સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
વિવેક મનહર ટેલર

થાય તે સાચું – કિરીટ ગોસ્વામી

બધું મિથ્યા ગણી બેઠો, હવે જે થાય તે સાચું,
જગતને અવગણી બેઠો, હવે જે થાય તે સાચું.

ગયો બારાક્ષરીની બ્હાર એને શોધવા કાજે:
નવો કક્કો ભણી બેઠો, હવે જે થાય તે સાચું.

વિચારોના નગરમાં નીકળ્યો’તો ટહેલવા ખાતર;
અજબ મ્હેલો ચણી બેઠો, હવે જે થાય તે સાચું.

પ્રથમ જે નામ લીધું’તું અમસ્તું ને અનાયાસે;
પછી શ્વાસે વણી બેઠો, હવે જે થાય તે સાચું.

પરીક્ષા આકરી આપી રહ્યો છું એ જ શ્રદ્ધાથી:
હશે સામે ધણી બેઠો, હવે જે થાય તે સાચું.

– કિરીટ ગોસ્વામી

હવે જે થાય તે સાચું જેવી મજબૂત રદીફ કવિએ કેવી બખૂબી નિભાવી છે !!

*

(દોઢ મહિનાનું લાંબી રજા ભોગવીને આજે અમેરિકાથી ભારત પરત થયો છું… લયસ્તરોની બધી પોસ્ટ્સ અગાઉથી તૈયાર કરી દીધી હતી એટલે મારું પોસ્ટિંગનું કામ તો અનવરત ચાલુ જ રહ્યું પણ મિત્રોના પ્રતિભાવો જોવાનું ભાગ્યે જ શક્ય બન્યું છે.  મારા આ અમેરિકા પ્રવાસ દરમિયાન લયસ્તરો પર કોઈ મિત્રોએ આપેલા પ્રતિભાવનો કે પ્રશ્નનો જવાબ મારાથી આપવો રહી ગયો હોય તો ક્ષમા ચાહું છું.)

22 Comments »

  1. Atul Jani (Agantuk) said,

    June 11, 2011 @ 3:35 AM

    પરીક્ષા આકરી આપી રહ્યો છું એ જ શ્રદ્ધાથી:
    હશે સામે ધણી બેઠો, હવે જે થાય તે સાચું.

    વાહ

    ધણીની હાજરી જો સતત મહેસૂસ થાય તો કોઈ પરીક્ષા અઘરી નથી લાગતી.

    હવે જે થાય તે સાચું – રદીફ તો મજાનો છે.

    પડશે તેવા દેવાશે – રદીફ પર જો કોઈ ગઝલ હોય તો જણાવવા વિનંતી.

  2. JITEN said,

    June 11, 2011 @ 3:53 AM

    બધું મિથ્યા ગણી બેઠો, હવે જે થાય તે સાચું,
    જગતને અવગણી બેઠો, હવે જે થાય તે સાચું

    ખુબજ સરસ રચના મનસ ની ધારણા અને હકિકત વચ્ચે નો તફાવત ખુબજ ટુકાણ મા રજુ કરવા મા આવેલ ચ્હે

  3. Denish said,

    June 11, 2011 @ 4:08 AM

    ગયો બારાક્ષરીની બ્હાર એને શોધવા કાજે:
    નવો કક્કો ભણી બેઠો, હવે જે થાય તે સાચું.

    પરીક્ષા આકરી આપી રહ્યો છું એ જ શ્રદ્ધાથી:
    હશે સામે ધણી બેઠો, હવે જે થાય તે સાચું.
    – સુન્દર શેરો !
    ગઝલમાં પ્રભુ અને પ્રેયસી પ્રત્યેની પ્રીતિ સરસ રીતે અભિવ્યક્ત થઈ છે.
    પણ , મત્લામાં ‘મિથ્યા ગણવું’ અને ‘અવગણવું’ વચ્ચે શો ભેદ ?મને તો એ શબ્દો સમાન-અર્થી લાગે છે.
    સમજાવવા વિનંતી.

  4. dr.j.k.nanavati said,

    June 11, 2011 @ 5:14 AM

    સ ર સ રચના

  5. Pushpendraray Mehta said,

    June 11, 2011 @ 7:34 AM

    ખુબજ સરસ અને ખરા હ્ર્દય થિ લખયેલિ ગઝલ્…

  6. Pushpakant Talati said,

    June 11, 2011 @ 7:49 AM

    Mr./Shri – DENISH-Ji;

    આપે લખી પુછ્યું છે કે ;-
    ” ‘મિથ્યા ગણવું’ અને ‘અવગણવું’ વચ્ચે શો ભેદ ? – મને તો એ શબ્દો સમાન-અર્થી લાગે છે.” – તો જણાવવાનું કે;-

    “મિથ્યા ગણવું” – એટલે કે તેને ન માનવું અથવા તેને સાચુ ન માનવું અથવા તેને ખોટું માનવું અથવા તેના પર ભરોંસો ન કરવો વિગેરે જેવો અર્થ થાય છે.
    અને “અવગણવું” – એટલે તેની પરવા ન કરવી અથવા તેને તુચ્છ ગણવું અથવા લગભગ શુન્ય કિંમત આંકવી અથવા NEGLECT કરવું વિગેરે જેવો અર્થ થાય છે.

    આશા છે આ યોગ્ય શબ્દાર્થ થયો. – છતાં જો કોઈ અન્ય અર્થ બતાવશે તો તે જ્ઞાનમાં વ્રુધ્ધિ કરશે જ. તો તે માટે અન્ય ને આગળ આવવા મારું આહવાન છે.

  7. Atul Jani (Agantuk) said,

    June 11, 2011 @ 8:13 AM

    મિથ્યા શબ્દના અર્થમાં બહુધા ગેરસમજ્ થાય છે. મિથ્યા એટલે ખોટું નહિં પણ જેવું દેખાય છે તેવું નહિં.

    જેમ કે મૃગજળ – સામાન્ય રીતે જ્યાં જળ હોવાનો આભાસ થાય છે પરંતુ ત્યાં જળ હોતું નથી. તેથી તે દૃશ્ય ખોટું નથી પરંતુ સમજણ ખોટી છે. મૃગજળને જ્યારે મૃગજળ તરીકે જોવામાં આવે ત્યારે દોડ અટકી જાય.

    ફીલ્મના દૃશ્યો સાથે એકાકાર થયેલો પ્રેક્ષક જે રીતે તેની સાથેના ભાવ-અભાવ, હર્ષ-શોક અનુભવે છે પરંતુ જે ફીલ્મથી અલિપ્ત છે તે ત્યાં માત્ર પડદો અને પ્રકાશ જુએ છે. અલિપ્ત રહેનાર માટે ફિલ્મ મિથ્યા છે – રસીક પ્રેક્ષક માટે ફીલ્મ મનોરંજન છે.

  8. જયેન્દ્ર ઠાકર said,

    June 11, 2011 @ 8:24 AM

    ગયો બારાક્ષરીની બ્હાર એને શોધવા કાજે:
    નવો કક્કો ભણી બેઠો, હવે જે થાય તે સાચું.
    સુંદર ખ્યાલ છે! ધણીને શોધવા આ મર્યાદિત બારાક્ષરીને ભુલીને નવો કક્કો કોય કામયાબ ગુરુ પાસેથી શિખવો પડે છે!

  9. ધવલ said,

    June 11, 2011 @ 9:04 AM

    પ્રથમ જે નામ લીધું’તું અમસ્તું ને અનાયાસે;
    પછી શ્વાસે વણી બેઠો, હવે જે થાય તે સાચું.

    – સરસ !

  10. Girish desai said,

    June 11, 2011 @ 10:47 AM

    મિથ્યા એટલે જેમાં કાંઇ રસ રહયો નથી તેવી વસ્તુ કે વિચાર
    જેમકે મારા બાળપણના રમકડાં મારે માટે મિથ્યા છે.

    અવગણના એટલે જાણીજોઇને કોઇ વસ્તુ કે વિચારનેે ટાળવાની વૃત્તિ
    જેમકે કોઇએ આપેલી સલાહ સાચી હોય તો પણ તેને ગણકારવી નહી
    તે છે અવગણના.

  11. Denish said,

    June 11, 2011 @ 11:00 AM

    પુશ્પકાન્તભાઈ તલાટીજી અને અતુલભાઈ જાનીજી , સમજાવવા બદલ આભાર !
    (હું ૧૮ વરસનો છું અને નવોદિત છું )

    તમે આપેલા અર્થો વાંચીને વધુ જાણવા પ્રેરાયો અને ભગવદ્ગોમંડલ તપાસ્યો.
    તેમાં ‘મિથ્યા’ માટે “ખોટું; જૂઠું; અવાસ્તવિક; કૃત્રિમ; અસત્ય; કલ્પિત; અયથાર્થ; મૃષા; અનૃત;નકામું; ફોગટ; વ્યર્થ; વૃથા.” વગેરે અર્થો આપ્યાં છે.
    અને ‘અવગણવું’ માટે “અનાદર કરવો; તિરસ્કાર કરવો; અપમાન કરવું; અવજ્ઞા કરવી; ઉપેક્ષા કરવી”
    વગેરે અર્થો દર્શાવ્યાં છે.

    તો શું એને આધારે મત્લાનો એમ અર્થ કરી શકાય કે “કવિએ પહેલા બધી વસ્તુને અવાસ્તવિક-વ્યર્થ-અસત્ય માની લીધી ને પછઈ જગતનૉ તિરસ્કાર કરિ દીધો અને વિચાર્યું -હવે જે થાય તે સાચું”?

