‘અહાહા’, ‘વાહ’, ‘દોબારા’, અને ‘ક્યા-બાત’ વાગે છે,
ગઝલને દાદ રૂપે ફેંકો એ ખેરાત વાગે છે.
– જુગલ દરજી

(મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ) – અનિલ ચાવડા

મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ
ઠૂંઠવાતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડી ચાદર કે વહાલ?

ક્યારની કરું છું એવી રે અટકળ કે
મહેક્યા છે પુષ્પો કે શ્વાસ?
સહેજ કરી આંખો જ્યાં બંધ અમે ત્યાં તો
સાવ નાનકડું લાગ્યું આકાશ
ગાલ ઉપર ફરતું’તું પીંછું કે પીંછા પર ફરતા’તા ગાલ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ

ક્યારે આવીને તમે પ્રગટાવી દીધો રે
છાતીના કોડિયામાં દીવો,
શરબતની જેમ મારા હોઠ લગી આવીને
હળવેથી બોલ્યા કે ‘પીઓ!’
શરમે રતુંબડા છે ગાલ થયા મારા કે ઊડ્યો છે સઘળે ગુલાલ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ.

– અનિલ ચાવડા

રમતિયાળ સ્વયંસ્પષ્ટ સ્વયંસિદ્ધ ગીત… પ્રણયની તાજા અનુભૂતિ…

6 Comments »

  1. G K Mandani said,

    October 5, 2018 @ 4:15 AM

    ‘Pio!’…Gio …!

  2. Dr Dharmesh Bhadja said,

    October 5, 2018 @ 4:26 AM

    અનિલ એટલે અનિલ
    અદ્ભુત
    સહજ … જાને કે તાજો બનવેલો ઘીનો શિરો… સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ કે ક્યારે ગીત ગવાઇ ગયુ.
    ખુબ સરસ…

  3. Bharat vaghela said,

    October 5, 2018 @ 8:09 AM

    વાહ …..

  4. SARYU PARIKH said,

    October 5, 2018 @ 10:44 AM

    રસભરી રચના. ગમી ગઈ.
    સરયૂ પરીખ

  5. નટવર મહેતા said,

    October 5, 2018 @ 4:38 PM

    વહાલ… વહાલ.. કમાલ કમાલ..

  6. La Kant Thakkar said,

    October 6, 2018 @ 4:25 AM

    “મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ.”
    આ આકસ્મિકતાનું તત્ત્વ જ “પ્રેમ” ?!
    અચાનક બને, સહસા બને, કારણ ન જડે કેમ?
    ક્યારે ? જે પહેલી નઝરે થઇ જતો, સહજ પ્રેમ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment