જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ગુપ્ત છે……- અનંત રાઠોડ ‘અનંત’

મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે
ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે

છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર
સંધાઈ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે

થડની અબોલ ચીસ કુહાડીએ સાંભળી
પણ ધાર જાણતી બધું હાથાથી ગુપ્ત છે

ઉંબર, દીવાલ, દ્વાર બધા મૌન થઇ ગયાં
ખાલીપણું મકાનનું વાડાથી ગુપ્ત છે

ગૂંજ્યા કરે મહેલમાં પગરવ હજુ “પ્રણય”
અંદર પ્રવેશ્યું કોણ એ ઝાંપાથી ગુપ્ત છે

– અનંત રાઠોડ ‘અનંત’

Comments (1)

તણાતું – બાઓ ફી (અનુ.: વિવેક મનહર ટેલર)

અમેરિકા મોકલવા માટે ચીનમાં બનાવાયેલ રબરના બતકોથી ભરેલું એક શિપિંગ કન્ટેનર ૧૯૯૨ની સાલમાં પાણીમાં તણાઈ ગયું, અને એમાંના કેટલાક ૧૫ વર્ષ અને ૧૭૦૦૦ માઇલની મુસાફરી કરીને કિનારે ઘસડાઈ આવ્યાં.

ચાલો આગળ વધીએ અને ધારી લઈએ કે એ પીળું છે.
જે થોડું ઘણું પણ વિજ્ઞાન હું જાણું છું એ મુજબ:
એની પ્લાસ્ટિકની ત્વચા ખારાં પાણીની સામે અપરાજેય છે,
પણ સૂર્ય સામે નહીં-
આપણે માત્ર આટલું જ પૂછી શકીએ.
એ ઝાંખી પડશે કે તપખીરી?
હું એમ કહેવા માંગું છું કે
મારે આમાંથી એક જોઈએ છે
મારી દીકરી માટે:
એની આંતરિક ઘડિયાળ સદીઓથી અનુમાનિત રહેલ પ્રવાહોની
દયા પર નિર્ભર છે,
પણ દયા કંઈ એ શબ્દ નથી જે કોઈપણ
પ્રયોજવું પસંદ કરે.
ક્યારેક બેમતલબની વાત કરવી અને તણાવું
એકસમાન હોય છે.
દરેક મોજું એનો પોતાનો પ્રારંભ અને અંત છે.
આંતરરાષ્ટ્રીય પાણીઓમાં થઈને,
તમે કોઈક ઘટનાને જન્મ આપ્યો હોત:
કોઈ તમને જાણતું નથી,
જે હાથોએ તમારી કામના કરી હતી એમના સુધી કદી પહોંચ્યા નહીં.
નઠોર દેશાગત, કે
મુક્ત નિર્વાસિત-
તરતાં ધજાહીન,
સરહદ ભૂંસતાં,
શબ્દોનો સિક્કો તો લાગ્યો છે પણ તમારા નામનો નહીં.

– બાઓ ફી
(અનુ.: વિવેક મનહર ટેલર)

પોતે જે જમીન પર જન્મ્યાં છે, એ જમીન, એ ઘર, એ સમાજ, એ સંબંધો છોડીને-તોડીને બિલકુલ અણજાણ ભોમ પર જીવન વીતાવવા નીકળેલ માણસ કેટલો મોટો નિર્ણય લે છે! ‘છે’ની દુનિયા ત્યજીને ‘હશે’ની દુનિયામાં કૂદકો હિંમતના કે મજબૂરીના પેરાશૂટ વિના મારવો દોહ્યલો છે. બીજી ભૂમિ પર ઝંડો ગાડવા માટે પ્રથમ જાતના ઝંડા છોડવા જરૂરી બને છે. ધજાહીન થયા પછી જ સરહદહીનતામાં પ્રવેશી શકાય છે. અમેરિકન-વિએટનામી કવિ બાઓ ફી નિર્વાસિતો-દેશાગતોની યાત્રાનું ગાન ગાઈ રહ્યા છે… સાંભળીએ…

કવિતાના વિશદ આસ્વાદ માટે ટહુકો ડૉટ કોમ – http://tahuko.com/?p=17710 – ની મુલાકાત લેવા નમ્ર અનુરોધ છે…

Adrift

A shipping container of rubber duckies made in China for the US washed overboard in 1992, and some of them traveled and washed ashore over 17,000 miles over 15 years.

Let’s go ahead and assume it’s yellow.
What little of science I know:
its plastic skin invincible against salt water,
but not the sun–
we can only ask so much.
Will it fade or brown?
What I mean to say is
I would want one of these
for my daughter:
its internal clock set to the mercy of the currents
that have been predictable for centuries,
but mercy is not the word anyone
would choose.
Sometimes not making sense and floating
are the same.
Each wave is its own beginning and ending.
Through international waters,
you could have caused an incident:
no one knowing you,
never reaching the hands that hoped for you.
Rough immigrant, or
free refugee–
floating flagless,
fading border,
stamped with words but not your name.

– Bao Phi

Comments

(થાય ના) – જુગલ દરજી

હું જે ધારું કોઈ દિવસ થાય ના?
દર્દ ચારેકોરથી વહેરાય ના?

દમ હજી દરિયામાં ક્યાં છે એટલો!
તું ડૂબાડી દે તો કંઈ કહેવાય ના.

નગ્ન ઊભું છે યુગોથી એ અહીં,
સત્ય કોઈ વસ્ત્રથી ઢંકાય ના.

કેટલા સાચા છે એ પડશે ખબર,
આયનાની સામે રાખો આયના.

બૂટની દોરીની જેમ જ જિંદગી,
એક ગાંઠે કોઈથી બંધાય ના.

– જુગલ દરજી

ઘેરી અર્થચ્છાયાઓથી ભરેલી ગઝલ. મત્લાની પ્રથમ કડી વાંચતાં એમ લાગે કે કવિ દુનિયાથી સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ હશે, જેને પોતે જે ધારે એ બધું જ થાય એવી અપેક્ષા છે પણ ભાવકની અપેક્ષાને ખોટી ન પાડે તો વળી કવિ શાનો? બીજી પંક્તિ વાંચતા જ હૈયામાં ઘસરકો પડતો અનુભવાય છે. દર્દ જીવનમાં એ હદે આવી પડ્યું છે કે એનાથી છૂટકારો જ શક્ય નથી. કવિ માત્ર એટલું જ ઝંખે છે કે ચારે તરફથી બસ થોડું થોડું એને વહેરી નાંખી શકાય તો કમ સે કમ એની ધાર તો ભોંકાતી બંધ થાય…

Comments

(સારથી હું) – રેખા જોશી

નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથી હું.

ખભો કોઈનો આજ સુધી નથી હું,
બની ના શકાયું સદીઓ, મથી હું.

દશા પણ, દિશા પણ બધું હાથમાં છે,
નથી માનતી ભાગ્યમાં જ્યારથી હું.

ગમ્યું છે બધુ ને ગમાડ્યાં છે સૌને,
બની ગઈ બધાની કહો, ક્યારથી હું?

તરસ પણ નથી ઝાંઝવાની હવે તો
સભર છું અને મુક્ત સૌ ભારથી હું.

– રેખા જોશી

એકદમ સહજ ભાવથી લખાયેલી અને તરત જ ગમી જાય એવી મજાની ગઝલ. લગભગ બધા જ શેર આસ્વાદ્ય થયા છે. પણ કાફિયા-રદીફનો આટલો સ-રસ વિનિયોગ, જે ભાગ્યે જ જોવા મળે છે, એ વધુ ધ્યાન આકર્ષિત કરે છે.

Comments (6)

સુખ તો એવું લાગતું…..- દિલીપ જોશી

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?

આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત

પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
પથરાયો પગરવ

લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

  • દિલીપ જોશી

Comments (1)

માંડ રે મળી છે….- હરીન્દ્ર દવે

માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ
આમ અળગો અળગો તે શીદ ચાલે,
આંકડિયા ભીડી લે લજ્જાળા છેલ !
ભલે એકલદોકલ કોક ભાળે…

મૈયરનો મારગડો મેલી દીધો છે હવે
મોકળું મૂકીને મન ફરીએ,
આંખનો હિલોળે ઝૂલી લઇએ વ્હાલમ,
થોડું નેહના નવાણ મહીં તરીએ…

સાંજ ક્યાં નમી છે ? હજી આટલી ઉતાવળ શું ?
વેળ થ્યે લપાઈ જાશું માળે…

હમણા વંકાશે વાટ સાસરિયે જાવાની
થંભી જશે થનગનતી પાની,
નીચાં ઢાળીને નેણ ચાલીશું રાજ
અમે લાજ રે કાઢીશું વ્હેતા વા’ની;

મોકો મળે તો જરા ગોઠડી કરશું
ચોરી છૂપીથી આંખડીના ચાળે…

  • હરીન્દ્ર દવે

સિદ્ધહસ્ત કલમની સિદ્ધહસ્ત કલમની તાકાત એકીનજરે પારખી જવાય….ગણગણતા જ રહીએ આ ગીત એવું મન થાય….

Comments (3)

વૈશાખી બપોર – કિશોર બારોટ

ગોફણ ગોળે આગ વછૂટે, કેર વરસતો કાળો,
તાંડવ ખેલે સૂરજ જાણે, જોગી ઝાળ જટાળો.

કલરવને તો સૂનમૂનતાનો ગયો આભડી એરુ,
તરસ બ્હાવરી હવા શોધતી જળનું ક્યાંય પગેરું ?
ધીંગી ધરતી તપતી જાણે ધગધગતો ઢેખાળો,
તાંડવ ખેલે સૂરજ જાણે જોગી ઝાળ જટાળો.

પંડ ઠેઠે પડછાયો ઘાલી ઊભા નીમાણાં ઝાડ,
મુઠ્ઠી છાંયો વેરે તોયે વહાલો લાગ તાડ.
સઘળું સુક્કું જોઇ લહેરથી મહોર્યો છે ગરમાળો.
તાંડવ ખેલે સૂરજ જાણે, જોગી ઝાળ જટાળો.

ઊભે વગડે હમચી ખૂંદે તડકાના તોખાર,
સ્તબ્ધ અવાચક સચરાચર પર સન્નાટાનો ભાર,
ઘાંઘો થઇને પવન દોડતો થઇને ડમ્મરીયાળો
તાંડવ ખેલે સૂરજ જાણે જોગી ઝાળ જટાળો.

– કિશોર બારોટ

વડોદરા સ્થાયી થયેલ નિવૃત્ત શિક્ષક શ્રી કિશોર બારોટ ‘આઠે પહોર આનંદ’ નામક ગીત-ગઝલ સંગ્રહ લઈ ઉપસ્થિત થયા છે… લયસ્તરોના આંગણે એમનું સહર્ષ સહૃદય સ્વાગત છે…

ઉનાળાની બળબળતી વૈશાખી બપોરને તાદૃશ કરતું મજાનું ગીત આજે માણીએ…

Comments (8)

માધવનું નામ… – ભગવતીકુમાર શર્મા

વીજળીના ચમકારે છાતીના છૂંદણામાં રાધાએ જોઈ લીધું માધવનું નામ…
બાથમાં સમાવી લેવા રાધાને રોમરોમ હેઠું ઝૂક્યું આ સ્હેજ આભ ઘનશ્યામ…

મોરલીમાં સાંભળ્યાનાં સ્ત્રોવર લહેરાય
જેમ અમરાઈ કોયલને ટહુકે;
સ્પર્શી સ્પર્શીને પવન પૂછે છે રાધાને,
‘તારી સુગંધ સ્હેજ લઉં કે?’
ઝૂક્યા કદંબની ડાળીએ ડાળીએ વાદળનાં ગીત મળ્યાં ટોળે અભિરામ…

કોરાં હતાં તે ફૂલી ફાળકો થયાં
ને ઝીણી ઝરમરમાં બાર મેઘ છાયા;
કોરી તે કેમ રહે રાધા કે કાળજડે
ગોવર્ધનધારી સમાયા.
ગોરી રાધાને અંગ અંધારી રાતડીએ છૂંદણાંમાં ઝૂમતું ગોકુળિયું ગામ…

– ભગવતીકુમાર શર્મા
(૧૨-૦૬-૧૯૭૦)

આવું અદભુત ગીત આજ સુધી લયસ્તરો કે ઇન્ટરનેટ પર ક્યાંય આવ્યું જ નહીં?!

