હું રાજી રાજી થઇ ગયો છું જોઈ જોઈને
સપનાંઓ તારા આવી ગયા ન્હાઈ ધોઈને
- ચિનુ મોદી

ખાલીનું ગીત – પારૂલ ખખ્ખર

જમણા તે હાથના લાખેણા અંગૂઠે ચડી ગઈ ભમરાળી ખાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…

ખાલીના પરતાપે નોંધારી આંગળિયું, નોંધારા થઈ ગયા રે દોત
ખાલીની ફૂંકે કંઈ ઓલાતી જાય મારા અખ્ખરની ઝીણકુડી જ્યોત
હું તો ખાલી ઉતરાવવાને હાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…

ખાલીની હારે કંઈ ખાલીપો આવીયો ને બાંધીયુ હથેળીમાં ધામ
રોતાં-રઝળતાં ગીતોના ઢાળ મારી લેખણનું પૂછે રે ગામ
હું તો આમતેમ ભટકું છું ઠાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…

કાંડુ ઝાલીને ઓલા વૈદરાજ બોલીયા હાથ છે કે હાથલીયો થોર
જાણતલ જોશીડા, ભૂવા-જાગરિયાનું હાલ્યું નહીં રે કાઈ જોર
ના હાલી કાઈ માનતાની પાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…

આથમણે દેશથી ઘોડે ચડીને એક આવીયો બાંકો અસવાર
સરસવતી માતનું નામ લઈ અંગૂઠે કીધી રે શોણિતની ધાર
મારા કાગળિયે છલકી ગઈ લાલ્લી રે…
મને ખાલીએ આખ્ખી યે ઝાલ્લી રે…

-પારુલ ખખ્ખર

કવિતાને વિષયનો છોછ નથી. સાવ ક્ષુલ્લકથી લઈને અત્યંત મહત્ત્વપૂર્ણ વસ્તુઓ કવિ માટે વિષયવસ્તુ બની શકે છે. ગીતો તો આપણે હજારો વાંચ્યાં હશે પણ અહીં જે ગીત છે એ વિષય પર કદાચ ક્યારેય કોઈ કવિતા લખાઈ નહીં હોય એવું મારું માનવું છે… એક જ સ્થિતિમાં શરીરનું કોઈ અંગ પડી રહે અને જે-તે ભાગના ચેતાતંતુઓ લાંબા સમય સુધી એકધારા દબાણના કારણે હંગામી ધોરણે લકવાગ્રસ્ત થઈ જાય ત્યારે આપણને ‘ખાલી’ ચડી જતી હોય છે. જે ભાગમાં ખાલી ચડી હોય એને થોડીવાર આમતેમ હલાવીએ એટલે પૂર્વવત્ થઈ જવાય… આ ઘટના દરેકના જીવનમાં કેટલીયવાર બનતી હશે પણ ભાગ્યે જ કોઈ કવિતાને આવી અર્થહીન ઘટનામાં કવિતા નજરે ચડતી હોય છે.

જમણા હાથના અંગૂઠેથી થઈને ખાલી એવી ભરાઈ છે કે નાયિકાનું આખુંયે અસ્તિત્વ એની અસરમાં આવી ગયું છે. આંગળીઓ કામ ન કરી શકે એવી નોંધારી થઈ ગઈ છે, શાહીનો ખડિયો વાપરી ન શકાય એવી હાલત થઈ છે, કાગળ પર અક્ષરોની નાની-નાની જ્યોત ઝળહળતી હતી, એ જ્યોત ખાલીની ફૂંકે ઓલવાતી જાય છે. ને નાયિકા ખાલી ઉતરાવવા નીકળે છે. ખાલીના પ્રતાપે ખાલીપો અનુભવાય છે. નાયિકા ઠમ-ઠામ ભટકે છે ને લખવાના બાકી રહી ગયેલાં ગીતો રઝળી પડ્યાં છે. વૈદરાજને ખાલી ચડેલી હથેળીમાં હાથલો થોર નજરે ચડે છે… કેવું અદભુત રુપક! ખાલી ચડે ત્યારે સાચે જ હથેળીમાં એવા કાંટા ભોંકાતા હોય છે જાણે હાથ હાથલો થોર ન હોય! જોશી-ભૂવા બધા જ નિષ્ફળ જાય છે ત્યારે નાયિકાના મનનો માણીગર આવીને રક્તધાર કરે છે ને ખાલી દૂર થાય છે… આ શોણિતની ધાર પ્રેમની ધાર છે, સુહાગની ધાર પણ હોઈ શકે… પણ નાયિકાના જીવતરનો કાગળ રાતા રંગે છલકાઈ ઊઠે છે… શું કહીશું આ ગીતને? ખાલીનું ભરેલું ગીત?

3 Comments »

  1. Rina said,

    December 21, 2018 @ 2:17 AM

    Aaahaaaaaaaa

  2. pragnaju said,

    December 21, 2018 @ 8:29 AM

    સુંદર ગીત સુંદરતમ ડૉ વિવેકનું રસ દર્શન-‘નાયિકાના જીવતરનો કાગળ રાતા રંગે છલકાઈ ઊઠે છે… શું કહીશું આ ગીતને? ખાલીનું ભરેલું ગીત?’
    જે અર્થ આપણા પર ઠોકી બેસાડવામાં આવે એ નહીં, જેનું અર્થઘટન આપણે જાતે કરી શકીએ, આપણે માની લીધેલી આપણી સમજ પ્રમાણે નહીં- સાચી સમજ કેળવીને, એ જ સાચું સાંભળવું કે જોવું હોય છે.ચારેકોર વેડફાતા શબ્દોના ખખડાટને કાન સુધી પહોંચવા દઇએ એ જ સાચું સાંભળવું નથી હોતુ તે ખાલીનું ભરેલું ..!આવા ઘણા ગીતોમાનું એક હંમણા ગુંજે
    ओ हाय रे
    मन्तर झूठा हां बैद भी झूठा हो
    पिया घर आ रे आ रे आ रे –
    ओय ओय ओय ओय देखो रे देखो रे देखो उतर गयो बिछुआ

  3. Chetna Bhatt said,

    December 21, 2018 @ 12:49 PM

    Mast majja nu.. Khali nu bharelu geet.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment