

આટલો સંબંધ છે? – પીયૂષ ચાવડા

તું મને ભૂલી ગઈ એ રંજ છે,
આપણો બસ આટલો સંબંધ છે!?

વાત મીરાંની બધા કરતા રહ્યા,
એક રાણાની પીડા અકબંધ છે.

ક્યાં જીવાતું સાવ હળવાફૂલ થઈ?
શ્વાસ પર પીડાનો મોટો ગંજ છે.

ધાબળા તારા કશા ના કામના,
ભીતરેથી લાગતી આ ઠંડ છે.

કેટલા આઘાત તું આપીશ મને?
યાર.. આ પથ્થર નથી કૈં, પંડ છે.

– પીયૂષ ચાવડા

મીરાંની પીડાનું ગાન સકિઓ અનવરત કરતા આવ્યા છે… પણ રાણાના પૉઇન્ટ ઑફ વ્યૂથી આખી ઘટનાને જોઈએ તો? રાણાને કોઈ તકલીફ જ નહીં થઈ હોય? શા માટે એ મીરાંબાઈને ઝેરનો પ્યાલો આપવા તૈયાર થયો હશે? વિચારવા જેવું કે નહીં?

લયસ્તરોના આંગણે કવિ પીયૂષ ચાવડા તથા એમના ગઝલ સંગ્રહ ‘હાથ સળગે છે’ – બંનેનું સહૃદય સ્વાગત છે…

Comments (4)

ભણકારા હશે….- જવાહર બક્ષી

જે ક્ષિતિજો પર વિખેરાયા હશે
એ વિરહના ધુમ્મસી ચહેરા હશે

લાગણી ક્યારેય પૂરી થાય નહી
એને માટે જે હતી, ઈચ્છા હશે

બારણું નહીં ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે

આગની આવી તો હિંમત હોય નહી
જે મને બાળી ગયા, તણખા હશે

કેમ એ આવ્યા નહીં કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે

-જવાહર બક્ષી

ત્રીજો શેર જુઓ !!!

Comments (2)

આકંઠ શ્વસી જઇએ……– રાજેન્દ્ર શુકલ

સામાંય ધસી જઇએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇએ.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.

– રાજેન્દ્ર શુકલ

બીજો શેર શિરમોર લાગ્યો….બંધન અનુભવીશું તો જ મુક્તિની કિંમત સમજાશે. ‘ health, wealth and sleep are best appreciated when interrupted ‘

Comments (1)

ચિમની સ્વીપર – વિલિયમ બ્લેક (અનુ.: વિવેક મનહર ટેલર)

જ્યારે મારી મમ્મી ગુજરી ગઈ હું તો હતો બહુ નાનો,
અને મને પપ્પાએ વેચી કાઢ્યો, જ્યારે જીભ હજુ તો
માંડ માંડ પોકારી શક્તી હતી: ’વીપ! ’વીપ! ’વીપ! ’વીપ!
સાફ કરું છું એથી ચીમની, ને લઉં છું હું મેંશમાં નીંદ.

નાનો ટોમ ડેક્રી, ખૂબ રડ્યો હતો જ્યારે એનું માથું
ઘેંટાની પીઠ જેવું વાંકડિયું, મૂંડાયું’તું: મેં કહ્યું’તું,
“ચુપ, ટોમ! દિલ પર ન લે તું, ટકોમૂંડો ભલેને થઈ ગ્યો,
મેંશ હવે નહીં બગાડી શકશે, તારા ધોળા વાળનો જથ્થો.

અને પછી એ શાંત થઈ ગ્યો; અને બરાબર એ જ રાત્રે,
ટોમ સૂઈ રહ્યો’તો જ્યારે, એણે એવું દૃશ્ય જોયું કે –
એક નહીં પણ હજારો મહેતર, ડિક, જૉ, નેડ અને જેક,
બધા જ થઈ ગયા’તા કાળી કોફિનોની અંદર કેદ.

એવામાં એક દેવદૂત આવ્યો સાથે લઈ તેજસ્વી ચાવી,
સૌ કોફિન ઊઘાડી એણે, દરેક જણને મુક્તિ આપી;
દોડ્યાં સૌએ, નીચે લીલાં મેદાનોમાં, હસતાં-કૂદતાં,
નાહ્યાં સૌ નદીમાં ભરપૂર, અને થયા તડકામાં ચમકતાં.

પછી તો નાગાંપૂગાં ધોળાં, સૌ થેલીઓ છોડી પાછળ,
પવનમાં મસ્તીએ સૌ ચડ્યાં, ચડીને ઊંચે ઊંચે વાદળ;
પછી કહ્યું દેવદૂતે ટોમને, જો એ સારો બાળક બનશે,
પામશે પિતાના સ્થાને ઈશ્વર, અને કદી આનંદ ન ખૂટશે.

અને આમ જાગી ગ્યો ટોમ ને અમેય ઊઠ્યા અંધારામાં,
અને ઊઠાવી થેલીઓ ને બ્રશ અમે સૌ કામે ઊપડ્યાં.
ટોમ હતો ખુશ ને હૂંફાળો, હતી ભલેને સવાર ઠંડી,
જો સૌ સૌની ફરજ બજાવે, હાનિનો ડર બિનજરૂરી.

– વિલિયમ બ્લેક
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

દુનિયાનું સૌથી ક્રૂર પ્રાણી કયું? વાઘ? સિંહ? મગરમચ્છ?
દુનિયામાં સૌથી મોટો રાક્ષસ કયો? ભૂખ? ભય? ભ્રષ્ટાચાર?

ના.

દુનિયામાં સૌથી ક્રૂર પ્રાણી મનુષ્ય. સૌથી મોટો રાક્ષસ પણ મનુષ્ય. મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે જે કોઈપણ જાતની છંછેડ વિના, બિલકુલ જરૂર ન હોય તો પણ હુમલો અને હત્યા બંને કરી શકે છે, અને નિતાંત કરી શકે છે. વયનો ફાયદો મળે કે પદનો, જૂથનો ફાયદો મળે કે ધર્મનો, સ્થળનો ફાયદો મળે કે સમયનો; માણસ પોતાનાથી નીચેનાનું શોષણ કરવાની તક ભાગ્યે જ જતી કરી શકે છે. શોષણની પરાકાષ્ઠા એટલે ફૂલ જેવા કોમળ બાળકો પર મોટાઓ વડે કરાતો અત્યાચાર. વિલિયમ બ્લેકની આ સુપ્રસિદ્ધ ચિમનીસ્વીપર રચનાના સવિસ્તર આસ્વાદ માટે ફેસબુક પર પધારવાની જહેમત લેવા વિનંતી…

Comments

(શહેર) – કૈલાસ પંડિત

ભડભડ બળતું શહેર હવે તો
ખુલ્લું પડતું શહેર હવે તો

સૂરજ થઈને સિગ્નલ ઊગ્યાં
એને નમતું શહેર હવે તો

દરિયો ક્યાં છે, આભ ગયું ક્યાં?
ભૂલું પડતું, શહેર હવે તો

ખાંસી ખાતી લોકલ એમાં
ધક્કે ચડતું શહેર હવે તો

ભીંત રચી સહુ ચાલે ભેગા
ટોળે વળતું શહેર હવે તો

લાશ ઊઠાવી ખુદની ખાંધે
રોજ નીકળતું શહેર હવે તો

– કૈલાસ પંડિત

દરિયો અને લોકલની વાત પરથી સમજી શકાય છે કે કૈલાસ પંડિત મુંબઈની વાત કરે છે પણ આજની તારીખે આ ગઝલ બધા જ શહેરની આત્મકથા નથી?

Comments

એક ત્રિપદ ગઝલ – હેમેન શાહ

મોસમ આ માતબર છે,
ખુશ્બૂની બસ ખબર છે,
ફૂલોય ડાક-ઘર છે!

જો કે નુપૂર બગર છે,
તાદારે દિન તનન-શી
કોની ચપળ નજર છે?

ઉત્મત્ત શું ઉ’મર છે,
પુષ્પોને, પાંદડાંને,
પૂછું છું કોનું ઘર છે?

ખામોશીનો પ્રહર છે,
દરિયાઈ વાયરાની
પાંખી અવરજવર છે.

દ્રુત તાલની અસર છે,
વાજિંત્ર હો કે માણ્સ,
બંનેના તંગ સ્વર છે!

અંદર બધું ઈતર છે,
નિષ્ઠા, ઈમાન, ગૌરવ,
એ તો ઉપર ઉપર છે!

આગળ વિકટ સફર છે,
ચશ્માં ને લાકડી પર
ખરતું જતું નગર છે.

– હેમેન શાહ

મજાની અર્થસભર ત્રિપદ ગઝલ. રમતિયાળ લય. ચુસ્ત કાફિયા અને બધા જ શેર અર્થગંભીર થયા છે.

Comments (1)

ધબકે છે નિઃશબ્દતા – અમિના સૈદ અને હરીશ મીનાશ્રુ

કવિતામાં
શબ્દો પૂર્વે હું હંમેશાં
સાંભળું છું નિઃશબ્દતાને, પીઉં છું
એના અસલ સ્રોતમાંથી
પછી બધું થાય છે શબ્દાયમાન
પૂરી થાય છે શોધ શબ્દની
હું કહું છું : કવિતામાં
શબ્દો પૂર્વે હું હંમેશાં સાંભળું છું નિઃશબ્દતાને
ને તું ઉત્તર વાળે છે : જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ
તો એ ત્યાં જ હશે

હું શોધી કાઢું છું એ ચોક્કસ ઢોળાવ
જ્યાં તેજ અને છાયાનો
થાય છે આરંભ અને અંત
અને ધબકે છે નિઃશબ્દતા
લવણોદર સમુદ્રની જેમ
હળવે હળવે આકાશથી
ટેવાતી જતી પંખીની પાંખની પેઠે કંપે છે
પવન, પૃથ્વી ને પ્રાણની જેમ ધબકે છે
ને હા, જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ
તો એ ત્યાં જ હશે.

– અમિના સૈદ

[ મૂળ ફ્રેન્ચ કાવ્ય – અનુવાદ – અમિના સૈદ અને હરીશ મીનાશ્રુ ]

[ સૌજન્ય – ડો. નેહલ – inmymindinmyheart.com ]

કાવ્યના જન્મ વિષે આ થી અદભૂત વાત બીજી કોઈ વાંચી નથી……

Comments (1)

ખાદી – ઉદયન ઠક્કર

સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુ:ખ :-
ઇસ્ત્રી સાથે પણ
અસહકાર કરે.
જે પહેરે તે અદલોઅદલ શોભી ઊઠે
યરવડાના કેદી સમો;
ઉતારનારને મળી જાય
આઝાદી.
હતું મારી પાસે પણ એક—
ન બાંય, ન બટન
સાલું સાવ સેવાગ્રામી!

એક વાર ધોબીમાં આપેલું, તે બદલાઈ ગયું.
ટાઢે પાણીએ ખસ ગઈ.

બદલીમાં મળ્યો કોઈ ઝભ્ભો.
ખોલ્યો ડરી ડરીને
પારકા પ્રેમપત્રની જેમ.
ઘૂંટણ સુધી પહોંચતું રેશમ, મુલાયમ,
બદામી દોરાનું બારીક ભરતકામ,
બંગાલી ગળું, બટનપટ્ટી ઝૂલે…
ધોબી, તેં તો જિંદગી બદલી નાખી
રામની અને આ રમતારામની.

ઝભ્ભો હતો બાકી ઝાકઝમાળ!
ધબ્બો મારીને પડોશી બોલ્યા,
‘હવે તું માણસમાં આવ્યો ખરો!’
બીજાં બધાં તો ઠીક,
પાનવાળાએ પણ ઉધારી ચાલુ કરી આપી.
પછી તો ધીરે ધીરે આદત પડી ગઈ
મોંઘાદાટ રેશમી ઝભ્ભા પહેરવાની.

રેશમ જોઈએ તો માંહ્યલાને મારવો પડે.
એકસાથે બન્ને તો ક્યાંથી મળે—
સેંથી અને ટાલ
કબરની શાંતિ અને સૂર્યપ્રકાશ
રેશમ અને પતંગિયું.

ફળિયે પીંજારો બેઠો હોય
હવામાં ઊડતા જતા હોય રૂના પોલ
એવો હળવો હતો હું;
પુરાઈ ગયો એકાએક, કોશેટામાં.

કાલ રાતે મને સપનું આવ્યું.
સપનામાં બુઢ્ઢો જાદુગર શેરીએ શેરીએ સાદ પાડતો જાય,
‘એ . . . ઈ, જરીપુરાણા ચિરાગ આપો . . .
બદલામાં નવાનક્કોર લો . . .’
. . . ક્યાં હશે એ અસલનો ચિરાગ?

હજીયે નજર ફરી વળે છે, ધોવાઈને આવેલાં કપડાંમાં—
ક્યાંક પેલું જૂનું પહેરણ…
પણ ના, એનો એ મોંઘો પડેલો રેશમી ઝભ્ભો
ચડી બેસે છે મારા પર, વેતાળની જેમ.

– ઉદયન ઠક્કર

કવિના લાક્ષણિક અંદાઝમાં કરુણાસભર વ્યંગ……

Comments (3)

શ્રીભગવતી-સ્મરણ: ૦૫ : મૃત્યુને પ્રણામ

(પૃથ્વી)

મને જ હતી જાણ ક્યાં મુજ પતાળ શા અંતરે
અગાધ, તટહીન કો’ જલધિ જેટલો પ્રેમ છે
નિતાન્ત ખડકાયલો, ગુપત જાહ્નવીના રૂપે
હતી ફકત તું જ તું સુભગ મધ્યબિંદુ સમી?!

સુદીર્ઘ સહજીવને સરજી દીધી’તી શુષ્કતા;
બધું નીરસ લાગતું સઘન સંનિધિ કારણે;
યથાસ્થિતિ હતી બહુ, ખૂટતી લાગતી હૂંફ યે;
હતી સફર ચાલતી અલગ રેલ-પાટા સમી.

કરાલ કર ત્રાટક્યો મરણનો અરે! તું પરે
અને બધુંય મૂળથી હચમચી ઊઠ્યું સામટું;
ગયું પડ ચિરાઈ ને ધસમસી રહી જાહ્નવી
અદમ્ય હૃદયોર્મિથી સકળ આર્દ્ર ને પ્રાંજલ!

પ્રણામ શત મૃત્યુ હે! ઋણસ્વીકાર તારો કરું;
મને પ્રબળ પ્રેમની પ્રતીતિ પ્રાપ્ત તારા થકી!

– ભગવતીકુમાર શર્મા

દીર્ઘદામ્પત્યજીવનના અંતે પત્ની જ્યારે જીવનસફરમાં અધવચ્ચે એકલા મૂકીને ચાલ્યા ગયા ત્યારે કવિએ દામ્પત્યજીવનની ખટમીઠી યાદો, મૃત્યુ અને મૃત્યુએ સર્જેલા શૂન્યાવકાશ વિશે સૉનેટ લખવા આદર્યા અને એક આખો સરસ મજાનો સૉનેટસંગ્રહ આપણને આપ્યો. આ સૉનેટ પણ એમાનું જ એક છે.

સાથે રહેતાં હોઈએ ત્યારે હૈયામાં બીજા પાત્ર માટે કેટલો પ્રેમ છે એનો ખ્યાલ જ આવતો નથી. ગંગા જે રીતે ગુપ્ત હતી એમ જ એ પ્રેમ આપણાથી ગુપ્ત રહે છે. લાંબા સહવાસના કારણે બધું શુષ્ક અને નીરસ લાગવા માંડે છે અને પરસ્પર માટેની હૂંફમાં પણ ઓટ આવી અનુભવાય છે. સાથે તોય અલગ એવી રેલવેના પાટાની જેમ સફર ચાલ્યા કરતી હોય એવામાં મૃત્યુનો ઘાતકી હાથ ત્રાટકે અને જોડી ખંડિત થાય એ ઘડીએ જ પેલી ગુપ્ત રહેલી ગંગા પૂરજોશથી પ્રગટ થાય છે અને પ્રિયજન માટે ભીતર અગાધ, તટહીન સાગર જેવો પ્રેમ હતો એ વાતનો અહેસાસ થાય છે. પોતાને આવો અહેસાસ કરાવવા માટે કવિ મૃત્યુને પ્રણામ કરે છે અને એનો ઋણસ્વીકાર કરે છે… સૉનેટને એક નવી જ ઊંચાઈ પ્રાપ્ત થાય છે.

Comments (5)

શ્રીભગવતી-સ્મરણ: ૦૪ : હરિ, સુપણે મત આવો!

હરિ, સુપણે મત આવો!
મોઢામોઢ મળો તો મળવું,
મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું,
આ બદરાથીતે બદરા તક
ચાતકનો ચકરાવો…

પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?
મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.

મુંને બ્રજ કી બાટ બતાવો…
હરિ, સુપણે મત આવો!…

સુપણામાં સો ભવનું સુખ ને સમ્મુખની એક ક્ષણ,
નવલખ તારા ભલે ગગનમાં, ચન્દ્રનું એક કિરણ.

કાં આવો, કાં તેડાવો!
હરિ, સુપણે મત આવો!…

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માની કલમ ગદ્યથી લઈને પદ્ય સુધીના સાહિત્યના લગભગ તમામ પ્રકારોમાં એકસમાન ચાલી છે. પ્રસ્તુત હરિગીતમાં હરિને સપનાંમાં આવવાની ના કહીને જે રીતે એ સાક્ષાત્ ઈશ્વરને ભીડાવે છે એની મજા છે…

Comments

શ્રીભગવતી-સ્મરણ: ૦3 : પારિજાતનું ઝાડ…

હરિ તમે પારિજાતનું ઝાડ……
રહું છાંયડે ઊભો ને હું ઝીલું તમારા લાડ….હરિ.

શ્રાવણમાં આકાશ ઝરેને તમેય ટપટપ વરસો;
સુગંધભીની બાથભરી મુંને ચાંપો છાતી સરસો.

તમે ઊજળું હસો, મુંને તો વ્હાલપનો વળગાડ……હરિ.

ઓરસિયા પર બની સુખડ હું ઘસું કેસરી દાંડી;
ચંદન તિલક કરું તમને: મેં હોડ હોંશથી માંડી.

તમે મ્હેક થઈ કર્યો ટકોરો; ઊઘડ્યાં હૃદય-કમાડ.

હરિ તમે પારિજાતનું ઝાડ………..

-ભગવતીકુમાર શર્મા

અત્યારે કવિ કનૈયાને શણગારતા હશે……..સાક્ષાત….

Comments (3)

શ્રીભગવતી-સ્મરણ: ૦૨ : હું ચાલ્યો જઈશ…

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર : મારે શો ફરક પડશે?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

સ્મરણ એકેય રહેવા નહિ દઉં હું ઘરની ભીંતો પર;
છબીઓ સર્વ ફોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

મને ઘોડેસવારીનો અનુભવ તો નથી કિન્તુ,
સખત ચાબુક સબોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કથા પૂરી થવા આવી તો તેના અંતની સાથે,
તમારું નામ જોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

નદીકાંઠો, સ્વજનની હાજરી, સૂર્યાસ્તની વેળા,
ચિતામાં યાદ ખોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

– ભગવતીકુમાર શર્મા

લાંબા સમયથી નાદુરસ્ત તબિયતના શિકાર શ્રી ભગવતીકુમાર શર્માનો ક્ષરદેહ ગઈકાલે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો… એમની પ્રસ્તુત ગઝલના ત્રણ શેર લયસ્તરો સહિત ઇન્ટરનેટ પર સતત ફરતા જોવા મળી રહ્યા છે પણ આખી ગઝલ આજે અહીં પહેલીવાર રજૂ કરીએ છીએ…

કવિએ જાણે પોતાની વિદાય માટે જ લખી હોય એવી આ ગઝલ વાંચતાં આંખ ભીની થયાં વિના નહીં રહે…

Comments (2)

શ્રીભગવતી-સ્મરણ: ૦૧ : હવે પહેલો વરસાદ અને…

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

સુરતના ગૌરવ સમાન કવિ હવે અનહદની યાત્રાએ નીકળી ગયા…..અજાણી દુનિયામાં શબ્દ-અજવાસ ફેલાવવા નીકળી ગયા….વરસાદ તો વરસતો જ રહેશે પણ હવે એક ચાતક ઘટી ગયું……

Comments (5)

તારા વિચારમાં…. – જવાહર બક્ષી

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે સવારમાં.

જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઇએ રે ઘર,
એવું તે શું કે આખું જીવન જાય દ્વારમાં..!

શ્રધ્ધા તો ઠીક કોઇ અશ્રધ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.

ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.

કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં.

– જવાહર બક્ષી

Comments (1)

डरता है – राजेश रेड्डी

यहाँ हर शख़्स हर पल हादसा होने से डरता है
खिलौना है जो मिट्टी का फ़ना होने से डरता है

मिरे दिल के किसी कोने में इक मासूम सा बच्चा
बड़ों की देख कर दुनिया बड़ा होने से डरता है

न बस में ज़िंदगी उस के न क़ाबू मौत पर उस का
मगर इंसान फिर भी कब ख़ुदा होने से डरता है

अजब ये ज़िंदगी की क़ैद है दुनिया का हर इंसाँ
रिहाई माँगता है और रिहा होने से डरता है

– राजेश रेड्डी

આમ તો આખી ગઝલ સરસ છે પણ મક્તાને લીધે આખી ગઝલની ઊંચાઈ બદલાઈ જાય છે…..

Comments (2)

ખૂલવું છે – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

હીંચકો છુટ્ટો મૂકીને ઝૂલવું છે,
આપણે હાથે કરીને ભૂલવું છે.

એ ખરું ખોટું કરી જીવી રહ્યા ને
આપણે સાંધા કરી સંતુલવું છે.

નાળ નાભિ સ્હેજમાં ખેંચાય વ્હાલા,
પોતને એકાંતમાં સંકેલવું છે.

ફૂંક ઊછીની લઈ ફુગ્ગો ભર્યો છે,
ફૂલવા દે, એમને બસ ફૂલવું છે.

સાંભળ્યું ઝાકળ બધું ઊડી ગયું છે,
બેસ ને, ‘ભીનાશ’ રણને ખૂલવું છે

– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

સરળ ભાષામાં મજા પડી જાય એવી વાત કરતી ગઝલ. લગભગ બધા જ શેર વાંચતાવેંત સ્પર્શી જાય એવા…

Comments (6)

અપરાજેય – વિલિયમ અર્નેસ્ટ હેન્લી (અનુ. વિવેક મનહર ટેલર)

મને આવરે છે જે આ છેડાથી લઈ પેલા છેડા લગ
ફેલાયેલા ખાડા જેવા અંધારેથી કાળી રાતના,
આભારી છું હું તેઓનો જે કોઈ પણ હશે દેવગણ,
બહાર આણવા મને ને દેવા માટે આવો અજેય આત્મા.

ભલે ફસાયો હોઉં સંજોગોની કાતિલ નાગચૂડમાં
નથી કરી મેં પીછેહઠ કે નથી કર્યું મેં જરા આક્રંદ.
દૈવયોગનો ગદામાર વેઠી વેઠી મારું માથું આ
રક્તરંજિત ભલે થયું હો, ઉન્નત એ રહ્યું છે કાયમ.

ક્રોધ અને આંસુઓથી ભર્યા-ભર્યા આ સ્થળથી દૂર
કાંઈ નહીં, લળુંબે છે બસ, કેવળ ઓછાયાનો ભય,
અને છતાંયે આવનારા એ વર્ષોનો કેર તુમુલ,
મને શોધશે અને પામશે હરહંમેશ મને નિર્ભય.

નથી અર્થ કો એનો કે છે સાંકડો કેટલો દરવાજો,
કે છે ખાતાવહીયે ત્યાંની કેવી સજાઓથી ભરેલ,
હા હા, હું છું એકમાત્ર જ સ્વામી મારા ભાગ્ય તણો,
હા હા, આ મારા આત્માનો હું જ સુકાની, હું ટંડેલ.

– વિલિયમ અર્નેસ્ટ હેન્લી
(અનુ. વિવેક મનહર ટેલર)

શું એક કવિતા, એક પ્રવચન, એક પુસ્તક સીધાસાદા માણસની આખેઆખી જિંદગી બદલી નાંખી શકે ખરી? શું એક કવિતા માનવને મહામાનવ અને નાયકને મહાનાયક બનવાનું પ્રેરક્બળ પૂરું પાડી શકે ખરી? શું કલમમાં સાચે જ આવી તાકાત હોઈ શકે? ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકની મહાત્મા ગાંધીના જીવન પર થયેલી અસર વિશે તો આપણે જાણીએ જ છીએ… આજે ઇંગ્લિશ કવિ વિલિયમ અર્નેસ્ટ હેન્લી ની કલમે એક સાવ નાની અમથી કવિતાએ નેલ્સન મન્ડેલાના જીવનમાં શો ભાગ ભજવ્યો એ જોઈએ…

પ્રસ્તુત રચનાની વિશદ છણાવટ આપ મારી ફેસબુક વૉલ ઉપર આવીને માણી શકો છો….

Invictus

Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.

In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.

Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds and shall find me unafraid.

It matters not how strait the gate,
How charged with punishments the scroll,
I am the master of my fate,
I am the captain of my soul.

– William Ernest Henley

Comments

શોધી શકે? – નેહા પુરોહિત

તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

છે યમુના ઘાટ, વિષધર, આપણે સૌ ત્રસ્ત, પણ-
કૃષ્ણ અહીં રમવા કરે એવી દડી શોધી શકે?

કેડ તેડાયા હતા, જે કેડ પર ઝૂડો હતો;
કેડથી ભાંગેલ મા ક્યારે નડી, શોધી શકે?

ઊડવું તો સહેલ છે, પાંખો નથી તો શું થયું?
તું અગર તારી ભીતર મનપાવડી શોધી શકે!

સૂર્ય છે તો શું થયું? તારો ય પડછાયો હશે;
તારી છાંયા કઈ જગાએ જઈ પડી શોધી શકે?

– નેહા પુરોહિત

કવયિત્રી પડકાર ફેંકે છે. શું તમે શોધી શકશો? કરો કોશિશ… મજાની ગઝલ. પાંચેય શેર આસ્વાદ્ય. માવાળા શેરમાં પણ કેડનો ત્રિવિધ ઉલ્લેખ અવગણનાની જે ધાર કાઢે છે એ સરાહનીય છે…

જો કે ક્યારેક ઉતાવળે રચનામાંથી પસાર થઈએ તો લોચા પણ મારી દેવાય.. એ લોચાને બદલ્યા વિના ભૂલસ્વીકાર સાથે અહીં રજૂ કરું છું.

મત્લો મેં તને ના સ્થાને મને મૂકીને વાંચી લીધો:

તું મને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

અને એ પ્રમાણે અર્થઘટન પણ કરી નાંખ્યું:

પ્રેમ એ સાર્વત્રિક અનુભૂતિ છે પણ શું આપણે આપણી જાતમાંથી બહાર આવી શકીએ છીએ ખરા? શું આપણે સામા પાત્રને સાચા અર્થમાં શોધી શકીએ છીએ ખરા? કવયિત્રીનો પડકાર આખા જીવન માટે પણ નથી. શું માત્ર એક ઘડી એવી શોધી શકાય જેમાં આપણે હું નહીં, તુંને શોધી શક્યા હોઈએ? અને જો આ ઘડી શોધી કાઢીએ તો એમાં આપણું મન સાચા અર્થમાં પરોવી શકાય એવી કોઈ કડી આપણને જડે છે ખરી?

ખરો શેર આ મુજબ છે…
તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?

આખી જિંદગી આપણી ‘સ્વ’માં ‘સ્વ-અર્થ’માં વીતી જાય છે પણ આ અવ અને સ્વ-અર્થ એ અરીસામાં નજરે ચડતી વ્યક્તિ છે. આપણે આપણી ભીતર ઊતરવાની કદી કોશિશ કરીએ છીએ ખરા? હજારો માણસો સાથે વાતો કરવાનું જેટલું સહેલું છે એટલું જ કપરું છે ભીતરની જાતરા કરવું. કવયિત્રી આપણને ચેલેન્જ આપે છે. શું આપણે આપણી પોતાની જાતને શોધી શક્યા હોઈ એવી વધુ નહીં, માત્ર એક ઘડી પણ શોધી શકવા સમર્થ ખરા? અને આ એક જ ઘડીમાં વળી મન પણ પરોવી શકીએ એ પાત્રતા કેળવાયેલી છે ખરી?

જોયું? એક જ અક્ષર બદલાઈ જાય તો આખું અર્થઘટન કેવી રીતે બદલાઈ જઈ શકે છે?!

Comments (10)

મારામાંથી છટકીને – સંજુ વાળા

મારામાંથી છટકીને તું
મને પરાયો ગણે !

ઓળખ નામે ચિહ્ન હતું ત્યાં મૂક્યું મોટું મીંડું
તે દિવસથી પડવા લાગ્યું મારાપણામાં છીંડું
હું અહીંથી ત્યાં આવું પણ
તું પણે નો પણે… મને પરાયો ગણે !

બની બ્હાવરા ચપટી આંખે તાક્યું આખ્ખું આભ
પગપાનીથી પાંપણ પર્યન્ત આભ પછીથી ડાભ
ઝાંય ઝાંય જન્મોની ડાળો
કોરીકટ રણઝણે… મને પરાયો ગણે !

છળ તરંગો છળની ઘટના છળવત માણી મજા
છળમય થઈને છળથી અળગા રહેવાની આ સજા
છળપણાનો જીવ પછીથી
ફૂટતો ક્ષણે… ક્ષણે… મને પરાયો ગણે !

-સંજુ વાળા

એકથી વધુ રીતે કાવ્યાર્થ કરી શકાય – કો’ક પ્રિયજનની પણ વાત હોઈ શકે….. આત્મશોધનના યાત્રીને આમાં અનહદનો સૂર સાંભળી ચૂકેલો અંતરાત્મા દીસે કે જે હવે ચર્મદેહમાં વસવા તૈયાર નથી…..સત્યની શોધમાં નીકળેલા મુસાફરને ગેબી ઈશારો સતાવતો હોય એવું પણ ભાસે….જેવી જેની પ્રજ્ઞા……

Comments (6)

ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર? – થોમસ હાર્ડી (અનુ. વિવેક મનહર ટેલર)

“ઓહ, શું આપ જ રહ્યા છો ખોદી મારી કબ્ર પર
પ્રિયતમ, શું આપ છો? – વાવો છો શું?”
—“ના રે; ગઈકાલે પ્રભુતામાં દીધાં એણે કદમ
એની સાથે જેણે શ્રીમંતાઈમાં લીધો જનમ.
‘વાત એ,’ એણે કહ્યું, ‘નહીં દે હવે એને કો’ ગમ
કે રહ્યો કે ન રહ્યો સંનિષ્ઠ હું’.“

“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
છે નિકટનાં સૌથી વહાલાં એ સ્વજન?”
— “આહ, ના; તેઓ તો બેઠા છે, વિચારે છે, ‘શો અર્થ?
ફૂલછોડો રોપવાથી શું હવે કંઈ પડશે ફર્ક?
કાળજીમાં એના ટીંબાની ભલેને થાવ ગર્ક,
જાળથી રૂહ મુક્ત ના કરશે મરણ’.”

“પણ કોઈ ખોદી રહ્યું છે સાચે મારી કબ્ર પર?
કોણ કરતું ઘોંચપરોણો? —શત્રુ કો’?”
— “ના; જ્યાં જાણ્યું તેણીએ: ઓળંગી ગ્યાં છો આપ દ્વાર,
જે બધા પર વહેલુંમોડું બંધ થાયે છે ધરાર,
તેને લાગ્યું આપ ઘૃણાના રહ્યાં ના હક્કદાર
ને નથી પરવા ક્યાં સૂતાં આપ છો?”

“તો પછી છે કોણ જે ખોદે છે મારી કબ્ર પર?
બોલો—અટકળ હું કરી શકતી નથી!”
— “ઓહ એ તો હું જ છું, મારી વહાલી માલકિન,
કૂતરો નાનો તમારો, જે હજી રહે છે નજીક,
ને અહીં મારી આ હલચલ, હા, મને તો છે યકીન
આપના આરામને ના ડહોળતી.”

“આહ, હા! તો તું છે જે ખોદે છે મારી કબ્ર પર…
શાને આ સૂઝ્યું નહીં પહેલાં મને
કે બચ્યું છે કંઈ નહીં તો એક સાચું દિલ હજી!
શું કદી પણ જડશે માનવજાતમાં એ લાગણી
આપણે જેને ગણી શકીએ એના સમકક્ષની
જે વફાદારી છે હાંસિલ શ્વાનને!”

“માલકિન, મેં ખોદ્યું એ ધારી તમારી કબ્ર પર
કે હું ભીતર દાટી રાખું હાડકું,
કામ લાગે એ મને ક્યારેક થાઉં હું ભૂખો,
દુલકી ભરતો રોજની જો પાસમાં હું હોઉં તો.
માફી ચાહું છું પરંતુ સાવ હું ભૂલી ગયો,
કે આ તો વિશ્રામસ્થળ છે આપનું.”

– થોમસ હાર્ડી
(અનુ. વિવેક મનહર ટેલર)

આપણા મોટાભાગના સંબંધ રાજા વિક્રમના ખભા પર લટકતી વેતાળની લાશ જેવા હોય છે… ઘડી-ઘડી ખભેથી છટકી જાય છે ને ઘડી-ઘડી આપણે સમાધાનના હાથથી ખેંચી-તૂસીને એને ફરી ખભે બેસાડીને આગળ ચાલવાની કોશિશમાં જિંદગી વ્યતીત કરીએ છીએ. પછી, આવા સંબંધો પાસે મરણ પછી શું સ્મરણની અપેક્ષા રાખી શકાય? મહાન નવલકથાકાર અને મહાન કવિ થોમસ હાર્ડી પ્રસ્તુત રચનામાં દુન્યવી સંબંધોની વાસ્તવિક્તાના ચહેરા પર રમૂજના મખમલમાં વીંટાળીને કટાક્ષનું જૂતું ફટકારે છે…

કવિતાના સવિસ્તાર આસ્વાદ માટે ફેસબુક પેજ પર સ્વાગત છે…

Ah, are you digging on my grave?

 

“Ah, are you digging on my grave
My loved one?—planting rue?”
—“No; yesterday he went to wed
One of the brightest wealth has bred.
‘It cannot hurt her now,’ he said,
‘That I should not be true’.”

“Then who is digging on my grave?
My nearest dearest kin?”
—“Ah, no; they sit and think, ‘What use!
What good will planting flowers produce?
No tendance of her mound can loose
Her spirit from Death’s gin’.”

“But someone digs upon my grave?
My enemy?—prodding sly?”
—“Nay; when she heard you had passed the Gate
That shuts on all flesh soon or late,
She thought you no more worth her hate,
And cares not where you lie.”

“Then, who is digging on my grave?
Say—since I have not guessed!”
—“O it is I, my mistress dear,
Your little dog, who still lives near,
And much I hope my movements here
Have not disturbed your rest?”

“Ah, yes! You dig upon my grave …
Why flashed it not on me
That one true heart was left behind!
What feeling do we ever find
To equal among human kind
A dog’s fidelity!”

“Mistress, I dug upon your grave
To bury a bone, in case
I should be hungry near this spot
When passing on my daily trot.
I am sorry, but I quite forgot
It was your resting place.”

– Thomas Hardy

Comments (1)