મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઊર્મિકાવ્ય

ઊર્મિકાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મરસિયો – શેક્સપિઅર (અનુ. વિવેક મનહર ટેલર)

ડરવાની જરૂર નથી સૂર્યના તાપથી
કે ક્રુદ્ધ શિયાળાના ક્રોધાવેશથી,
તારું દુન્યવી કાર્ય સંપૂર્ણ થયું છે,
તું ઘરે પહોંચી ગયો છે, તારું મહેનતાણું લઈને.
તવંગર છોકરા-છોકરીઓ હોય કે પછી
ચીમની સાફ કરનાર, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી તારે મોટા માણસોની નાખુશીથી.
તું પર છે જુલ્મીઓના ત્રાસથી,
નથી હવે પહેરવાની કે ખાવાની ચિંતા,
શું ઘાસ કે શું વૃક્ષ- તારે બધું એકસમાન છે.
રાજા, વિદ્વાન કે તબીબ બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી વીજળીના ચમકારાથી,
કે દારુણ તોફાનોથી,
ડર નથી બદનક્ષી કે અવિચારી નિંદાનો,
સુખ અને દુઃખથી તું હવે પર છે.
દરેક પ્રેમી, યુવાન હોય કે ન હોય,
તારી સાથે જોડાવાના જ છે, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

– વિલિઅમ શેક્સપિઅર
અનુ. વિવેક મનહર ટેલર

*

શેક્સપિઅરના નાટક ‘સિમ્બેલાઇન’ના ચોથા અંકના બીજા દૃશ્યમાં ફિડેલ (જે હકીકતમાં ઇમોજન નામની છોકરી છે) નામના છોકરાને મરણ પામેલો માનીને દફનાવતી વખતે ગિડેરિયસ અને અર્વિરેગસ નામના પાત્રો દ્વારા વારાફરતી આ ગીત ગાવામાં આવે છે. ત્રણ અંતરાના ગીતમાં શરૂઆતમાં “ડરવાની જરૂર નથી” અને અંતમાં “બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે” પંક્તિ પુનરાવર્તિત થતી રહે છે. પહેલી કડીનું પુનરાવર્તન બાંહેધરી આપે છે અને બીજી કડીનું પુનરાવર્તન મૃત્યુની અફરતા દૃઢીભૂત કરે છે.

મૃત્યુ સંસારનો અફર નિયમ છે. ભલભલા ચમરબંધ પણ મૃત્યુથી બચી શકતા નથી. મૃત્યુ આપણને ભલભલાના ડરથી અને સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી કાયમી મુક્તિ આપે છે.

*

A requiem

Fear no more the heat o’ the sun
Nor the furious winter’s rages;
Thou thy worldly task hast done,
Home art gone, and ta’en thy wages:
Golden lads and girls all must,
As chimney-sweepers, come to dust.

Fear no more the frown o’ the great,
Thou art past the tyrant’s stroke;
Care no more to clothe and eat;
To thee the reed is as the oak:
The scepter, learning, physic, must
All follow this and come to dust.

Fear no more the lightning-flash,
Nor the all-dreaded thunder-stone;
Fear not slander, censure rash;
Thou hast finish’d joy and moan:
All lovers young, all lovers must
Consign to thee, and come to dust.

-William Shakespeare

Comments (11)

(સાંજતડકો) – નલિન રાવળ

પર્ણપોચી વૃક્ષટોચે
ઝૂલતા કો’ પંખી-શો
આ સાંજતડકો
ભૂખરા ઢોળાવ પર ઝૂલે,
પવન નાની નદીના કાનમાં કૂજે,
હળુ હલતી, અટકતી, ડોલતી આકાશમાં ઊડે
ફૂલે પથરાયલી એ ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો
સાંજતડકો
સહેજ ડોલ્યો,
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્ય લયમાં કાય ઝૂલવી,
તારકો જેવાં ચળકતાં ડગ ભરી ગોરાં,
ધીરે ઢોળાવ ઊતરી
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી
અહીં
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર
શું જોઉં ?
ભીની પાંપણોની પાર
રમતો સ્નેહ પોચો, ગાઢમીઠો, રવભર્યો અંધાર
કે આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.

-નલિન રાવળ

સાંજના સમયે શાંત નદીના કિનારે ઢોળાવ પર વૃક્ષ પાસે ફૂલોની પથારીમાં સૂતેલી એક ઝૂંપડી અને એની ટોચેથી નીકતા ધુમાડાનું સુંદર મજાનું ચિત્ર કવિએ કલમના લસરકે ઉપસાવી આપ્યું છે. વૃક્ષની ઠેઠ ઉપરની નાજુક ડાળી પંખીનું વજન ઝીલી ન શક્તાં જે રીતે ઝૂલે એ રીતે સાંજનો તડકો વૃક્ષના છાંયાથી ભૂખરી દેખાતી ટેકરી પર જાણે ઝૂલી રહ્યો છે ! એક નાની કુમળી વયની નદી પર ધીમે ધીમે લહેરાતા પવન અને આછા પવનના કારણે ઝૂંપડીમાંથી નીકળતા લગભગ અગતિશીલ ધુમાડાની જેમ બાળા હળવી ગતિએ ઢોળાવ ઉતરતી નજરે ચડે છે. એનાં પગલાં કવિની સાંજના આકાશમાં ડોકિયું કરવાનું શરૂ કરતા તારા જેવા ચળકતાં દેખાય છે. એક તરફ ઢળતો સૂરજ છે તો બીજી તરફ જાણે આ ઊગતો સૂરજ છે. બંને સૂરજને એકમેકની સન્મુખ સ્થાપીને કાવ્યનાયકની આંખ જરા ભીની થઈ જાય છે… કુદરતની કરામતને નિહાળવી કે કુદરતના સર્જનને નિહાળવું એ પ્રશ્નના દ્વિભેટે આવીને કાવ્ય પૂરું થાય છે અને એક શાંત નીરવ છંદ ભાવકના મનોમસ્તિષ્કમાં રણઝણી ઊઠે છે…

પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય નખશિખ શુદ્ધ ‘ગાલગાગા’ના આવર્તનો લઈ ગતિ કરે છે…

Comments (6)

જીવન અને સેક્સ – દેવીપ્રસાદ વર્મા (અનુ. સુરેશ દલાલ)

તું નહિ શકુન્તલા
હું નહિ દુષ્યન્ત
તું નહિ કામિની
હું નહિ કંથ
સાધારણ નારી-નર
આપણે નહિ અનંત
રોજી ને રોટીના ચક્કરમાં
જીવનનો અન્ત
(જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાંતમાં
સેક્સ વિશે વિચારશું.

– દેવીપ્રસાદ વર્મા
(અનુ. સુરેશ દલાલ)

હચમચાવી મૂકે એવું કાવ્ય. આજના સ્ત્રી-પુરુષની વાત છે. બંને જાણે છે કે એ લોકો દુષ્યંત કે શકુંતલા જેવા અસામાન્ય નથી. વેદના આપે એવી વાત તો એ છે કે એ લોકો જાણે છે કે કદાચ એ લોકો જીવનની દોડધામમાં પતિ-પત્ની પણ નથી રહ્યા, માત્ર સ્ત્રી-પુરુષ બની ગયા છે અને સાચા અર્થમાં જીવ્યા વિના જ મૃત્યુ પણ પામશે. સ્ત્રી-પુરુષ સાહચર્યની મુખ્ય ધરી સેક્સ કરવાની વાત તો દૂર રહી, એ લોકો જીવતેજીવત એના વિશે વિચારી પણ નથી શકતા… કેમકે સેક્સ વિશે વિચારવા માટે એકાંત જોઈએ જે કદાચ મરણ પછી નસીબ થાય…

પરંપરિત ઝુલણા છંદના કારણે નાનું અમથું આ કાવ્ય દરિયાના મોજાંની જેમ આવ-જા કરતું હોય એમ ચિત્તતંત્રને ઝંકોરતું રહે છે…

Comments (15)

ઓળખાણ – પ્રભા ગણોરકર (અનુ. જયા મહેતા)

જોઈ લઉં છેલ્લી વાર આ ભૂમિને આંખ ભરીને,
કોને ખબર છે આ ગામ ફરી જોવા મળશે કે નહીં.

આ ધુમ્મસમાંથી ઊઠતાં ઘરો આ મંદિરો હસતા આ તારા,
કોને ખબર છે આ હાસ્ય આવું જ હશે કે નહીં !

આ વૃક્ષો તો ગઈ કાલથી જ થયાં છે તટસ્થ – પારકાં,
કોને ખબર છે, જોઈને હાથ હલાવશે કે નહીં.

ઓળખાણ કેટલી જલદી ભૂલી જાય છે બધા માણસો,
કોને ખબર છે મારી આંખમાં પણ આ આર્દ્રતા હશે કે નહીં.

– પ્રભા ગણોરકર
(અનુ. જયા મહેતા)

આ કવિતા વાંચતાવેંત આદિલ મન્સૂરીની ‘મળે ન મળે’ ગઝલ તરત આંખ સામે આવી ચડે.  પણ આ કાવ્ય મનસૂરીના કાવ્યથી ખાસ્સું અલગ પડે છે… અહીં કવિતા વિશ્વથી શરૂ થઈને સ્વ સુધી આવે છે. ગામ છોડવાનું થાય- કારણ ગમે એ હોય- એ ઘટના જ હૃદયવિદારક છે. જે તારાઓ સામું જોઈને હસતા હતા એ હવે હસશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. પણ મૂળ પ્રશ્ન પ્રકૃતિનો નહીં, આપણી પોતિકી જાત વિશેનો છે… મરાઠી કવયિત્રીને શંકા છે કે આજે ભલે આ બધું મારી આંખો ભીંજવી રહ્યું છે પણ આવતીકાલે હું જાતે જ આ બધાને ભૂલી ગઈ તો?

Comments (9)

(મારો તમામ સંકોચ) – વિદ્યાપતિ (અનુ. વિવેક મનહર ટેલર)

ક્ષણાર્ધમાં તો મારો તમામ સંકોચ હવા થઈ ગયો,
જે ઘડીએ એણે મને અનાવૃત્તા કરી દીધી;
પણ એનું પોતાનું શરીર જ મારો નવો પોશાક બની ગયું.
જે રીતે મધમાખી કમળપત્ર પર દુર્નિર્ધાર્ય ઊડ્યા કરે છે
એમ જ એ મારી ઉપર રાત્રિ દરમિયાન મંડરાતો રહ્યો.

સાચું છે, પ્રણયદેવતા કદી અચકાતા નથી !
એ મુક્ત છે અને પક્ષીની જેમ દૃઢનિશ્ચયી છે-
એ વાદળો તરફ ઊડવા, જેને એ ચાહે છે.
છતાં મને એ જે પાગલ પ્રયુક્તિઓ કરે છે એ યાદ છે,
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી !

– વિદ્યાપતિ
(અનુ. વિવેક મનહર ટેલર)

બિહારના મધુબની જિલ્લાના બિષ્પી ગામમાં ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલા મૈથિલિના કોકિલ તરીકે જાણીતા વિદ્યાપતિની કવિતાઓ દૈહિક પ્રેમના આંચળમાં છુપાવીને ઐહિક પ્રેમ ઉજાગર કરે છે. રાધા-કૃષ્ણના શારીરિક પ્રેમની એમની કવિતાઓ આજે પણ ઉત્તમ પ્રણયકાવ્યો ગણાય છે…

આ કવિતા વાંચો… સાતસો-આઠસો વર્ષ પહેલાંના કોઈ કવિએ લખી હોય એવું સહેજે લાગે છે?!

Comments (10)

રાતે વરસાદ – જયન્ત પાઠક

નભના ઘનઘોર કાનને
ચઢી અશ્વે નીકળ્યો કુમાર છે;

કર ભાલો વીજળી સમો ઝગે,
પગ ગાજે પડછંદ ડાબલે.

તિમિરો ગુહકોટરે સૂનાં
અહીંથી ત્યાં ભયભીત ભાગતાં;

પગ અધ્ધર લૈ વટી જવા
હદ મૃત્યુની, શિકારીની તથા.

પવનો વનની ઘટા વિશે
થથરે સ્તબ્ધ છૂપાછૂપા જુએ

બચવા દૃગથી શિકારીનાં
દૃગ મીંચી ત્રસ્ત તારકો !

પડ્યું લો, ઘાવથી છાતી સોંસરા
ઊડી છોળો, તરબોળ દ્યો-ધરા !

– જયન્ત પાઠક

ગુજરાતી કવિતા એના કમનસીબે અનુદિત થઈ જવલ્લે જ વિશ્વ સમક્ષ પેશ થઈ છે અન્યથા ઘણા ગુજરાતી કવિઓ વિશ્વકવિ થવા જન્મ્યા હતા. ચોમાસાની કાજળઘેરી રાતના ફાટફાટ સૌંદર્યનિબદ્ધ આ કવિતા વિશ્વકવિતાની કક્ષાએ બેસી શકે એમ છે.

આકાશના ઘનઘોર જંગલમાં વરસાદ હાથમાં વીજળીનો ભાલો લઈ ઘોડે ચડી શિકારે નીકળ્યો છે. વાદળોનો ગગડાટ એના ઘોડાના ડાબલા સમો સંભળાય છે. ગુફા અને કોતરોમાં એકબાજુ અંધારું પોતે ભયભીત થઈને ભાગતું ભાસે છે તો બીજી તરફ પવન પણ છુપાઈને મૃત્યુની હદ પણ વટી જવા આતુર આ શિકારીને નિહાળી રહ્યો છે. વરસાદની રાતે વાદળોના કારણે નજરે ન ચડતા તારાઓને કવિ જાણે વરસાદની આંખમાં આંખ પરોવી શકતા ન હોય એમ આંખો મીંચી ગયેલા કલ્પે છે… અને તીર જેવો વરસાદ ધરતીની છાતી સોંસરો નીકળી જાય છે. કેવું મનહર દૃશ્ય…

(કાનન = જંગલ, ગુહકોટર = ગુફાની કોતર, દૃગ = આંખ)

Comments (7)

એક ઘા – કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.

રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

– કલાપી

રાજકવિએ તેઓના સમગ્ર જીવનમાં માત્ર આ ગીતની અંતિમ બે પંક્તિઓ જ લખી હોતે તોપણ હું તેઓનો આજીવન ઋણી રહેતે…. રહીમનો દોહો છે –

રહિમન ધાગા પ્રેમ કા , મત તોડ઼ો ચટકાય ।
ટૂટે સે ફિર ન જુડ઼ે, જુડે઼ ગાંઠ પડ઼ જાએ।।

Comments (7)

પ્રવાસી-રાજેન્દ્ર શાહ

પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત;
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત !
ન ભેદ મારે ગતિ ને વિરામનો.

લહું ઘણું, ને ઘણું ય અલક્ષિત
રહી જતું સૂચિત થાય ઇંગિતે;
અજાણનો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.

આવી મળે તે મુજમાં સમન્વિત.
ને સંચરું તે પથ જે તિરોહિત.

– રાજેન્દ્ર શાહ

[ અલક્ષિત = દેખાઈ  ન શકે તેવું , તિરોહિત = અદ્રશ્ય ]

 

આંતરપ્રવાસની કથા છે. સંપૂર્ણપણે અજ્ઞાત ક્ષેત્રમાં તમામ પરિમાણો બદલાઈ જાય છે.

Comments (2)

અતિજ્ઞાન – કાન્ત

ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે,
જામી ગઈ તરત ઘોર,કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.

ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

દુર્યોધનપ્રેષિત દૂત એક,
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક,
જતો હતો અંધ થતી નિશામાં,
સુગુપ્ત રાજગૃહની દિશામાં !

શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા !

નિગૂઢ શંકા પુરવાસીઓની આ,
જરાય નિષ્કારણ તો નહોતી હા !
કરેલ આમંત્રણ ધર્મરાજને,
રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.

હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.

શિશુસમાન ગણી સહદેવને,
ખબર આ કંઈયે ન કર્યા હતા;
અવર સર્વ ગયા નૃપની કને,
પરમ દુ:ખિત અંતરમાં થતા !

કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો,
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો.

ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને,
નજીક આંખે નીરખે થનારને :
સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય,
વળી દીસે દ્રૌપદીમાનનો ક્ષય !

જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.

નહીં શકું હાય ! બચાવી કોઇને,
અશક્ત જેવો રહું બેસી રોઈને,
અરે ! દીસે દુ:ખદ શાપ આ મને,
નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને !

“હા ધિક્ ! હા ધિક્ ! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું :
આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું ! ”

વિચારતાં નેત્ર જલે ભરાય છે,
શરીરનું ચેતન ત્યાં હરાય છે;
લઈ જઈને પ્રિય વક્ષની સમી,
ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી !

રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી :
“પ્રિયે ! સ્પર્શ કરું શું હું ! અધિકાર જરા નથી !

કરાય શું નિષ્ફળ જ્ઞાન સર્વ આ,
થનાર ચીજો નવ થાય અન્યથા:
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું;
અનેક હું એકલડો સહ્યા કરું !

રજની મહીં,સખી,ઘણીક વેળા,
નયન મળે નહીં ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદન સુધાકરને રહું નિહાળી !”

આવું કહ્યું,ત્યાં શિર શૂળ ચાલ્યું,
રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું;
મારી કુમારે અતિ આર્ત હાય,
કહ્યું, ‘હવે એક જ છે ઉપાય !’

ચાલી જરા ને ગ્રહી એક શીશી,
પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી:
ખાલી કરી કંઠ વિષે ત્વરાથી;
ગયો બધો એ બદલાઈ આથી !

સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ !

– કાન્ત

પાઠ્યપુસ્તકમાં આ કવિતા ભણ્યા હતા ત્યારે તે જેટલી poignant લાગી હતી,તેટલી જ poignant આજે પણ લાગે છે….!

Comments (12)

એક છોરી – પ્રહલાદ પારેખ

એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી :
આંખો તણાં બે નિજ ટાંકણાથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.

બની ગઈ દેવ સ્વયં પધારી
ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી;
ને બોલ એના પ્રગટી ઉઠે છે
દીવા બનીને.

અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં
પળેપળે, ને સહુ એ ખરી જતાં
દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી
કોઈ અનેરી.

ને ઊડતી જે લટ કેશ કેરી,
એ ધૂપની સેર સમી જણાતી !

માન્યું હતું, પથ્થર શું બન્યું છે
હૈયું હવે, – કોઈ પ્રવેશ પામી
શકે નહીં ત્યાં !
પણ એક છોરી
આવી, અને અંતર કોરી કોરી,
દેરી બનાવી,
બની ગઈ દેવ સ્વયં પધારી !

-પ્રહલાદ પારેખ

 

આખું કાવ્ય અનંત શક્યતાઓની સુંદરતાથી નીતરે છે……કદાચ સમય અને સંજોગો હૈયાને પાષણ બનાવી શકતા હશે, પરંતુ ઈશ્વરે જીવને જે vulnerability ભેટ ધરી છે તે પાષણમાંથી અદભૂત સૌંદર્ય કોરી કાઢવાની સમર્થતા જીવને બક્ષે છે. માઈકલ એન્જેલોના શબ્દોમાં-

The best artist has that thought alone
Which is contained within the marble shell;
The sculptor’s hand can only break the spell
To free the figures slumbering in the stone. – Michelangelo

Comments (5)

વિ-નાયક – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA
(કવિ શ્રી ચિનુ મોદી….          ….૨૫-૧૨-૨૦૧૦ (ફોટો: વિવેક ટેલર)

*

ફરે વસ્ત્રો પ્હેરી ચકચકિત, તારા-ઉડુગણો
છટાથી નક્ષત્રો પ્રગટ કરતાં તેજસ-કણો;
વિના ચક્રે ચાલે, અરવ પગલે વાદળ-રથ
પધારે બેસીને શશિયર ભલાભૂપ સરખો.
નભે નાનાં નાનાં નગર વસતાં થાય ક્રમમાં
સવારે પામે છે પતન સઘળાં, શા નિયમમાં ?   2

હવે પહેલાં પેઠે ખળભળ વહે ઊંઘ પણ ક્યાં ?
નમેલી કેડેથી ડગ પણ ભરે માંડ-હમણાં;
છતાં શૈયા છોડો ઝટપટ સવારે મન વિના
અને પાટે પાટે હરફર કરો નિત્ય ક્રમમાં
નસોમાં કંટાળો ભ્રમણ કરતો રક્ત સરખો
ચલાવો શા સારુ અવરિત છતાં શ્વાસચરખો ?   10

હવામાં હિંડોળો તરલ મન બાંધે ઝુલવવા
નથી આજે એવું અચૂક બનશે કાલ, સહસા
પ્રતીક્ષા કીધી તે – ગરુડ પર બેસી ગગનથી
ગમે ત્યારે આવી વિપદ કરશે દૂર સઘળી
અરે, ભોળા રાજા લઘુકવયના, બાળક સમા
ઝુલાવ્યું ઝૂલો છો મધુર લયના સ્વપ્નસરમાં ?   12

સમુદ્રોની છાતી ઉપર તરનારા – જળ થશો ?
તમે ટોળાં વચ્ચે હરફર કરી અ-ક્ષત હશો ?
કુદાવી કિલ્લાઓ, દૃઢ સતત પહેરા, અટપટા
રચેલા કોઠાઓ પલકભરમાં છિન્ન કરીને
રહેંસી નાખે છે જનવિજનમાં ક્યાંય પણ – એ
નથી એના જેવું અજરઅમરા, કોઈ જગમાં.    17

તમે જ્યારે જાગ્યા, અફસર દીઠા છેક ઘરમાં
તમારી સામે એ ધરપકડ વૉરંટ ધરતા,
તમે ઊંચાનીચા, પડપૂછ કરો રોષિત બની
‘ગુનો મારો શું છે ?’ જડભરત કહે,’ જાણ જ નથી’.
રજાના દા’ડાએ, હુકમ સર માથે ચડવતા
કચેરી લેખાતા હવડ ઘરમાં અંદર જતા.     32

તમે જેવું જીવ્યા હુકમસર છે એમ મરવું
હવે ના પૂછો કે હુકમ તમને કોણ કરતું ?
નથી જોયા તોયે અનુભવ થયા કાયમ, સખા
તરે, ઊડે, દોડે, ગતિમય રહે વાયુ સરખા
વિદેહી, વૈરાગી, ફલવિફલના કારક થઈ
ગુલામી આપી છે ચલ-અચલને તે કાલપુરુષ.    49

ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં
તમારે માટે ક્યાં યમનિયમના એવા અહીં થયા ?
તમે જન્મ્યા સાથે મરણ પણ નક્કી થઈ ગયું
ગમે ત્યારે આવી અતિથિવત્ એ લુપ્ત કરતું.
તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ
તમારી દોરીને મૂષકવત્ કાપે ક્ષણપતિ.     50

-ચિનુ મોદી

 

વિ-નાયક એ ચિનુ મોદીનું શિખરિણી છંદમાં પચાસ ષટકસ્વરૂપે લખાયેલું ત્રણસો પંક્તિનું દીર્ઘ કાવ્ય છે. સમય અને સંસ્કૃતિના કોઈ પણ ખંડને ઉઠાવી જોતાં માલુમ પડશે કે નાયક કરતાં ખલનાયક, વિ-નાયક હંમેશા પ્રભાવશાળી રહ્યો છે. ક્રમશઃ અહીં પ્રકૃતિચક્રની એકવિધતા અને નીપજતો કંટાળો અને મૃત્યુની સંવેદના ઉજાગર થઈ છે. મનુષ્યના મૃત્યુથી બચવા માટેના ઉધામા અને ‘કાળપુરુષ’ અને ‘ક્ષણપતિ’ બની આવતા સમય સામેની નિઃસહાય શરણાગતિ આ દીર્ઘકાવ્યનો પ્રાણ છે. અહીંના પચાસ ષટકમાં સિસિફસ, અશ્વમેધ, મહાભારત, શાકુન્તલ, પન્નાલાલનું માનવીની ભવાઈ, વિક્રમ-વેતાળ, કાફકાની નવલકથા’ધ ટ્રાયલ’, સોક્રેટિસ, ઉમાશંકરની પંક્તિ- અને એવું તો ઘણું ઘણું ભર્યું પડ્યું છે. સરવાળે આ દીર્ઘકાવ્ય શાશ્વત નશ્વરતાનું કાવ્ય છે…

અહીં કેટલાક ષટક રજૂ કર્યા છે…

Comments (4)

ઉમાશંકર વિશેષ :૧૮: પીંછું

uj2

જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી
ઝીણી પાતળી તેજ પિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે,
ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી
સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે;
ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા
એક્લાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી
ઊડી જાય, ન દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા –
ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, રહે માત્ર હૈયે છવી.

એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી,
જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી;
એને તારકતેજરેખ સરખું, કે સ્વપ્નલીલા સમું,
કે મોંઘી કવિતાકુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું.
કૈં અસ્પર્શ્ય ન એવી સ્મૃતિ રાખી જવાને રૂડી
પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું.
.                                        ના ગીત મૂકી ગયું.
પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું.

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી જન્મ શતાબ્દિ પર્વ ઉજવણી આ કવિતા સાથે અહીં પૂરી કરીએ છીએ.

પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ આજે જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડાની કલમે માણીએ:

કવિશ્રી ઉમાશંકરનું સોનેટ સ્વરૂપનું (પંક્તિઓ સંખ્યા 15 છે) આ કાવ્ય આમ તો ખૂબ સરળતાથી કહેવાયું છે અને તેમ છતાં એના શીર્ષકને અનુરૂપ ખૂબ જ બારીક અને નખશિખ કલામયતાથી સભર છે.   બે જુદા જુદા ભાગમાં વિભાજીત કાવ્યના પ્રથમ ભાગમાં કુદરતની એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે હોય છે તો ક્ષણજીવી પણ તેની અસર ક્યારેક માનસ પટલ પર ચિરંજીવ રહી જાય છે. એ કોઈક ખરી જતો નભતારલો હોય કે ક્ષણાર્ધ માટે ઝબકેલું સોણલું હોય, એની સ્મૃતિ આપણી ભીતર અમાપ સ્પંદનો પેદા કરે છે.

આ વાતને સમાંતરે ચાલતી ઘટના એ એક પંખીના આગમનની છે. પ્રભાતે એ આવે છે, કવિ એ સમયે કદાચ ઉપર કહેલી વાતના વિચારોમાં વ્યસ્ત છે. એનું આગમન પોંખાય, ના પોંખાય ત્યાં તો એ અચાનક ગગનગામી થઈ જાય છે. આંખથી ઓઝલ થઈ જાય છે. નિજાનંદમાં વ્યસ્ત છે. એને અત્યારે ગીત ગાવાનો કોઈ ઉમળકો જ નથી. એ તો ઊડી ગયું, એક નાનકડું પીંછું ખેરવીને.

અવી ઘટના આમ તો ઘણીવાર થતી હોય છે. કવિ સાથે પણ થઈ હશે. પણ કવિના કોમળ સંવેદનો પર આજે કંઈક જુદી અસર થઈ છે. પંખીએ તો ન ગાયું પણ કવિને ગાતો કરી દીધો.  આ ચમત્કાર એ જ કવિ અને કવિતાની ઉપલબ્ધિ, અને આ વાત કવિતામાં કેટલી સહજ રીતે અને નજાકતતાથી અહીં આવી છે !

Comments (5)

તૃપ્ત કરે જળકૂપ – બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)

કરે ચૂંચવતો રહેંટ
ઘટિકાચક્ર ચક્રભ્રમણે ફરી ઠલવે ધડધડ વારિભાર
સ્ફટિક મુશળ શી ધાર સ્ફાર
ઊછળી પછડાટે વેરછેર
છંટાતો શીકરનિકરનો મોતીફુવાર
જળપૂરે ખળખળ ઊભરાતી વેગે વહત પ્રણાલ :
.                          વનસીમાન્તે કરે ભલેરો આ જળકૂપ
શ્રાન્ત, પિપાસુ ગ્રીષ્મ-પથિકનાં
.                         લોચન, કંઠ, શ્રવણ સંતૃપ્ત

– બાણભટ્ટ (અનુ. હરિવલ્લભ ભાયાણી)

સાતમી સદીમાં રાજા હર્ષવર્ધનના શાસનમાં રાજકવિ તરીકે સ્થાન પામેલ બાણભટ્ટનું આ નાનકડું કાવ્ય કવિતાના પ્રાણને સમજવામાં મદદરૂપ થઈ શકે એમ છે. એક સફળ કવિતા શી રીતે બને છે? શબ્દોની ગોઠવણી કે પ્રાસગુંથણીથી ? મને લાગે છે કે કવિતાનો ખરો પ્રાણ એ કવિની દૃષ્ટિ છે. જે વસ્તુ આપણે સહુ રોજબરોજની જિંદગીમાં જોતા રહીએ છીએ એ જ વસ્તુ પર કવિની નજર પડે છે ત્યારે ફરક સમજાય છે.

વનના સીમાડે કૂવામાંથી પાણી ખેંચવા માટેનો રહેંટ ફરતો જાય અને ધડધડ પાણી પછડાતાં ઉડતી રહેતી વાંછટનું સાવ સીધુંસાદું દૃશ્ય કવિની નજરમાં ચડે છે તો કવિતા બની જાય છે… શરૂઆતની પંક્તિઓમાં કવિ એક મજાનું શબ્દચિત્ર ઊભું કરે છે અને અંતે છેલ્લી બે લીટીના આઠ શબ્દોમાં કવિતાનું સર્જન કરે છે… ઉનાળાના તાપથી તપેલા, થાકેલા, તરસ્યા ઉનાળુ માટે આ રહેંટ શું છે?  પાણીની સાચી તાકાત શી છે? છેલ્લા ત્રણ શબ્દ પર નજર નાંખીએ અને વિચારીએ…

*

રહેંટ = કૂવામાંથી પાણી ખેંચવાને માટે કરેલી ઢોચકાંવાળા ચક્કરની યોજના; ઘટીચક્ર
શીકરનિકર = પાણીની છાંટનો ઢગલો
પ્રણાલ = પરનાળ; ખાળ; નીક; પાણી નિકળવાનો માર્ગ; ધોરિયો
શ્રાન્ત = થાકેલું

Comments (9)

સૂર્યનું છેલ્લું કિરણ – વિપિન પરીખ

હિમાદ્રીએથી સરકી જઈને
પડે પ્રપાતે વળી ડૂબકી દઈ
તરે સરિતે થઈને પ્રફુલ્લ;
ને સૂર્યમુખી ચૂમીને લજાળ
ક્યાંયે જતું શ્યામલ અશ્વ-પીઠે !

– વિપિન પરીખ

વિપિન પરીખની કવિતા અંગે બે મત પ્રચલિત છે. એક વર્ગ એમને કવિ તરીકે માનવા તૈયાર નથી અને બીજો વર્ગ એમની કવિતાઓનો આશિક છે. કવિ પોતે આ વાત સ્વીકારે છે. બહુધા આપણે એમ માનીએ છીએ કે વિપિન પરીખ એટલે ઊર્મિશીલ અછાંદસ કાવ્યોનો શહેનશાહ જે કાવ્યાંતે ધારી ચોટ આપીને ભાવકને જકડી લે છે… એક નજર આ કવિતા ઉપર કરીએ… માત્ર પાંચ જ લીટીના કાવ્યમાં કવિ જૂજ શબ્દોની મદદથી સૂર્યના છેલ્લા કિરણનું કેવું સબળ ચિત્ર નીપજાવી શક્યા છે ! અને છે અછાંદસ પણ એનો લય કેવો પ્રબળ છે!! આ પણ વિપિન પરીખ છે……

Comments (13)

(-) કબીર અનુ. મોહનદાસ પટેલ

એક નિરંતર અંતર નાહીં,
હૌં સબહિનમેં ના મૈં નાહીં.
મોહિ બિલગ બિલગ બિલગાઈલ હો,
એક સમાના કોઈ સમુઝત નાહીં
જાતે જરા મરણ ભ્રમ જઈ હો.
રૈન દિવસ જે તહવા નાહીં,
નારિ પુરુષ સમતાઈ હો.
પઠયે ન જાવોં આને નાહીં આવો
સહજ રહૌ દુનિયાઈ હો,
સુરનર મુનિ જાકે ખોજ પડે હૈ
કછુ કછુ કબીરન પાઈ હો .

– કબીર

એક હું નિરંતર,અંતર મારે નથી,
સઘળાની માહીં હું છું,નહીં તો હું નથી.
સ્વતંત્રતાના ખ્યાલથી પણ સ્વતંત્ર છું.
એક હું સર્વવ્યાપી,કોઈ આ સમજતું નથી
સમજતે તો મોહ અને મૃત્યુનો ભ્રમ ચાલ્યો જતે.
રાત-દિવસ ત્યાં નથી
નર-નારીનો ભેદ નથી
મોકલાવ્યો ક્યાંય જતો નથી,બોલાવ્યો આવતો નથી
દુનિયામાં સહજ રીતે વિહરું છું.
જેને સુર નર મુનિ શોધી રહ્યા છે
કબીર તેને થોડું થોડું પામી રહ્યો છે.

-અનુ.: મોહનદાસ પટેલ

સંત કબીરને સામાન્ય રીતે તેઓના અદભૂત દોહાઓથી સૌ ઓળખે છે,પરંતુ તેઓનું ‘બીજક’ તત્વજ્ઞાનની ખાણ સમું છે. ભાષા થોડી મહેનત કરાવે તેવી હોય છે,પણ અર્ક અદભૂત હોય છે. પ્રસ્તુત કાવ્ય ‘અહં બ્રહ્માસ્મિ’ ના નાદને ઉદઘોષિત કરે છે.

Comments (14)

ફગાવીને બોજ – રાજેન્દ્ર શાહ

શિર પર ઉપાડીને આટલો આ ભાર જાઉં કહીં ?
કહીં મારું ચિરંતન ધામ ?
પથ શેષ નહિ,યાત્રાનો નહિ વિરામ,
કેડીએ કેડીએ તરુછાયા,વનફલ.
ઝરણ-વિમલ જલ,
ટહુકંત સીમ ભરી ભરી રહું લહી.

જોયું તે ન જોયું કંઈ,સુણ્યું તે ન સુણ્યું કર્યું, એમ
આજ લગી ખોવાયેલું હતું કહીં મન ?
નિરંતર અભાવનું આકુલ આક્રંદ !
નીજી કોલાહલ કંઈ ધીમો
થતા,દૂરનો ય સુણાય રે સૂર ઝીણો,
અમાસને અંધકાર અરુંધતીનું લાવણ્યે સોહાયને તેમ.
રહી રહી મારા પર હું જ હવે હસું.
જતને ધરેલ બોજ
ફગાવીને ખાલીપાની માણી રહું મોજ;
પગને શું ફૂટી જાણે પાંખ !
આકાશની નીલિમાની યે નડે ન ઝાંખ !
અનંત ને અગોચર જાણે નહિ દૂર એક તસુ.

ક્યાંય કશું રહે ન અંતર,
પ્રયાણ આ કેવળ સ્વપન
મનોમન !?
જે હો તે હો.
અવકાશમય બની રહેલને નાદ સંગ નેડો,
આપમેળે બાજી રહે ઝીણેરું જંતર.

– રાજેન્દ્ર શાહ

વાત થોડી બારીક છે- Eckhart Tolle નામક લેખકે તેના પુસ્તક – ‘ Power of Now ‘ માં ‘pain body’ – ‘ દુઃખનું પોટલું ‘ – નો ઉલ્લેખ કર્યો છે. ટૂકમાં કહીએ તો લેખક કહે છે કે આપણે સૌ ભૂતકાળના અનુભવો-ખાસ કરીને દુઃખદ અનુભવો અને પૂર્વગ્રહો-નું એક પોટલું ઊંચકીને આગળ વધતા હોઈએ છીએ જેથી યાત્રા આનંદદાયક રહેતી નથી. અહી કવિ એને ‘ નિરંતર અભાવનું આકુલ ક્રંદન ! ‘ -પંક્તિ સુધીમાં સ્પષ્ટ કરે છે. જેવો નિજ કોલાહલ ધીમો થાય છે કે તરત જ જાણે એક ક્રાંતિ થાય છે…. ‘ અરુંધતી ‘ એ સપ્તર્ષિ તારાજૂથ પાસે આવેલા અત્યંત ઝાંખા તારાનું નામ છે જે અમાસના અંધકારમાં સોહે છે. જયારે કોઈ અંતર જ રહેતું નથી ત્યારે પ્રયાણ કેવું ? – ટૂંકમાં કુંડલિની જાગ્રત થાય પછી તમામ દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે….

Comments (12)

નિર્દોષ ને નિર્મળ આંખ તારી

નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતામહીં કર્યો.!

કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ !

સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં !

છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી !

– હરીશ્ચન્દ્ર ભટ્ટ

મરણ સ્મરણ બનીને રહી જાય છે… બહેનના ભરયુવાનીમાં થયેલ અકાળ અવસાન નિમિત્તે લખાયેલ આ કાવ્યમાં મૃત્યુ સામે કોઈ જાતનો ડંખ નજરે ચડતો નથી એ જન્મ અને મરણની અવસ્થાને સમાનભાવથી આવકારવાની સાધુસહજ અવસ્થા દર્શાવે છે.

પ્રથમ ત્રણ બંધમાં કવિ નાયિકાની કાચી વય અને મૃત્યુ વચ્ચેની વિસંગતતા અલગ અલગ પ્રતીકો વડે વ્યક્ત કરે છે પણ ક્યાંય કોઈ આક્રોશ નથી.  જે આંખોએ હજી સપનાં જોવાનુંય શરૂ નહોતું કર્યું, જે કાયાએ હજી યૌવનની ચુંદડી ડિલે ઓઢીય નહોતી, જે કૂમળી કન્યાએ હજી સંસારસાગરનું આચમનેય લીધું નહોતું એના જીવનનો અકાળે અંત અને કવિની ઋજુ વાણી ભાવકના મનમાં મૃત્યુ માટે તિરસ્કાર નથી જન્માવતી, દુઃખ પણ નથી પહોંચાડતી પણ સ્મશાનવત્ શાંતિનો અહેસાસ કરાવે છે…

ખરવું પુષ્પની નિયતિ છે પણ કળીનું શું? અને કાલઝાળ ઉનાળે કે હિમાળા શિયાળે પુષ્પ ખરે એ સમજી શકાય પણ વસંતમાં ? અને ખુદ વસંતની ફૂંકથી ?

Comments (8)

રાજસ્થાન – જયન્ત પાઠક

અરધા ડુંગર, અરધી રેતી,
વચમાં વચમાં, થોડીક ખેતી.

થોડાં બકરાં, થોડાં ઘેટાં,
ટેકરીઓનાં ઊંટ ઊંઘરેટાં!

વનરાજિ સમ આછીપાંખી
પ્રજા ઉઘાડી અરધી ઢાંકી.

રેત અને પથ્થરના વ્હેળા
વહે રુધિરના રેલા ભેળા.

સૂનો મહેલ, છતોને માથે
કાળ લટકતો ઊંધે માથે.

ટેકરીઓ પર ઊગે ભાણ,
ચેતક ઠેકે પ્હાણે પ્હાણ.

ભાલા, તીર, બખ્તર ને ઢાલ:
સંગ્રહસ્થાને કેદી કાળ !

– જયન્ત પાઠક

રાજસ્થાન કવિઓને ખૂબ આકર્ષે છે. એકવિધ રેતીના દરિયાને પોતાનું સૌંદર્ય છે. કથાઓ અને કારસ્તાનોના આ પ્રદેશમાં એકએક પથ્થરની નીચે ઈતિહાસ દબાયેલો પડેલો છે. આ કાવ્યમાં જ.પા. થોડા શબ્દોમાં રાજસ્થાન નામની દંતકથાત્મક ઘટનાને દેહ આપવામાં સફળ રહે છે.

Comments (10)

એ તે કેવો ગુજરાતી – -ઉમાશંકર જોશી

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.

ના, ના, તે નહિ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?

સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિકી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.

તે નહિ નહીં જ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.

એ તે કેવો ગુજરાતી,
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ મ જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?

– ઉમાશંકર જોશી
(૨૯-૦૪-૧૯૬૦)

અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એના બે દિવસ પૂર્વે ઉમાશંકર જોશીએ લખેલું કાવ્ય આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે.  ગુજરાત સ્થપાયું એ પહેલાંથી કવિને વિશ્વગુર્જરીની વ્યાખ્યા અભિપ્રેત હતી. જે કેવળ ગુજરાતી હો એ તે વળી કેવો ગુજરાતી? ખરો ગુજરાતી તો ન કેવળ ભારત પણ વિદેશમાંય ક્યાંય જઈ વસે તો ત્યાંય અનુકૂલન સાધીને દૃઢમૂલતાથી રહી શકે. ખરો ગુજરાતી તો એ જ જેના હૃદયની મઢૂલીઓ કાર્યકુશળતા અને આતિથ્યભાવથી જ શોભતી હોય. સાચો ગુજરાતી તો એ જ જેની છાતી દેશપ્રેમથી છલકાતી હોય…

આજે ગુજરાત સ્થાપના દિને વિશ્વભરના ગુજરાતીઓને એમનું ગુજરાતીપણું વધુ ને વધુ વિસ્તરતું રહે એવી શુભકામનાઓ…

Comments (16)

(રે અમે ને તમે ના મળ્યાં) – હરીન્દ્ર દવે

એક રે ડાળીનાં બેઉ પાંદડાં
એક છોડવાનાં બેઉ ફૂલ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારો માળો વેરીએ પીંખિયો
અમારા માળામાં અમે કેદ,
રે અમે ને તમે ના મળ્યાં !

ફૂલોની વચાળે ઘટતાં બેસણાં
કાંટાથી બિછાયો આખો પંથ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા આંગણમાં તમે એકલાં,
અમારા આકાશે અમે એક
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા હોઠોને તાળાં ચૂપનાં,
અમારી વાચાના ઊડે ધૂપ,
રે અમે ને તમે ના મળ્યાં !

લીલુડાં વને છો તમે પોપટી
અમે પંખી સાગર મોજાર,
રે અમે ને તમે ના મળ્યાં !

– હરીન્દ્ર દવે (૨૫-૭-૭૧)

ક્યારેક ગમે તેટલું ચાલીએ તોપણ બે ડગલાં જેટલું અંતર કપાતું નથી,તો ક્યારેક જોજનોનું અંતર પણ કંઈ વિસાતમાં નથી. એક મિત્રએ સહજ રીતે કીધેલી ગહન વાત યાદ આવે છે- “બહારનું અંતર કપાતું નથી,અંદરનું અંતર સમજાતું નથી !!!”

Comments (15)

વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – સ્વામી વિવેકાનંદ

(મન્દાક્રાન્તા)

તારી શય્યા હિમથકી ઠરેલી ભલે હોય, વાયુ
ઠારી દેતો તુજ વસન હો, ને ભલે પંથ તારે
ના કો ભેરૂ દિલ બહલવા, આભ આખું ઝળુંબે
છો ને માથે – ગમગીની સમાં વાદળાંથી છવાયું !
થાતો છોને વિફલ તુજ સૌ સ્નેહ, મીઠી સુવાસ
ખાલી ખાલી સહુ વિખરતી હો, ભલે ને અશુભ
છાઈ રહેતું સકલ શુભની ઉપરે થૈ વિજેતા !
તો યે ના હે વિમલ મધુરા જાંબલી ફૂલ ! તારી
ના દે ત્યાગી અસલ પ્રકૃતિ મંદ ખીલ્યે જવાની !
કિંતુ તારી સુરભિ વણથંભી અહીં દે પ્રસારી
મીઠી મીઠી ! દૃઢ પ્રતીત ! યાચ્યા વિના અર્પી દેજે !

– સ્વામી વિવેકાનંદ
(૦૬-૦૧-૧૮૯૬)
*
To an Early Violet

What though thy bed be frozen earth,
Thy cloak the chilling blast;
What though no mate to clear thy path,
Thy sky with gloom o’ercast —
What though of love itself doth fail,
Thy fragrance strewed in vain;
What though if bad o’er good prevail,
And vice o’er virtue reign —
Change not thy nature, gentle bloom,
Thou violet, sweet and pure,
But ever pour thy sweet perfume
Unasked, unstinted, sure !

– વાયોલેટ એ પાશ્ચાત્ય દેશોમાં વસંત બેસે અને શિયાળો પૂરો થવાનો હોય એ સંધિકાળ દરમિયાન ખીલતું પુષ્પ છે. એ ખીલે છે ત્યારે પવનના ઠંડા સૂસવાટાઓનો એણે સામનો કરવો પડે છે. પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવા માટે સિસ્ટર ક્રિસ્ટાઇનને પ્રોત્સાહન આપવા માટે સ્વામીજીએ આ કાવ્ય ન્યૂયૉર્કથી લખ્યું હતું.

ગમે એટલી વિપત્તિ કેમ ન આવી પડે, મનુષ્યે પોતાની સજ્જન પ્રકૃતિ ત્યાગવી ન જોઈએ જે રીતે ફૂલ એની મીઠી મીઠી ફોરમ પ્રસરાવતું રહે છે, વિપુલ માત્રામાં અને માંગ્યા વિના અને કોઈપણ કામના વગર !!

Comments (17)

જિંદગી કોને કહો છો ? – મકરન્દ દવે

જિંદગી કોને કહો છો, જો નહિ
આંખમાં લાલી ભરી સ્વપ્નો તણી ?
ને સ્વપ્નને સાચાં કરી ઊતારવા
ઝંખતી ના આરઝૂ હૈયા તણી ?

જિંદગી શી ચીજ છે, જો એ નહિ
કૂચ સાધે ધ્યેયની રેખા ભણી ?
ફુરસદ નહિ યે બે ઘડી ખોટી થવા
મોજ મીઠી માનવા આંસુ તણી ?

જિંદગી શું છે કહોને, જો નહિ
તાઝગી જાણે કદી એ તેજની ?
વિશ્વને અંધાર જો એ ના બને
અંત સુધી સળગતી અગ્નિકણી ?

-મકરન્દ દવે

ગઝલની ચાલમાં ચાલતું જિંદગીને વિધાયકભાવે સ્વીકારવા અને સદા અગ્રેસર થવા આહ્વાન આપતું ઊર્મિકાવ્ય…

Comments (5)

ઝૂમાં – નિરંજન ભગત

(સિંહને જોઈને)

એ છલંગ,
એ જ ન્હોર
નેત્રમાંય એ જ તેજ, એ જ તોર
એ ઝનૂન
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમ રોમ,
રે, પરંતુ ચોગમે નથી વિશાળ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
અને બધાય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.

– નિરંજન ભગત

એક નાની અમથી ઘટના. ઝૂમાં પાંજરે પૂરાયેલો સિંહ. આ ઘટનામાંથી આપણામાંથી કોણ પસાર નહીં થયું હોય? પણ કવિ એ જે સામાન્યને અસામાન્ય કરી દે. કવિતા એ જે જીવનમાંથી જન્મે પણ જીવનને જીવવા જેવું બનાવે. માણસ સિંહને પાંજરે પૂરી સભ્યતા ભણાવે છે કે પછી પાંજરે પૂરેલા સિંહને જોઈ જોઈને ખુદ જનાવર થતો જાય છે? કવિતામાં કવિએ ગુલબંકી છંદનો એટલો બખૂબી પ્રયોગ કર્યો છે કે સિંહની ગતિ, એનું જોમ અને એનો જોરાવર જુસ્સો મોટેથી કાવ્યપઠન કરતાં હોઈએ તો સહજ અનુભવાય. ગાલગાલગાલગાલની ચાલમાં ચાલતો આ છંદ કવિતાને કેવો ઉપકૃત નીવડ્યો છે !

Comments (8)

એક ગાય – પ્રિયકાન્ત મણિયાર

ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ : તૃણ નથી
ચોમેરમાંયે : તપ્ત કણ છે રેતના : તડકો પડ્યો :
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
-હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી !

-પ્રિયકાન્ત મણિયાર

આપણા આજના સમાજ અને પ્રવર્તમાન સંસ્કૃતિ-સભ્યતાનો નગ્ન ચિતાર કવિએ ગાયના પ્રતીક વડે કેવો ટૂંકાણમાં આપી દીધો છે ! ચોમેર ખાવા માટે લગીરે ઘાસ નથી. છે તો માત્ર ક્યાંકથી ભૂલી પડી આવતી હવા. નીચે તપેલી દઝાડતી રેતી અને માથે તડકો. એક પગ કબરમાં પડેલો છે એવી આ ગાયનું શરીર તો હાડકાંનો એવો માળો બની ગયું છે કે એ શ્વાસ શીદ લે છે એનું પણ આશ્ચર્ય થાય.

હવે આ આખી વાતને આપણા સમાજ અને સંસ્કૃતિને સામે રાખીને ફરી વાંચીએ તો…

પ્રસ્તુત કવિતા નખશીખ છંદમાં લખાયેલી છે. અહીં ‘ગાલગાગા’ના અનિયમિત પણ ચુસ્ત આવર્તનો વપરાયા છે. માત્ર આખરી પંક્તિની આગળના વાક્યાંતે કવિએ એક ગુરુનો લોપ કર્યો છે. અચરજ થયા પછી ઘડીક અટકી જવાની વૃત્તિનો નિર્દેશ તો નહીં હોય એમાં?!

Comments (2)

ગાંધી-વિશેષ:૩: ગાંધીજયંતી – ઉમાશંકર જોશી

માર્ગમાં કંટક પડ્યા
સૌને નડ્યા
બાજુ મૂક્યા ઊંચકી
તે દી નકી
જન્મ ગાંધી બાપુનો.
– તિથિ ન જોશો ટીપણે
ગાંધીજયંતિ તે દિને

-ઉમાશંકર જોશી

ફૉરેન્સિક મેડિસીન માં લેટિન ભાષાનો એક રુઢિપ્રયોગ વપરાય છે, જે આ કવિતા માટે વાપરવાનું મન થાય છે:  Res ipsa loquitar – It speaks for itself.

અને હા, પહેલી નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય પણ “ગાલગાગા”ના નિયમિત આવર્તન મઢ્યું છંદબદ્ધ કાવ્ય છે યાને કે મુક્તપદ્ય.

Comments (12)

ગાંધી-વિશેષ:૨: તમે ગાંધીજીને જોયા હતા ? – પ્રિયકાન્ત મણિયાર

એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,
‘તમે ગાંધીજીને જોયા હતા?’
ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,
અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને
અને બબડી ગયો-
‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં
પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’
હું હવે કોને કહું કે ‘ના તમે,
એ તો અમે ?’

-પ્રિયકાન્ત મણિયાર

પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય ‘ગાલગાગા’ના નિયત આવર્તન ધરાવતું છંદોબદ્ધ મુક્તપદ્ય છે. આ નાનકડી કવિતામાં જે ધારદાર કટાક્ષ પિયકાન્ત મણિયારે કર્યો છે એ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. ગાંધીજીને સાચા અર્થમાં કોણે જોયા છે?

Comments (9)

વિરહિણી – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

નિશ્ચે એની રડી રડી હશે આંખ સૂજી ગયેલી,
ફીકા લૂખા અધર અરુણા ઉષ્ણ નિશ્વાસ નાખી;
હાથે ટેક્યું મુખ જરી જરી કેશમંથી જણાતું
મેઘે છાયું કલુષિત દિસે બિંબ શું ચન્દ્રમાનું !

બેઠેલી એ નજર પડશે દેવપૂજા વિશે કે,
કલ્પી મારી કૃષ છબી, હશે કાઢતી ચિત્રમાંહે,
કિવા હોશે પૂછતી મધુરું બોલતી સારિકાને,
સંભારે છે અલિ ! તું પિયુને લાડકી બ્હૌ હતી તે !

ઝાંખા અંગે વસન ધરીને અંકમાં રાખી વીણા,
મારા નામે પદ રચી હશે ઇચ્છતી, સૌમ્ય ! ગાવા;
તંત્રી ભીની નયનજળથી લૂછી નાખી પરાણે,
આરંભે ને ઘડી ઘડી વળી મૂર્છના ભૂલી જાયે.

પેલાં બાંધી અવધ મહીં જે માસ બાકી રહેલા,
બેઠી હોશે ગણતી, કુસુમો મૂકીને ઉંબરામાં,
કિંવા હોશે ઝીલતી રસમાં કલ્પી સંયોગ મારો,
હોયે એવા પિયુવિરહમાં કામિનીના વિનોદો.

(મેઘદૂત – ઉત્તર મેઘ, શ્લોક: ૨૪-૨૭)

– કાલિદાસ
અનુ. કિલાભાઈ ઘનશ્યામ

લગભગ બેએક હાજર વર્ષ પૂર્વે કવિ કાલિદાસે રચેલ મેઘદૂત વિરહનું મહાકાવ્ય છે. કુબેરના શ્રાપના કારણે વિરહ પામેલો અર્ધમાનવ-અર્ધદેવ સમ યક્ષ રામગિરિના આશ્રમોમાં ભટકે છે અને અષાઢના પહેલા દિવસે આકાશમાં ઘેરાયેલા વાદળો મારફતે પોતાની પ્રિયાને  પ્રેમસંદેશ મોકલાવવા જે સંવાદ કરે છે એ પ્રણયોર્મિની કાલાતીત અને શાશ્વત કવિતા છે.

પ્રસ્તુત ચાર શ્લોકોમાં કવિ યક્ષને એની પ્રિયાનું વિરહાસન્ન ચિત્ર દોરતો બતાવે છે.

હાથ ઉપર ટેકવેલું મોઢું વિખેરાઈ ગયેલા વાળ (વિરહવ્યાકુળ સ્ત્રી કેશગુંફન કરેય કોના માટે?) વચ્ચેથી જરા-જરા દેખાતું હશે, જાણે મેઘછાયા કાળા વાદળો વચ્ચેથી ડોકાતો ચન્દ્ર ! આંખોય રડી રડીને સૂજી ગયેલી હશે અને લાલ હોઠ પણ ફીકા-લૂખા પડે ગયા હશે.

યક્ષને ખાતરી છે કે વિયોગની આ વસમી ઘડીઓનો વેળાસર અંત આવે એ માટે એ પ્રોષિતભર્તૃકા બહુધા દેવપૂજામાં જ એનો સમય વ્યતીત કરતી હશે. અથવા એના વિના હું કેવો કૃષ થઈ ગયો હોઈશ એની કલ્પના મારું ચિત્ર દોરી કરતી હશે કે પછી પાંજરામાં પૂરેલ સારિકાને પૂછતી હશે કે તું તો એમની બહુ લાડકી હતી ને ? હવે એમને યાદ કરે છે ? આ સારિકા દેહના પંજરામાં કેદ આત્મા હોઈ શકે ?

અંગ પર એણે વસ્ત્રો પણ ઝાંખા જ પહેર્યા હશે… વિરહાસક્ત સ્ત્રી શણગાર પણ કોના માટે સજે ? અને ખોળામાં વીણા મૂકી એ મારા નામના પદ રચીને ગાવા ઇચ્છતી હશે પણ એકધારા વહેતા આંસુઓના કારણે તાર ભીનાં જ થયા કરતા હશે. વળી વળીને તાર લૂછીને એ ગાવું આરંભતી પણ હશે પણ આરોહ-અવરોહ સઘળું ભૂલી જતી હશે…

શાપ મુજબ વિરહની બાંધી મુદત પૂરી થવામાં કેટલા મહિનાની વાર છે તે એ ઉંબરે બેસીને ફૂલો ગોઠવીને ગણે છે. પ્રતીક્ષાની ચરમસીમાનું ઉત્કટોત્તમ ચિત્ર કવિ અહીં દોરે છે. મિલન થવા આડે તો હજી કેટલાય મહિના બાકી છે પણ એ તો અત્યારથી જ ઉંબરા પર જઈ બેઠી છે !

(અરુણા= લાલ, કલુષિત= મલિન, કૃષ= નિર્બળ, હોશે= હશે, વસન= વસ્ત્ર, તંત્રી=વીણાનો તાર, મૂર્છના=સાત સ્વરોનો ક્રમસર આરોહઅવરોહ કે થાટ, અવધ=અવધિ)

Comments (10)

સખિ ! જો – – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

(વિયોગિની)

સખિ ! જો ઉદધિ તણે ઉરે,
નભથી કૌમુદી કેવી નીતરે !
દધિ એ ઊછળી પળે પળે
છબી ધારે ઉરને દલે દલે !

ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા
કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા
દધિ ધૂર્જટિ જેમ નર્તતો,
ઉર એ કૌમુદીને સમર્પતો !

જગમાં પણ કોઈને કદી
ન મળે એકલી શુભ્ર કૌમુદી;
અજવાળું પીધેલ ભાજને
ભરી અંધારું પીવાનું છે જ ને !

પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,
ઘન અંધાર ઉરેય વ્યાપતાં;
દધિને ગત પર્વ સાંભર્યે,
ભરતી પાછી અમાસની ચડે !

સખિ ! એમ કદી કદી મને
મુજ આ કૌમુદી-અસ્ત જીવને
ઉર આવતી ઊર્મિ ઊછળી,
બનતી સાર્થક તું ભણી ઢળી !

– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

સખીના સંબોધનથી શરૂ થતી વાત તો પ્રેમની જ છે પણ કવિએ સમુદ્ર અને ચાંદનીના પ્રતીક વાપરીને સાવ નોખી રીતે માંડણી કરી છે.  આકાશમાંથી ચાંદની વરસે એને જાણે સમુદ્ર મોજાં ઉછાળી ઉછાળીને હૃદય (પદ્મ)ની પાંદડી-પાંદડીમાં ઝીલવા ન ધારતો હોય એવું મજાનું કલ્પન અહીં રજૂ થયું છે. અને પૂર્ણ પૂર્ણિમાની રાત્રે તો જેમ શંકર તાંડવ ન કરતા હોય એમ ઊંચા પર્વત સમા મોજાં ઊછાળીને પોતાનું હૈયું એને કિલ્લોલપૂર્વક અર્પણ કરે છે.

પણ આ દુનિયામાં જે પાત્રમાં શુભ્ર ચાંદની પીવાની છે ત્યાં એ જ પાત્રમાં કાળું અંધારું પણ પીવાનું છે.  આવા અમાસના સંજોગોમાં પણ ગત પર્વ (અહીં પૂર્ણિમા) યાદ રાખી સમુદ્ર (અમાસની) ભરતીએ ચડે જ છે ! કેવી સુંદર શીખ!!

એ જ રીતે હે પ્રિય સખી ! પૂર્ણિમા જેવી તું નથી હોતી ત્યારે પણ મારું હૃદય તને યાદ કરી કરીને ઊર્મિશીલ થઈ તારા ભણી જ ઢળે છે !

(ઉદધિ= સાગર, દધિ= સાગર, કૌમુદી= ચાંદની, ધૂર્જટિ= શંકર)

Comments (7)

મારા ઉરે કોઈ અબૂઝ વેદના – હરિશ્ચંદ્ર ભટ્ટ

મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.

તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.

-હરિશ્ચંદ્ર ભટ્ટ

સર્જનપ્રક્રિયાને બખૂબી વર્ણવતું સચોટ લઘુકાવ્ય.

સર્જન એટલે એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ. કવિ કાવ્ય કરે ત્યારે બ્રહ્મા સાથે તાદાત્મ્ય સાધતો હોય છે પણ સર્જન પૂર્ણ થતાં જ એ પાછો સાધારણ મનુષ્ય -ભાવક- બની જતો હોય છે. આ એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ એટલે કે યુગાન્તર અણદીઠ છે… આવા અણદીઠની સતત વાંછના અને કળી ન શકાય છતાં વર્ષો સુધી અંતરને તાવ્યા કરતી કોઈક અગમ્ય વેદના એ સર્જનની કાચી સામગ્રી છે. પણ માતા સરસ્વતીની કૃપા વિના બધું અધૂરું છે. માની કૃપા ઉતરે એટલે સર્જક એક ભવમાં જાણે બીજો ભવ પામે અને એનું દારિઢ્ર્ય દૂર થાય છે… વળી અધૂરાં ગીત પૂરાં કરવા ફરી ફરીને જન્મ લેવાની ઈચ્છા સિસૃક્ષાની ચરમસીમાનું દ્યોતક છે.

આ સાથે સર્જનપ્રક્રિયા પર જ બ.ક.ઠાકોરનું ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ ભણકારા પણ જોવા જેવું છે.

(દ્વિજ= બે વાર જન્મેલ, બ્રાહ્મણ, દૈન્ય= ગરીબી)

Comments (5)

તારો વૈભવ – જયન્ત પાઠક

(પૃથ્વી)

અહો જલની ઉગ્રતા !
તૂટી મૂશળધાર, તોડી તટકેરી માઝા, ધસી
રચે પ્રલયકાળ; વજ્ર નિજ અદ્રિશૃંગે ઝીકે;
પ્રચંડ બની ધોધ રેત કરી દેતું ગ્રાવા ધસી
ચરાચર સમસ્તનાં કરત સ્તબ્ધ હૈયાં બીકે.

અહો જલનું માર્દવ !
ઊંચેથી ઊતરી ધીમે કુસુમથી ય હળવા બની
હથેલી મહીં પુષ્પની જેવું ઝીલાઈ, વા પૃથ્વીની
રજે ભળી જઈ ઊંડે ઊતરી બીજને ભીંજવી
સુકોમલ તૃણોરૂપે પ્રગટવી નવી જિંદગી.

અહો જલની ઉગ્રતા, જલતણું અહો માર્દવ !
વિનષ્ટિ સૃજને કશો પ્રગટ તાહરો વૈભવ !

– જયન્ત પાઠક

જળના બે આંત્યંતિક સ્વરૂપોને સામસામે ગોઠવી કવિ મજાનું કાવ્ય કરે છે ! મૂશળધાર વરસીને કાંઠા તોડી પર્વતના શિખરોને ય તહસ-નહસ કરી નાંખી રેતી-રેતી કરી દે એવું સમસ્ત સૃષ્ટિના ધબકારા અટકાવી દે એવું જળનું સ્વરૂપ એક સામે છે તો બીજી તરફ હળવેથી જેમ ફૂલ હથેળીમાં ઝીલાય છે એ રીતે ધરતીમાં ભળી જઈ એક બીજને નવાંકુરિત કરી નવી જિંદગી જન્માવતું ઋજુદિલસ્વરૂપ છે… બંને સ્વરૂપે ઈશ્વરનો જ ખરો વૈભવ પ્રગટ થાય છે…

(અદ્રિશૃંગ = પર્વતની ટોચ; ગ્રાવા = પર્વત, પથ્થર; ચરાચર = જડ-ચેતન; વિનષ્ટિ= વિનાશ)

Comments (8)

વિજોગ – મનસુખલાલ ઝવેરી

(સોરઠા)

ઘન  આષાઢી ગાજિયો, સળકી  સોનલ  વીજ,
સૂરે       ડુંગરમાળ     હોંકારા     હોંશે      દિયે.

મચવે    ધૂન   મલ્હાર   કંઠ   ત્રિભંગે   મોરલા,
સળકે  અન્તરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં.

ખીલી    ફૂલબિછાત,    હરિયાળી    હેલે   ચડી,
વાદળની   વણજાર  પલપલ  પલટે   છાંયડી.

ઘમકે   ઘૂઘરમાળ   સમદરની  રણઝણ  થતી,
એમાં તારી  યાદ  અન્તર ભરી ભરી  ગાજતી.

નહિ જોવાં  દિનરાત : નહિ  આઘું,  ઓરું  કશું;
શું ભીતર કે બહાર, સાજણ ! તુંહિ તુંહિ એક તું.

નેન   રડે   ચોધાર  તોય   વિજોગે   કેમ   રે ?
આ  જો  હોય  વિજોગ, જોગ વળી કેવા હશે ?

– મનસુખલાલ ઝવેરી

પ્રણય, વિરહ અને વિરહની તીવ્રતાનો અદભુત રંગ અહીં ઊઘડે છે. કવિ જાણે ચિત્રકાર હોય એમ કલમથી અમૂર્ત સૌંદર્યને જાણે કે મૂર્ત કરે છે. આષાઢી મેઘ ગાજે એના પડઘા ડુંગરાઓ ઝીલે છે. મોર ત્રિભંગી કરી મલ્હાર રાગ જાણે કે આલાપે છે અને અંતરમાં પ્રિયજનના લાખો સપનાંઓ આકાર લે છે. ફૂલો એમ ખીલ્યા છે જાણે ચાદર ન બિછાવી હોય અને ઘાસ પણ કંઈ આ સ્પર્ધામાં પાછળ રહે એમ નથી. અષાઢી વાદળો ઘડીમાં કાળા, ઘડીમાં ધોળા, પળમાં સૂરજને ઢાંકે તો પળમાં ખોલે એમ તડકી-છાંયડી વેરે છે. સમુદ્રમાં જેમ મોજાંઓ રણઝણે એમ દિલમાં પ્રિયજનની અફાટ-અસીમ યાદ માઝા મૂકે છે. આવામાં દિવસ શું ને વળી રાત શું? આઘું શું ને વળી નજીક શું? અંદર શું ને વળી બહાર શું? અત્ર-તત્ર-સર્વત્ર તું જ- તુંનો પોકાર છે… છેલ્લી બે પંક્તિઓમાં તો વળી સૉનેટમાં જોવા મળે એવી ચોટ છે… વિયોગમાં અંતરની અને બહારની સૃષ્ટિ જો આ રંગ-રૂપ લેતી હોય તો પ્રિયજન જો આવી ચડે તો તો પછી વાત જ શું પૂછવી?

Comments (7)

જો – ગીતા પરીખ

હઠે તિમિરના થરો લઘુક જ્યોતિરશ્મિ થકી,
ધીમી અનિલ-લ્હેરખી પણ ભરે
અહો જડ સૂકેલ પર્ણ-ઢગમાં કશી ચેતના !
અને કથવું શું ?
જરીક ચમચી જ છાશ થકી દૂધ થાતું દધિ;
કરી શકું ન શું
પ્રયાસ મહીં માહરા તવ મળે અમીદૃષ્ટિ જો ?

-ગીતા પરીખ

પ્રિયજનની એક જ અમીદૃષ્ટિ જીવનમાં કેટલું વિધાયક પરિણામ લાવી શકે છે એની વાત કવિ ત્રણ નાનકડાં ઉદાહરણથી કેવી સુપેરે સમજાવે છે ! નાના અમથા પ્રકાશના કિરણ વડે અંધારાના થર હટી જાય છે, ધીમી સરખી પવનની લહેરખી સૂકાં પાનનાં ઢગલામાં ચેતના આણે છે અને ચમચીક છાશના મેળવણથી દૂધ દહીં બની જાય છે…

પૃથ્વી છંદમાં લખાયેલું આ લઘુકાવ્ય કેવું ચોટુકડું બન્યું છે !

Comments (7)

શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

એક શરણાઈવાળો સાત  વર્ષ  સુધી  શીખી,
રાગ  રાગણી   વગાડવામાં  વખણાણો  છે.
એકને  જ  જાચું  એવી  ટેક છેક રાખી એક
શેઠને  રિઝાવી   મોજ  લેવાને  મંડાણો  છે.
કહે  દલપત  પછી  બોલ્યો  તે  કંજૂસ શેઠ,
“ગાયક   ન   લાયક  તું  ફોગટ  ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું  બજાવે  તો  હું  જાણું  કે તું શાણો છે.”

– દલપતરામ

આપણે બધા આ (લધુ) કથા-કાવ્ય ભણી જ ચૂક્યા છીએ. છંદ અને પ્રાસમાં કવિતાને અવિસ્મરણીય બનાવી દેવાની જે તાકાત છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. કવિએ છંદના માળખામાં રહી પ્રાસનો એવો કાબેલ પ્રયોગ કર્યો છે કે આ કવિતા વર્ષો પછી પણ મોટા ભાગના લોકોને યાદ હોય છે. કવિતાને મોટા અવાજે ગાઈ એના હિલ્લોળને મણવાની મઝા પણ એ જ કારણે છે.

Comments (13)

આંસુ – સુરેશ દલાલ

આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ
ને સ્પંદનની મ્હેકતી આ ધૂપસળી આંસુ !

અણદીઠા દરિયાનું મોતી એક આંસુ
ને વાદળાની વીજઆંખ રોતી એ જ આંસુ !

પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસુ
ને કોકિલનું વણગાયું ગાન એ જ આંસુ !

ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ
ને ચિરજીવી વેદનાનું વૃંદ એ જ આંસુ !

વાંસળીનો વિખૂટો સૂર એક આસું
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !

કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ
તમે મારો મેણાં ને હોઠ ચૂપ એ જ આંસુ !

– સુરેશ દલાલ

ક્યારેક પ્રગટપણે તો ક્યારેક અપ્રગટપણે પણ માણસ આંસુ જરૂર સારે છે.  આંસુ ગુલાબની કળી જેવા મઘમઘતા પણ હોઈ શકે છે. આંસુ ક્યારેક પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ આપતા મોતી સમા મૂલ્યવાન પણ હોઈ શકે.  આંસુ ક્યારેક બોલકાં હોય છે તો ક્યારેક સીવાયેલા હોઠ પાછળથી વહેતી રહેતી ચુપકીદી સમા પણ હોય છે…

Comments (10)

નવા વર્ષે – ઉમાશંકર જોશી

નવા વર્ષે હર્ષે,
નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ !માંગલ્યપથ આ
નિમંત્રે; ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.
નવી કો આશાઓ.

નવી આકાંક્ષાઓ પથ પર લળૂંબી મૃદુ રહી.
મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં !

-ઉમાશંકર જોશી

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…

Comments (3)

અષાઢે – ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. અષાઢે0

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. અષાઢે0

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી. અષાઢે0

-ઉશનસ્

એક નાનું અમસ્તું કાવ્ય પણ કેવું મીઠું ! અષાઢથી ફાગણ સુધી લંબાતી આખી વાતમાં કવિ પ્રેમ, વર્ષા અને વસંતને એક જ તાંતણે કેવી હોંશિયારીથી બાંધી દે છે ! ઘાસના તણખલાંમાં તો ધરતીના શ્વાસ કહી એને તોડવાની ના ફરમાવી કવિ ખરેખર શું કરવું જોઈએ એ પણ તુર્ત જ કહી દે છે. અષાઢના ભીના-ભીના ઘાસમાં તો આડા પડીને એની સુગંધ માણવાની હોય. હું તો સુરતી બોલીમાં વપરાતો ‘પીમળ’ શબ્દ ગુજરાતી કવિતામાં પહેલવહેલી વાર વાંચીને જ આ કવિતાના પ્રેમમાં પડી ગયો…

આખા કાવ્યમાં સવારનો જ મહિમા છે. પરોઢની ખટઘડીએ સૂઈ ન રહેવાનું તો આદિ કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે. ઉશનસ્ એમની જ વાતમાં સૂર પુરાવતા હોય એમ કહે છે કે પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ રહીએ તો પ્રકાશ અને વાયુ બંને પાછાં વળી જઈ શકે છે. આત્માને ઉજાળવો હોય કે શ્વાસને સીંચવો હોય, મનુષ્યનું ‘જાગવું’ ખૂબ જરૂરી છે અને એથી વધુ જરૂરી છે અજ્ઞાનની પછેડી માથેથી હટાવવાનું…

Comments (8)

આકડે ય મધુ – ભાનુપ્રસાદ ત્રિવેદી

(વસંતતિલકા)

મેં આકડે ભ્રમર ગુંજરતો ય દીઠો,
ને ઊર્વિનો અમલ નેહ મળ્યો અદીઠો !

આ ભૂમિમાંથી પ્રગટે રૂપ ભિન્નભિન્ન,
ઝેરી ક્યહીંક, ક્યહિ અમૃત, તો ય છન્ન
એની સુધા વિલસતી સહુમાં પ્રસન્ન !

હું તાહરા પ્રણયપદ્મપરે ભમેલ
ત્યારે ન જાણ, પ્રિય હે ! તુજમાં વસેલ
આ પૃથ્વીના રસ ચિરંતનની; પરંતુ
તારું મળ્યું વિષ જ્યહીં અવહેલનાનું –
એ આકડે ય મધુ હું ભમરો લહંત !

-ભાનુપ્રસાદ ત્રિવેદી

કુમાર, જુન-૧૯૫૨ના અંકમાં પ્રગટ થયેલું આ કાવ્ય. શ્રી બચુભાઈ પોપટભાઈ રાવતના તંત્રીપદે પ્રગટ થતા કુમારના રંગ-રૂપ જ કંઈ ઓર હતા. એ જમાનામાં કુમારમાં કવિતા છપાય એટલે કવિને કવિ હોવાનું પ્રમાણપત્ર મળેલું ગણાતું. કુમારના એ અંકોમાં કવિતાની સાથે ટૂંકાણમાં કાવ્યાસ્વાદ પણ કરાવાતો (લયસ્તરોની જેમ જ સ્તો!). આ કવિતાની સાથે કુમારના ૫૬ વર્ષ જૂના અંકમાં કરાવાયેલો આસ્વાદ શબ્દશઃ કુમારમાંથી આજે સાભાર:

“વિરોધી ભાવોમાંથી રસનિષ્પત્તિ એ પણ કવિતામાં સૌંદર્ય લાવવાની એક રીત છે. આ કાવ્ય એનું ઉદાહરણ છે: અહીં કવિએ આકડામાં મધુનું દર્શન કરાવ્યું છે! આકડાનો તો ખ્યાલ જ નવો છે. એ કાવ્યમાં કવિના હૃદયસંક્ષોભનું કારણ તો ભલે નિષ્ફળ ગએલા પ્રેમમાં છે, (જેને પ્રણયપદ્મ માન્યું તે આકડો નીકળ્યો,) પણ પછી પ્રિયતમાની એ અવહેલનામાં પણ તે મધુરતા શોધી રહે છે. ઝેરી મનાતા આકડા જેવા પુષ્પમાં પણ પૃથ્વીના અમૃતરસનો અંશ હોવો જોઈએ, નહિતર ભમરો ત્યાં ગુંજે નહિ; તદનુસાર માનવતાની ભૂમિમાંથી પાકેલા માણસમાં યે થોડો પણ સુભગ અંશ હોવાનો જ. એટલે આકડે પણ ભ્રમરને જવું રહ્યું જ; તેમાંથી યે મધ તો મળવાનું જ”.

(ઊર્વિ=પૃથ્વી, છન્ન=ઢંકાયેલું, સુધા=અમૃત)

Comments (4)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૪ : ઘણ ઉઠાવ – સુન્દરમ્

Sundaram

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.

ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !

અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.

.                          તોડીફોડી પુરાણું,
.                        તાવી તાવી તૂટેલું.

ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

– સુન્દરમ્

જૂની વાસી વિચારસરણીને તોડીને નવસર્જન તરફ આગળ વધવા હાકલ કરતું એ જમાનામાં બહુ જ પ્રખ્યાત થયેલું ગીત. ‘ઘણ’ પ્રતિકની પસંદગી કવિ પર સમાજવાદી વિચારસરણીની અસર બતાવે છે. ગીતનો લય એટલો બુંલદ છે કે વાંચકને પોતાની સાથે તરત જ ખેંચી લે છે.

Comments (4)

સપૂત – કૃષ્ણલાલ શ્રીધરાણી

Daandi-kuch
(દાંડીકૂચ….                                                             …પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)

“આવવું ન આશ્રમે – મળે નહિ સ્વતંત્રતા !
જંપવું નથી લગાર – જો નહિ સ્વતંત્રતા !
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા !
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા !
પુત્ર-દાર !
જન્મમૃત્યુના જુહાર !
જંપવું ન, જાલિમો ય જંપશે ન, સૌ ખુવાર !
મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર !”
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા !
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં !
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા !
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજા-અવાજ પામવા !
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો !
સર્વ સાથ – કોઈ ના – બધું સમાન : એકલો !
રાષ્ટ્રદેવ ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા !
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા !
પગો પડે !
સુવર્ણ માટીમાં મઢે !
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે !
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે !
જીવશે ન – જીવવા દઈ સપૂત – જાલિમો !
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો !

-કૃષ્ણલાલ શ્રીધરાણી

આજે બારમી માર્ચના ઐતિહાસિક દિવસે કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો આશ્રમમાં નહીં ફરૂંની ઐતિહાસિક પ્રતિજ્ઞા કરીને મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાંથી મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા માટે ઓગણાએંસી અંતેવાસીઓ સાથે દાંડી તરફ કૂચ આદરી હતી. સુખ-શાંતિ, પત્ની-પુત્ર બધાને જાણે કે અંતિમ જુહાર કરીને, જંપવું નહીં અને જાલિમોને જંપવા દેવું નહીં એવા આકરા કોલ સાથે બાપુ ફનાના માર્ગે નીકળી પડ્યા હતા. આ પ્રસંગને સુપેરે આલેખતું આ કાવ્ય એ સમયના ઈતિહાસને સાંગોપાંગ આપણી નજર સમક્ષ ખડો કરી દે છે. મુક્તિનો મહેલ કંઈ સોના-ચાંદીની ઈંટોનો નથી ચણાતો, એ તો ચણાય છે રાખનો જેવી અગત્યની વાત કરીને આ આખા પ્રસંગચિત્રમાં સનાતન કવિતાનો પ્રાણ રેડી દે છે. આખા કાવ્યમાં -નાનપણમાં ભણવામાં આવતું હતું ત્યારથી- જે શબ્દપ્રયોગ મારા હૃદયમાં અંકિત થઈ ગયો છે એ છે ‘જવાન ડોસલો’. આ એક જ શબ્દ-પ્રયોગમાં રાષ્ટ્રપિતાને જે અંજલિ આ ગુજરાતી કવિએ આપી છે, એ અન્ય કોઈ ભાષામાં કદાચ કદી નહીં અપાઈ હોય!

(સૌખ્ય=સુખ, શાતા; દાર=પત્ની; જુહાર=નમસ્કાર; અંક=ખોળો)

Comments (18)

મનને કહ્યું (Dark Poem) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

સૂરજને   કહ્યું   ઊગ,   સૂરજ   ઊગી   ગયો
ચન્દ્રને  કહ્યું  આથમ,  ચન્દ્ર  આથમી   ગયો
ફૂલને    કહ્યું    ખીલ,    ફૂલ    ખીલી    રહ્યું
પવનને   કહ્યું   વા,   પવન  વાવા  લાગ્યો.
સમુદ્રને   કહ્યું   ગરજ,   સમુદ્ર  ગરજી ઊઠ્યો.
આકાશને કહ્યું વરસ,  આકાશ વરસવા માંડ્યું
મનને કહ્યું હરખ,  મન  દુઃખી દુઃખી થઈ ગયું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

આ કવિતાને કવિ ‘ઘોર કાવ્ય‘ (Dark Poem) તરીકે ઓળખાવે છે. અહીં જીવનનો ભીતરનો ખરો -ઘેરો કાળો- રંગ સ્ફુટ થાય છે માટે? કવિતાની પહેલી છ પંક્તિમાં કવિ વારાફરતી પ્રકૃતિના છ અલગ-અલગ સ્વરૂપને એનો સાચો હેતુ પ્રકટ કરવા ઈજન આપે છે. આ કવિનો શબ્દ છે. કવિના શબ્દની તાકાત છે. કવિ સૂરજને કહે ઊગ તો એણે ઊગવું પડે. કવિનો શબ્દ જ્યારે કાગળ પર જન્મ પામે છે ત્યારે એ અ-ક્ષર બની જાય છે! પણ અહીં કવિ પોતાની તાકાત બતાવવા નથી આવ્યા. કવિ આવ્યા છે ભીતરના કાળા અંધારાને અજવાળવા. મનુષ્ય ભારોભાર પ્રકૃતિની વચ્ચોવચ રહીને પણ આજે પોતાની ઓળખ ગુમાવી બેઠો છે એની અહીં વાત છે. એની ફિતરતમાં કુદરતનો વ્યાપ નથી. કુદરત પાસે મોકળાપણું છે, આપવાપણું છે. એના આપવામાં કોઈ ગણિત નથી હોતું એટલે એ એનો સાચો હેતુ આજે પણ યથાર્થ પ્રકટ કરી જાણે છે. માણસ પાસે મોકળાશ નથી એટલે એના હૈયે હાશ નથી. માણસ આપવામાં નહીં, લેવામાં માને છે. અને આ અપેક્ષા એને પ્રકૃતિના કુદરતી નિયમોથી વેગળો રાખે છે. એટલે એનું મન વિસ્તીર્ણ નથી થતું, ક્ષીણ થાય છે. માણસ એની પ્રાકૃતિક્તા એ રીતે ગુમાવી બેઠો છે કે હવે હસી નથી શક્તો. અને કવિ હસવાનું કહે ત્યારે એ માત્ર દુઃખી નથી થતો, દુઃખી દુઃખી થઈ જાય છે. આખી કવિતામાં એક જ વાર વપરાતું ક્રિયાપદ કાવ્યાંતે જ્યારે બે વાર કવિ વાપરે છે ત્યારે એ એની કથનીને દ્વિગુણીત કરી બેવડી ધાર કાઢી આપે છે અને આજ છે કવિનો સાચો શબ્દ: અ-ક્ષર !!

Comments (16)

બાને કાગળ – ચંદ્રકાંત શાહ

તેં જ અપાવેલ જીન પહેરીને બેઠી છું બહુ વખતે કાગળ લખવા
આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે સફેદ કોરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા

અમે મઝામાં છીએ
કેમ છે તું ?
લખવા ખાતર લખી રહી છું
પૂછવા ખાતર પૂછું છું હું
લખવાનું બસ એ જ
આટલાં વરસે મેલાં થઈ થઈ
જીન્સ આ મારાં બની ગયાં છે મેલખાઉં તો એવાં
કે ધોવાનું મન થતું નથી
જીન ધોવાને અહીંયાં તો બા નથી નદીનું ખળખળ વહેતું છૂટું પાણી
સખી સાહેલી કોઈ નથી
નથી નજીક કોઈ ખેતર, કૂવા, કાબર, કોયલ
નથી નજીકમાં ધોળા બગલા

વધુ આગળ વાંચો…

Comments (4)

મળ્યાં – સુન્દરમ્

મળ્યાં વિરહના અનેક કપરાં દિનોની પછી
મહાજન સમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.

-સુન્દરમ્

વિરહના કપરાં દિવસો વેઠ્યા બાદ મળેલા પ્રેમીજનોનું મિલન કેવું હોય? સુનામીના મોજાં જેવું? પણ સુન્દરમ્ ના કાવ્ય નાયક-નાયિકા એવા અનંગવેગથી ન જ મળે. અહીં તો મિલન પણ લોકોની વચ્ચે થાય છે અને બન્ને જણ “લ્હેર”થી વચ્ચે મળતા જતા લોકો સાથે ગોઠડી કરતાં-કરતાં નજીક આવે છે. એકબીજાને મળે છે તો ખરા પણ ‘બધાનું પતવીને’. પ્રદીર્ઘ વિયોગ જેવું જ લાંબું મૌન સેવ્યા પછી પણ હોઠેથી જે વાત સરે છે એ પોતાની નહીં, અન્યોની જ છે અને વળી બંનેના કાન તો એ દુન્યવી વ્યવહારની વાતો પાછા સાંભળતા જ નથી. અકંપ, અણબોલ અને મૌન એમ ત્રણ વિશેષણોને એક કતારમાં મૂકીને કવિએ મૂક સરવાની વાતને ત્રિગુણિત કરી દીધી છે. પ્રેમ એ કોઈ ઢંઢેરો પીટવાની ઘટના નથી, પ્રેમ તો છે એક અનુભૂતિ… એક સંવેદના… જ્યારે સર્વ ઈંદ્રિય સતેજ થઈ જાય છે ત્યારે વાચાને વહેવા શબ્દોના ખભાની જરૂર નથી રહેતી. ઘડી ઘડી – એમ પુનરાવર્તન કરવાથી એકબીજાને આંખો-આંખોથી ચાહવાની, જોવાની, સાંભળવાની ઘટનાને કવિએ બખૂબી શબ્દાંકિત કરી છે. અહીં સુન્દરમ્ નું જ અન્ય કાવ્ય ‘મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,મૈં તો ચુપચુપ ચાહ રહી‘ યાદ આવ્યા વિના રહેતું નથી.

Comments (5)

જવું હતું ગામ – ચંદ્રિકાબહેન પાઠકજી

જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?

મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.

-ચંદ્રિકાબહેન પાઠકજી

ચંદ્રિકાબહેનનું આ કાવ્ય વાંચતા જ શ્રી બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં‘ સૉનેટ યાદ આવી જાય છે. કંઈક અંશે એના જેવો જ મિજાજ ધરાવતા છતાં કદમાં ખાસ્સા નાના અને શબ્દોમાં સાવ સરળ આ કાવ્યમાં કયા ગામ જવાની અને કઈ ઓરડી ખાલી કરવાની વાત છે? (જન્મ: ૨૬-૦૭-૧૯૧૦, મૃત્યુ:૨૦-૦૫-૧૯૯૬, કાવ્યસંગ્રહ: ‘રાતરાણી’)

Comments (4)

પ્રેમ ( એક પ્રસ્તાવના ) – સુન્દરમ્

આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
            નથી આંખો,
નથી પગ, નથી હાથ

તોયે કેવું પકડે છે એ ?
                        કેવો પકડે છે એ ?
                        કેવો પાડે છે એ ?
                        કેવો ઉપાડે છે એ ?

આંખો મીંચો ને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.

તમે કહો ગા,
       તો વગર કંઠે ગાય છે.

સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
       ઉષાઓ ઉગાડી દે છે.

એને આંધળો કોણે કહ્યો ?
       આંખ તો એની જ છે
કોઈએ તમારી આંખમાં
       શું આંખ માંડી નથી ?

– સુન્દરમ્

પ્રેમ વિષે સુન્દરમે અનરાધાર લખ્યું છે. મેરે પિયા !, હું ચાહું છું  કે તને મેં ઝંખી છે જુઓ તો એમની સૂક્ષ્મ દૃષ્ટિનો ખ્યાલ આવે. એમણે જ આ એમના સમય અને શૈલીથી હટીને આ અછાંદસ કાવ્ય પણ લખ્યું છે. કાવ્યની રચના તદ્દન સરળ છે અને વાત સીધી વર્ણનાત્મક રીતે જ આવે છે, છતાંય કાવ્ય એની પોતાની રીતે મોહક છે. પ્રેમ આંધળો હોય છે એ માન્યતાની સામે કવિએ બહુ ઊંડી વાત કરી છે.

Comments (12)

મારા ઉરે કોઇ અબૂઝ વેદના – હરિશ્ચન્દ્ર ભટ્ટ

મારા ઉરે કોઇ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવાં નવાં.

તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું,ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું,
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઇ કરું પૂરાં.

હરિશ્ચન્દ્ર ભટ્ટ

ગુજરાતી સાહિત્યમાં યુરોપિયન સાહિત્યનું આકંઠ પાન કરનાર કવિ.

Comments (3)

હાથ મેળવીએ – નિરંજન ભગત

લાવો તમારો હાથ, મેળવીએ
( કહું છું હાથ લંબાવી ) !
કહો શું મેળવી લેવું હશે મારે ? તમારા હાથમાં તો કેટલુંયે –
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
શું શું નથી હોતું તમારા હાથમાં ?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ…
ખાલી તમારો હાથ ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે !
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો –
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું-નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ !
અજાણ્યા છો ? ભલે !
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું –
લાવો, તમારો હાથ, મેળવીએ !

-નિરંજન ભગત

શાળામાં આ કાવ્ય ભણતા હતા ત્યારે એનો અર્થ જેટલો વિશાળ ભાસતો હતો એનાથી હવે કદાચ અનેકઘણો વિશાળ લાગે છે. વિશ્વ વધુ ને વધુ સાંકડું થતું જાય છે ત્યારે આ કવિતાથી વધુ પ્રાસંગિક શું હોઈ શકે? પ્રથમ નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય વળી છંદોબદ્ધ પણ છે…

Comments (3)

તને મેં ઝંખી છે- – સુન્દરમ

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

-સુન્દરમ

સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનિષદ !

Comments (7)