  12. Atul Jani (Agantuk) said,

    June 11, 2011 @ 12:10 PM

    શ્રી ડેનીશભાઈ
    ભગવદ ગો મંડલ ગુજરાતી માટે અને તેવી જ રીતે અંગ્રેજી ડિક્ષનેરીઓ અંગ્રેજી શબ્દ માટે એક જ શબ્દના ઘણાં અર્થો આપે છે. વાક્યરચના, કૃતિ, પ્રસંગ, પરિસ્થિતિ વગેરે બાબતોને આધારે તેનો ક્યો અર્થ થશે તે નક્કી કરવા માટે વિવેક બુદ્ધિ લગાડવી પડે. બધાં જ અર્થો એકી વખતે લાગુ ન પાડી શકાય.

    આ ઉપરાંત શબ્દકોશ અને ડીક્ષનેરીઓમાં વર્ણવેલા અર્થો સિવાય બીજા કોઈ અર્થો રચનાકારના મનમાં ન હોય તેવું નથી હોતું. રચનાકાર અને ખાસ કરીને કવિઓ, શાયરો અને ગઝલકારો તો ઘણી વાર માત્ર પ્રાસ બેસાડવા કે લઘુ ગુરુની માત્રાનો મેળ બેસાડવા માટે પણ ગમે તે શબ્દનો પ્રયોગ કરતાં હોય છે. તેથી આ પ્રકારની કૃતિ માટે પોતાના મનને સમાધાન થાય તેવા અર્થો લઈને આગળ વધવું જોઈએ..

  13. sapana said,

    June 11, 2011 @ 12:21 PM

    વિચારોના નગરમાં નીકળ્યો’તો ટહેલવા ખાતર;
    અજબ મ્હેલો ચણી બેઠો, હવે જે થાય તે સાચું…આશા જે આપની મુસાફરી સુખદાયજક રહી હશે..ફરી પધારશો…મારે ઘરે ચોક્કસ..
    સપના

  14. Sudhir Patel said,

    June 11, 2011 @ 12:39 PM

    વાહ! ખૂબ જ સુંદર મિજાજ ધરાવતી અને નવીન રદીફને બખૂબી નિભાવતી ગઝલ!

    Welcomeback to home, Vivekbhai!

    સુધીર પટેલ.

  15. Jashvantpuri Goswami said,

    June 11, 2011 @ 2:01 PM

    ઍક ગોસ્વામી નાતે ધન્યવાદ આપુચુ.જો બની શકે તો કીરીટભાઇ નુ સર્નામુ આપવા મહેરબાની કર્શોજી.મલવાની ગણી જ ઇચા ચે જસવ્ન્ત ગોસ્વામી

  16. DHRUTI MODI said,

    June 11, 2011 @ 5:23 PM

    આખી ગઝલ ઍક અદ્ભુત મિજાજથી આલેખાઈ છે.

    વિચારોના નગરમાં નીકળ્યો’તો ટહેલવા ખાતર;
    અજબ મ્હેલો ચણી બેઠો, હવે જે થાય તે સાચું.

  17. ડૉ. મહેશ રાવલ said,

    June 12, 2011 @ 3:01 AM

    કવિએ સુંદર રદિફને લઈ સરસ ગઝલ આપી છે. અને આખીય ગઝલમાં જે રીતે પાકટ ભાવ વણાયા છે અને જે માવજત મળી છે એ કાબિલ-એ-દાદ છે….ખૂબ-ખૂબ અભિનંદન કિરીટભાઈ.

  18. P Shah said,

    June 13, 2011 @ 11:20 PM

    જગતને અવગણી બેઠો, હવે જે થાય તે સાચું…..

    એક નવા જ રદીફથી ખેડાયેલ સુંદર ગઝલ !

    અભિનંદન, કિરીટભાઈ !

  19. bhargavi said,

    June 14, 2011 @ 1:33 PM

    saras

  20. bhargavi said,

    June 14, 2011 @ 1:37 PM

    ખુબ જ સરસ

  21. લયસ્તરો(આ જગત તારું થશે) - કિરીટ ગોસ્વામી - લયસ્તરો said,

    November 15, 2018 @ 12:30 AM

    […] છે… આવી જ રદીફવાળી એક બીજી ગઝલ –હવે જે થાય તે સાચું– પણ કવિએ લખી છે, એ પણ આ સાથે માણવી […]

  22. ચિંતન said,

    November 15, 2018 @ 2:32 AM

    વાહ… વાહ… વાહ….
    ગમે તેટલી વાર વાહ કહીએ ઓછું છે…

    ખરેખર વાહ!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment