તમને સમય નથી – બાપુભાઈ ગઢવી
તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !
વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી !
રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !
હું ઈન્તજારમાં ને તમે હો વિચારમાં,
એ પણ છે શરૂઆત, કૈં આખર-પ્રલય નથી !
એવું નથી કે એળે ગઈ મારી ઝંખના
એવું નથી કે સાવ તમારે હૃદય નથી !
– બાપુભાઈ ગઢવી
મનહર ઉધાસના કંઠે હજાર વાર સાંભળેલી આ ગઝલ બાપુભાઈની છે એ વાત અનિલ ચાવડાએ ફેસબુક પર આ રચના મૂકી ત્યારે જ જાણી… ગઝલ આખી જ અદભુત થઈ છે પણ મત્લા તો ગુજરાતી ગઝલના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ મત્લાઓમાં અગ્રેસર સ્થાન પામે એવો મજબૂત થયો છે…
Lalit Trivedi said,
September 28, 2018 @ 3:30 AM
અદભુત
praheladbhai prajapati said,
September 28, 2018 @ 9:27 PM
સરસ બિયુતિફુલ્
Neekita said,
September 29, 2018 @ 4:26 AM
Please post information about the name of the book by Bapubhai Gadhvi. Also, please share some of his more memorable poetries :
ફરી ચાલ, નખને અણી કાઢીએ;
ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ ?
શરત આવવાની હો તારી અગર;
બધાં પાન વનનાં ગણી કાઢીએ !
બધી કોર તારી પ્રતીક્ષા કરી;
હવે દોટ કોના ભણી કાઢીએ ?
તને કેવી રીતે ભૂલી જાઈએ ?
કઈ પેર પગની કણી કાઢીએ ?
ઈ તો આપમેળે ઊગે-પાંગરે;
ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ ?