સાવ જુઠું જગત, કોઈ તારું નથી,
મૂક સઘળી મમત, કોઈ તારું નથી.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

(કોઈ) – ભાવિન ગોપાણી

આ કોરી વાવનાં તળિયે અડી ગયું છે કોઈ
અડીને પાછું પગથિયાં ચડી ગયું છે કોઈ

આ માત્ર વાત નથી ફૂલની કે ચિઠ્ઠીની
કિતાબમાં જ રહીને સડી ગયું છે કોઈ

ઊઠીને બારી ઉઘાડી તેં સૂર્ય જોયો ને
સવારનેય સવારે જડી ગયું છે કોઈ

છે શક્યતા કે ફરીથી એ વૃક્ષ લીલું થાય
એ વૃક્ષ નીચે ઊભા રહી રડી ગયું છે કોઈ

હૃદયમાં એટલે હળવાશ જેવું લાગે છે
વિચારમાંથી અચાનક પડી ગયું છે કોઈ

હવે એ ઓરડો જીવી જશે ઘણાં વર્ષો
એ ઓરડામાં ઘડી બે ઘડી ગયું છે કોઈ

રહ્યો આ વાતનો અફસોસ જિંદગી આખી
મને સ્વયંથી વધારે નડી ગયું છે કોઈ

– ભાવિન ગોપાણી

આખી ગઝલ જ મજાની… બધા શેર બળકટ… વાહ!

4 Comments »

  1. Jigar joshi said,

    January 17, 2019 @ 3:13 AM

    Adbhoot

  2. pragnaju said,

    January 17, 2019 @ 8:15 AM

    કોઇ- મૂળ कोडपि- સર્વનામ અને વિશેષણ- ગમે તે જણ કે વસ્તુ માટે, અનિશ્ચિતાર્થવાચક.
    કવિશ્રી વિવેકના રસાસ્વાદ-‘ આખી ગઝલ જ મજાની… બધા શેર બળકટ… વાહ!’ સાથે સંમત
    આ કોરી વાવનાં તળિયે અડી ગયું છે કોઈ
    અડીને પાછું પગથિયાં ચડી ગયું છે કોઈ-
    આખી ગઝલ સરાહનીય પણ મત્લાનો શેર જ એવો મજબૂત, નાવિન્યસભર છે કે આખી ગઝલ વાંચવી જ પડે!
    કવિ ભાવિનની રચના યાદ આવે
    હવે હું બધાથી છું ઊંચે હવામાં,
    મને કોઈ નાખી ગયું ત્રાજવામાં… આપણી કોઈ ચિંતા કરતું હોય, આપણું કોઈ સારું ઇચ્છતું હોય અને આપણા માટે સતત પ્રાર્થના કરતું હોય એના માટે આપણે કેવા હોઈએ છીએ? ઘણી વખત તો આપણે કોઈની લાગણીઓની કદર નથી કરતા, આપણા મોઢેથી જ્યારે અમુક શબ્દો નીકળી જાય છે ત્યારે આપણને એ અંદાજ નથી હોતો કે આ શબ્દો એને આખી જિંદગી કાંટાની જેમ ખૂંચતા રહેશે
    રહ્યો આ વાતનો અફસોસ જિંદગી આખી
    મને સ્વયંથી વધારે નડી ગયું છે કોઈ યાદ આવે
    મેરી બદતમીઝિયા તો જગજાહિર હૈ લેકિન,
    આપકે શરાફત કે નિશાં ક્યોં નહીં મિલતે? પોતાની વ્યક્તિની કદર કરવી એ પણ પ્રેમ કરવાનો જ એક પ્રકાર છે. આપણી વ્યક્તિને એટલું જ જોઈતું હોય છે કે એ જે કરે છે એની ભીનાશ એની વ્યક્તિને સ્પર્શે છે .સાંપ્રત સમયે નવી વાત
    શું કોઈ તમને સ્પર્શ કરે તો જ શોષણ થાય? હાર્વી વેઇન્સ્ટેઇનનું સ્કૅન્ડલ સામે આવ્યા બાદ સોશિઅલ મીડિયા પર હેશટેગ ‘મી ટૂ’ ટ્રેન્ડ થઇ રહ્યો છે.સોશિઅલ મીડિયામાં સ્ત્રીઓ પોતાના યૌન શોષણના અનુભવો શેર કરી રહી છે.અભિનેત્રી મલ્લિકાએ પણ ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોતાનો અનુભવ શેર કર્યો છે.

  3. રસિક ભાઈ said,

    January 17, 2019 @ 11:46 AM

    ભાવિન ની કલમ માં ગઝલનું ઉજવલ ભાવી દેખાય છે ્

  4. vimala said,

    January 17, 2019 @ 3:06 PM

    સર્વાંગ સુંદર…. એના વખાણ શું કરવા? માણ્યા કરીએ …..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment