આમ એ ક્યાંય પણ નથી જડતો,
આમ total વસે છે મારામાં.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 23, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરદ્વાર ગોસ્વામી
મંદિર અંદર રાડ પડી છે,
ધર્મો કરતાં ધાડ પડી છે.
એક શબ્દમાં, બીજો ગુપચુપ,
મારામાં બે ફાડ પડી છે.
ખુલ્લા ખેતર જેવું જીવન,
આખેઆખી વાડ પડી છે.
મારું જંગલ ખોવાયું છે,
એથી તો આ ત્રાડ પડી છે.
લે, તારું સરનામું આપું,
તું તો હાડોહાડ પડી છે.
દરિયામાં વહુવારુ જેવી,
નટખટ નદિયું પ્હાડ પડી છે.
કેમ ગઝલને ભેટું, બોલો!
શબ્દોની આ આડ પડી છે.
– હરદ્વાર ગોસ્વામી
મસ્ત મજાની દમદાર ગઝલ… કોઈપણ પિષ્ટપેષણ વિના મમળાવ્યે રાખવા જેવી…
Permalink
November 22, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
કઈ રીતે જગ થાય રોશન, શું ખબર?
ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ
દેહ તો કંતાનથી ઢાંકી શકો
આયનો બોલ્યો કે અતલસ જોઈએ
એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ
ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ
એકરસ થઈને ગઝલ લખતો રહ્યો
એ ખબર નહોતી કે નવરસ જોઈએ
– રઈશ મનીઆર
કવિતાની ખરી કમાલ એ છે કે કવિ મરજીવો બનીને મહાસાગરના અતળ ઊંડાણ તાગીને અમૂલ્ય મોતી વીણી લાવીને કાંઠે ઊભેલા ભાવકના હાથમાં મૂકે છે અને દરિયામાં પગ ભીનો કર્યા વિના જ ભાવક મોતીનો લ્હાવો માણી શકે છે. જો કે આજકાલ જે પ્રકારની ગઝલો અને ગીતોનો ફાલ ફાટી નીકળ્યો છે, એમાં ખાલી છીપ વધારે છે અને મોતી તો ભાગ્યે જ જડે છે. રઈશભાઈની ગઝલો જો કે પ્રારંભથી જ મોતીનું તેજ ધરાવતી ગઝલો છે. જરાય અઘરી ભાષા વાપર્યા વિના સાવ સહજ રીતે બોલચાલની ભાષામાં જ એ અદભુત ગઝલો આપણને આપતા આવ્યા છે. આ ગઝલ જુઓ… એકેય શેર સમજાવવાની જરૂર નથી પણ એકેય શેર સમજ્યા વિના પડતો મૂકાય એવોય નથી…
Permalink
November 21, 2018 at 7:18 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે,
દિલ કોઈનું, કોઈનો અધિકાર હોય છે.
દિલથી મળી રહે છે મને પ્રેમનો પ્રકાશ,
બુદ્ધિ-પ્રદેશમાં યદિ અધિકાર હોય છે.
મારું જીવન તિમિર ગણો છો ? ભલે ગણો,
ચમકે છે આગિયાઓ જો અંધાર હોય છે
આ એ જ દિલ છે, એ જ છે આસન મયૂરનું,
જ્યાં આપનો આવાસ ઘણી વાર હોય છે.
એ વર્તણૂંક એમની મારા પ્રતિ રહી,
મૃત્યુનો જિંદગીથી જે વ્યવહાર હોય છે.
જીવન-કિતાબ લાખ પ્રકારે લખાય પણ,
સરખે સહુનો અંતમહીં સાર હોય છે.
ભોળી ઉષાને ભાન નથી કંઈ સ્વમાનનું,
નિત્ એને જન્મ આપતો અંધાર હોય છે.
ઘેરી વળે છે જ્યારે ‘ગની’, દુખના કંટકો,
ત્યારે જીવન ગુલાબનો આકાર હોય છે.
– ગની દહીંવાલા
કોઈ જ શબ્દઆડંબર વિનાની મર્મવેધી રચના….
Permalink
November 19, 2018 at 2:36 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
ઘર તો હતાં અનેક ને ઝાંપા હતા અનેક,
પણ આશરાના આપણે ફાંફા હતા અનેક.
એકાદ ડગની દૂરી યે કાપી શકાઈ નૈં,
એકાદ ડગના માર્ગમાં ફાંટા હતા અનેક.
વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.
ખીલાઓ ખૂબ માર્યા છે એ સ્પષ્ટ થાય છે
સંબંધની દીવાલમાં ટાંચા હતા અનેક.
આ જિંદગી વિશે જરા પૂછ્યું’તું મેં મને જ,
થોડાં સમર્થનો હતાં, વાંધા હતા અનેક.
ખોલીને એની કેદથી આવી શક્યો ન બ્હાર
સ્મરણોની બંધ શીશીને આંટા હતા અનેક.
બીમાર આંખને ગણી કરતા રહ્યા ઇલાજ,
જોયું નહીં કે સપનાંઓ માંદાં હતાં અનેક.
મૃત્યુ સિવાય શ્વાસને ના લાંગરી શક્યા,
જીવનની આ નદીને તો કાંઠા હતા અનેક.
એક દોરડે મદદ કરી કૂવાની ડોલને,
તેથી કૂવાના પથ્થરે આંકા હતા અનેક.
ચોર્યાસી લાખ બાદ ક્યાં નિશ્ચિત હતું કશુંય,
જન્મોની એક ગલી હતી, ટાંપા હતા અનેક.
– અનિલ ચાવડા
Permalink
November 16, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
ઘણી વાર દ્વારે ટકોરા પડે છે,
હવાના નથી ને એ જોવા પડે છે.
વધુ પડતા જ્ઞાની થવાથી તો માણસ
સ્વયંમાં જ ક્યારેક ખોટા પડે છે.
ખબર છે તું એનાથી રોકાઈ જાશે,
ને આંસુઓ ત્યારે જ મોડાં પડે છે.
હવેના સંબંધો વિશે તો છે એવું,
જરૂરતના ટાણે જ મોળા પડે છે.
તમે લાગણીની જરા છાંટ નાખો,
તમારાં તો આંસુય કોરાં પડે છે.
કરે વાત ‘વેદાંત’ ચુંબનની જ્યારે,
આ ભમરા બધા કેમ ભોંઠા પડે છે?
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
સરળ… સહજ… અને સાદ્યંત આસ્વાદ્ય.. પરંપરા અને આધુનિક ગઝલ -એમ બંને રંગોનું મજાનું સાયુજ્ય અહીં જોવા મળે છે…
Permalink
November 15, 2018 at 12:30 AM by વિવેક · Filed under કિરીટ ગોસ્વામી, ગઝલ
જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.
થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી,
આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.
જોઈએ બસ જોઈએ ખુદનો ભરોસો સામટો;
એ વિના જીવન પળેપળ સાવ નોંધારું થશે.
દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.
મન હવે ચાલ્યું છે ભીતરના પ્રવાસે બસ, ‘કિરીટ’;
બસ, હવે જે કંઈ થશે તે કામ કંઈ ન્યારું થશે.
– કિરીટ ગોસ્વામી
આમ તો આખી ગઝલ મસ્ત છે પણ મત્લાનો શેર જ સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થઈ જાય એવો અફલાતૂન થયો છે. બે પંક્તિના ઘરમાં કવિએ જે કમાલ કરી છે એ શબ્દાતીત છે… આવી જ રદીફવાળી એક બીજી ગઝલ –હવે જે થાય તે સાચું– પણ કવિએ લખી છે, એ પણ આ સાથે માણવી ચૂકશો નહીં…
Permalink
November 9, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેહુલ ભટ્ટ
પડું-આખડું છું,
પ્રયત્નો કરું છું.
નસીબે લખેલા
કદી ક્યાં ગણું છું?
સજા ક્યાં દે ઈશ્વર,
છતાં પણ ડરું છું.
નયનમાં ઘણાની
ખટકતું કણું છું.
લખીને ગયા એ
ફરીથી લખું છું.
પ્રણયમાં જે છૂટ્યું
કલમથી ભરું છું.
અણી પર જે ચુક્યો
હવે આવરું છું.
ઘણી ભીડમાં પણ
‘સ્વ’ને સાંભળું છું.
હું સર્જાઉં રોજ્જે,
ને રોજ્જે મરું છું.
– મેહુલ ભટ્ટ
ટૂંકી બહેરમાં મોટી વાત કરતી મજાની ગઝલ… મોટાભાગે ટૂંકી બહેરની ગઝલ નાના વિધાન બનીને રહી જતી હોય છે પણ આ ગઝલના મોટાભાગના શેર વિધાન બનીને રહી જવાના અભિશાપથી ઊગરી ગયા છે. લગભગ બધા જ શેર વિચાર માંગી લે એવા…
Permalink
November 8, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
કદી સ્થિતિ, કદી સમજણ નવો પડકાર ફેંકે છે,
કદી ભીતરની અકળામણ નવો પડકાર ફેંકે છે.
નિરંતર કાળની કતરણ નવો પડકાર ફેંકે છે,
ક્ષણેક્ષણ આવનારી ક્ષણ નવો પડકાર ફેંકે છે.
અચાનક એક લક્કડખોદ આવી છાતી પર બેઠું,
શરીરે ઉપસી આવ્યા વ્રણ નવો પડકાર ફેંકે છે.
કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવીને,
અજાણ્યા મ્હેલનું પ્રાંગણ નવો પડકાર ફેંકે છે.
ઉખેડી મૂળથી વાચા પછી આદેશ આપ્યો : ‘ગા’
આ શસ્ત્રોહીન સમરાંગણ નવો પડકાર ફેંકે છે.
હવે એકેય લીલું પાંદડું બાકી બચ્યું છે ક્યાં?
છતાં આ ભોમનું વળગણ નવો પડકાર ફેંકે છે.
હજુ નવનાથ, દામોકુંડ, કેદારો, તળેટી-ટૂક..
હજુ કરતાલની રણઝણ નવો પડકાર ફેંકે છે.
– સંજુ વાળા
ગઝલ કાવ્યપ્રકારની ખાસિયત એ છે કે એ બે પંક્તિના મકાનમાં આખી દુનિયા વસાવી આપે છે. સંજુ વાળાની ગઝલોમાં તો આ ખાસિયત ખાસ ઉપસી આવે છે. ખૂબ મજાની રદીફવાળી મજાની ગઝલ કવિ લઈ આવ્યા છે. દરેક શેર ખૂબ ધીમે રહીને ઊઘાડવાલાયક…
Permalink
November 6, 2018 at 2:46 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીશ મીનાશ્રુ
પર્વત પર પાછું ચડવાનું
નદીપણું નિશ્ચે નડવાનું
સવાર પડતાં ફાળ પડે છે
અજવાળું અઘરું પડવાનું
ઓરમાન માટીમાં તારું
બીજ જનમભર તરફડવાનું
પવન ઉપર નકશા ખુશ્બૂના
તું શોધે થાનક વડવાનું
દરદ સહુનું સહિયારું છે
શું પૂનમનું શું પડવાનું
શું કરશો કે એક સફરજન
મનમાં પડ્યું પડ્યું સડવાનું
પાણીને ના પડે ઉઝરડો
એમ સરોવરને અડવાનું
ભાષાનો ભાંગી કર ભૂક્કો
એ જ બને કારણ ઘડવાનું
સાવ સાંકડા ઘરમાં સંતો
યાયાવર થઈને ઊડવાનું
– હરીશ મીનાશ્રુ
ટૂંકી બહેરની મજબૂત રચના…દરેક શેર એક સ્વતંત્ર વિચારને બળકટ રીતે રજૂ કરે છે….
Permalink
November 2, 2018 at 1:25 AM by વિવેક · Filed under ગઝલ, મેઘજી ખટાઉ ડોડેયા 'મેઘબિન્દુ', મેઘબિન્દુ
ભૂલી જવી જે જોઈએ એ વાત યાદ છે,
બસ એટલે તો આપણી વચ્ચે વિવાદ છે.
ધાર્યું થયું ના એટલે વિવશ બની ગયો,
દૃષ્ટિ કરું છું જ્યાં હવે ઘેરો વિષાદ છે.
શ્રદ્ધા રહી ના એટલે શંકા વધી ગઈ,
મંઝિલ મળે ક્યાંથી હવે પ્રયત્ને પ્રમાદ છે.
એથી તમારા દ્વાર પર આવ્યો નહીં કદી,
સમજી ગયો’તો આપની મેલી મુરાદ છે.
છું એકલો ને આસપાસે રણની રિક્તતા
અથડાય છે જે કાન પર એ કોનો સાદ છે!
– મેઘબિંદુ
મત્લાનો શેર કેવો સરળ, સહજ પણ કેવો સચોટ! વાહ!
Permalink
October 31, 2018 at 4:06 AM by તીર્થેશ · Filed under ગઝલ, શ્યામ સાધુ
ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,
હું પાનખરના નામથી પણ થરથર્યા કરું.
આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા,
પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું.
બહુ બહુ તો એક પળને લીલીછમ બનાવશે,
હું ક્યાં સુધી પતંગિયાને કરગર્યા કરું?
બોલો હે અંધકાર ! અજંપાની રાતના,
કોને સ્મરણ હું સૂર્ય બની તરવર્યા કરું ?
મારા વિષાદનાં ગુલાબો મ્હેકતા રહો,
હું તો આ બારમાસી ફૂલે ઝરમર્યા કરું.
– શ્યામ સાધુ
Permalink
October 25, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મકરંદ મુસળે
કોણ ખરું છે ખોટું શું છે? હું પણ જાણું તું પણ જાણે,
મનમાં કોના ઓછું શું છે? હું પણ જાણું તું પણ જાણે.
સૌનું હસવું રડવું સરખું, ચઢવું ને ઓસરવું સરખું,
તોય બધામાં નોખું શું છે? હું પણ જાણું તું પણ જાણે.
ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો, બાકી,
ઊંટ, વજીર ને ઘોડુ શું છે? હું પણ જાણું તું પણ જાણે.
દિલ પર રોજે રોજનું ભારણ, સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું નહીં તો થોડું શુ છે? હું પણ જાણું તું પણ જાણે.
તારો મોભો, માન, પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ ર’વા દે,
કાળું શું છે, ધોળું શું છે? હું પણ જાણું તું પણ જાણે.
– મકરંદ મુસળે
મજાની રમતિયાળ રદીફ અને એકદમ સરળ સહજ ભાષાનું પોત લઈને આ ગઝલ જિગરજાન યારની જેમ સીધી જ આવીને ગળે મળે છે. પણ બધા જ શેર જેટલા હલકાફુલકા લાગે છે એટલા જ ધીરગંભીર છે.
Permalink
October 24, 2018 at 3:50 AM by તીર્થેશ · Filed under ગઝલ, ચિનુ મોદી
હું રાજી રાજી થઇ ગયો છું જોઈ જોઈને
સપનાંઓ તારા આવી ગયા ન્હાઈ ધોઈને
એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને
એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઈને
અમને જીવાડવા તો એ રાજીનો રેડ છે
તારા વગર શું હોઈ શકું હોઈ હોઈને
‘ઇર્શાદ’ એવું કોઈ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઈને.
-ચિનુ મોદી
હું તો પહેલો શેર વાંચીને જ ખુશ ખુશ થઇ ગયો…….
Permalink
October 18, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, યામિની વ્યાસ
પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?
ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું, કદી કાફલો છે;
મળી મહેફિલો તો મેં માણી લીધી છે, સવાલો, જવાબો, સમસ્યા વળી શું?
નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;
કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?
મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે;
અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું?
જગતના વિવેકો ને વ્યવહાર છોડી, ઉઘાડા જ મેં દ્વાર રાખી મૂકયાં છે,
ભલે કોઇ અણજાણ આવે અતિથિ, પ્રતીક્ષા વળી શું, ટકોરા વળી શું?
– યામિની વ્યાસ
કોઈપણ વાત જ્યારે જ્યારે સપ્રમાણતાની હદ બહાર જાય ત્યારે હંમેશા કઠિન જ થઈ પડતી હોય છે. ગઝલ પણ સપ્રમાણ બહેર છોડીને લાંબી કે ટૂંકી બહેરમાં લખવામાં આવે ત્યારે ઉત્તમ કૃતિ નિપજાવવી થોડું કપરું બની જતું હોય છે. યામિની વ્યાસ અહીં લાંબી બહેરની ગઝલ લઈને આવ્યાં છે. આ ગઝલની એક બીજી વિશેષતા એ છે કે બહેર ભલે લાંબી પ્રયોજી હોય, રદીફ સાવ ટૂંકી ને ટચ માત્ર ત્રણ જ અક્ષરની બની છે. સામાન્યતઃ લાંબી બહેરની ગઝલમાં રદીફ પણ બહુ લાંબી હોય છે, જેથી કવિએ માત્ર દોઢ પંક્તિ જેટલી જ કસરત કરવાની રહે. પણ અહીં બહેર લાંબી અને રદીફ ટૂંકી હોવા છતાં યામિનીબેન અદભુત કહી શકાય એવી બિલકુલ સંઘેડાઉતાર ગઝલ આપવામાં સફળ રહ્યાં છે એ વાત સાચે જ કાબિલે-દાદ છે. કવિની સિગ્નેચર ગઝલ કહી શકાય એવી બળકટ આ કૃતિ છે…
Permalink
October 12, 2018 at 2:07 AM by વિવેક · Filed under ગઝલ, વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
ઈર્ષાથી સળગે છે આખો,
કોઈ તો માણસને ઠારો.
શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.
કરવી છે સાચ્ચે સેવા તો,
ઘરડાઘરને તાળાં મારો.
આપણને બાકોરું લાગે,
પંખીનો થાશે ત્યાં માળો.
ભીંતોનો તો દોષ જ ક્યાં છે,
આરોપી છે મનનો ગાળો.
ખરતા તારે સૌ કોઈ ધારે,
ધારું હું ને ખરશે તારો.
દિલ તો એની સાથે ચાલ્યું,
નજરુંને તો પાછી વાળો.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
સુરતના કવિ મિત્ર વિપુલ માંગરોલિયાનું એમના તરોતાજા પ્રથમ સંગ્રહ ‘ક્ષિતિજ પર ઝાકળ’ સાથે લયસ્તરો પર બાઅદબ બામુલાહિજા સ્વાગત છે… રચનાઓમાંથી પસાર થતાં સમજાય છે કે કવિ પરંપરા અને આધુનિકતા -બંનેમાં એક-એક પગ મૂકીને ગઝલની ભૂમિ પર વિહાર કરે છે. મહત્ત્વની વાત એ છે કે આ કામ કવિ સફળતાપૂર્વક કરી શક્યા છે. પહેલાં બંને શેર એકસમાન અર્થ ધરાવતા હોવા છતાં મત્લા પરંપરાની તો બીજો શેર આધુનિકતાની જમીન પર ઊભો છે. ઘરડાંઘરવાળો શેર તો માત્ર કવિસંમેલન માટેનો ગણી શકાય એટલો સપાટ થયો છે. પણ ખરી મજા પંખીના માળામાં છે. જીવનમાં જે વસ્તુ કોઈ એકને નકામી કે ફાલતુ લાગે એ જ વસ્તુ કોઈ બીજા માટે જીવનદાયિની કે બહુમૂલ્યવાન પણ હોઈ શકે એ વાસ્તવિકતા સમજાવવા માટે કવિ બાકોરું અને માળાના પ્રતિકોને જે રીતે વાપરે છે એ સાચે જ કાબિલે-દાદ છે. ભીંતોવાળો શેર પણ એવો જ અદભુત થયો છે. બે જણ વચ્ચે ઊભી થતી ભૌતિક દીવાલોથી કદી છૂતાં થતાં નથી હોતાં. માણસો વચ્ચે અલગાવ બે જણના મનમાં જ્યારે ગાળો-અલગાવ-અંતર પડી જાય છે ત્યારે જ ઊભો થાય છે. ઈંટ-સિમેંટની દીવાલ કરતાં મનભેદ વધુ મજબૂત અંતરાય છે. એ પછીના બંને શેર વળી પરંપરાના શેર છે અને બંને ખૂબ મજાના થયા છે.
Permalink
October 10, 2018 at 3:57 AM by તીર્થેશ · Filed under ગઝલ, હર્ષદ ત્રિવેદી
આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,
ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.
મુઠ્ઠી ખોલી સકળ સપનાં આંખમાં આંજવાનાં,
ને આંખોને અમલ ન ચડે એમ મારે જવાનું.
ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહ્ને કણ કણ જડે એમ મારે જવાનું.
મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું;
ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.
ઊભાં ઊભાં વિવશ નજરે દોડતાં દૃશ્ય જોઉં,
ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.
સંધ્યાટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,
ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.
– હર્ષદ ત્રિવેદી
વાત જવાની છે….મૃત્યુ પણ હોઈ શકે….કોઈની જિંદગીમાંથી જવાની વાત પણ હોઈ શકે. એક જ ભાવ ઉજાગર કરતા શેરોમાં સહજરીતે ચમત્કૃતિ વણી લેવાઈ છે, જેમ કે બીજા શેરમાં સિકંદરની મૃત્યુટાણે ઉઘાડી રહી ગયેલી મુઠ્ઠીની વાત છે. ‘ખિસ્સામાં સ્મરણ ખખડે…’ – અભિવ્યક્તિ પણ સબળ છે. મને સૌથી વધુ પાંચમો શેર ગમ્યો. હૃદય જે કરવા માંગે છે તેને વ્યવહારમાં મૂકી નથી શકાતું-કારણ કોઈ પણ હોઈ શકે – એ વિવશતાને મસ્ત અંદાઝમાં ગૂંથી છે…..
Permalink
October 4, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષા દવે
વહી ના શક્યા, આછરી ના શકાયું!
અપેક્ષા મુજબ કૈં કરી ના શકાયું!
ઘણા ગેરલાભો થયા ટોચ ઉપર,
તળેટીમાં તોયે સરી ના શકાયું!
બની ફૂલ શૉ-કેસમાં ગોઠવાયાં,
ખીલી ના શક્યાં ને ખરી ના શકાયું!
ઉકેલ્યા પછી ભેદ નીર-ક્ષીર કેરાં,
જીવણ! એકે મોતી ચરી ના શકાયું!
ડૂમાનાં વહાણો રહ્યાં લાંગરેલાં,
અને આંખમાં જળ ભરી ના શકાયું!
ધપ્યા એ રીતે કંઈ તમારા ભણી કે,
પછી સાવ પાછું ફરી ના શકાયું!
– હર્ષા દવે
આમ તો બધા જ શેર સંતર્પક થયા છે પણ નીર-ક્ષીર અને ડૂમાનાં વહાણોવાળા શેર તો અફલાતૂન થયા છે. નીર અને ક્ષીરનો ભેદ એકવાર જાણી લેવાય તો પછી ચરવાની ઇચ્છા જ ક્યાંથી રહે, ભલે ને સામે મોતી કેમ ન હોય? દુનિયામાં સારું શું છે ને નરસું શું છે એ સમજ પડી જાય એ ઘડી જીવ માટે જીવન આકરું થઈ પડવાની ઘડી છે. સચ્ચાઈની મુઠ્ઠી જ્યાં સુધી બંધ રહેલી છે, ત્યાં સુધી જ જીવવામાં મજા છે…
Permalink
October 1, 2018 at 3:43 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઘુવીર ચોધરી
આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે.
આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી,
ચાલી ગયા એ સંગ સમયની, ઊભા અમે.
મેં મિત્રને જુદા ગણીને ઓળખ્યા નથી,
જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે.
ભૂલી જવાય તોય ગુમાવાનું કંઈ નથી,
એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે.
મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.
– રઘુવીર ચૌધરી
maturity સ્વયંસ્પષ્ટ છે !!
Permalink
September 28, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બાપુભાઈ ગઢવી
તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !
વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી !
રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી !
હું ઈન્તજારમાં ને તમે હો વિચારમાં,
એ પણ છે શરૂઆત, કૈં આખર-પ્રલય નથી !
એવું નથી કે એળે ગઈ મારી ઝંખના
એવું નથી કે સાવ તમારે હૃદય નથી !
– બાપુભાઈ ગઢવી
મનહર ઉધાસના કંઠે હજાર વાર સાંભળેલી આ ગઝલ બાપુભાઈની છે એ વાત અનિલ ચાવડાએ ફેસબુક પર આ રચના મૂકી ત્યારે જ જાણી… ગઝલ આખી જ અદભુત થઈ છે પણ મત્લા તો ગુજરાતી ગઝલના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ મત્લાઓમાં અગ્રેસર સ્થાન પામે એવો મજબૂત થયો છે…
Permalink
September 24, 2018 at 3:46 AM by તીર્થેશ · Filed under ગઝલ, મહેશ રાવલ ડૉ.
હું મને મળી લઉં છું એકલો પડું ત્યારે,
શ્વાસ, સાંભળી લઉં છું એકલો પડું ત્યારે.
વિસ્તરેલ પગલામાં ક્યાં સમાય છે રસ્તા ?
માત્ર, સાંકળી લઉં છું એકલો પડું ત્યારે.
પ્રશ્નતા પ્રભાવિત થઈ ઓગળે જવાબોમાં,
એમ ઓગળી લઉં છું એકલો પડું ત્યારે.
આવતી જતી ક્ષણને એકમેકની સાથે,
ભેળવી, ભળી લઉં છું એકલો પડું ત્યારે.
સહેજ પણ પડે નોંખી શક્યતા તફાવતથી,
એ તરફ વળી લઉં છું એકલો પડું ત્યારે !
પર્વ જેમ પડઘાતાં, આંતરિક અભરખાંને,
ઢાળ દઈ ઢળી લઉં છું એકલો પડું ત્યારે.
મીણ જેમ ઓગળતી હાંફતી શ્વસનબત્તી,
ખૂટતી કળી લઉં છું એકલો પડું ત્યારે.
રાખનું રમકડું આ સર્વશ્રેષ્ઠ છે કહીને,
જાતને છળી લઉં છું એકલો પડું ત્યારે !
વીર્યહીન સગપણની ભૂખ ભાંગવા ખાતર,
લાગણી રળી લઉં છું એકલો પડું ત્યારે.
– ડૉ મહેશ રાવલ
‘એકલા પડવું’ પોતે જ એક પ્રયત્ન માગે છે. માણસ વિપશ્યના સાધનામાં એકલો ન પડી શકે એમ બને. એકલા પડવું અને એકલા પડીને તટસ્થ આત્મનિરીક્ષણ કરવું એ બે પાછી વળી તદ્દન ભિન્ન વાતો છે…..કોઈ જાતને ભાળે છે તો કોઈ જાતને છળે છે……
Permalink
September 21, 2018 at 1:30 AM by વિવેક · Filed under ગઝલ, ધર્મેશ ભટ્ટ
છેડી ગઝલના તાર હજી એકલો છું હું,
તું આવ એકવાર હજી એકલો છું હું.
લાંબો આ રાહ ને વળી પડછાયાનાં વનો,
માથે સ્મરણનો ભાર હજી એકલો છું હું.
એક સાંજ આંખમાં ઊગે ને આથમે છે રોજ
વ્યાકુળ છે ઇંતઝાર હજી એકલો છું હું.
લે, આવ યાદ આપું તને ભીની આંખની
અશ્રુની આરપાર હજી એકલો છું હું.
તું આવ આ ક્ષણે જ બહુ એકલો છું હું,
લાંબો ન કર વિચાર હજી એકલો છું હું.
– ધર્મેશ ભટ્ટ
એકલતાનું અદભુત ગાન…
Permalink
September 20, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પીયૂષ ચાવડા
તું મને ભૂલી ગઈ એ રંજ છે,
આપણો બસ આટલો સંબંધ છે!?
વાત મીરાંની બધા કરતા રહ્યા,
એક રાણાની પીડા અકબંધ છે.
ક્યાં જીવાતું સાવ હળવાફૂલ થઈ?
શ્વાસ પર પીડાનો મોટો ગંજ છે.
ધાબળા તારા કશા ના કામના,
ભીતરેથી લાગતી આ ઠંડ છે.
કેટલા આઘાત તું આપીશ મને?
યાર.. આ પથ્થર નથી કૈં, પંડ છે.
– પીયૂષ ચાવડા
મીરાંની પીડાનું ગાન સકિઓ અનવરત કરતા આવ્યા છે… પણ રાણાના પૉઇન્ટ ઑફ વ્યૂથી આખી ઘટનાને જોઈએ તો? રાણાને કોઈ તકલીફ જ નહીં થઈ હોય? શા માટે એ મીરાંબાઈને ઝેરનો પ્યાલો આપવા તૈયાર થયો હશે? વિચારવા જેવું કે નહીં?
લયસ્તરોના આંગણે કવિ પીયૂષ ચાવડા તથા એમના ગઝલ સંગ્રહ ‘હાથ સળગે છે’ – બંનેનું સહૃદય સ્વાગત છે…
Permalink
September 19, 2018 at 3:26 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
જે ક્ષિતિજો પર વિખેરાયા હશે
એ વિરહના ધુમ્મસી ચહેરા હશે
લાગણી ક્યારેય પૂરી થાય નહી
એને માટે જે હતી, ઈચ્છા હશે
બારણું નહીં ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે
આગની આવી તો હિંમત હોય નહી
જે મને બાળી ગયા, તણખા હશે
કેમ એ આવ્યા નહીં કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે
-જવાહર બક્ષી
ત્રીજો શેર જુઓ !!!
Permalink
September 18, 2018 at 9:03 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
સામાંય ધસી જઇએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇએ.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ
બીજો શેર શિરમોર લાગ્યો….બંધન અનુભવીશું તો જ મુક્તિની કિંમત સમજાશે. ‘ health, wealth and sleep are best appreciated when interrupted ‘
Permalink
September 14, 2018 at 1:46 AM by વિવેક · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ભડભડ બળતું શહેર હવે તો
ખુલ્લું પડતું શહેર હવે તો
સૂરજ થઈને સિગ્નલ ઊગ્યાં
એને નમતું શહેર હવે તો
દરિયો ક્યાં છે, આભ ગયું ક્યાં?
ભૂલું પડતું, શહેર હવે તો
ખાંસી ખાતી લોકલ એમાં
ધક્કે ચડતું શહેર હવે તો
ભીંત રચી સહુ ચાલે ભેગા
ટોળે વળતું શહેર હવે તો
લાશ ઊઠાવી ખુદની ખાંધે
રોજ નીકળતું શહેર હવે તો
– કૈલાસ પંડિત
દરિયો અને લોકલની વાત પરથી સમજી શકાય છે કે કૈલાસ પંડિત મુંબઈની વાત કરે છે પણ આજની તારીખે આ ગઝલ બધા જ શહેરની આત્મકથા નથી?
Permalink
September 13, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
મોસમ આ માતબર છે,
ખુશ્બૂની બસ ખબર છે,
ફૂલોય ડાક-ઘર છે!
જો કે નુપૂર બગર છે,
તાદારે દિન તનન-શી
કોની ચપળ નજર છે?
ઉત્મત્ત શું ઉ’મર છે,
પુષ્પોને, પાંદડાંને,
પૂછું છું કોનું ઘર છે?
ખામોશીનો પ્રહર છે,
દરિયાઈ વાયરાની
પાંખી અવરજવર છે.
દ્રુત તાલની અસર છે,
વાજિંત્ર હો કે માણ્સ,
બંનેના તંગ સ્વર છે!
અંદર બધું ઈતર છે,
નિષ્ઠા, ઈમાન, ગૌરવ,
એ તો ઉપર ઉપર છે!
આગળ વિકટ સફર છે,
ચશ્માં ને લાકડી પર
ખરતું જતું નગર છે.
– હેમેન શાહ
મજાની અર્થસભર ત્રિપદ ગઝલ. રમતિયાળ લય. ચુસ્ત કાફિયા અને બધા જ શેર અર્થગંભીર થયા છે.
Permalink
September 6, 2018 at 1:56 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
કિનારો હોય કે મઝધાર : મારે શો ફરક પડશે?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
સ્મરણ એકેય રહેવા નહિ દઉં હું ઘરની ભીંતો પર;
છબીઓ સર્વ ફોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
મને ઘોડેસવારીનો અનુભવ તો નથી કિન્તુ,
સખત ચાબુક સબોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
કથા પૂરી થવા આવી તો તેના અંતની સાથે,
તમારું નામ જોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
નદીકાંઠો, સ્વજનની હાજરી, સૂર્યાસ્તની વેળા,
ચિતામાં યાદ ખોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
– ભગવતીકુમાર શર્મા
લાંબા સમયથી નાદુરસ્ત તબિયતના શિકાર શ્રી ભગવતીકુમાર શર્માનો ક્ષરદેહ ગઈકાલે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો… એમની પ્રસ્તુત ગઝલના ત્રણ શેર લયસ્તરો સહિત ઇન્ટરનેટ પર સતત ફરતા જોવા મળી રહ્યા છે પણ આખી ગઝલ આજે અહીં પહેલીવાર રજૂ કરીએ છીએ…
કવિએ જાણે પોતાની વિદાય માટે જ લખી હોય એવી આ ગઝલ વાંચતાં આંખ ભીની થયાં વિના નહીં રહે…
Permalink
September 5, 2018 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે સવારમાં.
જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઇએ રે ઘર,
એવું તે શું કે આખું જીવન જાય દ્વારમાં..!
શ્રધ્ધા તો ઠીક કોઇ અશ્રધ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.
ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.
કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં.
– જવાહર બક્ષી
Permalink
September 4, 2018 at 7:58 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ રેડ્ડી
यहाँ हर शख़्स हर पल हादसा होने से डरता है
खिलौना है जो मिट्टी का फ़ना होने से डरता है
मिरे दिल के किसी कोने में इक मासूम सा बच्चा
बड़ों की देख कर दुनिया बड़ा होने से डरता है
न बस में ज़िंदगी उस के न क़ाबू मौत पर उस का
मगर इंसान फिर भी कब ख़ुदा होने से डरता है
अजब ये ज़िंदगी की क़ैद है दुनिया का हर इंसाँ
रिहाई माँगता है और रिहा होने से डरता है
– राजेश रेड्डी
આમ તો આખી ગઝલ સરસ છે પણ મક્તાને લીધે આખી ગઝલની ઊંચાઈ બદલાઈ જાય છે…..
Permalink
September 2, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેષ પંડ્યા 'ભીનાશ'
હીંચકો છુટ્ટો મૂકીને ઝૂલવું છે,
આપણે હાથે કરીને ભૂલવું છે.
એ ખરું ખોટું કરી જીવી રહ્યા ને
આપણે સાંધા કરી સંતુલવું છે.
નાળ નાભિ સ્હેજમાં ખેંચાય વ્હાલા,
પોતને એકાંતમાં સંકેલવું છે.
ફૂંક ઊછીની લઈ ફુગ્ગો ભર્યો છે,
ફૂલવા દે, એમને બસ ફૂલવું છે.
સાંભળ્યું ઝાકળ બધું ઊડી ગયું છે,
બેસ ને, ‘ભીનાશ’ રણને ખૂલવું છે
– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
સરળ ભાષામાં મજા પડી જાય એવી વાત કરતી ગઝલ. લગભગ બધા જ શેર વાંચતાવેંત સ્પર્શી જાય એવા…
Permalink
August 30, 2018 at 2:01 AM by વિવેક · Filed under ગઝલ, નેહા પુરોહિત
તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?
છે યમુના ઘાટ, વિષધર, આપણે સૌ ત્રસ્ત, પણ-
કૃષ્ણ અહીં રમવા કરે એવી દડી શોધી શકે?
કેડ તેડાયા હતા, જે કેડ પર ઝૂડો હતો;
કેડથી ભાંગેલ મા ક્યારે નડી, શોધી શકે?
ઊડવું તો સહેલ છે, પાંખો નથી તો શું થયું?
તું અગર તારી ભીતર મનપાવડી શોધી શકે!
સૂર્ય છે તો શું થયું? તારો ય પડછાયો હશે;
તારી છાંયા કઈ જગાએ જઈ પડી શોધી શકે?
– નેહા પુરોહિત
કવયિત્રી પડકાર ફેંકે છે. શું તમે શોધી શકશો? કરો કોશિશ… મજાની ગઝલ. પાંચેય શેર આસ્વાદ્ય. માવાળા શેરમાં પણ કેડનો ત્રિવિધ ઉલ્લેખ અવગણનાની જે ધાર કાઢે છે એ સરાહનીય છે…
જો કે ક્યારેક ઉતાવળે રચનામાંથી પસાર થઈએ તો લોચા પણ મારી દેવાય.. એ લોચાને બદલ્યા વિના ભૂલસ્વીકાર સાથે અહીં રજૂ કરું છું.
મત્લો મેં તને ના સ્થાને મને મૂકીને વાંચી લીધો:
તું મને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?
અને એ પ્રમાણે અર્થઘટન પણ કરી નાંખ્યું:
પ્રેમ એ સાર્વત્રિક અનુભૂતિ છે પણ શું આપણે આપણી જાતમાંથી બહાર આવી શકીએ છીએ ખરા? શું આપણે સામા પાત્રને સાચા અર્થમાં શોધી શકીએ છીએ ખરા? કવયિત્રીનો પડકાર આખા જીવન માટે પણ નથી. શું માત્ર એક ઘડી એવી શોધી શકાય જેમાં આપણે હું નહીં, તુંને શોધી શક્યા હોઈએ? અને જો આ ઘડી શોધી કાઢીએ તો એમાં આપણું મન સાચા અર્થમાં પરોવી શકાય એવી કોઈ કડી આપણને જડે છે ખરી?
ખરો શેર આ મુજબ છે…
તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?
આખી જિંદગી આપણી ‘સ્વ’માં ‘સ્વ-અર્થ’માં વીતી જાય છે પણ આ અવ અને સ્વ-અર્થ એ અરીસામાં નજરે ચડતી વ્યક્તિ છે. આપણે આપણી ભીતર ઊતરવાની કદી કોશિશ કરીએ છીએ ખરા? હજારો માણસો સાથે વાતો કરવાનું જેટલું સહેલું છે એટલું જ કપરું છે ભીતરની જાતરા કરવું. કવયિત્રી આપણને ચેલેન્જ આપે છે. શું આપણે આપણી પોતાની જાતને શોધી શક્યા હોઈ એવી વધુ નહીં, માત્ર એક ઘડી પણ શોધી શકવા સમર્થ ખરા? અને આ એક જ ઘડીમાં વળી મન પણ પરોવી શકીએ એ પાત્રતા કેળવાયેલી છે ખરી?
જોયું? એક જ અક્ષર બદલાઈ જાય તો આખું અર્થઘટન કેવી રીતે બદલાઈ જઈ શકે છે?!
Permalink
August 22, 2018 at 8:52 AM by તીર્થેશ · Filed under ગઝલ, નયન દેસાઈ
સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા,
આ રઝળતા શહેરમાં ઓળા વસે છે કેટલા ?
સ્તબ્ધતા ટોળે વળી મારી કલમની ટાંક પર,
રિકત કાગળ પર ચિતરાવતા મઝાના મોરલા.
દૂર સૂરજ હોય એવુ લાગવું ને ક્ષણ પછી,
હાથ દાબી દે કોઈ બે આંખ ઉપર લાગલા.
થાય છે કે હું સૂકીભઠ વાવનું એકાંત છું,
કોણ પ્રગટાવે દીવો ને કોણ પૂજે નાગલા ?
હાથમાં મારું જ ધડ લઈ સામો પડછાયો મળે,
હું ઝરૂખેથી અતીતના જોઉં જન્મો પાછલા.
– નયન હ. દેસાઈ
Permalink
August 21, 2018 at 8:54 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,
કે થઈ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.
તું નીકળે અહીંથી રસ્તો જ હું બની જઉં,
બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને.
આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા?
આંખે અગન ભરીને કેડે કટાર લઈને.
જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો,
હું શું કરું તમારી આ સારવાર લઈને.
હું દરવખત થયો છું લોહીલુહાણ એવો,
તું દરવખત મળે છે કૈં ધારદાર લઈને.
– અનિલ ચાવડા
Permalink
August 17, 2018 at 1:45 AM by વિવેક · Filed under ગઝલ, રક્ષા શુકલ
એક સપનુ સાવ બોગસ નીકળ્યું,
એ પછી આંસુય ચોરસ નીકળ્યું.
કેમ આ દરિયો અચાનક ઊછળે?
આંખનું જળ એમ ધસમસ નીકળ્યું.
શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,
કાગડાનું વેણ ફારસ નીકળ્યું.
ના કદી એણે મને દર્પણ ધર્યું,
એક જણ નખશિખ સાલસ નીકળ્યું.
પાન સાથે બિંબ પણ એનું ખર્યું,
વૃક્ષનું સાક્ષાત્ વારસ નીકળ્યું.
એક ટીપાંએ ભરી મુઠ્ઠી હવાની,
એ નર્યું જળકૃત સાહસ નીકળ્યું.
એમના સ્વરમાં જ સાંભળવું હતું,
ગીત એનું દોસ્ત, કોરસ નીકળ્યું.
– રક્ષા શુકલ
કાગડો બોલે અને મહેમાન આવે એ વાયકા પણ અહીં તો શૂન્યતા પધારે છે. ફારસ કાફિયાનો કેવો સ-રસ પ્રયોગ અહીં થયો છે! સામાને એની ભૂલો બતાવવાની આપણા સૌની આદત છે પણ કવયિત્રીને નખશિખ સાલસ વ્યક્તિનો ભેટો થયો છે એ શેર પણ ખૂબ મજાનો. જળકૃત સાહસ જેવા અનૂઠા પ્રયોગ સાથે કવયિત્રી પાણીનું ટીપું હવાની મુઠ્ઠી ભરે છે એમ કહીને જે રીતે પરપોટાનો સાક્ષાત્કાર કરાવે છે એ પણ અભૂતપૂર્વ છે.
ગઝલનો મત્લા અને વૃક્ષના વારસવાળો શેર મને સમજાયો નહીં. મિત્રો મદદ કરશે તો ગમશે…
Permalink
August 15, 2018 at 8:47 AM by તીર્થેશ · Filed under ગઝલ, પ્રકીર્ણ, ભગવતીકુમાર શર્મા
અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
તળેટીથી યે શિખરે પહોંચવું છે.
કોઈ રીતે સમીપે પહોંચવું છે,
‘હું’ -’તું’ – ‘તે’ ના અભેદે પહોંચવું છે.
હતો, છું, ને હઈશ કેવળ નદીમાં,
કહ્યું કોણે કે કાંઠે પહોંચવું છે?
બધે રસ્તેથી હું પાછો વળ્યો છું,
ફક્ત એનાં જ દ્વારે પહોંચવું છે.
છે રણમાં સૂર્યની શિરમોર સત્તા,
આ નદી મૃગજળની, તીરે પહોંચવું છે.
કોઈ તારાને ખરતો રોકવાને,
મળે જો પાંખ આભે પહોંચવું છે.
ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં,
ઉતાવળ છે, ચિતાએ પહોંચવું છે.
– ભગવતીકુમાર શર્મા
Permalink
August 10, 2018 at 12:30 AM by વિવેક · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.
વિચારો વટાવીને આગળ જજો,
ન કાપી શકો એ મજલ આવશે.
નમાવે જો મસ્તક તું કાગળ ઉપર,
શબદના લિબાસે કતલ આવશે.
સમાધિમાં ઊંડે ને ઊંડે જશું,
પછી કોઈ આંખો તરલ આવશે.
કદી સાચનો કિલ્લો તોડી જવા,
ધરમની ધજાની નકલ આવશે.
સજાને ક્ષમાની વચોવચ હશું,
ને ઇન્સાફ તારી અદલ આવશે.
આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા,
મરણ આવશે તે અટલ આવશે.
– અશરફ ડબાવાલા
ઇડનના બાગમાં આદમ અને ઇવ સુખેથી રહેતા હતા. શેતાનને ભગવાને સ્વર્ગ બહાર કાઢી મૂક્યો એટલે એને ભગવાન સામે બદલો લેવો હતો. એણે ઇવને સાધન બનાવી અને લલચાવી. બાગના ફળ ખાવાની મનાઈ હોવા છતાં શેતાનના પ્રભાવમાં આવી ગયેલી ઇવના કહેવાથી આદમે સફરજન ખાધું અને ઈશ્વરના રોષનું બંને કારણ બન્યા. બંનેએ પૃથ્વી પર આવવું પડ્યું. સીધી વાત કરે તો એ કવિતા નહીં, માત્ર કથન બની રહે. અહીં મીઠી એ કટાક્ષ છે. સફરજનની મીઠી ફસલ અર્થાત્ લાલચ, છેતરામણીના સંજોગો.. માણસ ફરી છેતરાશે અને ફરી આદમની જેમ એનું પતન થશે.. ટૂંકમાં આ શેર નકારાત્મક વાત કરીને એ હકીકત બયાન કરે છે કે માનવજાત જ્યાં સુધી લલચાવાનું બંધ નહીં કરે, પતનનો સિલસિલો ચાલુ જ રહેશે.
Permalink
August 9, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
મને કાગળ-કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,
કવિતાનાં બળૂકાં લશ્કરો સૂવા નથી દેતાં.
અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું,
કબર મારી જ છે પણ પથ્થરો સૂવા નથી દેતાં.
હજારો વાર ધોઈ છે છતાંયે જાત મહેકે છે,
ગુલાબી સ્પર્શનાં એ અત્તરો સૂવા નથી દેતાં.
પલાંઠી ચુસ્ત વાળીને કરે છે ધ્યાન મારામાં,
સ્મરણનાં જોગણી-જોગંદરો સૂવા નથી દેતાં.
વિસામો શ્વાસને આપી હવે પોઢી જવું છે બસ,
પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતાં.
-પારુલ ખખ્ખર
લયસ્તરોના વાચકમિત્રો માટે પારુલ ખખ્ખરનું નામ અજાણ્યું નથી. આજે તેઓ પોતાનો પ્રથમ સ્વતંત્ર સંગ્રહ લઈને લયસ્તરોના આંગણે આવ્યાં છે, ત્યારે એમનું સહૃદય સ્વાગત કરીએ છીએ…
Permalink
August 8, 2018 at 2:29 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
પ્રસંગો પાંદડાના ઢગમાં બાળતા રહીએ,
પરિસ્થિતિનાં ધુમાડાને ઘુંટતા રહીએ.
