તડકો – લાભશંકર ઠાકર
પરોઢનાં ઝાકળમાં તડકો
પીગળે.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘુમરાતીઆવે
થોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા
ઠક્ ઠક્ ઠક્ ઠક્ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈ ને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ!
– લાભશંકર ઠાકર
પરોઢના તડકામાં અંધારાની સાથે માણસ પોતે પણ પીગળતો જાય છે. તડકો સંવેદનના એક પછી એક પડને પીગળાવીને છેક અંદરથી માણસને ‘જ્ગાડી’ દે એ અનુભૂતિને કવિએ અદભૂત રીતે રજૂ કરી છે.
pragnaju said,
December 16, 2018 @ 7:59 AM
સંમુખના જીવનકોલાહલ કરતાં કવિનું ધ્યાન અતીતની જીવનગતિ તરફ વિશેષ રહ્યું છે. સ્મૃતિબિંબો કલ્પન તરીકે રચનાઓમાં આહલાદક રીતે ઊપસેલાં છે.પ્રયોગની આત્યંતિકતા બતાવતું પ્રસિદ્ધ ‘તડકો’ કાવ્ય ખાસ ઉલ્લેખનીય છે. જેનું મા ડૉ ધવલભાઇએ સ રસ રસદર્શન કરાવ્યું-ધન્યવાદ
Neekita said,
December 16, 2018 @ 1:02 PM
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટરે બેઠુ
ખોટી જોડણી સુંદરતા કાવ્ય ની મરી ગઈ !ઃ-(
Lata Hirani said,
December 17, 2018 @ 7:16 AM
અંત તરફ જતાં જાણે શબ્દોય પીગળતા જાય ને અનુભૂતિનું જ વર્ચસ્વ રહે ….