હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
બરકત વિરાણી ‘બેફામ’

છોડી ઝંઝટ – સંજુ વાળા

સૌ વ્યવહારો ચોખ્ખાચટ
તોય હાથ કાં મેલામટ?

કાળ કઠણ ‘ને પળ પોચટ
વાહ વખા ! તારી ચોખટ

નામ નથી હોતું લંપટ
અંદરની સઘળી ખટપટ

વચગાળાની લઇ ચોવટ
ડહોળી વરસોની ઘરવટ

ઘેન વધારે થાતું ઘટ
નિરખીને નાગણ શી લટ

તું કે’ તો અજમાવું પણ
વટ માથે શું પડશે વટ ?

ઓળખ અળપી* બેઠો છે
મનમાં ઊછળતો મરકટ

આ સૌ નિરાંતજીવી પણ
નાચી-નાચી થાક્યા નટ

જોઈ તને હું દોટ મૂકું
તુંય ઉપાડે પગ ઝટઝટ

તક શોધીને તાક્યું છે
નક્કી નીકળશે સોંપટ

સરસ્વતીનું વ્હેણ નથી તું
હું પણ ક્યાં છું ગંગાતટ ?

કવિતા જેવી છાંય મળી
કેમ કહું ફેરો ફોગટ ?

ભભૂત, કંથા,જપ-તપ,ધ્યાન..
કહી ગઝલ, છોડી ઝંઝટ

– સંજુ વાળા

ટૂંકી બહેરની લાંબી ગઝલ… બધા જ શેર ધ્યાનાર્હ અને મનનીય. રાજેન્દ્ર શુક્લ જેવું કાફિયાવૈવિધ્ય અને સર્જકની ઊંડી વિચારક્ષમતા અને સર્જન-સજ્જતા ઊડીને આંખે વળગે છે.

(*અળપી=છૂપાવી)

5 Comments »

  1. SANDIP PUJARA said,

    June 21, 2018 @ 2:06 AM

    ​વાહ…. સાચી વાત વિવેકભાઈ
    એક એક શેર સુંદર છે….

    ​ખુબ સરસ દાદા…

  2. સંજુ વાળા said,

    June 21, 2018 @ 2:38 AM

    આભાર.. વિવેકજી.

  3. નિનાદ અધ્યારુ said,

    June 21, 2018 @ 4:21 AM

    તું કે’ તો અજમાવું પણ
    વટ માથે શું પડશે વટ ?

    વાહ !

  4. Chetna said,

    June 21, 2018 @ 2:01 PM

    મજાની ગઝલ..
    સરસ્વતીનું વ્હેણ નથી તું
    હું પણ ક્યાં છું ગંગાતટ ?
    વાહ.

  5. Para kanuga said,

    June 27, 2018 @ 8:57 AM

    આહા..ટૂંકી બહેરની જોરદાર ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment