એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કિલાભાઈ ઘનશ્યામ

કિલાભાઈ ઘનશ્યામ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વિરહિણી – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

નિશ્ચે એની રડી રડી હશે આંખ સૂજી ગયેલી,
ફીકા લૂખા અધર અરુણા ઉષ્ણ નિશ્વાસ નાખી;
હાથે ટેક્યું મુખ જરી જરી કેશમંથી જણાતું
મેઘે છાયું કલુષિત દિસે બિંબ શું ચન્દ્રમાનું !

બેઠેલી એ નજર પડશે દેવપૂજા વિશે કે,
કલ્પી મારી કૃષ છબી, હશે કાઢતી ચિત્રમાંહે,
કિવા હોશે પૂછતી મધુરું બોલતી સારિકાને,
સંભારે છે અલિ ! તું પિયુને લાડકી બ્હૌ હતી તે !

ઝાંખા અંગે વસન ધરીને અંકમાં રાખી વીણા,
મારા નામે પદ રચી હશે ઇચ્છતી, સૌમ્ય ! ગાવા;
તંત્રી ભીની નયનજળથી લૂછી નાખી પરાણે,
આરંભે ને ઘડી ઘડી વળી મૂર્છના ભૂલી જાયે.

પેલાં બાંધી અવધ મહીં જે માસ બાકી રહેલા,
બેઠી હોશે ગણતી, કુસુમો મૂકીને ઉંબરામાં,
કિંવા હોશે ઝીલતી રસમાં કલ્પી સંયોગ મારો,
હોયે એવા પિયુવિરહમાં કામિનીના વિનોદો.

(મેઘદૂત – ઉત્તર મેઘ, શ્લોક: ૨૪-૨૭)

– કાલિદાસ
અનુ. કિલાભાઈ ઘનશ્યામ

લગભગ બેએક હાજર વર્ષ પૂર્વે કવિ કાલિદાસે રચેલ મેઘદૂત વિરહનું મહાકાવ્ય છે. કુબેરના શ્રાપના કારણે વિરહ પામેલો અર્ધમાનવ-અર્ધદેવ સમ યક્ષ રામગિરિના આશ્રમોમાં ભટકે છે અને અષાઢના પહેલા દિવસે આકાશમાં ઘેરાયેલા વાદળો મારફતે પોતાની પ્રિયાને  પ્રેમસંદેશ મોકલાવવા જે સંવાદ કરે છે એ પ્રણયોર્મિની કાલાતીત અને શાશ્વત કવિતા છે.

પ્રસ્તુત ચાર શ્લોકોમાં કવિ યક્ષને એની પ્રિયાનું વિરહાસન્ન ચિત્ર દોરતો બતાવે છે.

હાથ ઉપર ટેકવેલું મોઢું વિખેરાઈ ગયેલા વાળ (વિરહવ્યાકુળ સ્ત્રી કેશગુંફન કરેય કોના માટે?) વચ્ચેથી જરા-જરા દેખાતું હશે, જાણે મેઘછાયા કાળા વાદળો વચ્ચેથી ડોકાતો ચન્દ્ર ! આંખોય રડી રડીને સૂજી ગયેલી હશે અને લાલ હોઠ પણ ફીકા-લૂખા પડે ગયા હશે.

યક્ષને ખાતરી છે કે વિયોગની આ વસમી ઘડીઓનો વેળાસર અંત આવે એ માટે એ પ્રોષિતભર્તૃકા બહુધા દેવપૂજામાં જ એનો સમય વ્યતીત કરતી હશે. અથવા એના વિના હું કેવો કૃષ થઈ ગયો હોઈશ એની કલ્પના મારું ચિત્ર દોરી કરતી હશે કે પછી પાંજરામાં પૂરેલ સારિકાને પૂછતી હશે કે તું તો એમની બહુ લાડકી હતી ને ? હવે એમને યાદ કરે છે ? આ સારિકા દેહના પંજરામાં કેદ આત્મા હોઈ શકે ?

અંગ પર એણે વસ્ત્રો પણ ઝાંખા જ પહેર્યા હશે… વિરહાસક્ત સ્ત્રી શણગાર પણ કોના માટે સજે ? અને ખોળામાં વીણા મૂકી એ મારા નામના પદ રચીને ગાવા ઇચ્છતી હશે પણ એકધારા વહેતા આંસુઓના કારણે તાર ભીનાં જ થયા કરતા હશે. વળી વળીને તાર લૂછીને એ ગાવું આરંભતી પણ હશે પણ આરોહ-અવરોહ સઘળું ભૂલી જતી હશે…

શાપ મુજબ વિરહની બાંધી મુદત પૂરી થવામાં કેટલા મહિનાની વાર છે તે એ ઉંબરે બેસીને ફૂલો ગોઠવીને ગણે છે. પ્રતીક્ષાની ચરમસીમાનું ઉત્કટોત્તમ ચિત્ર કવિ અહીં દોરે છે. મિલન થવા આડે તો હજી કેટલાય મહિના બાકી છે પણ એ તો અત્યારથી જ ઉંબરા પર જઈ બેઠી છે !

(અરુણા= લાલ, કલુષિત= મલિન, કૃષ= નિર્બળ, હોશે= હશે, વસન= વસ્ત્ર, તંત્રી=વીણાનો તાર, મૂર્છના=સાત સ્વરોનો ક્રમસર આરોહઅવરોહ કે થાટ, અવધ=અવધિ)

Comments (10)