અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે
રઈશ મનીઆર

ગઝલ – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

ઈર્ષાથી સળગે છે આખો,
કોઈ તો માણસને ઠારો.

શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.

કરવી છે સાચ્ચે સેવા તો,
ઘરડાઘરને તાળાં મારો.

આપણને બાકોરું લાગે,
પંખીનો થાશે ત્યાં માળો.

ભીંતોનો તો દોષ જ ક્યાં છે,
આરોપી છે મનનો ગાળો.

ખરતા તારે સૌ કોઈ ધારે,
ધારું હું ને ખરશે તારો.

દિલ તો એની સાથે ચાલ્યું,
નજરુંને તો પાછી વાળો.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

સુરતના કવિ મિત્ર વિપુલ માંગરોલિયાનું એમના તરોતાજા પ્રથમ સંગ્રહ ‘ક્ષિતિજ પર ઝાકળ’ સાથે લયસ્તરો પર બાઅદબ બામુલાહિજા સ્વાગત છે… રચનાઓમાંથી પસાર થતાં સમજાય છે કે કવિ પરંપરા અને આધુનિકતા -બંનેમાં એક-એક પગ મૂકીને ગઝલની ભૂમિ પર વિહાર કરે છે. મહત્ત્વની વાત એ છે કે આ કામ કવિ સફળતાપૂર્વક કરી શક્યા છે. પહેલાં બંને શેર એકસમાન અર્થ ધરાવતા હોવા છતાં મત્લા પરંપરાની તો બીજો શેર આધુનિકતાની જમીન પર ઊભો છે. ઘરડાંઘરવાળો શેર તો માત્ર કવિસંમેલન માટેનો ગણી શકાય એટલો સપાટ થયો છે. પણ ખરી મજા પંખીના માળામાં છે. જીવનમાં જે વસ્તુ કોઈ એકને નકામી કે ફાલતુ લાગે એ જ વસ્તુ કોઈ બીજા માટે જીવનદાયિની કે બહુમૂલ્યવાન પણ હોઈ શકે એ વાસ્તવિકતા સમજાવવા માટે કવિ બાકોરું અને માળાના પ્રતિકોને જે રીતે વાપરે છે એ સાચે જ કાબિલે-દાદ છે. ભીંતોવાળો શેર પણ એવો જ અદભુત થયો છે. બે જણ વચ્ચે ઊભી થતી ભૌતિક દીવાલોથી કદી છૂતાં થતાં નથી હોતાં. માણસો વચ્ચે અલગાવ બે જણના મનમાં જ્યારે ગાળો-અલગાવ-અંતર પડી જાય છે ત્યારે જ ઊભો થાય છે. ઈંટ-સિમેંટની દીવાલ કરતાં મનભેદ વધુ મજબૂત અંતરાય છે. એ પછીના બંને શેર વળી પરંપરાના શેર છે અને બંને ખૂબ મજાના થયા છે.

8 Comments »

  1. Aasifkhan said,

    October 12, 2018 @ 2:40 AM

    સરસ રચના

  2. અશ્વિન સુદાણી said,

    October 12, 2018 @ 2:43 AM

    ખુબ સરસ

  3. ASHOK VAVADIYA said,

    October 12, 2018 @ 2:53 AM

    ખૂબ જ સુંદર રચના કવિને અભિનંદન

  4. ASHOK VAVADIYA said,

    October 12, 2018 @ 2:55 AM

    ખૂબ જ સુંદર રચના કવિને અભિનંદન…

  5. Rohit kapadia said,

    October 12, 2018 @ 4:54 AM

    દરેક શેરમાં ખૂબ જ સુંદર વાત. ધન્યવાદ. વાંચતા વાંચતા જ એક હાયકુ રચાઈ ગયું –
    ખરતા તારે
    કશું ના ધાર્યું, તો યે
    મોતની ઝાંખી.

  6. Meena Chheda said,

    October 12, 2018 @ 7:34 AM

    વાહ!

  7. સુનીલ શાહ said,

    October 15, 2018 @ 12:07 AM

    મજાની અભિવ્યક્તિ

  8. Dr Sejal said,

    January 6, 2020 @ 6:02 AM

    ખૂબ સરસ ટૂંકી બહર વાળી ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment