દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.
રઈશ મનીઆર

શ્રીભગવતી-સ્મરણ: ૦૧ : હવે પહેલો વરસાદ અને…

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

સુરતના ગૌરવ સમાન કવિ હવે અનહદની યાત્રાએ નીકળી ગયા…..અજાણી દુનિયામાં શબ્દ-અજવાસ ફેલાવવા નીકળી ગયા….વરસાદ તો વરસતો જ રહેશે પણ હવે એક ચાતક ઘટી ગયું……

5 Comments »

  1. JAFFER Kassam said,

    September 5, 2018 @ 11:37 AM

    બહુજ આનદ થયો

    તમારો આભાર અને ધન્યવાદ

  2. vimala said,

    September 5, 2018 @ 3:25 PM

    ૐ શાંતિઃ .

  3. હિમાંશુ જસવંતરાય ત્રિવેદી said,

    September 5, 2018 @ 4:04 PM

    એક ખુબજ સરસ માનવી, શ્રેષ્ઠ ગુજરાતી કવિઓમાંના એક. વસમી વિદાય, ગુજરાત અને ગુજરાતી ભાષાએ એક સરસ વ્યક્તિત્વ ગુમાવ્યું એનો રંજ રહેશે. એમની કવિતાઓ અને કૃતિઓ એમને “અમર” રાખશે જ. આપની આ post ખરેખર ટૂંકી છતાં પણ relevant. શ્રી ભાગ્વાતીકુમારભાઈ શર્માને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અને એમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે એજ અભ્યર્થના. – હિમાંશુ જસવંતરાય ત્રિવેદી, ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ (મૂળ ગુજરાત).

  4. pragnaju vyas said,

    September 5, 2018 @ 4:43 PM

    હાર્દિક શ્રદ્ધાજ લિ.
    Documentary Film on Bhagvatikumar Sharma – Sahityakar … – YouTube
    Video for youtube bhagvatikumar sharma▶ 23:57

    Apr 3, 2018 – Uploaded by Nikhilesh upadhyay
    Film Making By- Shree Maheshchandra Katara, Joint Director of Information, Pradeshik Mahiti kacheri Surat ..

  5. ketan yajnik said,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment