આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.
મહેશ દાવડકર

એકલો પડું ત્યારે…. – ડૉ મહેશ રાવલ

હું મને મળી લઉં છું એકલો પડું ત્યારે,
શ્વાસ, સાંભળી લઉં છું એકલો પડું ત્યારે.

વિસ્તરેલ પગલામાં ક્યાં સમાય છે રસ્તા ?
માત્ર, સાંકળી લઉં છું એકલો પડું ત્યારે.

પ્રશ્નતા પ્રભાવિત થઈ ઓગળે જવાબોમાં,
એમ ઓગળી લઉં છું એકલો પડું ત્યારે.

આવતી જતી ક્ષણને એકમેકની સાથે,
ભેળવી, ભળી લઉં છું એકલો પડું ત્યારે.

સહેજ પણ પડે નોંખી શક્યતા તફાવતથી,
એ તરફ વળી લઉં છું એકલો પડું ત્યારે !

પર્વ જેમ પડઘાતાં, આંતરિક અભરખાંને,
ઢાળ દઈ ઢળી લઉં છું એકલો પડું ત્યારે.

મીણ જેમ ઓગળતી હાંફતી શ્વસનબત્તી,
ખૂટતી કળી લઉં છું એકલો પડું ત્યારે.

રાખનું રમકડું આ સર્વશ્રેષ્ઠ છે કહીને,
જાતને છળી લઉં છું એકલો પડું ત્યારે !

વીર્યહીન સગપણની ભૂખ ભાંગવા ખાતર,
લાગણી રળી લઉં છું એકલો પડું ત્યારે.

– ડૉ મહેશ રાવલ

‘એકલા પડવું’ પોતે જ એક પ્રયત્ન માગે છે. માણસ વિપશ્યના સાધનામાં એકલો ન પડી શકે એમ બને. એકલા પડવું અને એકલા પડીને તટસ્થ આત્મનિરીક્ષણ કરવું એ બે પાછી વળી તદ્દન ભિન્ન વાતો છે…..કોઈ જાતને ભાળે છે તો કોઈ જાતને છળે છે……

5 Comments »

  1. Mohamedjaffer Kassam said,

    September 25, 2018 @ 5:46 AM

    કોઈ જાતને ભાળે છે તો કોઈ જાતને છળે છે……

  2. Pravin Shah said,

    September 25, 2018 @ 11:08 PM

    વાહ.. મહેશભાઈ ખૂબ સુંદર ગઝલ થઇ છે. એકલા પડીએ ત્યારે વાંચવા જેવી. અભિનંદન…

  3. Pravin Shaj said,

    September 26, 2018 @ 12:03 AM

    ખૂબ સુંદર ગઝલ મહેશભાઈ, એકલા પડીએ ત્યારે વાગોળવા જવી. અભિનંદન…

  4. મયુર કોલડિયા said,

    September 26, 2018 @ 6:12 AM

    વિપશ્યનો અર્થ નથી મળતો. પ્લીઝ જણાવશો.

    ગઝલ સરસ થઈ છે.

  5. SARYU PARIKH said,

    September 26, 2018 @ 9:01 AM

    વાહ્! એકલતાની પીડા અને તેને પ્રયત્નપૂર્વક, સમજણ સાથે ઓગાળવાની રીત. બહુ સુંદર રચના.
    સરયૂ પરીખ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment