શ્રીભગવતી-સ્મરણ: ૦૫ : મૃત્યુને પ્રણામ
(પૃથ્વી)
મને જ હતી જાણ ક્યાં મુજ પતાળ શા અંતરે
અગાધ, તટહીન કો’ જલધિ જેટલો પ્રેમ છે
નિતાન્ત ખડકાયલો, ગુપત જાહ્નવીના રૂપે
હતી ફકત તું જ તું સુભગ મધ્યબિંદુ સમી?!
સુદીર્ઘ સહજીવને સરજી દીધી’તી શુષ્કતા;
બધું નીરસ લાગતું સઘન સંનિધિ કારણે;
યથાસ્થિતિ હતી બહુ, ખૂટતી લાગતી હૂંફ યે;
હતી સફર ચાલતી અલગ રેલ-પાટા સમી.
કરાલ કર ત્રાટક્યો મરણનો અરે! તું પરે
અને બધુંય મૂળથી હચમચી ઊઠ્યું સામટું;
ગયું પડ ચિરાઈ ને ધસમસી રહી જાહ્નવી
અદમ્ય હૃદયોર્મિથી સકળ આર્દ્ર ને પ્રાંજલ!
પ્રણામ શત મૃત્યુ હે! ઋણસ્વીકાર તારો કરું;
મને પ્રબળ પ્રેમની પ્રતીતિ પ્રાપ્ત તારા થકી!
– ભગવતીકુમાર શર્મા
દીર્ઘદામ્પત્યજીવનના અંતે પત્ની જ્યારે જીવનસફરમાં અધવચ્ચે એકલા મૂકીને ચાલ્યા ગયા ત્યારે કવિએ દામ્પત્યજીવનની ખટમીઠી યાદો, મૃત્યુ અને મૃત્યુએ સર્જેલા શૂન્યાવકાશ વિશે સૉનેટ લખવા આદર્યા અને એક આખો સરસ મજાનો સૉનેટસંગ્રહ આપણને આપ્યો. આ સૉનેટ પણ એમાનું જ એક છે.
સાથે રહેતાં હોઈએ ત્યારે હૈયામાં બીજા પાત્ર માટે કેટલો પ્રેમ છે એનો ખ્યાલ જ આવતો નથી. ગંગા જે રીતે ગુપ્ત હતી એમ જ એ પ્રેમ આપણાથી ગુપ્ત રહે છે. લાંબા સહવાસના કારણે બધું શુષ્ક અને નીરસ લાગવા માંડે છે અને પરસ્પર માટેની હૂંફમાં પણ ઓટ આવી અનુભવાય છે. સાથે તોય અલગ એવી રેલવેના પાટાની જેમ સફર ચાલ્યા કરતી હોય એવામાં મૃત્યુનો ઘાતકી હાથ ત્રાટકે અને જોડી ખંડિત થાય એ ઘડીએ જ પેલી ગુપ્ત રહેલી ગંગા પૂરજોશથી પ્રગટ થાય છે અને પ્રિયજન માટે ભીતર અગાધ, તટહીન સાગર જેવો પ્રેમ હતો એ વાતનો અહેસાસ થાય છે. પોતાને આવો અહેસાસ કરાવવા માટે કવિ મૃત્યુને પ્રણામ કરે છે અને એનો ઋણસ્વીકાર કરે છે… સૉનેટને એક નવી જ ઊંચાઈ પ્રાપ્ત થાય છે.
dr tirthesh p mehta said,
September 8, 2018 @ 2:59 AM
વાહ………
Poonam said,
September 8, 2018 @ 5:41 AM
યથાસ્થિતિ હતી બહુ, ખૂટતી લાગતી હૂંફ યે;
હતી સફર ચાલતી અલગ રેલ-પાટા સમી…
Hummm…
મયુર કોલડિયા said,
September 9, 2018 @ 11:02 AM
અતિ સુંદર રચના….
પ્રથમ પંક્તિમાં 2 અક્ષર ઘટે છે અને છઠ્ઠી પંક્તિમાં એક અક્ષર વધારે છે. કદાચ ટાઈપિંગ માં રહી ગયું હોય.
જયેન્દ્ર ઠાકર said,
September 15, 2018 @ 10:24 AM
અમે બ્રહ્માંડની વિસ્તીર્ણતામાં વિસ્તરી ચાલ્યા;
પછી નકશાઓ, સરહદ, વાડ કાંટાળી, વતન શું છે?
– ભગવતીકુમાર શર્મા
વિવેક said,
September 27, 2018 @ 2:19 AM
@ મયુર કોલડિયા: આપની વાત સાચી છે.. સુધારી લીધું છે… ખૂબ ખૂબ આભાર.