કેટલીયે બાદબાકી કૈંક સરવાળા કર્યા,
સેંકડે એકાદ માણસ માંડ અહીં સાચા ઠર્યા.
અશોકપુરી ગોસ્વામી

(ઝૂકું નહીં) – અનિલ ચાવડા

સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં;
બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.

કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ,
પ્રાર્થના કરતો હતો કે, ‘કાશ હું ફૂટું નહીં.’

કોઈએ પકડી મને ફેંક્યું હશે બાકી તો હું,
આબરૂનું ચીંથરું છું જાતે કંઈ ઊડું નહીં.

લાગણીનું તેલ રેડ્યા કર હૃદયના કોડિયે,
જેથી અંદર હું સતત પ્રગટેલો રહું, બુઝું નહીં.

સાંજ, તું, હું, આંખમાં છલકાતો આલ્કોહોલ, મૌન;
એક પણ કારણ નથી એવું કે હું ઝૂમું નહીં.

જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.

ઊઠતા જોયો મને એણે સભામાંથી, થયું;
કે ભલે દુનિયાથી ઊઠી જઉં હવે, ઊઠું નહીં.

બોજ ઉંમરનો મને દઈ તું નમાવી નૈં શકે;
એથી બહુ બહુ તો કમરમાંથી વળું, ઝૂકું નહીં.

~ અનિલ ચાવડા

અનિલ ચાવડાની ગઝલો આજની ગુજરાતીનું ઘરેણું છે. બહુ ઓછા કવિઓ સમજીને આ કાવ્યપ્રકારમાં ખેડાણ કરે છે. બહુ ઓછા કવિઓ પોતાની રચનાઓના સારા-નરસા પાસાંઓ વિશેની ચર્ચાને મોકળા મને આવકારે છે. પ્રતિષ્ઠાના સર્વોત્કૃષ્ટ મુકામે પહોંચ્યા પછી પણ અનિલે આ મોકળાશ અને સાલસતા ગુમાવી નથી એની પ્રતીતિ એ સતત કરાવ્યે રાખે છે… કવિતાના આસ્વાદના સ્થાને આજે આ આડવાત એટલા માટે કે….

8 Comments »

  1. JAFFER KASSAM said,

    January 5, 2019 @ 5:29 AM

    આ હકિકત થે

  2. pragnaju said,

    January 5, 2019 @ 8:27 AM

    સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં;
    બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.
    વાહ
    નમ્રતા તો વિવેક પાયો છે. એ રાખવાની જ હોય. પણ એટલી હદે નહિ કે એ દુર્ગુણ બની જાય મૌન આપણી ઊર્જા બચાવવા માટે અને ફાલતું બાબતોને હસી કાઢવા માટે રહેવાનું છે. ગભરાઈને કે મૂંઝાઈને નહી. સ્થિતપ્રજ્ઞાતાનો બોધ આપતી વખતે ય કૃષ્ણે ગીતાના પ્રત્યેક અધ્યાયમાં જરાય ક્ષોભ વિના ‘હું’ કાર તો કર્યો જ છે. એમાં અહંકાર નથી, પણ આત્મવિશ્વાસ છે.
    બર્નાડ શોના ક્વોટસને વર્લ્ડ બેસ્ટ ગણી લળી લળીને ટાંકીએ, તો આપણી પાસે ય આવા કાતિલ ક્વોટસ આપનારા લેખકો-કવિઓ છે, એ કેમ ભૂલી જઈએ ? જેમ કે
    બોજ ઉંમરનો મને દઈ તું નમાવી નૈં શકે;
    એથી બહુ બહુ તો કમરમાંથી વળું, ઝૂકું નહીં.

  3. praheladbhai prajapati said,

    January 5, 2019 @ 9:56 AM

    superb , extra ordinary

  4. Rasila Kadia said,

    January 5, 2019 @ 1:46 PM

    ઊઠતા જોયો મને એણે સભામાંથી, થયું;
    કે ભલે દુનિયાથી ઊઠી જઉં હવે, ઊઠું નહીં. સરસ
    રૂદાલી બનીને આપણા આત્મગૌરવનું આપણે જ ટાંટિયાખેંચ કરવા લાગીએ, એટલી હદે કરોડરજ્જૂ વગરના ન થઇ ટટ્ટાર રહીએ , છાતી કાઢીને જે જબાનમાં કોઈ સવાલ પૂછતું હોય એ જબાનમાં જ જવાબ દેતાતો શીખીએ જ. .

  5. vimala said,

    January 5, 2019 @ 3:03 PM

    “કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ,
    પ્રાર્થના કરતો હતો કે, ‘કાશ હું ફૂટું નહીં.’”

    “બોજ ઉંમરનો મને દઈ તું નમાવી નૈં શકે;
    એથી બહુ બહુ તો કમરમાંથી વળું, ઝૂકું નહીં.”

  6. ગિરીશ પોપટ *ગુમાન* said,

    January 6, 2019 @ 1:01 PM

    સરસ

  7. Anil Chavda said,

    January 7, 2019 @ 3:26 AM

    આભાર લયસ્તરો ટીમનો…

  8. LAKHANI DARSHAN said,

    September 30, 2019 @ 12:59 AM

    સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં

    અને

    જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
    હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.

    વાહ, શું કોમ્બિનેશન છે……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment