દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.
– સંજુ વાળા

ફૂલ-કથા – મણિલાલ હ પટેલ

(દોહરા)

ફૂલમાં ઊઘડે આભલું ફૂલમાં ચૌદે લોક
ફૂલ વગરના આંગણે જીવ્યું જીવતર ફોક

ફૂલમાં પગલાં દેવનાં ફૂલમાં પ્રીતમ વાસ
ફૂલ અમારી એષણા ફૂલ અમારા શ્વાસ

નભમાં જેવા તારલા એવાં વેણી-ફૂલ
પાંપણ-આંસુ-તોરણો મૂલ એનાં અણમૂલ

ફૂલથી માટી મહેકતી ફૂલથી મહેકે પ્રીત
મહેકી મહેકી મટી જવું એની નોખી રીત

ફૂલને ના કોઈ કુળ છે એને કેવળ મૂળ
એ ચાહે આકાશને પણ ના ભૂલે મૂળ

માટી એને આપતી જાતજાતના રંગ
મળતો ફૂલને એટલે પતંગિયાનો સંગ

ફૂલને કાંટા હોય છે હોય ઘણાં સુખદુઃખ
ટગટગ હસતાં ફૂલ તો શૂળને માને સુખ

ફૂલ નેહનું નામ છે ફોરમને ના રોક
પડદે ઢાંક્યું નહીં રહે એમાં સૂતું કોક

– મણિલાલ હ પટેલ

સામાન્ય ઘરેડમાં વહ્યા કરતી કવિતાઓની ભરમારની વચ્ચે ક્યારેક આવી સાવ અલગ રચના હાથ જડી આવે તો આખો દિવસ મઘમઘ થઈ ગયો હોવાનું અનુભવાય. ફૂલની વાત છે. આપણા કોઈથી કશું અજાણ્યું નથી, પણ કવિ કેવી રીતે ફૂલની એક-એક પાંખડી ઊઘાડીને રસરંગથાળ સજાવે છે એની જ મજા છે. ફરી-ફરીને માણ્યા કરવાનું મન થાય એવી ખુશબૂદાર રચના…

3 Comments »

  1. Chitralekha Majmudar said,

    October 26, 2018 @ 5:07 AM

    The nice soft poem on flowers leaves its own fragrance behind. Very good poem. Thanks .

  2. SARYU PARIKH said,

    October 26, 2018 @ 10:34 AM

    વાહ! મારો મનગમતો વિષય અને ફૂલ મઢેલી રચના.
    સરયૂ પરીખ

  3. suresh shah said,

    October 26, 2018 @ 9:54 PM

    મારી વેણીમાં ચાર ચાર ફૂલ ….

    તમારા અહિં આજ પગલા થવાના, ફૂલોની યે નીચી નજર થઈ ગયી છે….

    ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં ….

    ભમરો વાત વહે ગુંજનમા ….

    જાણે ફૂલ અને કવિ જોડાયેલા છે.

    આસ્વાદ કરાવવા બદલ આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment