સ્ટૉક માર્કેટ – ભરત ઠક્કર
બપોરના ત્રણ વાગ્યા પછીનો સમય છે.
આજની બપોર અતિ શાંત છે.
પવન જંપી ગયો છે.
વાદળ બધાં સ્થિર છે.
એરોપ્લેનની પાતળી ધૂમ્રસેર
આકાશના શરીર પર કાપો પાડી રહી છે.
લોહીનો છાંટોય જોવા મળતો નથી.
બેકયાર્ડમાં તડકો છે.
સસલાં આરામ કરે છે.
ફળો ફૂલો ગરમીમાં તપ કરે છે.
ઘરમાં એર કન્ડિશનર ચાલુ છે.
મને ચેન પડતું નથી.
આજે સ્ટૉક માર્કેટ ડાઉન છે.
– ભરત ઠક્કર
તેર પંક્તિના નાનકડા કાવ્યમાં એક પંક્તિને બાદ કરતાં બધા જ વાક્ય પંક્તિના અંતે પૂરા થઈ જાય છે. ટૂંકા વાક્યો અને દરેક પંક્તિના અંતે આવતા પૂર્ણવિરામ ‘અતિ શાંત’ બપોરની શાંતિનો અહેસાસ કરાવે છે. આ એવી બપોર છે જ્યાં બધું જ આરામમાં છે અને કવિએ આ કાવ્યરીતિ સાયાસ પ્રયોજી હોય કે અનાયાસ, એ કવિતાના ભાવને દૃઢીભૂત કરવામાં ખાસ્સી ઉપકારક બને છે. એરોપ્લેનમાંથી પાછળ વછૂટતી પાતળી ધૂમ્રસેર જાણે કે છરી છે અને આકાશને બે ભાગમાં ચીરી રહી છે પણ બપોરે ત્રણની આસપાસનો સમય હોવાથી ક્યાંય લાલાશ નજરે ચડતી નથી. કવિ આસપાસ ઉપસ્થિત તમામ પ્રકૃતિત્ત્વના સ્થિતિભાવને જુએ છે. બહાર ગરમી છે પણ શાંતિ છે. અંદર વાતાનુકૂલન છે પણ બેચેની છે કેમકે સ્ટૉક માર્કેટમાં આજે કડાકો થયો છે…