હવે અવાજનું ઊંડાણ તું ય જાણે છે,
તને ગમે તો જરા વાર બોલતા રહીએ.
ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં,
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.
થીજી ગયો છે હવે પ્રેમ પણ અતીતની જેમ,
સમય ની જેમ ચાલો આપણે જતા રહીએ.
‘ફના’ ચાલોને આ પગલાંને મુકવા જવું છે,
જરા ક્ષિતિજ સુધી જઈને આવતા રહીએ.
-જવાહર બક્ષી
Permalink
August 2, 2018 at 2:01 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
રસ્તા જ્યારે સીધા થાય,
ત્યારે લોકો વાંકા થાય.
લોહી ન નીકળે, પીડા થાય,
એ જખ્મોની ચિંતા થાય.
બે જણ જ્યારે સરખા થાય,
ચારેબાજુ પડઘા થાય.
ખૂલે ભેદ પછી પણ શું?
થોડા દિવસ હોહા થાય.
આભ ગમે જે બાળકને,
અંગૂઠા પર ઊંચા થાય.
– કિરણસિંહ ચૌહાણ
ટૂંકી બહેરની અને સાવ સહજ ભાષામાં લખાયેલી ગઝલ. બધા જ શેર શીરાની જેમ તરત જ ગળે ઊતરી જાય એવા. પરંપરાનો હાથ ઝાલીને ચાલતી હોવા છતાં રચનામાંથી સાંપ્રત સમાજનો પડઘો સંભળાયા વિના રહેતો નથી.
Permalink
July 30, 2018 at 2:10 AM by તીર્થેશ · Filed under ગઝલ, માધવ રામાનુજ
આ સમયને પાર કરવા નીકળ્યા-
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!
સ્વચ્છ, પાવન, પારદર્શી વહેણ કેવું?
દોડતાં પહોંચ્યા અને મૃગજળમાં ડૂબ્યા.
નામ સંબંધોને નહોતું આપવાનું-
નામ દીધું ને જુઓ, અંજળમાં ડૂબ્યા.
જે દીવાએ સ્હેજ અજવાળું વધાર્યું-
એ દીવાની મેશના કાજળમાં ડૂબ્યા.
પ્રેમની વાતોય લાગી પ્રેમ જેવી,
એમ ને એમ જ અમે અટકળમાં ડૂબ્યા.
કોઈ માને કે ન માને, સત્યનું શું?
સ્વપ્ન જે જોયાં હતાં, ઝાકળમાં ડૂબ્યા.
પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં,
તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા!
સાવ પોતાનું જ લાગ્યું હોય એવા,
આંસુ જેવા એ રૂપાળા છળમાં ડૂબ્યા!
આ સમયને પાર કરવા નીકળ્યા,
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!
– માધવ રામાનુજ
[ સૌજન્ય :- inmymindinmyheart.com – ડો. નેહલ વૈદ્ય ]
મૃદુ ભાષામાં તાતા તીર વછોડ્યા છે…..જેમ કે ‘ પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં, તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા! ‘
Permalink
July 25, 2018 at 1:36 AM by વિવેક · Filed under કુતુબ આઝાદ, ગઝલ
મન માનવીનું એટલું માયામાં અંધ છે,
આંખો તો છે ઉઘાડી હૃદયદ્વાર બંધ છે.
લીધો છે એક શ્વાસ બીજો લઈ નહીં શકે,
પ્રત્યેક શ્વાસ વિશ્વથી છેલ્લો સંબંધ છે.
માગું છું ફૂલ જેવું જીવન હું મર્યા પછી,
ખર્યા પછીયે ફૂલમાં બાકી સુગંધ છે.
સથવારો જો પ્રકાશનો સાથે ન હોય તો,
જેને કહો છો આંખ એ આંખોયે અંધ છે.
મમતાના તાર મોતની સાથે તૂટી જશે,
કાલે નહીં જ હોય જે આજે સંબંધ છે.
અંતિમ ટાણે એટલી અમને સમજ પડી,
જીવન એ પાપકર્મનો મોટો નિબંધ છે.
‘આઝાદ’ રોકશો મા, ભલે એ વહી જતાં,
આંસુઓ પશ્ચાતાપનો તૂટેલ બંધ છે.
– કુતુબ ‘આઝાદ’
પરંપરાના શાયરની કલમે પરંપરાની ગઝલ પણ બીજા-ત્રીજા અને ચોથા શેરના કલ્પન એટલા મજબૂત છે કે આધુનિક કવિતામાંથી પસાર થતાં હોવાની અનુભૂતિ થયા વિના નહીં રહે.
Permalink
July 19, 2018 at 2:25 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
આંખ સામે છે દર્દનાક બધું
તોય કહેવાનું ઠીકઠાક બધું
મેં રહસ્યોની હાટ ખોલી’તી
લઈ ગયા એક-બે ઘરાક બધું
જે સફર આદરી શક્યો જ નથી
એને છે ભૂખ, પ્યાસ, થાક બધું
સ્થળની ચોરી થઈ છે રાતોરાત
ક્યાં ગયાં ખેતરો ને પાક બધું ?
દોસ્ત, ના બોલ આંસુની ભાષા
એમને લાગશે મજાક બધું
કોઈ પાસેથી એ મળ્યું જ નહીં
મેં તો માંગ્યું હતું જરાક બધું
-હર્ષ બ્રહ્મભટ્ટ
કેવી સરળ ભાષા અને કેવી અર્થસભર વાત! આખી ગઝલ જ અદભુત!
Permalink
July 17, 2018 at 2:44 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી,
જીવનના પાલવે બંધાઈને જાણે કઝા આવી !
કોઈ સ્વપ્નસ્થનાં બીડાએલાં નયનો જુઓ ક્યાંથી !
કે એક બેચેનની આંખોને અડવા ઊંઘ ના આવી.
સ્મરણ-પુસ્તક અચાનક બંધ તેઓએ કરી દીધું,
લખેલી લોહીથી જ્યારે અમારી વારતા આવી.
ન કંટાળી જશો જીવન-સભાના પ્રિય શ્રોતાઓ !
ઊઠી જાઉં છું હું પોતે, કથા પૂરી થવા આવી.
સિતમનાં વાદળોએ એનું રૂપાંતર કરી દીધું,
દુઆ આકાશમાં જે ગઈ, બનીને આપદા આવી.
મહોબ્બતની મહામૂલી મળી સોગાદ બન્નેને,
હૃદયને જખ્મ દીધા, મારે ભાગે વેદના આવી.
જીવન-રજની હૃદયપટ પર હજી અંધાર રહેવા ડે,
મધુરું સ્વપ્ન તોડી નાખશે મારું, ઉષા આવી.
‘ગની’, હું કેટલો છું ક્રૂર એ આજે જ સમજાયું,
કે દુનિયાનાં દુઃખો જોયાં અને નિજ પર દયા આવી.
– ‘ગની’ દહીંવાલા
સરળ ભાષાના સરતાજ ગનીચાચાની રચનામાં રહેલું ઊંડાણ તો જુઓ !!!
Permalink
July 12, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંદીપ પુજારા
ખમે છે ભાર જે મારો હું એ કણ-કણનો ૠણી છું,
છતાં માતા-પિતા, શિક્ષક- વિશેષ એ ત્રણનો ૠણી છું.
મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ૠણી છું.
ભલે છૂટાછવાયાં છે છતાં રેખાને જોડે જે
સીધી લીટીમાં રહેનારા એ બિંદુગણનો ૠણી છું.
કહ્યું’તું જેમણે કે એ મને કંઈ પણ નહીં આપે,
રહી છે આબરૂ તો એમના ‘કંઈ પણ’નો ૠણી છું.
મે ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ૠણી છું.
– સંદીપ પુજારા
બહુ સરળ ભાષામાં અલગ અલગ આયામ દર્શાવીને કવિ પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે જે હૃદયને તરત જ સ્પર્શી જાય છે.
Permalink
July 6, 2018 at 3:25 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા
છે સમયની કેટલી માઠી અસર
વૃક્ષ વલખે છે હવે ટહુકા વગર
એક વેળા આથમ્યાની છે મજા
સૂર્ય જેવી નહીં કરું હું ચડઉતર
હાથ, પગ, ચહેરો બધું ખંડિત છે
શખ્સ છે કે શિલ્પ છે કોને ખબર!
હું નથી તરતો, તણાતો જાઉં છું
આ સમયના વહેણમાં આઠે પ્રહર
કેડીઓ તો ક્યારની ફંટાઈ ગઈ
વ્યર્થ લંબાઈ રહી છે આ સફર
એ લીસોટા આભમાં કે શ્વાસમાં
ક્યાંક તારી યાદની ફૂટી ટશર
– મયંક ઓઝા
ગ્લૉબલ વૉર્મિંગ વિશે અસરદાર શેર બહુ ઓછા જોવા મળે છે. પ્રસ્તુત ગઝલનો મત્લા સાવ સરળ ભાષામાં પણ લાંબી અસર છોડી જાય એ રીતે આ વિષયને સ્પર્શે છે. સરવાળે મનનીય રચના…
Permalink
July 5, 2018 at 1:58 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
પીડાઘરના તૂટ્યાં તાળાં વસમી સાંજે
ઊડયાં રે આંસુ પાંખાળાં વસમી સાંજે.
એક કિરણ આશાનું એણે ઠાર કર્યું ત્યાં,
મ્યાન થયાં જાતે અજવાળાં વસમી સાંજે.
કાગળમાં ફૂલો બીડયાં’તાં ઉગતા પહોરે,
પ્રત્યુત્તર આવ્યા કાંટાળા વસમી સાંજે.
હાથ કદી ના છૂટે એનો, નેમ હતી પણ
હાથ ન જોડાયા ભમરાળા વસમી સાંજે.
શું કહેવું એ શખ્સ વિશે જેણે ગણ્યા’તા,
બે ડૂસકાં વચ્ચેના ગાળા વસમી સાંજે.
-પારુલ ખખ્ખર
સાંજ… આથમતી સાંજ આમેય ઉદાસીના ઓળા લઈને અવતરતી હોય છે. સૂરજ ઢળવાની વેળાએ આકાશ ભલે મનોરમ્ય રંગોથી સાજ કેમ ન સજતું હોય, આપણા મનને એ કોક અકથ્ય ઉદાસીથી પણ ભરી દે છે. એક નશા પર બીજો નશો હોય એમ અહીં એકબાજુ તો સાંજ છે ને બીજી બાજુએ એ વળી વસમી છે… વસમી સાંજના એવા રંગો અહીં કવયિત્રી લઈને આવ્યા છે, જે ભાવકના દિલોદિમાગ પર ક્યાંય સુધી કબ્જો જમાવીને રાખશે…
Permalink
July 4, 2018 at 1:09 PM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં
તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે
માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં
એનું કારણ શું કે મન ઝંખે સતત વરસાદને
એનું કારણ શું કે મન છોલાય છે વરસાદમાં
મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી
હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં
ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં
– રમેશ પારેખ
Permalink
July 4, 2018 at 2:57 AM by તીર્થેશ · Filed under ગઝલ, ધૂની માંડલિયા
આંસુ અવાજો ન કરે, ઘોંઘાટ કેવળ જળ કરે,
ઘર તો સદા ધ્યાનસ્થ છે, ઉત્પાત સૌ સાંકળ કરે.
વરસાદ ફૂલોને, સદા નવડાવતો આનંદથી,
શણગારવાનું કામ એને પ્રેમથી ઝાકળ કરે.
કેવા સિતમ યુગથી થયા ઈતિહાસમાં ક્યાં નોંધ છે?
ધૃતરાષ્ટ્ર જેવો છે સમય, ફરિયાદ કોને પળ કરે?
આકાશને જામીન પર છોડાવવાનું થાય તો,
જામીન અરજી પર સહી સૌ પ્રથમ વાદળ કરે.
છે આપણા તો હાથમાં કેવળ સળી ને સાળ આ,
કાપડ વણીને આપવાનું કામ તો શામળ કરે.
હર પાંખ પાસેથી મળે આકાશની સઘળી વિગત,
ક્યાં નરક છે? છે સ્વર્ગ ક્યાં? માનવ હજી અટકળ કરે.
થોથાં બધાં પધરાવ તું, આ શબ્દ તો અંધાર છે,
એવું અલૌકિક પામ ‘ધૂની’ જે તને ઝળહળ કરે.
– ધૂની માંડલિયા [ સૌજન્ય – ડો. નેહલ inmymindinmyheart.com ]
Permalink
June 28, 2018 at 12:30 AM by વિવેક · Filed under અદમ ટંકારવી, ગઝલ
સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું
ઉડાડી છેક દરિયાપાર લઈ ગઈ
હસી એક છોકરી વિમાન જેવું
ઉઘાડી આંખ છે મેં દૃશ્ય ગાયબ
સહજમાં થઈ ગયું છે ધ્યાન જેવું
હશે આ ઘરની બારીનેય આંખો
હશે આ ભીંતને પણ કાન જેવું
ખબરઅંતર પૂછે ખેરાત જાણે
કરે છે સ્મિત તે પણ દાન જેવું
ઊભી પૂછડીએ જે ભાગી રહ્યું છે
એ લાગે છે કોઈ ઇન્સાન જેવું
હતું જે સ્વપ્નમાં રેશમ ને મલમલ
ને જાગી જોઉં તો કંતાન જેવું
અદમ આ શ્વાસની ખીંટીએ લટકે
અમારું હોવું ખાલી મ્યાન જેવું
– અદમ ટંકારવી
ફરી ફરીને મમળાવવી ગમે એવી હળવીફૂલ અર્થસભર ગઝલ…
Permalink
June 21, 2018 at 2:00 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
સૌ વ્યવહારો ચોખ્ખાચટ
તોય હાથ કાં મેલામટ?
કાળ કઠણ ‘ને પળ પોચટ
વાહ વખા ! તારી ચોખટ
નામ નથી હોતું લંપટ
અંદરની સઘળી ખટપટ
વચગાળાની લઇ ચોવટ
ડહોળી વરસોની ઘરવટ
ઘેન વધારે થાતું ઘટ
નિરખીને નાગણ શી લટ
તું કે’ તો અજમાવું પણ
વટ માથે શું પડશે વટ ?
ઓળખ અળપી* બેઠો છે
મનમાં ઊછળતો મરકટ
આ સૌ નિરાંતજીવી પણ
નાચી-નાચી થાક્યા નટ
જોઈ તને હું દોટ મૂકું
તુંય ઉપાડે પગ ઝટઝટ
તક શોધીને તાક્યું છે
નક્કી નીકળશે સોંપટ
સરસ્વતીનું વ્હેણ નથી તું
હું પણ ક્યાં છું ગંગાતટ ?
કવિતા જેવી છાંય મળી
કેમ કહું ફેરો ફોગટ ?
ભભૂત, કંથા,જપ-તપ,ધ્યાન..
કહી ગઝલ, છોડી ઝંઝટ
– સંજુ વાળા
ટૂંકી બહેરની લાંબી ગઝલ… બધા જ શેર ધ્યાનાર્હ અને મનનીય. રાજેન્દ્ર શુક્લ જેવું કાફિયાવૈવિધ્ય અને સર્જકની ઊંડી વિચારક્ષમતા અને સર્જન-સજ્જતા ઊડીને આંખે વળગે છે.
(*અળપી=છૂપાવી)
Permalink
Page 12 of 49« First«...111213...»Last »