ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે – રમેશ પારેખ
ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે સૂર્ય સાંખી લેશે મારું ઊગવું
શીશ હું ઉંચકીશ તો આકાશ
બેઅદબી કે ગુનો નહીં ગણે….
ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-
ડારા નહીં દ્યે,
બોજ મારી મ્હેકનો તો
સ્હેજ પણ એને નહીં લાગે.
ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે પછી હું થાકું ને ટપ દઈને ખરું
તો ધૂળ
એની વ્હાલસોયી ગોદમાં
ક્યારે ય ખરવાની મનાઈ નહીં કરે….
-રમેશ પારેખ
ફૂલ……બાળક……
Chitralekha Majmudar said,
January 23, 2019 @ 10:48 AM
Very innocent and sweet poem with very creative thoughts and ideas, well described and expressed.
સુરેશ જાની said,
January 24, 2019 @ 4:12 PM
બાળકની બાલ્યતા વિશે આનાથી વધારે સારી કોઈ અભિવ્યક્તિ હોઈ શકે ખરી?
Sureshkumar Vithalani said,
January 31, 2019 @ 6:12 AM
ફૂલનો વિશ્વાસભંગ ન થાય તે આકાશ, પવન અને ધરતીએ જોવું રહ્યું. આ ધરતી પર જન્મ લેતાં પ્રત્યેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે કે તે સ્વમાનભેર પોતાના આગવા વ્યક્તિત્વની સુગંધ સહ સુંદર જીવન વ્યતીત કરી જીવનની આખરી પળે સંતોષપૂર્વક છેલ્લો શ્વાસ લઈ શકે તેવી પરિસ્થિતિ આ જગતમાં પ્રવર્તે. કવિની જગતને અને જગત નિયંતા ( જો હોય તો ) ને આ તેમની આગવી રીતે કરેલી પ્રાર્થના છે.