(આરસ જોઈએ) – રઈશ મનીઆર
મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
કઈ રીતે જગ થાય રોશન, શું ખબર?
ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ
દેહ તો કંતાનથી ઢાંકી શકો
આયનો બોલ્યો કે અતલસ જોઈએ
એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ
ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ
એકરસ થઈને ગઝલ લખતો રહ્યો
એ ખબર નહોતી કે નવરસ જોઈએ
– રઈશ મનીઆર
કવિતાની ખરી કમાલ એ છે કે કવિ મરજીવો બનીને મહાસાગરના અતળ ઊંડાણ તાગીને અમૂલ્ય મોતી વીણી લાવીને કાંઠે ઊભેલા ભાવકના હાથમાં મૂકે છે અને દરિયામાં પગ ભીનો કર્યા વિના જ ભાવક મોતીનો લ્હાવો માણી શકે છે. જો કે આજકાલ જે પ્રકારની ગઝલો અને ગીતોનો ફાલ ફાટી નીકળ્યો છે, એમાં ખાલી છીપ વધારે છે અને મોતી તો ભાગ્યે જ જડે છે. રઈશભાઈની ગઝલો જો કે પ્રારંભથી જ મોતીનું તેજ ધરાવતી ગઝલો છે. જરાય અઘરી ભાષા વાપર્યા વિના સાવ સહજ રીતે બોલચાલની ભાષામાં જ એ અદભુત ગઝલો આપણને આપતા આવ્યા છે. આ ગઝલ જુઓ… એકેય શેર સમજાવવાની જરૂર નથી પણ એકેય શેર સમજ્યા વિના પડતો મૂકાય એવોય નથી…
praheladbhai prajapati said,
November 22, 2018 @ 6:20 AM
અતિ સુન્દર્
Shivani Shah said,
November 22, 2018 @ 10:16 AM
‘એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ’
વાહ કવિ !
ગઝલ પણ જોરદાર અને એના પરની comments પણ એવી જ જોરદાર. .
જેમ
शशिना निशया निशया च शशि।
शशिना निशया च विभाति नभ:।।
સુનીલ શાહ said,
November 23, 2018 @ 2:12 AM
બહુ સરસ. બધા જ શેર ઉત્તમ