Comments (3)

(વચ્ચે) – શબનમ

અજવાળા અંધારા વચ્ચે
શું જોયું ચમકારા વચ્ચે?

તારું પાક સ્મરણ હો કાયમ
પલકારા- ધબકારા વચ્ચે.

ઇચ્છાઓ જીવી ગઈ આખર
હોંકારા-પડકારા વચ્ચે!

શબ્દો સઘળા રઝળી ગયા છે
કાગળ ને હલકારા વચ્ચે!

અત્તર માફક મહેકો છો તે-
કોણ અડ્યું અંધારા વચ્ચે !

સાન સમૂળી ખોઈ બેઠા
ભ્રમણા ને ભણકારા વચ્ચે.

ઇચ્છાઓએ માળો બાંધ્યો
તસ્બીહના બે પારા વચ્ચે!

– શબનમ

ટૂંકી બહેરની ગઝલોમાં આવું મજાનું કામ ઓછું જ જોવા મળે છે. ઇચ્છાઓ વિશે વાત કરતા બે શેર છે, બંને શેર એકદમ સમાનાર્થી પણ છે, ને તે છતાંય બંને અલગ આભા જન્માવે છે. સંજોગો કોઈ પણ હોય, ઇચ્છાઓ અવિનાશી જ હોવાની. ઈશ્વરમાં ધ્યાન લગાવીને બેઠા હો કે દુનિયાના હોંકારા-પડકારાઓની વચ્ચેથી માર્ગ કાઢવાનો હોય, મન મર્કટ કદી ઇચ્છાતીત થઈ શકતું જ નથી.

Comments (12)

ઉદાસી – વિરલ દેસાઈ

કોઈ કળી શક્યું ના આ દ્વારની ઉદાસી
એને ગળી ગઈ છે ઘરબારની ઉદાસી

ઉંચા વિચાર,શેરો ને ફિલસૂફી જીવનની
કંઈ કેટલું દઈ ગઈ પળવારની ઉદાસી

જુદી-જુદી કરી છે મારી સરળતા માટે
અજવાસની ઉદાસી,અંધારની ઉદાસી

આખું જગત બનાવી હેરાન થઈ ગયો છે
કેવી વિશાળ મળશે કરતારની ઉદાસી

અવસરના જોશ કરતાં એ હોય છે વધારે
અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી

  • વિરલ દેસાઈ

કવિનો ઝાઝો પરિચય નથી, પણ વાતમાં દમ છે…..

Comments (6)

રેઇનકોટ – અદા લિમોન (અનુ.: વિવેક મનહર ટેલર)

જ્યારે ડોક્ટરે સર્જરી કરાવવાનું
અને મારી તરુણાવસ્થા માટે બ્રેસ પહેરવાનું સૂચવ્યું,
મારા મા-બાપ તરત જ હડી કાઢતાં મને લઈ ગયા
માલિશ ચિકિત્સક પાસે, ફિઝિયોથેરાપીસ્ટ પાસે,
હાડવૈદ પાસે, અને જલ્દી જ મારી વાંકી કરોડરજ્જુ
થોડી સીધી થઈ, હું ફરી શ્વાસ લઈ શકતી હતી,
અને વધુ હરીફરી શકતી હતી દર્દના વાદળ છટી ગયા બાદના
શરીરમાં. મિડલ ટુ રોક રોડ પર થઈને ફિઝિયોથેરાપી માટે જતી અને
આવતી વેળાની પોણા કલાકની સમગ્ર મુસાફરી દરમિયાન
મારી મમ્મી મને ગીતો ગાઈ સંભળાવવા કહેતી.
એ કહેતી, મારો અવાજ સુદ્ધાં પછી તો મારી કરોડરજ્જુની
ચુંગાલમાંથી મુક્ત થયેલો લાગતો. એટલે, હું તો બસ ગાયે જ રાખતી,
કેમ કે મને લાગતું કે એ એને ગમતું હતું. મેં એને કદી પૂછ્યું જ નહોતું
કે મને લઈ જવા-આવવા માટે એણે શું છોડવું પડ્યું હતું,
કે આ નવી દિનચર્યા પહેલાં એનો દિવસ કેવો હતો. આજે,
એની ઉમરે પહોંચીને, કરોડરજ્જુની વળી એક એપૉઇન્ટમેન્ટથી પરવારીને
હું ઘર તરફ ડ્રાઇવ કરી રહી હતી, રેડિયો પર વાગી રહેલા
કો’ક ગાંડાઘેલા પણ મજાના ગીતના સૂરમાં સૂર પુરાવતી,
અને મેં એક માને એનો રેઇનકોટ ઉતારતી
અને એની નાનકી દીકરીને આપતી જોઈ જ્યારે
ઢળતી બપોરે એક ઝાપટું અચાનક આવી ચડ્યું. હે ભગવાન,
મેં વિચાર્યું, જિંદગીભર હું એના રેઇનકોટની
અંદર જ હતી, એમ વિચારતી કે કોઈક ચમત્કાર જ હશે
કે હું કદી ભીની જ ન થઈ.

– અદા લિમોન
(અનુ.: વિવેક મનહર ટેલર)

મા-બાપ અને સંતાન. એક એવો સંબંધ જેને માપવા માટે દુનિયાની તમામ ફૂટપટ્ટી વામણી જ સાબિત થાય. એમાંય મા તો સર્વોત્તમ. દુનિયાની ગરીબમાં ગરીબ મા પણ સંતાનને પ્રેમ કરવામાં દુનિયાના અમીરમાં અમીર માણસથી વધુ અમીર હોય છે. બાળકની ખૂબીઓ જોવા માટેના ચશ્માં ઈશ્વરે માત્ર માને જ આપ્યા હોય છે. મા વિશેની એક અદભુત કવિતા લઈને ગ્લૉબલ કવિતામાં આજે કેલિફૉર્નિયાના કવયિત્રી અદા લિમોન ઉપસ્થિત છે…

રચનાની વિશદ છણાવટ માટે અહીં ક્લિક કરવા અનુરોધ છે…

The Raincoat

When the doctor suggested surgery
and a brace for all my youngest years,
my parents scrambled to take me
to massage therapy, deep tissue work,
osteopathy, and soon my crooked spine
unspooled a bit, I could breathe again,
and move more in a body unclouded
by pain. My mom would tell me to sing
songs to her the whole forty-five minute
drive to Middle Two Rock Road and forty-
five minutes back from physical therapy.
She’d say, even my voice sounded unfettered
by my spine afterward. So I sang and sang,
because I thought she liked it. I never
asked her what she gave up to drive me,
or how her day was before this chore. Today,
at her age, I was driving myself home from yet
another spine appointment, singing along
to some maudlin but solid song on the radio,
and I saw a mom take her raincoat off
and give it to her young daughter when
a storm took over the afternoon. My god,
I thought, my whole life I’ve been under her
raincoat thinking it was somehow a marvel
that I never got wet

– Ada Limón

Comments (1)

त्रिपदी – मिलिन्द गढवी

आज भी पार जा नहीं सकता,
आज भी तैरना नहीं आता।
सोच में रोज़ डूब जाता हूँ…

– मिलिन्द गढवी

ત્રણ જ પંક્તિ પણ કેવું ઉમદા કવિકર્મ! ત્રિપદીની પહેલી બંને પંક્તિની શરૂઆતમાં આવતું ‘આજ ભી’ ન માત્ર ‘નહીં’ને દોહરાવે છે, બલકે દ્વિગુણિત કરે છે. નાની અમથી લાગતી વાત માત્ર રજૂઆતના બળે કેવી મજાની બની શકે છે એનું ઉત્તમ ઉદાહરણ છે આ… કવિતા તો સ્વયંસિદ્ધ છે એટલે એના વિશે કંઈ બોલવાનું રહેતું નથી…

Comments (2)

મુક્ત કર – દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

જીતમાંથી, હારમાંથી મુક્ત કર,
ઘટ્ટ ઘન અંધારમાંથી મુક્ત કર.

કામ લાયક હોઉં નહિ હું સ્હેજ પણ,
તો હવે સંસારમાંથી મુક્ત કર.

આપ ગમતીલો કોઈ આકાર તું,
યા બધા આકારમાંથી મુક્ત કર.

ભાર આપી દે હિમાલય જેવડો,
પણ મને આ-ભારમાંથી મુક્ત કર.

છીનવી લેવી જો ફોરમ હોય તો,
ફૂલના અવતારમાંથી મુક્ત કર.

– દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

જીવનભર આપણે દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે જીતવા માટે મથતાં રહીએ છીએ. હાર ન સહી શકવાની પીડા અને જીતવા માટેનું ઝનૂન આપણામાંથી મોટાભાગનાંઓપ માટે જીવનપિયૂષ બની રહે છે. પણ કવયિત્રી ગઝલના મત્લામાં બહુ અદભુત વાત કરે છે… એ ન માત્ર હારમાંથી, જીતમાંથી પણ મુક્તિ પ્રાર્થે છે. જીત અને હારની પળોજણમાંથી મુક્ત થઈ જવાય એ ઘડી ઘટ્ટ ઘન અંધકારમાંથી આઝાદ થઈ શાશ્વત પ્રકાશ પામવાની ઘડી છે. કેવી અદભુત આરત!

Comments (6)

‘ચી…’ – અનિલ ચાવડા

સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

મને થયું કે લાવ હવાના
કાગળ પર કંઈ ચીતરું
ધોયેલા કપડા નીતરે છે
એ રીતે હું નીતરું
માંડ મૌનના ગુલમ્હોરોમાં થ્યો’તો મ્હોરું મ્હોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

એક પડ્યું ટીપું ત્યાં
આખો દરિયો કાં ડહોળાય?
સમજી સમજી થાક્યો તોયે
કશું જ ના સમજાય
અણસમજણની શગને હું શંકોરું ના શકોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું

– અનિલ ચાવડા

Comments (1)

….તું ભરતી ને હું ઓટ – મુકેશ જોશી

તું ભરતી ને હું ઓટ
મને ગમે ભીતર વળવું તું બહાર મુકે છે દોટ

આલિંગનનો લઇ હરખ તું ઠેઠ કિનારે જાય
મારી બુમે લહેરો પાછી ઘરમાં આવી ન્હાય
તું ઉછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો
મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો
જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ .. તું ભરતી ને હું ઓટ

શીત ચાંદની નર્તન કરતી કેવળ તારા રાગે
મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે
તારી પાસે જોશ જવાની જાદુ જલસા મંતર
મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર
મારે મંદી તારા ભાયગમાં પણ કાળી ચોટ ….તું ભરતી ને હું ઓટ

-મુકેશ જોશી

સિદ્ધહસ્ત કવિ…..બહુ ઓછા કવિ ગીતના ક્ષેત્રે આટલું અદભૂત ખેડાણ કરે છે આજે…..

Comments (3)

(હોડી છે) – હર્ષા દવે

મૃગતૃષ્ણા ધરાર દોડી છે!
ઝાંઝવાંની દશા કફોડી છે!

ફૂલ પાસે રૂઆબ ઝાકળનો,
સૂર્યના હાથમાં હથોડી છે!

સામસામે કિનારે હું ને તું,
આંખ દરિયો ને સ્વપ્ન હોડી છે!

ઓગળે દેહ ના અમસ્તો કંઈ,
શ્વાસ નક્કી અગનપિછોડી છે!

મોતને આપવા જીવન પાસે,
જાતની એક ફુટલી કોડી છે!

– હર્ષા દવે

સાદ્યંત સુંદર રચના….

Comments (5)

મોસમ આવી છે સવા લાખની – ઉષા ઉપાધ્યાય

મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…

વાદળ વરસે ને કહે
ઘરમાં તું કેમ છે?
વાયરો વહે ને કહે
ઉડવું હેમખેમ છે?
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…

ભીડેલાં બારણાંની
કેવી આ ભીંસ છે!,
ટહુકામાં ઓગળતી
મૂંગી આ રીસ છે,
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…

– ઉષા ઉપાધ્યાય

ગીતનું મુખડું વાંચતાં જ ‘તેરી દો ટકિયા કી નૌકરી મેં મેરા લાખોં કા સાવન જાય રે’ કહી મનોજકુમારને લોભાવતી ઝિન્નત અમાન નજર સામે આવી જાય.આ મુખડું પણ કંઈક એવી જ વાત કરતું હોવા છતાં એટલું બળકટ બન્યું છે કે સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય… પરંપરાગત ગીતોમાં જોવા મળતી ક્રોસલાઇન અહીં હાજર ન હોવા છતાં સાવ ટૂંકુ ને ટચરક આ ગીત આપણને સરાબોળ ભીંજવી જાય એવું છે….

Comments (2)

(લુચ્ચાઈ ન હો) – મેહુલ પટેલ ‘ઈશ’

શાયરીમાં કોઈ સચ્ચાઈ ન હો,
મારા હાથે એવી લુચ્ચાઈ ન હો.

મારા કાવ્યો માત્ર મારાં હો, પ્રભુ!
ભૂલથી પણ કોઈની પરછાઈ ન હો.

જા, તને આપું છું એવી બદદુઆ-
મંદિરે પહોંચે અને સાંઈ ન હો.

એમ મમળાવું છું મારી ગઝલોને,
જાણે મનહરભાઈએ ગાઈ ન હો!

-મેહુલ પટેલ ‘ઈશ’

સરળ ભાષા પણ વાત કેવી મજાની! આટલી પ્રામાણિકતા હોય તો જ સાચી કવિતા વરમાળા પહેરાવે…

Comments (2)

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે – રમેશ પારેખ

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે સૂર્ય સાંખી લેશે મારું ઊગવું
શીશ હું ઉંચકીશ તો આકાશ
બેઅદબી કે ગુનો નહીં ગણે….

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-
ડારા નહીં દ્યે,
બોજ મારી મ્હેકનો તો
સ્હેજ પણ એને નહીં લાગે.

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે પછી હું થાકું ને ટપ દઈને ખરું
તો ધૂળ
એની વ્હાલસોયી ગોદમાં
ક્યારે ય ખરવાની મનાઈ નહીં કરે….

-રમેશ પારેખ

ફૂલ……બાળક……

Comments (4)

અથનું ઈતિ – ઈશ્વરચંદ્ર ભટ્ટ

(શિખરિણી)

પ્રિયે લગ્ને કીધો કર ગ્રહણ મેં કંકણ સજ્યો,
મળી દૃષ્ટોદૃષ્ટે અતળ ઉરમાં સ્પંદન ભળ્યું.
કુંવારો ને તાજો પરશ નરવો હૂંફ ભરતો,
ટળી મુગ્ધાવસ્થા મદનસરમાં મગ્ન સઘળું.

ભળી ગૈ આનંદે શ્વસુરગૃહમાં સ્વસ્થ મનથી
ન માગ્યા કે પામી વિભવ જગનાં, રંક ઘરમાં-
સ્વીકાર્યો સેવાનો વિકટ અવળો પંથ જગમાં.
નદીમાં ઉગેલી, સમદર જળે સ્વાસ ભરતી,

વસી સૌના હૈયે સરળ મનથી વર્તન કરી,
હજી તારી યાદી મનમહકતી સદગત પ્રિયે!
સ્મિતે આંજ્યાં તેણે પતિગૃહ વસી, હસ્ત ગ્રહતી,
ચઢી સ્વામીસ્કંધે, નિમીલિત દૃગે ગૈ તું નિસરી.

ચિતાભસ્મે પેખી અવનવી કશી ચીજ ગરવી,
સ્મશાનાગ્નિ સૌમ્યે ભસમ ન કર્યાં કંકણ સખી.

-ઈશ્વરચંદ્ર ભટ્ટ

એકાધિક કાવ્યસંગ્રહો, નિબંધો, પ્રવાસપત્રો, એકાંકી, ત્રિઅંકી જેવા એક ડઝનથીય વધુ પુસ્તકો આપનાર વલસાડના સર્જક શ્રી ઈશ્વરચંદ્ર ભટ્ટના નામથી આપણે લગભગ અપરિચિત છીએ. ‘સુદામો ૫૧મો’ જેવું અટપટું ઉપનામ ધરાવનાર આ કવિના સૉનેટસંગ્રહ ‘મધુસ્યંદ’ (૧૯૯૨), જેની પ્રસ્તાવના મકરંદ દવે અને ઉશનસ્ જેવા સમર્થ કવિઓએ એ લખી છે તથા કે. કા. શાસ્ત્રી, રાજેન્દ્ર શાહ, જયન્ત પાઠક અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સાક્ષરોએ જેના વિશે અભિપ્રાય લખી આપ્યા છે એમાંથી એક સૉનેટ અહીં રજૂ કરીએ છીએ.

‘મધુસ્યંદ’ એટલે મધનો પ્રવાહ… મધુર ઝરણ… સદગત પત્નીના સ્મરણમાં કવિએ ૫૮ જેટલા સૉનેટ રચ્યા છે, જેમાં નારીજીવનના રજોનિવૃત્તિ સહિતના લગભગ તમામ પાસાંઓ કવિએ આવરી લીધાં છે. ઉચ્ચ કવિત્વનો અભાવ છતાં આ સૉનેટસંગ્રહ આપની ભાષામાં પોતાનું આગવું સ્થાન સર્જે છે. અહીં ગરીબ ઘરમાં પરણીને આવતી અને સહુની સેવાનો વિકટ પંથ હસતે મોંએ સ્વીકારીને મૃત્યુ પામીને પતિના ખભે ચડીને સ્મશાન જતી પત્નીની લગ્નથી મરણની જીવનયાત્રા અને જે કંકણ પહેરીને એ પતિગૃહે આવી હતી, એ કંકણ મૃત્યુ બાદ સ્મશાનનો ‘સૌમ્ય’ અગ્નિ પણ ભસ્મ કરી શક્યો ન હોવાની વાતથી કવિ પત્નીના સ્મરણ કેવાં અવિનાશી છે એની વાત બખૂબી કરે છે. પત્નીની યાદને ખાખ ન કરી શકનાર અગ્નિને સૌમ્ય વિશેષણ અપાયું છે એમાં ખરું કવિકર્મ નજરે ચડે છે..

Comments (3)

પાદરની કેડી – જગદીશ ધનેશ્વર ભટ્ટ

સાવ સૂની પાદરની કેડી
કોઈ મળે ના સંગી-સાથી, કોઈ લિયે ના તેડી
સાવ સૂની પાદરની કેડી.

આગળ વધવું એ જ આરદા કોઈ શકે ના રોકી,
અટવાતાં અંધારાં ભેદી નજર રહી અવલોકી,
વીજ તણા ચમકારે હળવે ભવની ભાવટ ફેડી,
સાવ સૂની પાદરની કેડી.

આંખ ઊઘડતાં જોયા આગળ અજવાળાંના ડેરા,
સાસ-ઉસાંસે ખરતા દીઠા જનમ જનમના ફેરા,
રોમ રોમ જાગે અરમાને, પગની તૂટી બેડી,
સાવ સૂની પાદરની કેડી

કોઈ મળે ના સંગી-સાથી, કોઈ લિયે ના તેડી
સાવ સૂની પાદરની કેડી.

– જગદીશ ધનેશ્વર ભટ્ટ

રવીન્દ્રનાથની ‘तबे एकला चलो रे’ તરત યાદ આવી જાય એવું ગીત. જિંદગીની આ રાહમાં કોઈ સાથી કે તેડી લે એવો સહારો નથી, આ સફર સૌએ એકલા જ કાપવાની છે. આગળ વધવું એ જ એકમાત્ર પ્રાર્થના હોય તો નજર અંધારાં પણ ભેદી શકે છે ને ગંગાસતીની જેમ વીજળીના ચમકારે ભવની ભાવટના મોતી પણ પરોવી શકાય છે. આંતર્ચક્ષુ ખૂલી જાય એ ઘડી પ્રકાશના સાક્ષાત્કારની અને ચોર્યાસી લાખ ફેરાની માયાજાળની બેડીઓ તૂટવાની ઘડી છે.

(આરદા= પ્રાર્થના; ભાવટ=પંચાત, જંજાળ)

Comments (1)

(કોઈ) – ભાવિન ગોપાણી

આ કોરી વાવનાં તળિયે અડી ગયું છે કોઈ
અડીને પાછું પગથિયાં ચડી ગયું છે કોઈ

આ માત્ર વાત નથી ફૂલની કે ચિઠ્ઠીની
કિતાબમાં જ રહીને સડી ગયું છે કોઈ

ઊઠીને બારી ઉઘાડી તેં સૂર્ય જોયો ને
સવારનેય સવારે જડી ગયું છે કોઈ

છે શક્યતા કે ફરીથી એ વૃક્ષ લીલું થાય
એ વૃક્ષ નીચે ઊભા રહી રડી ગયું છે કોઈ

હૃદયમાં એટલે હળવાશ જેવું લાગે છે
વિચારમાંથી અચાનક પડી ગયું છે કોઈ

હવે એ ઓરડો જીવી જશે ઘણાં વર્ષો
એ ઓરડામાં ઘડી બે ઘડી ગયું છે કોઈ

રહ્યો આ વાતનો અફસોસ જિંદગી આખી
મને સ્વયંથી વધારે નડી ગયું છે કોઈ

– ભાવિન ગોપાણી

આખી ગઝલ જ મજાની… બધા શેર બળકટ… વાહ!

Comments (4)

શું? – મુકેશ જોષી

પાછલા જનમની પ્રીત ભલે ફળતી એ… આવતા જનમમાં
પણ આ ભવનું શું?
પાછલા જન્મે હો ચોમાસાં, આવતા જન્મે છો દરિયા
પણ આ દવનું શું?

શ્રદ્ધાના ચોઘડિયે, ફૂલના શુકનમાં
દીવો કરીને જે કીધાં સ્તવન
ખાલીપો રોજ એના મંત્રો ઉચ્ચારે ને
એકલતાનો જ હજુ ચાલતો હવન
આચમની લઈને હું છોડું સંકલ્પ
પણ હાથમાં હોમવાના આ જવનું શું?

અમથુંય તરણું જો નાખો તો પાંગરે
એવું એ પોચી જમીન સમું મન
આ ભવમાં તરણુંયે ઊગતું નથી તો
કેમ માનવું કે ઊગશે આખો પવન
પાછલા ને આવતા ભવમાં તહેવાર પણ
ઝાંખા પડેલા આ ઉત્સવનું શું?

-મુકેશ જોષી

વિરહને શબ્દોના રૂપાળા વાઘા વધારે વસમો બનાવતા હોય છે…..પ્રિયજનનો પ્રતિસાદ નથી તે નથી, બાકી બધી વાતો મન મનાવવાની…..

Comments (1)

………અભરખા નીકળે – હર્ષ બ્રહ્મભટ્ટ

એ જ બસ વર્ષો જૂના દિલના અભરખા નીકળે,
રણ પછી જંગલ પછી તો કૈંક દરિયા નીકળે.

કોઈ નાના સ્ટેશનેથી ટ્રેન ધસમસતી જતી,
રાત આખી એટલું છેટેથી સપનાં નીકળે.

દોસ્તો, આ શ્વાસના નામે ઉચાળા ઓડના,
પોટલું છોડો તો બસ બે-ચાર વગડા નીકળે.

દૂર આકાશે અડોઅડ બારણું એનું પડે,
આપણાં સગપણ હવે કોઈ એવા ઘરનાં નીકળે.

એ ક્ષણ લાગે શ્હેર આખ્ખું ભુલકણું થઈ ગયું,
જે ક્ષણે આ શ્હેરના સંબંધ ખપના નીકળે.

બેઉ બાજુ હરપળે અડકે છે લોલકની અણી,
રાતના ઘડિયાળના આ શ્વાસ પડખા નીકળે.

કોઈ નહીં આવે હું માની આંખ મીંચી દઉં અને,
પોપચે કોઈનાં ભીનાં ભીનાં પગલાં નીકળે.
.

  • હર્ષ બ્રહ્મભટ્ટ

Comments (4)

એક વંટોળિયાળ દિવસ – એન્ડ્રૂ યંગ (અનુ.: વિવેક મનહર ટેલર)

આ પવન તમામ નિર્જીવ વસ્તુઓને સજીવ કરી દે છે,
ડાળીઓ જે હવાને ચાબુકની જેમ ફટકારે છે
અને સૂક્કાં પાન ઉતાવળે ગડથોલિયાં ખાય છે
અથવા સસલાંની બખોલમાં ઝાંકે છે
અથવા એક ઝાડને નીચે પાડવા મથે છે;
દરવાજાઓ જેઓ પવનથી ફટાક કરતાં ખૂલી જાય છે
અને ફરી પાછાં બિડાઈ થઈ જાય છે,
અને ખેતરો જેઓ છે વહેતો દરિયો,
અને ઢોર એમાં જહાજો જેવાં દેખાય છે;
ચળકતાં અને અક્કડ તણખલાં
હવા પર સૂતાં છે જાણે કે છાજલી પર ન હોય
અને તળાવ જે પોતાને ત્યાગવા માટે કૂદે છે;
અને પીંછાં પણ ઊંચે ઊઠે છે અને તરે છે,
પ્રત્યેક પીછું એક પક્ષીમાં પલટાઈ ગયું છે,
અને દોરી પર સૂકવેલ ચાદરો જે ફડફડે છે અને તણાય છે;
કંઈ કેટલાય પવનો સામે જેણે કામ આપ્યું છે,
એ તડકામાં તપીને લીલા થયેલ ડગલાને પણ,
ચાડિયો ફરીથી પહેરવા મથે છે.

– એન્ડ્રૂ યંગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

પવન સૃષ્ટિના કણ-કણને સજીવન કરી દે છે… એ ધૂળને પણ પાંખ આપે છે… પવન વિશેની આ કવિતા કવિતા નથી, નજરે જોઈ ન શકાતા પવનનો અદૃશ્ય ગ્લાસ છે, જેમાં છલોછલ જીવનરસ-ગતિરસ ભર્યો પડ્યો છે, જેને એક જ ઘૂંટડે ગટગટાવતામાં તો આપણી અંદરની તમામ શલ્યાઓ અહલ્યાઓ બનીને શ્વાસ ભરવા માંડે છે… પવનનું એક તોફાની ઝાપટું આવે અને પસાર થઈ જાય એ જ રીતે આ કવિતા આપણામાંથી પસાર થઈ જાય છે અને આપણી અંદર વેરવિખેર પડેલ અસ્તિત્વના ટુકડાઓને વાળીઝૂડીને નવો આકાર આપતી જાય છે.

A Windy Day

This wind brings all dead things to life,
Branches that lash the air like whips
And dead leaves rolling in a hurry
Or peering in rabbit’s bury
Or trying to push down a tree;
Gates that fly open to the wind
And close again behind,
And fields that are a flowing sea,
And make the cattle look like ships;
Straws glistening and stiff
Lying on air as on a shelf
And pond that leaps to leave itself;
And feathers too that rise and float,
Each feather changed into a bird,
And line-hung sheets that crack and strain;
Even the sun-greened coat,
That through so many winds has served,
The scarecrow struggles to put on again.

– Andrew Young

Comments (8)

– વળાંક – ઉદયન ઠક્કર

‘ભાઈશ્રી,
કોઈ પુસ્તક વાંચીને, સંતના સમાગમથી કે પછી ચમત્કારિક અનુભવથી જીવન બદલાઈ જાય.
તમારે આવું થયું છે? તમારા જીવનનો વળાંક કયો?
લિ. સંપાદક’

સંપાદકશ્રી,
તમે માથેરાન ગયા છો?
સ્ટેશનની બહાર ટાંપીને બેઠું હોય
એનું નામ બજાર
જૂતા પગના માપના ન હોય
તો પગ જૂતાના માપના કરી નાખે
એનું નામ બજાર
સકારામ તુકારામ પોઇંટથી શરૂ થાય
અને પૈસા ખૂટે ત્યાં પૂરું થાય
એનું નામ બજાર

લાલ માટીનો રસ્તો
બજારથી મોં ફેરવી લઈને
વગડે જાય

વગડો એટલે
સેલ્લારા લેતી સિસોટી
તડકાને ટપ ટપ ટીપતો કંસારો
જીભ કાઢીને હસતી જાસવંતી
શિખાઉ ભગવાને બનાવ્યા હોય
એવા ગલગોટા
સિંડ્રેલાની સેન્ડલ જેવું ફૂલ
જેનું નામ…ખોવાઈ ગયું છે
વગડો એટલે
ફૂલ વતી બોલતા ભમરા
સીમ વતી બોલતાં તમરાં
સદીઓથી ચુપચાપ ઊભેલા બે પહાડ
…વાતની શરૂઆત કોણ કરે?

સંપાદકશ્રી,
બજારથી વગડે જતો મારગ
મારા જીવનનો વળાંક છે

-ઉદયન ઠક્કર

સંપાદન આજકાલ મૂલ્યહીન બની ગયું છે. કોઈકના મનમાં વિચાર આવે કે મિત્રતા વિશે એક સંપાદન કરવા જેવું છે એટલે એ પત્રો દ્વારા, સોશ્યલ મિડિયા દ્વારા વાત વહેતી મૂકે કે આ વિષય પર તમારા લેખો, કવિતાઓ લખી મોકલાવો. સર્જકોમાં તરત જ પ્રેરણાનો જુવાળ આવે અને ઢગલોક લેખ-કાવ્યો સંપાદકને વિના મહેનતે ઘર બેઠાં મળી જાય. સામે ચાલીને મંગાવ્યું હોય એટલે ‘સાભાર પરત’ તો કરી ન શકાય એટલે જે આવ્યું એ બધું પ્રેસમાં પહોંચી જાય અને એક પુસ્તક બજારમાં તરતું થઈ જાય. સંપાદકના છોગામાં વળી એક પીછું ઉમેરાય. જાતમહેનત અને વિશદ સંશોધન કરવા જેટલો રસ અને સમય ભાગ્યે જ કોઈ પાસે છે. સાચો સંપાદક તો મહીસાગરમાં ઝંપલાવીને મોતી લઈ આવે છે.

ઉદયન ઠક્કર આવા સંચાલકોને એક સણસણતો તમાચો મારે છે… સલામ કવિ!

Comments (4)

પડઘા – પ્રિયવદન નૌતમરાય પાઠક

(શિખરિણી)

નથી આ કૈં કાવ્યો : નથી પ્રણયના ઓઘ ઊભરા!
વિમર્શો કૈં છે ના, ન પરિણત પ્રજ્ઞા તણી કૃતિ!!
બહુરૂપા સૃષ્ટિ સજતી નિજ સૌંદર્ય પણ ક્યાં?
તરંગોની લીલા નહિ નવીન, ના કલ્પન નવાં!

ન કે કાવ્યાભાસી સહજ પદવિન્યાસ નવલા,
નવા ઉન્મેષો ના, નવ નવીનતા છંદ-લયની,
ન વા શોભે કોઈ નવતર અલંકાર કૃતિમાં,
કવ્યા ના સંસ્કારો નવ રસ રૂપે પૂર્વસૂરિના.

નથી ભાષાપ્રૌઢી કવનની, ન લક્ષ્યા, શું અભિધા!
ગિરા જે ગીર્વાણ પ્રભવતી નહીં કૈં ગુણવતી,
ન વાણીની આમાં મનસ ભરતી કૈ& ધ્વનિ-કલા,
ન વાગ્મિતા કેરી મનહર મધુરી મુખરતા.

નિનાદો તારા જે અહરનિશના પ્રીત-ટહુકા,
સખી! તેના આ તો હૃદ-વિવરમાં આર્દ્ર પડઘા.

– પ્રિયવદન નૌતમરાય પાઠક
(જન્મ ૦૯-૧૦-૧૯૨૩, નિધન ૧૩-૧૦-૨૦૧૭)

કવિતા શું છે એનો તાગ મેળવવા કવિઓ પરાપૂર્વથી મથતા આવ્યા છે. બહુ ઓછા જાણીતા કવિ શ્રી પ્રિયવદન પ્રસ્તુત સૉનેટમાં નથી-નથીની રીતિ અપનાવીને પોતાની કવિતાના મૂળ સુધી પહોંચે છે. કવિતાની શરૂઆત જ આ કંઈ કાવ્યો નથીની નિખાલસ કબૂલાતથી થાય છે. કવિ કહે છે કે એનાં સર્જન પ્રણયના ધોધમાર ઊભરા નથી, ઊંડાવિચારવિમર્શોનું તારતમ્ય પણ નથી, પરિપક્વ પ્રજ્ઞાનું નવનીત પણ નથી, ને અહીં બહુરૂપી સૃષ્ટિની પોતિકી સૌંદર્યલીલા પણ નથી. અહીં કાવ્યનો આભાસ જન્માવે એ નવીન પદવિન્યાસ નથી, નૂતન ઉન્મેષો નથી, છંદોલયના નવીનતમ પ્રયોગો કે અલંકારોની શોભા પણ નથી, ને પૂર્વસૂરિઓ પાસેથી મળેલા સંસ્કારો નવા રસમાં ઢળાઈને પણ રજૂ થયા નથી. કવિ પાસે ગંભીર-પ્રૌઢ ભાષા નથી, જે અભિધા-લક્ષણા-વ્યંજનાની કસોટીએ ખરી ઊતરે, ગુણવતી દેવોની ભાષા પણ નથી ને કાવ્યશાસ્ત્રની મધુર મુખરતા પણ નથી.

આમ, નથી-નથી કરતાં કવિ પોતાની કવિતાની ગંગોત્રી સુધી પહોંચે છે. એમની સખીના અહર્નિશ પ્રીત-ટહુકાઓનો જે અવાજ છે, એના કવિહૃદયમાં જે આર્દ્ર પડઘા ઊઠે છે એ જ છે એમની કવિતા…

કેવી અદભુત રચના!

Comments (3)

……શું છે – મનોજ ખંડેરિયા

ઝળહળ ઝબાક ઝળહળ અજવાસ જેવું શું છે
આ બંધ દ્વાર પાછળ અહસાસ જેવું શું છે

હોઠે ધરું જો આસવ પીવા ન થાય ઇચ્છા,
તો કાં ગળું સુકાતું ? આ પ્યાસ જેવું શું છે

એક નામ લેતાં સાથે ભરચક ત્વચાથી પ્રસરે,
અત્તર ની આછી આછી આ વાસ જેવું શું છે

ક્ષણમાં રચાઉં ; ક્ષણમાં વિખરાઈ જઉં હવામાં,
હોવું નથી જ તો આ આભાસ જેવું શું છે

તાજપ-લીલાશ-સળવળ-કુમળાશ ભીની એમાં,
આંખોને અડકી જાતું આ ઘાસ જેવું શું છે

ખુલ્લી છે સીમ-માથે આકાશ ઝૂક્યું-વચ્ચે-
ઊભો છું એકલો પણ સંકડાશ જેવું શું છે

આ હાથ સળગી ઊઠ્યો અ-ક્ષરની લીલા જોતાં,
કાગળની વચ્ચે જામ્યું આ રાસ જેવું શું છે

ટહેલ્યા અમે તો એમ જ કૈં મુક્ત મનથી, એમાં-
કંડારી કેડી શું ને ઇતિહાસ જેવું શું છે

  • મનોજ ખંડેરિયા

Comments (1)

મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં – શ્યામ સાધુ

મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં,
હોવાની આસપાસમાં કૈં પણ હતું નહીં.

ક્યારેક શક્યતાઓના સૂરજ નહીં ઊગે,
ભૂલી જવું જ હોય તો વળગણ હતું નહીં.

સમજણની પેલી પારની દુનિયા અજીબ છે,
ઉપવન હતું નહીં અને રણ પણ હતું નહીં.

સંબંધની નદીના પ્રવાહો વહ્યા કરો,
સહુને મળીશું કોઈ અકારણ હતું નહીં.

તારી પ્રતીક્ષા જેવું પછી કેમ હોય ના?
શ્વાસો છે ત્યાં સુધી કશું કારણ હતું નહીં.

  • શ્યામ સાધુ

Comments (1)

(ઝૂકું નહીં) – અનિલ ચાવડા

સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં;
બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.

કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ,
પ્રાર્થના કરતો હતો કે, ‘કાશ હું ફૂટું નહીં.’

કોઈએ પકડી મને ફેંક્યું હશે બાકી તો હું,
આબરૂનું ચીંથરું છું જાતે કંઈ ઊડું નહીં.

લાગણીનું તેલ રેડ્યા કર હૃદયના કોડિયે,
જેથી અંદર હું સતત પ્રગટેલો રહું, બુઝું નહીં.

સાંજ, તું, હું, આંખમાં છલકાતો આલ્કોહોલ, મૌન;
એક પણ કારણ નથી એવું કે હું ઝૂમું નહીં.

જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.

ઊઠતા જોયો મને એણે સભામાંથી, થયું;
કે ભલે દુનિયાથી ઊઠી જઉં હવે, ઊઠું નહીં.

બોજ ઉંમરનો મને દઈ તું નમાવી નૈં શકે;
એથી બહુ બહુ તો કમરમાંથી વળું, ઝૂકું નહીં.

~ અનિલ ચાવડા

અનિલ ચાવડાની ગઝલો આજની ગુજરાતીનું ઘરેણું છે. બહુ ઓછા કવિઓ સમજીને આ કાવ્યપ્રકારમાં ખેડાણ કરે છે. બહુ ઓછા કવિઓ પોતાની રચનાઓના સારા-નરસા પાસાંઓ વિશેની ચર્ચાને મોકળા મને આવકારે છે. પ્રતિષ્ઠાના સર્વોત્કૃષ્ટ મુકામે પહોંચ્યા પછી પણ અનિલે આ મોકળાશ અને સાલસતા ગુમાવી નથી એની પ્રતીતિ એ સતત કરાવ્યે રાખે છે… કવિતાના આસ્વાદના સ્થાને આજે આ આડવાત એટલા માટે કે….

Comments (8)

(પક્ષી મરી ગયું) – મેહુલ પટેલ ‘ઈશ’

નાનકડી એક જગામાં પક્ષી મરી ગયું
રીબાઈ પાંજરામાં પક્ષી મરી ગયું !

ઘરમાં રહ્યું સુશોભન માટેની ચીજ થઇ
માણસની સરભરામાં પક્ષી મરી ગયું

બેઠું હતું મજાથી આંબાની ડાળ પર,
આવ્યું જ્યાં બંગલામાં પક્ષી મરી ગયું

કેવી હતાશા સાથે ઉગી સવાર આજ –
ભાણીએ કીધું મામા પક્ષી મરી ગયું

પ્રેમીની જોડી તૂટે તો થાય શું બીજું
પક્ષીને ચાહવામાં પક્ષી મરી ગયું

નીકળ્યું હતું ઘરેથી આકાશ આંબવા
પથ્થરના એક ઘામાં પક્ષી મરી ગયું

– મેહુલ પટેલ ‘ઈશ’

તમસા નદીમાં સ્નાન કરતી વખતે વાલ્મિકીની નજર સામે કોઈકે એક સારસનો વધ કર્યો અને સારસબેલડીમાં બચી ગયેલ પાત્રે માથું પટકી પટકીને પ્રાણત્યાગ કર્યા એ જોઈને ઋષિમુખેથી એક શ્લોક સરી પડ્યો અને રામાયણની રચના થઈ… આવી જ કોઈ ક્ષણે ઘરમાં પાળેલ પક્ષી અકસ્માત મૃત્યુ પામતાં આજના કવિના હૈયેથી એક ગઝલ સરી આવી છે… માણીએ…

Comments (4)

(ખેરાત વાગે છે) – જુગલ દરજી

‘અહાહા’, ‘વાહ’, ‘દોબારા’, અને ‘ક્યા-બાત’ વાગે છે,
ગઝલને દાદ રૂપે ફેંકો એ ખેરાત વાગે છે.

ગતિથી અળગા થઈને સહેજ શું થંભી ગયા વચમાં,
હવે ઠોકરની જગ્યાએ આ યાતાયાત વાગે છે.

કશુંક આવીને મારામાં ધૂણે છે કંઈક સદીઓથી,
કે ભીતર ડાકલા ઝીણા દિવસ ને રાત વાગે છે.

નગારા, ઘંટ, મંજીરા, પૂજારી, શંખ ને ઈશ્વર,
સજીવન થઈ ઊઠે ઘડિયાળમાં જ્યાં સાત વાગે છે.

ઉપરથી આભ વરસે છે, ઉપરથી આપ વરસો છો
આ છાંટાથી વધારે તો તમારી વાત વાગે છે.

જરા જો શ્વાસમાં આવી ભળે તરણેતરી મેળો,
આ પાવા જોડમાં આખું પછી ગુજરાત વાગે છે.

ઘણી ખમ્મા આ મારા જખ્મકેરા શિલ્પકારોને,
તમારી ભાત વાગે છે, પ્રસંગોપાત વાગે છે.

– જુગલ દરજી

ગઝલનું સામાન્ય જનમાનસ સુધી પહોંચવું કદાચ મુશાયરાઓ વિના સંભવ જ નહોતું પણ એ જ મુશાયરાઓએ ગઝલને જે ક્ષતિ પહોંચાડી છે અને કવિતાના સ્તરના કથળવામાં જે દુસ્સહાય કરી છે એ આજે અસહ્ય બન્યું છે. અર્થ વિનાની દાદ ગઝલનું પોષણ નહીં, કવિતાનું શોષણ કરે છે. આવા મજાના મત્લાથી શરૂ થતી આખી ગઝલ જો કે એવી મજાની થઈ છે કે કવિના મત્લાને બાજુએ મૂકીને પણ અહાહા, વાહ, દોબારા, ક્યા બાત કહેવાનું મન થઈ જાય…

Comments (8)

મૃગજળ વગેરે – ભગવતીકુમાર શર્મા

રેત – ડમરી – મૃગ – તરસ – મૃગજળ વગેરે…
મન – મરણ – શ્વાસો – અનાદિ છળ વગેરે…

છે – નથી – હોઈ શકે – અથવા – કદાચિત;
હું – તું – આ – તે – તેઓની સાંકળ વગેરે…

ત્યાં – અહીં – પેલી તરફ – પાસે ક્ષિતિજ પર,
ધૂળ – ધુમ્મસ – માવઠું – જાળસ્થળ વગેરે…

આ – વિકલ્પો – તે – અગર પેલું – વિકલ્પે;
સ્મિત – અશ્રુ – મોતી કે ઝાકળ વગેરે…

‘જો’ અને ‘તો’ – ‘પણ’ અને ‘બણ’ કે પછી
કોણ? – કોઈ – કઈ – કશું – નિષ્ફ્ળ વગેરે…

કાલ – હમણાં – અબઘડી – કાલે પરમ દિ’;
કાળ – યુગ – સૈકા – વરસ પળપળ વગેરે…

શ્વાસ – ધબકા – હૃદય -લોહી – શિરાઓ;
લાગણી – ડૂસકું – ચિતા બળબળ વગેરે…

-ભગવતીકુમાર શર્મા

અર્થની ફીકર ના કરતા… આખી એબસ્ટ્રેક્ટ ગઝલ એક-શ્વાસે વાંચી જજો … એ અનુભુતીમાંથી પસાર થઇ જજો … અર્થના એક પછી એક પડ ઉઘડતા જશે એની મારી ગેરેન્ટી !

Comments (6)

ઇચ્છા – સુદીપ સેન (અનુ.: વિવેક મનહર ટેલર)

મુલાયમ પારભાસી લિનન તળે,
તારી ડીંટડીઓ ફરતેની કરચલીઓ

સખત થાય છે મારી જીભના વિચારથી.
તું- અંગ્રેજી ‘C’ જેવી ઊલટી સૂતેલી-

ઈરાદાપૂર્વક તારી કાયાની કમાન ખેંચે છે
મારા હોઠોના હૂંફાળા દબાણની ખેવનામાં,

તેઓ ભીના છે એ ત્વચાને આવરવા
જે રોમાંચે છે, સળગી રહી છે,

ફૂટી રહી છે ઇચ્છાના પ્રસ્વેદોમાં-
મીઠા રસ કલ્પનાઓના.

પણ હકીકતમાં તો, હું હજી અડ્યોય નથી
તને. કમ સે કમ, હજી સુધી તો નહીં જ.

– સુદીપ સેન
(અનુ.: વિવેક મનહર ટેલર)

ઇચ્છા એટલે માચિસને અડ્યા વિના જ સળગી ઊઠતી દિવાસળી. અતૃપ્ત ઇચ્છાઓ આપણને જીવનભર કેદમાં રાખે છે. અધૂરી ઇચ્છાઓ માણસને અટકવા દેતી નથી. ઇચ્છાઓ અને અપેક્ષાઓ આપણા જીવનનું પ્રમુખ ચાલકબળ છે. અપેક્ષાના એવેરેસ્ટ પર પર્વતારોહણની મજા બેવડી-ત્રેવડી નહીં, અનેકગણી વધી જતી હોય છે. ઇચ્છા શરીર જેવા શરીરને ટપી જાય છે. ભારતીય અંગ્રેજી કવિ સુદીપ સેન શારીરિક પ્રેમના સંદર્ભમાં ઇચ્છા સાક્ષાત્ શરીરથીય વધુ પ્રાધાન્ય કેવી રીતે મેળવે છે એની વાત કરે છે.

કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે.

Desire

Under the soft translucent linen,
the ridges around your nipples

harden at the thought of my tongue.
You — lying inverted like the letter ‘c’ —

arch yourself deliberately
wanting the warm press of my lips,

it’s wet to coat the skin
that is bristling, burning,

breaking into sweats of desire —
sweet juices of imagination.

But in fact, I haven’t even touched
you. At least, not yet.

– Sudeep Sen

Comments (2)

થાક – ડૉ.મનોજ જોશી ‘મન’

આંખે છવાયો કાયમી ‘આવ્યા નહીં’નો થાક!
પગને સતાવે છે હવે ‘ચાલ્યા નહીં’નો થાક!

બીજાની સાથે એમને હસતાં દીઠાં પછી,
ઉતરી ગયો છે એકદમ ‘પામ્યા નહીં’નો થાક!

જૂના ગુલાબી પત્ર મેં વાંચ્યા જરાક જ્યાં,
ડોકાયો ત્યાં તો ટેરવે ‘ફાડ્યા નહીં’નો થાક!

એક જ વખત જાગી શક્યો ના હું સમય ઉપર,
આજેય કનડે સ્વપ્નને ‘જાગ્યા નહીં’નો થાક!

નીકળી ગયો છું કારમાં હું આંબલીથી દૂર,
ખિસ્સામાં લઈને કાતરા ‘પાડ્યા નહીં’નો થાક!

-ડૉ.મનોજ જોશી ‘મન’

ક્રિયાપદને ‘હાઇલાઇટ’ કરીને કવિએ એમની પાસેથી જે રીતે કામ કઢાવ્યું છે એ કાબિલે-દાદ છે. પ્રિયપાત્ર આવશે-આવશેની વિફળ પ્રતીક્ષામાં રત આંખોને હવે થાક લાગ્યો છે ને અફસોસ પણ થાય છે એ વાતનો કે આવશે-આવશેની રાહ જોયે રાખી બેસી રહેવાના બદલે જરા તસ્દી લઈને જાતે જ એ દિશામાં ચાલી કાઢ્યું હોત તો કદાચ કોઈ પરિણામ હાથ આવત… જે અંતર કાપવાનું બાકી રહી ગયું એ ન કપાયેલા અંતરનો હવે પગને થાક લાગે છે. કેવો અદભુત મત્લા! સરવાળે સાદ્યંત સુંદર ગઝલ…

Comments (2)

લયસ્તરો – ચિત્રલેખાના પાને…

‘ચિત્રલેખા’ જેવું માતબર ગુજરાતી સામયિક ગુજરાતી કવિતાઓની સૌથી વિશાળ વેબસાઇટની વિગતવાર નોંધ લે ત્યારે હર્ષોલ્લાસની લાગણી તો જન્મે જ ને…! અને આ ગૌરવવંતી પળ આપ જેવા વાચકોના સ્નેહ વિના શક્ય જ નહોતી એટલે આ પળે ચિત્રલેખા, પત્રકાર ફયઝલ બકીલી તથા આપ સહુનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…

– ધવલ, વિવેક, તીર્થેશ, મોના

(ટીમ લયસ્તરો)

Comments (10)

નામ સૂરત – ભગવતીકુમાર શર્મા

આમ તો છે એક ભીના ભીના સ્થળનું નામ સૂરત ;
આંખ છે તાપી નદી ને એના જળનું નામ સૂરત.

જન્મથી, સદીઓથી મારાં અન્નજળનું નામ સૂરત;
મારા લોહીમાં ભળેલી એક પળનું નામ સૂરત.

આવ, ખેડી નાખ મારી છાતીનાં ડાંગરવનોને;
એક અણિયાળા છતાં મહેક્ન્ત હળનું નામ સૂરત.

વ્રજ વાહલું છે મને, વૈકુંઠમાં શું દોડી આવું?
રાધિકા શો હું ભ્રમર છું, મુજ કમળનું નામ સૂરત.

પાઘ રાતી, પાસ પુસ્તક, તર્જની લમણે ધરેલી ;
લાગણી નામે મુલકના ક્ષેત્રફળનું નામ સૂરત.

-ભગવતીકુમાર શર્મા

આજે ક્રિસમસના દિવસે આજેબાજુ આખું ન્યુયોર્ક ઝળહળ ચમકી રહ્યું છે. આ રંગો અને રોશની જોવાને દૂર દૂરથી લોકો અહીં ઉમટે છે. આ બધી ઝાક્ઝમાળની વચ્ચે અમારા જેવા બેવતન લોકોને પોતાનું શહેર યાદ આવે છે. સુરતમાં જન્મીને, સુરતમાં જ છેલ્લા શ્વાસ સુધી જીવવાના સદભાગી ભગવતીકુમાર શર્માનો સુરતના નામે આ લવ-લેટર છે. ભગવતીકુમાર સુરતને માશૂકાની જેમ કેવા લાડ લડાવે છે એ જુઓ. અમારા જેવા NRS (એટલે કે નોન-રેસિડન્ટ સુરતી) લોકો માટે તો આ નકરો નશો છે!

Comments (4)

જીવન-મરણ છે એક – મરીઝ

જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું, ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.

રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

. મરીઝ

મરીઝની બહુ જાણીતી ગઝલ આજે યાદ આવી. આમ તો બધા જ શેર સરસ છે. પણ ગઝલ યાદ આવવાનું કારણ ‘હદથી વધી જઈશ તો …’ એ શેર છે. બિંદુને સુક્ષમતા સાથ અનંતતા પણ મળેલી છે. જે એ સૂક્ષમતા જો ગુમાવી દે તો અનંતતા પણ ગુમાવી દે. પોતાની સીમાની પરખ રાખવી બહુ મોટી વાત છે.

Comments (5)

દરવાજામાં આંગળાં – ડેવિડ હૉલબ્રુક અનુ. વિવેક મનહર ટેલર

ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારા બાળકના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. તેણીએ
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે
પીડાની બળબળતી હકીકત સામે. અને એક પળ માટે
મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ
મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી,
એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે
પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પરિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં’તા એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે
પોતાની અંદર
એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી, મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત,
કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને મૃત ચળકતાં તારાઓ વચ્ચે:
અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં !

– ડેવિડ હૉલબ્રુક
અનુ. વિવેક મનહર ટેલર

પ્રેમ ગમે એટલો સાચો કેમ ન હોય, સંબંધ ભલે ને પાકા હોય પણ શું કોઈ કોઈની પીડામાં સહભાગી થઈ શકે ખરું? એક સ્નેહીજનની તકલીફ બીજો અનુભવી શકે? એક આપ્તજનના સંવેદનમાંથી સાચા અર્થમાં બીજો કદી પણ પસાર થઈ શકે? માનવસંબંધોની મર્યાદાઓ પર નગ્ન પ્રકાશ ફેંકતી ડેવિડ હૉલબ્રુક ની આ તેજાબી કવિતા પચાવવી જરા અઘરી છે…

કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે: http://tahuko.com/?p=17654

Fingers in the Door

Careless for an instant I closed my child’s fingers in the jamb. She
Held her breath, contorted the whole of her being, foetus-wise against the
Burning fact of the pain. And for a moment
I wished myself dispersed in a hundred thousand pieces
Among the dead bright stars. The child’s cry broke,
She clung to me, and it crowded in to me how she and I were
Light-years from any mutual help or comfort. For her I cast seed
Into her mother’s womb; cells grew and launched itself as a being:
Nothing restores her to my being, or ours, even to the mother who within her
Carried and quickened, bore, and sobbed at her separation, despite all my envy,
Nothing can restore. She, I, mother, sister, dwell dispersed among dead bright stars:
We are there in our hundred thousand pieces!

– David Holbrook

Comments (2)

ખાલીનું ગીત – પારૂલ ખખ્ખર

જમણા તે હાથના લાખેણા અંગૂઠે ચડી ગઈ ભમરાળી ખાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…

ખાલીના પરતાપે નોંધારી આંગળિયું, નોંધારા થઈ ગયા રે દોત
ખાલીની ફૂંકે કંઈ ઓલાતી જાય મારા અખ્ખરની ઝીણકુડી જ્યોત
હું તો ખાલી ઉતરાવવાને હાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…

ખાલીની હારે કંઈ ખાલીપો આવીયો ને બાંધીયુ હથેળીમાં ધામ
રોતાં-રઝળતાં ગીતોના ઢાળ મારી લેખણનું પૂછે રે ગામ
હું તો આમતેમ ભટકું છું ઠાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…

કાંડુ ઝાલીને ઓલા વૈદરાજ બોલીયા હાથ છે કે હાથલીયો થોર
જાણતલ જોશીડા, ભૂવા-જાગરિયાનું હાલ્યું નહીં રે કાઈ જોર
ના હાલી કાઈ માનતાની પાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…

આથમણે દેશથી ઘોડે ચડીને એક આવીયો બાંકો અસવાર
સરસવતી માતનું નામ લઈ અંગૂઠે કીધી રે શોણિતની ધાર
મારા કાગળિયે છલકી ગઈ લાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…

-પારુલ ખખ્ખર

કવિતાને વિષયનો છોછ નથી. સાવ ક્ષુલ્લકથી લઈને અત્યંત મહત્ત્વપૂર્ણ વસ્તુઓ કવિ માટે વિષયવસ્તુ બની શકે છે. ગીતો તો આપણે હજારો વાંચ્યાં હશે પણ અહીં જે ગીત છે એ વિષય પર કદાચ ક્યારેય કોઈ કવિતા લખાઈ નહીં હોય એવું મારું માનવું છે… એક જ સ્થિતિમાં શરીરનું કોઈ અંગ પડી રહે અને જે-તે ભાગના ચેતાતંતુઓ લાંબા સમય સુધી એકધારા દબાણના કારણે હંગામી ધોરણે લકવાગ્રસ્ત થઈ જાય ત્યારે આપણને ‘ખાલી’ ચડી જતી હોય છે. જે ભાગમાં ખાલી ચડી હોય એને થોડીવાર આમતેમ હલાવીએ એટલે પૂર્વવત્ થઈ જવાય… આ ઘટના દરેકના જીવનમાં કેટલીયવાર બનતી હશે પણ ભાગ્યે જ કોઈ કવિતાને આવી અર્થહીન ઘટનામાં કવિતા નજરે ચડતી હોય છે.

જમણા હાથના અંગૂઠેથી થઈને ખાલી એવી ભરાઈ છે કે નાયિકાનું આખુંયે અસ્તિત્વ એની અસરમાં આવી ગયું છે. આંગળીઓ કામ ન કરી શકે એવી નોંધારી થઈ ગઈ છે, શાહીનો ખડિયો વાપરી ન શકાય એવી હાલત થઈ છે, કાગળ પર અક્ષરોની નાની-નાની જ્યોત ઝળહળતી હતી, એ જ્યોત ખાલીની ફૂંકે ઓલવાતી જાય છે. ને નાયિકા ખાલી ઉતરાવવા નીકળે છે. ખાલીના પ્રતાપે ખાલીપો અનુભવાય છે. નાયિકા ઠમ-ઠામ ભટકે છે ને લખવાના બાકી રહી ગયેલાં ગીતો રઝળી પડ્યાં છે. વૈદરાજને ખાલી ચડેલી હથેળીમાં હાથલો થોર નજરે ચડે છે… કેવું અદભુત રુપક! ખાલી ચડે ત્યારે સાચે જ હથેળીમાં એવા કાંટા ભોંકાતા હોય છે જાણે હાથ હાથલો થોર ન હોય! જોશી-ભૂવા બધા જ નિષ્ફળ જાય છે ત્યારે નાયિકાના મનનો માણીગર આવીને રક્તધાર કરે છે ને ખાલી દૂર થાય છે… આ શોણિતની ધાર પ્રેમની ધાર છે, સુહાગની ધાર પણ હોઈ શકે… પણ નાયિકાના જીવતરનો કાગળ રાતા રંગે છલકાઈ ઊઠે છે… શું કહીશું આ ગીતને? ખાલીનું ભરેલું ગીત?

Comments (3)

સ્ટૉક માર્કેટ – ભરત ઠક્કર

બપોરના ત્રણ વાગ્યા પછીનો સમય છે.
આજની બપોર અતિ શાંત છે.
પવન જંપી ગયો છે.
વાદળ બધાં સ્થિર છે.
એરોપ્લેનની પાતળી ધૂમ્રસેર
આકાશના શરીર પર કાપો પાડી રહી છે.
લોહીનો છાંટોય જોવા મળતો નથી.
બેકયાર્ડમાં તડકો છે.
સસલાં આરામ કરે છે.
ફળો ફૂલો ગરમીમાં તપ કરે છે.
ઘરમાં એર કન્ડિશનર ચાલુ છે.
મને ચેન પડતું નથી.
આજે સ્ટૉક માર્કેટ ડાઉન છે.

– ભરત ઠક્કર

તેર પંક્તિના નાનકડા કાવ્યમાં એક પંક્તિને બાદ કરતાં બધા જ વાક્ય પંક્તિના અંતે પૂરા થઈ જાય છે. ટૂંકા વાક્યો અને દરેક પંક્તિના અંતે આવતા પૂર્ણવિરામ ‘અતિ શાંત’ બપોરની શાંતિનો અહેસાસ કરાવે છે. આ એવી બપોર છે જ્યાં બધું જ આરામમાં છે અને કવિએ આ કાવ્યરીતિ સાયાસ પ્રયોજી હોય કે અનાયાસ, એ કવિતાના ભાવને દૃઢીભૂત કરવામાં ખાસ્સી ઉપકારક બને છે. એરોપ્લેનમાંથી પાછળ વછૂટતી પાતળી ધૂમ્રસેર જાણે કે છરી છે અને આકાશને બે ભાગમાં ચીરી રહી છે પણ બપોરે ત્રણની આસપાસનો સમય હોવાથી ક્યાંય લાલાશ નજરે ચડતી નથી. કવિ આસપાસ ઉપસ્થિત તમામ પ્રકૃતિત્ત્વના સ્થિતિભાવને જુએ છે. બહાર ગરમી છે પણ શાંતિ છે. અંદર વાતાનુકૂલન છે પણ બેચેની છે કેમકે સ્ટૉક માર્કેટમાં આજે કડાકો થયો છે…

Comments (5)

તડકો – લાભશંકર ઠાકર

પરોઢનાં ઝાકળમાં તડકો
પીગળે.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘુમરાતીઆવે
થોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા
ઠક્‌ ઠક્‌ ઠક્‌ ઠક્‌ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈ ને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ!

–  લાભશંકર ઠાકર

પરોઢના તડકામાં અંધારાની સાથે માણસ પોતે પણ પીગળતો જાય છે. તડકો સંવેદનના એક પછી એક પડને પીગળાવીને છેક અંદરથી માણસને ‘જ્ગાડી’ દે એ અનુભૂતિને કવિએ અદભૂત રીતે રજૂ કરી છે.

Comments (3)

અછાંદસોત્સવ: ૦૮: સમુદ્ર -સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.

સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

સર્જનપ્રક્રિયાનું વર્ણન અહીં કવિ સમુદ્રના રૂપકથી કરે છે.

ભાષાને સમુદ્ર કહી છે. દેવો અને દાનવોએ – એટલે કે જગતના સારા અને નસરા પરિબળોએ- વલોવીને સરળ કરી નાખી એ પહેલાની ભાષા સુધી કવિ પહોંચ્યા છે. ભાષા પહેલા શબ્દ હતો ને શબ્દ પહેલા સ્વર હતો. ને એનાથી ય પહેલા આદિ રવ હતો – એને પુરાણોમાં નાદ-બ્રહ્મ કહ્યો છે. આપણે ત્યાં વેદના સમયથી નાદ-બ્રહ્મ નો મહિમા છે. સાહિત્ય અને સંગીત બધું એમાંથી ઉતારી આવ્યું છે. ખરા કવિ થવું હોય તો એ નાદ-બ્રહ્મ સુધી પહોંચવું પડે.

વડવાનલ એ સર્જનપ્રક્રિયા સાથે વણાયેલી વેદનાનું પ્રતીક છે. ભીંજાવું (એટલે કે સર્જન કરવું) અને દાઝવું (એટલે કે વેદનામાંથી પસાર થવું) બન્ને અભિન્ન છે.

કવિ ભાષા-સાગરમાં ડૂબકી મારીને આવે તો શું લઈને આવે? એ ભૌતિક કિંમત ધરાવતું કાંઈ ના લાવે. એ તો માત્ર લાવે – આંખમાં નવી ચમક, નવા વિચારો, નવી રચનાઓ!

આ કવિતા મારા દિલની બહુ નજીક છે. વારંવાર હું આ કવિતા વાંચતો રહું છું. કવિએ જે વાત સર્જનપ્રક્રિયા મારે કરી છે એ જ વાત બીજા કોઈ પણ કામને લાગુ પડે છે. કોઈ પણ ચીજનો ખરો અભ્યાસ કરવો હોય તો એના મૂળ સુધી ઉતારવું જોઇએ. અને વેદનામાંથી- જેને આજની ભાષામાં લર્નિગ કર્વ કહે છે- પસાર થવાની તૈયારી રાખવી જ પડે. સાચો અભ્યાસ કર્યા પછી જે જ્ઞાન મળે છે તેને ઉંચકીને ફરવું પડતું નથી. એ તો આંખમાં સ્વતઃ ચમકતું રહે છે.

Comments (6)

અછાંદસોત્સવ: ૦૬: મથુરાદાસ જેરામ – ઉદયન ઠક્કર

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.

હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.

શરૂઆતરૂપે હું કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો.
એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો,
મન મૂકીને ખડખડ હસતો,
તક મળ્યે બહારગામ જઈ
રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો,
ઝનૂની ઘોડાઓ પલાણતો,
અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ
તારાઓની નિકટમાં સૂઈ જતો.

( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી
જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ
છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો.
એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ
તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)

પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં.
ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક
પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો’રે.
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા
ખાઈને પડી રે’વું.
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ,
ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા.
બધે અજવાળું વિખેરાતું હતું, જાણે.
– મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.

(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ.
કદાચ તમારી ઓફિસનો બોસ
સાવ સામાન્ય ગુમાસ્તામાંથી
આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય.
તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય.
મથુરાદાસનું તો જાણે… સમજ્યા.)

જોકે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
એના શરીરે.
તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં.
વગડાઉં કાગડાનો પગ તૂટી જાય,
પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે,
ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન,
એવી કપરી સ્થિતિ એની થઈ હતી.
પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો.
આ મોત સાથેનો પ્રવાસ હતો,
અને હંમેશા તેણે એ સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી.

(માળું આયે તમને નહિ જામે.
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે
જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે.
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)

તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ,
હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી.
વાતચીત કે વર્ણનોથી હું એક્કેય
વાઙમયમંદિર ચણી શકતો નથી,
કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી
તારા સંદર્ભના નગ્ન ડિલ પર.
એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.

– ઉદયન ઠક્કર

આ કાવ્ય કોઈને સમજાવવું પડે એવું નથી. કથા આ કાવ્યમાં સહજતાથી વહે છે. વચ્ચે કવિની ટિપ્પણી પણ એટલી જ સહજતાથી આવે છે. અને છેલ્લે ઉઘડે છે કવિતાનું હાર્દ. આધુનિક કથા-કાવ્યો આપણે ત્યાં ઓછા જ છે. ‘કથા-કાવ્ય’ને ખાલી ‘કથા’ થઇ જતા રોકાવું એ એક અઘરી કળા છે.  અહીં એ કળા તમે બખૂબી નિહાળી શકો છો. ભીની થયેલી આંખને સહેજ લૂછી લેજો અને કવિતાની સચ્ચાઈને એક સલામ કરી લેજો .. આ કવિતા માટે એનાથી ઓછું કાંઈ ચાલશે નહિ, ને એનાથી વધારે આ કવિતાને કાંઈ ખપશે નહિ.

Comments (6)

અછાંદસોત્સવ: ૦૬ : अपनी प्रेमिका से – दुष्यंत कुमार

मुझे स्वीकार हैं वे हवाएँ भी
जो तुम्हें शीत देतीं
और मुझे जलाती हैं
किन्तु
इन हवाओं को यह पता नहीं है
मुझमें ज्वालामुखी है
तुममें शीत का हिमालय है
फूटा हूँ अनेक बार मैं,
पर तुम कभी नहीं पिघली हो,
अनेक अवसरों पर मेरी आकृतियाँ बदलीं
पर तुम्हारे माथे की शिकनें वैसी ही रहीं
तनी हुई.
तुम्हें ज़रूरत है उस हवा की
जो गर्म हो
और मुझे उसकी जो ठण्डी!
फिर भी मुझे स्वीकार है यह परिस्थिति
जो दुखाती है
फिर भी स्वागत है हर उस सीढ़ी का
जो मुझे नीचे, तुम्हें उपर ले जाती है
काश! इन हवाओं को यह सब पता होता।
तुम जो चारों ओर
बर्फ़ की ऊँचाइयाँ खड़ी किए बैठी हो
(लीन… समाधिस्थ)
भ्रम में हो।
अहम् है मुझमें भी
चारों ओर मैं भी दीवारें उठा सकता हूँ
लेकिन क्यों?
मुझे मालूम है
दीवारों को
मेरी आँच जा छुएगी कभी
और बर्फ़ पिघलेगी
पिघलेगी!
मैंने देखा है
(तुमने भी अनुभव किया होगा)
मैदानों में बहते हुए उन शान्त निर्झरों को
जो कभी बर्फ़ के बड़े-बड़े पर्वत थे
लेकिन जिन्हें सूरज की गर्मी समतल पर ले आई.
देखो ना!
मुझमें ही डूबा था सूर्य कभी,
सूर्योदय मुझमें ही होना है,
मेरी किरणों से भी बर्फ़ को पिघलना है,
इसी लिए कहता हूँ-
अकुलाती छाती से सट जाओ,
क्योंकि हमें मिलना है।

– दुष्यंत कुमार

અછાંદસના બાદશાહ દુષ્યંતકુમારની રચના મૂકવાની લાલચ રોકી ન શક્યો – શીર્ષકમાં કવિ સ્પષ્ટ કરી દે છે કવિતાનો ભાવાર્થ, પણ સુંદરતા કાવ્યતત્વની છે. અંતિમ પંક્તિમાં જે નિર્ધાર છે તે સમગ્ર કાવ્યને એક relevance પૂરું પાડે છે અને આખા કાવ્યમાં જે એક હઠ નો, એક ગર્વનો, એક અધિકારનો સૂર છે તેની હેઠળ જે અમાપ સ્નેહ છુપાયેલો છે તેને છતો કરે છે. કનૈયાલાલ મુનશીની મંજરી યાદ આવી જાય એવી નાયિકા છે અને નાયક પરશુરામના અવતાર સમો છે….. એકત્વ પામવું નક્કી છે- બાકીનું બધું જોયું જશે……

Comments (4)

અછાંદસોત્સવ: ૦૫ : હું તને પ્રેમ કરું છું – અનામી [અંગ્રેજી] – અનુવાદ: જગદીશ જોષી

હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે

હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.

હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.

તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.

– અનામી [અંગ્રેજી]
– અનુવાદ: જગદીશ જોષી

કવિશ્રીના જ શબ્દોમાં – ” મને તો આ કૃતિ નખશિખ ગમે છે કારણ કે એમાં સચ્ચાઈનો રણકો છે. સાદગીની શોભા છે અને વહાલની વેધકતા છે. એક જ વાક્યમાં કહીએ તો એ મૈત્રીનું ઉપનિષદ છે. ”

વધુ કશું બોલવું જરૂરી નથી – હા, માત્ર અલ્પ ફેરફાર કરીએ તો આ જ વાત પ્રેમ અને લગ્ન [સાચા અર્થમાં લગ્ન – બે હૈયાનું આધ્યાત્મિક અને દૈહિક ઐક્ય]ને પણ સચોટ લાગુ પડે છે……

Comments (5)

અછાંદસોત્સવ: ૦૪ : જેલ – મનીષા જોષી

જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું !
પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત.
રોજ એક નવા કેદીને હાથ-પગ બાંધીને
મારા પર સુવડાવવામાં આવે છે.
એ ખૂબ તરફડે છે પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી,
થોડીવારમાં મરી જાય છે.
છેક બીજા દિવસે સિપાહીઓ એને ઊપાડી જાય છે.
હું ઠંડીગાર, સ્થિતપ્રજ્ઞ પડી રહું છું.
એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે.
હું એવી જ અકથ્ય, વધારે ને વધારે જિદ્દી બનતી જઉં છું.
મારામાંથી પણ એક ટીપું યે બરફ
પાણી બનીને વહેતો નથી.
જેલના લોખંડી સળિયાઓ પાછળ
કડક ચોકી-પહેરા વચ્ચે હું પડી છું.
જેલર એનો પગ મારા પર ટેકવીને, થાકેલો ઊભો છે.
એના બુટની અણીદાર ખીલીઓ મને ઉઝરડા પાડે છે.
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે.
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે…

– મનીષા જોષી

અછાંદસ રચનાઓમાં એક સાંપ્રત-બળકટ પ્રતિભા એ મનીષા જોશી.

તેઓની મોટાભાગની રચનાઓની જેમ આ રચનાને પણ એક થી વધુ રીતે મૂલવી શકાય…..કાળની થાપટો ખાઈખાઈને સંવેદનહીન બની ચૂકેલો માંહ્યલો હોઈ શકે બરફની પાટ…..એક સામાજિક ચેતનાનું મૂર્ત સ્વરૂપ હોઈ શકે બરફની પાટ…..એક ચિત્ત, કે જેના પાર અસંખ્ય સંસ્કારો અમીટ છાપ છોડી જતા હોય છે તેવું ચિત્ત હોઈ શકે બરફની પાટ……જેવી જેની પ્રજ્ઞા…..

Comments (4)

અછાંદસોત્સવ: ૦૩ : રાતે- – જયન્ત પાઠક

રાતે ધરતી પર
ઢળી પડેલા આકાશને
પ્રભાતે
પંખીઓની પાંખોએ
ઊંચકી લીધું, અધ્ધર !

– જયન્ત પાઠક

લાંબા લાં…બા અછાંદસ કાવ્યોમાં પોતાના અસ્તિત્વનો ખાલીપો રેડ્યે જનાર કવિઓ માટે આ અછાંદસ કાવ્ય લાલ બત્તી ધરે છે. અહીં, એક પણ શબ્દ, સૉરી, એક અક્ષર પણ વધારાનો નથી. સાવ પાંચ જ પંક્તિઓ અને ૧૨ જ શબ્દોમાં કવિએ અદભુત કામ કર્યું છે…

કવિતા કોને કહે છે ? થોડા ચબરાકીભર્યા શબ્દોની કોઈક નિયમાનુસાર ગોઠવણી ? પતંજલિએ કહ્યું હતું, एक: शब्दः सम्यगधीतः सम्यक प्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति | એરિસ્ટોટલે કહ્યું હતું, The object of poetry, as of all the fine arts, is to produce an emotional delight, a pure and elevated pleasure. આ લઘુકાવ્ય આ બંને શરતો પર ખરું ઉતરતું જણાય છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગથી કવિએ અહીં આખું શબ્દચિત્ર તાદૃશ કરી આપ્યું છે… દિવસના અજવાળામાં આકાશ ધરતીથી ઉપર અને અલગ નજરે ચડે છે પણ અંધારું ઉપર-નીચે, દૂર-નજીક બધાંયને એક જ રંગે રંગી નાંખે છે. અંધારામાં બધું ઓગળી જાય છે એટલે આકાશ પણ જાણે ધરતીનો જ એક હિસ્સો બની ગયું છે… પ્રભાતે પંખીઓ સહુથી પહેલાં ઊઠીને અજવાળાંની સાથોસાથ જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !

Comments (8)

અછાંદસોત્સવ: ૦૨ : વહાણવટું – રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.

સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

અછાંદસ કવિતા કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આ કવિતા તંતોતંત આપી શકે એમ મને લાગે છે… ર.પા.નું આ અછાંદસ કાવ્ય તો ખરી કવિતાની વિભાવના સમજવામાં પણ ખાસ્સી મદદ કરે એવું છે.

કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. ધક્કેલ્યુંમાં આવતો બેવડો ‘ક’કાર નાવને સમુદ્રમાં આગળ ધકેલવાની ક્રિયાને વધુ વેગવંતી બનાવી કાવ્યને વધુ દૃશ્યક્ષમ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત કરે છે. કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે સમુદ્ર પડકાર સમો ઊભો છે અને હોડીમાંના વધારે પડતા વજન સામે ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. નાયક એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં એ હલેસાં હોમે છે, પછી પોતાના પગ, પછી હાથ અને છેલ્લે આખેઆખું ધડ હોમી દે છે.

આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. ત્રણવાર પુનરાવર્તિત થતા એક જ વાક્યમાં ખડખડ શબ્દનું સ્થાન બદલીને કવિ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે.

ધડના હોમવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે અને આખી સૃષ્ટિ આવી ઊભે છે. હવાઓનું ચિરાઈ જવું, આકાશના રંગોનું ભર ભર ખરી પડવું અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થવાં આ ઘટનાઓ કવિ શબ્દમાં આલેખે છે પણ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સામે મૂર્ત થાય છે, સાકાર થાય છે. આ કવિના શબ્દની સાચી તાકાત છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખુલે છે.

અંતે નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરીને ચુપ થઈ જાય છે. આગળ વધવાની ઈચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. વહાણમાં પડી રહેલા બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. અને એ માથામાં થતી વીજળીઓને કાળી સંબોધીને કવિ વહાણવટા પાછળના આંધળૂકિયા સાહસ સુધી અર્થવલયોનું વિસ્તરણ કરે છે.

અહીં મનુષ્યને તમે ખતમ કરી શકો પણ એને તમે પરાસ્ત નહીં કરી શકો એવી વિભાવના ઉજાગર થાય છે….

Comments (9)

અછાંદસોત્સવ: ૦૧ : જલાશય -પ્રિયકાન્ત મણિયાર

જલાશય આવે એટલે વળાવવા આવનારે
પાછા વળી જવું,
તમે પગ ઉપાડ્યો
અને આંખો તો મારી છલકી ઊઠી !
જલાશય આવી ગયું.
હું હવે પાછો વળું.

-પ્રિયકાન્ત મણિયાર

પ્રસ્તુત કવિતા સાચા અર્થમાં અછાંદસ કવિતા કોને કહેવાય એ સમજવા માટેના ઉત્તમ ઉદાહરણોમાંની એક ગણી શકાય. શબ્દોની યોગ્ય કરકસર, ભાવની સઘનતા અને એક-બે લસરકામાં જ આખું ચિત્ર દોરી આપવું- આ બધું જ આ કવિતામાં ઉપસ્થિત છે.

છ જ પંક્તિની લઘુત્તમ કવિતામાં એકેય અક્ષર કે એકેય ચિહ્ન પણ અનાયાસ વપરાયા નથી. ગામડામાં રિવાજ છે કે મહેમાન પાછો વળતો હોય ત્યારે એને વળાવવા જવું અને ગામના પાદરે જ્યાં જલાશય આવે ત્યાંથી વળાવનારે પાછા ફરવું. અહીં પાછા વળી જવું વાક્ય પછી કવિએ પૂર્ણવિરામ વાપરવાને બદલે અલ્પવિરામ વાપર્યું છે. આ અલ્પવિરામ નવોઢા પગના અંગૂઠા વડે ઘૂળમાં જે કુંડાળા કરે એવા સંકોચનો શબ્દાકાર છે જાણે. પછીની પંક્તિમાં પગ ઉપાડ્યાના બદલે ઉપાડ્યો શબ્દ પણ એટલો જ સૂચક છે. હજી તો જનારે ચાલવાની શરૂઆત પણ નથી કરી. ચાલવા માટે બંને પગ ઉપાડવા પડે, જ્યારે અહીં તો હજી એક જ પગ ઉપાડ્યો છે એટલે હજી તો જવાની વાત જ થઈ છે અને એટલામાં જ કવિની આંખો છલકાઈ આવી છે. અને આંખોના છલકાયાની ઘટનાના અંતે કવિએ ફરીથી પૂર્ણવિરામનો પ્રયોગ ટાળીને ઉદ્દગાર ચિહ્ન મૂક્યું છે, જાણે આંખોમાંથી ટપકતા આંસુના ટીપાનો આકાર ન હોય જાણે ! આ આંખોનું છલકાવું એ જ જાણે જલાશય… જલાશય આવી ગયું. આખી કવિતામાં પ્રથમવાર કવિએ અહીં પૂર્ણવિરામ મૂક્યું છે, જાણે કે જલાશયનો ગોળ આકાર બનાવ્યો. હવે અહીંથી તો પાછા વળી જવાનું. જનારે હજી તો માંડ પગ ઉપાડ્યો છે. એ હજી નથી ગયો કે નથી જવાની શરૂઆત કરી અને હવે મારે પાછા વળવાનું. ક્યાં? કોનામાં? કઈ રીતે? હું તો હજી ઉભો પણ થયો નથી. કોઈકને વળાવવા માટે મેં હજી તો ઘરના બારણા બહાર પણ પગ મૂક્યો નથી. તો પછી? આ ન મૂકાયેલા પ્રશ્નાર્થચિહ્નો જ તો છે કવિતા.

Comments (8)