આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે?
કેટલીયે સાંજના શ્વાસો રૂંધાય છે !
અંકિત ત્રિવેદી

વૈશાખી બપોર – કિશોર બારોટ

ગોફણ ગોળે આગ વછૂટે, કેર વરસતો કાળો,
તાંડવ ખેલે સૂરજ જાણે, જોગી ઝાળ જટાળો.

કલરવને તો સૂનમૂનતાનો ગયો આભડી એરુ,
તરસ બ્હાવરી હવા શોધતી જળનું ક્યાંય પગેરું ?
ધીંગી ધરતી તપતી જાણે ધગધગતો ઢેખાળો,
તાંડવ ખેલે સૂરજ જાણે જોગી ઝાળ જટાળો.

પંડ ઠેઠે પડછાયો ઘાલી ઊભા નીમાણાં ઝાડ,
મુઠ્ઠી છાંયો વેરે તોયે વહાલો લાગ તાડ.
સઘળું સુક્કું જોઇ લહેરથી મહોર્યો છે ગરમાળો.
તાંડવ ખેલે સૂરજ જાણે, જોગી ઝાળ જટાળો.

ઊભે વગડે હમચી ખૂંદે તડકાના તોખાર,
સ્તબ્ધ અવાચક સચરાચર પર સન્નાટાનો ભાર,
ઘાંઘો થઇને પવન દોડતો થઇને ડમ્મરીયાળો
તાંડવ ખેલે સૂરજ જાણે જોગી ઝાળ જટાળો.

– કિશોર બારોટ

વડોદરા સ્થાયી થયેલ નિવૃત્ત શિક્ષક શ્રી કિશોર બારોટ ‘આઠે પહોર આનંદ’ નામક ગીત-ગઝલ સંગ્રહ લઈ ઉપસ્થિત થયા છે… લયસ્તરોના આંગણે એમનું સહર્ષ સહૃદય સ્વાગત છે…

ઉનાળાની બળબળતી વૈશાખી બપોરને તાદૃશ કરતું મજાનું ગીત આજે માણીએ…

8 Comments »

  1. Chitralekha Majmudar said,

    February 9, 2019 @ 4:28 AM

    Very well played, game of words and thoughts. Topical as summer has almost begun. It reads very well, can be recited very well.Congrats.

  2. રસિક ભાઈ said,

    February 9, 2019 @ 5:00 AM

    મુઠ્ઠી છાંયડો.સનાટા નો ભાર.હરખાતો ગરમાલો્.
    સરસ મઝા આવી ગઈ ્

  3. Anila Patel said,

    February 9, 2019 @ 11:32 AM

    બહુજ સરસ ધોમધખતા ઉનાળાનું વર્ણન.

  4. કિશોર બારોટ said,

    February 9, 2019 @ 11:45 AM

    વિવેક ભાઈ, લય સ્તરોના વિશાળ ફલકપર મારા ગીતને સ્થાન આપવા બદલ ખુબ ખુબ આભાર

  5. અશોક જાની 'આનંદ' said,

    February 9, 2019 @ 11:46 PM

    મજાનું ગીત…. શિયાળે પરસેવો પડાવે એવું..

  6. Bharat vaghela said,

    February 11, 2019 @ 10:22 PM

    વાહ…

  7. Sarla Sutaria said,

    February 12, 2019 @ 7:39 AM

    વાહ ગીત દાદા, ધોમધખતો સૂરજનો ગોળોય આ વર્ણનથી હરખાય ગયો હશે !

  8. Vimal Agravat said,

    March 15, 2020 @ 7:23 AM

    મારા ગમતા ગીત કવિ.🙏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment