અર્થનાં ઇન્દ્રાસનો ડોલી ગયાં,
શબ્દની જ્યાં અપ્સરા નાચી હતી.
– રાહુલ શ્રીમાળી

વિરહિણી – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

નિશ્ચે એની રડી રડી હશે આંખ સૂજી ગયેલી,
ફીકા લૂખા અધર અરુણા ઉષ્ણ નિશ્વાસ નાખી;
હાથે ટેક્યું મુખ જરી જરી કેશમંથી જણાતું
મેઘે છાયું કલુષિત દિસે બિંબ શું ચન્દ્રમાનું !

બેઠેલી એ નજર પડશે દેવપૂજા વિશે કે,
કલ્પી મારી કૃષ છબી, હશે કાઢતી ચિત્રમાંહે,
કિવા હોશે પૂછતી મધુરું બોલતી સારિકાને,
સંભારે છે અલિ ! તું પિયુને લાડકી બ્હૌ હતી તે !

ઝાંખા અંગે વસન ધરીને અંકમાં રાખી વીણા,
મારા નામે પદ રચી હશે ઇચ્છતી, સૌમ્ય ! ગાવા;
તંત્રી ભીની નયનજળથી લૂછી નાખી પરાણે,
આરંભે ને ઘડી ઘડી વળી મૂર્છના ભૂલી જાયે.

પેલાં બાંધી અવધ મહીં જે માસ બાકી રહેલા,
બેઠી હોશે ગણતી, કુસુમો મૂકીને ઉંબરામાં,
કિંવા હોશે ઝીલતી રસમાં કલ્પી સંયોગ મારો,
હોયે એવા પિયુવિરહમાં કામિનીના વિનોદો.

(મેઘદૂત – ઉત્તર મેઘ, શ્લોક: ૨૪-૨૭)

– કાલિદાસ
અનુ. કિલાભાઈ ઘનશ્યામ

લગભગ બેએક હાજર વર્ષ પૂર્વે કવિ કાલિદાસે રચેલ મેઘદૂત વિરહનું મહાકાવ્ય છે. કુબેરના શ્રાપના કારણે વિરહ પામેલો અર્ધમાનવ-અર્ધદેવ સમ યક્ષ રામગિરિના આશ્રમોમાં ભટકે છે અને અષાઢના પહેલા દિવસે આકાશમાં ઘેરાયેલા વાદળો મારફતે પોતાની પ્રિયાને  પ્રેમસંદેશ મોકલાવવા જે સંવાદ કરે છે એ પ્રણયોર્મિની કાલાતીત અને શાશ્વત કવિતા છે.

પ્રસ્તુત ચાર શ્લોકોમાં કવિ યક્ષને એની પ્રિયાનું વિરહાસન્ન ચિત્ર દોરતો બતાવે છે.

હાથ ઉપર ટેકવેલું મોઢું વિખેરાઈ ગયેલા વાળ (વિરહવ્યાકુળ સ્ત્રી કેશગુંફન કરેય કોના માટે?) વચ્ચેથી જરા-જરા દેખાતું હશે, જાણે મેઘછાયા કાળા વાદળો વચ્ચેથી ડોકાતો ચન્દ્ર ! આંખોય રડી રડીને સૂજી ગયેલી હશે અને લાલ હોઠ પણ ફીકા-લૂખા પડે ગયા હશે.

યક્ષને ખાતરી છે કે વિયોગની આ વસમી ઘડીઓનો વેળાસર અંત આવે એ માટે એ પ્રોષિતભર્તૃકા બહુધા દેવપૂજામાં જ એનો સમય વ્યતીત કરતી હશે. અથવા એના વિના હું કેવો કૃષ થઈ ગયો હોઈશ એની કલ્પના મારું ચિત્ર દોરી કરતી હશે કે પછી પાંજરામાં પૂરેલ સારિકાને પૂછતી હશે કે તું તો એમની બહુ લાડકી હતી ને ? હવે એમને યાદ કરે છે ? આ સારિકા દેહના પંજરામાં કેદ આત્મા હોઈ શકે ?

અંગ પર એણે વસ્ત્રો પણ ઝાંખા જ પહેર્યા હશે… વિરહાસક્ત સ્ત્રી શણગાર પણ કોના માટે સજે ? અને ખોળામાં વીણા મૂકી એ મારા નામના પદ રચીને ગાવા ઇચ્છતી હશે પણ એકધારા વહેતા આંસુઓના કારણે તાર ભીનાં જ થયા કરતા હશે. વળી વળીને તાર લૂછીને એ ગાવું આરંભતી પણ હશે પણ આરોહ-અવરોહ સઘળું ભૂલી જતી હશે…

શાપ મુજબ વિરહની બાંધી મુદત પૂરી થવામાં કેટલા મહિનાની વાર છે તે એ ઉંબરે બેસીને ફૂલો ગોઠવીને ગણે છે. પ્રતીક્ષાની ચરમસીમાનું ઉત્કટોત્તમ ચિત્ર કવિ અહીં દોરે છે. મિલન થવા આડે તો હજી કેટલાય મહિના બાકી છે પણ એ તો અત્યારથી જ ઉંબરા પર જઈ બેઠી છે !

(અરુણા= લાલ, કલુષિત= મલિન, કૃષ= નિર્બળ, હોશે= હશે, વસન= વસ્ત્ર, તંત્રી=વીણાનો તાર, મૂર્છના=સાત સ્વરોનો ક્રમસર આરોહઅવરોહ કે થાટ, અવધ=અવધિ)

10 Comments »

  1. pragnaju said,

    September 12, 2009 @ 6:11 AM

    અ દ ભુ ત
    તેમા આ તો ભૂલ્યા ભૂલાય નહીં

    કશ્ચિત્ કાન્તાવિરહગુરુણા સ્વાધિકારાત્ પ્રમત્તઃ

    શાપેનાસ્તંગમિતમહિમા વર્ષભોગ્યેણ ભર્તુઃ।
    યક્ષશ્ ચક્રે જનકતનયાસ્નાનપુણ્યોદકેષુ

    સ્નિગ્ધચ્છાયાતરુષુ વસતિં રામગિર્યાશ્રમેષુ॥

    તસ્મિન્ન્ અદ્રૌ કતિચિદ્ અબલાવિપ્રયુક્તઃ સ કામી

    નીત્વા માસાન્ કનકવલયભ્રંશરિક્તપ્રકોષ્ઠઃ।
    આષાઢસ્ય પ્રથમદિવસે મેઘમ્ આશ્લિષ્ટસાનું

    વપ્રક્રીડાપરિણતગજપ્રેક્ષણીયં દદર્શ॥

    તસ્ય સ્થિત્વા કથમ્ અપિ પુરઃ કૌતુકાધાનહેતોર્

    અન્તર્બાષ્પશ્ ચિરમ્ અનુચરો રાજરાજસ્ય દધ્યૌ।
    મેઘાલોકે ભવતિ સુખિનો ऽપ્ય્ અન્યથાવૃત્તિ ચેતઃ

    કણ્ઠાશ્લેષપ્રણયિનિ જને કિં પુનર્ દૂરસંસ્થે॥

    પ્રત્યાસન્ને નભસિ દયિતાજીવિતાલમ્બનાર્થી

    જીમૂતેન સ્વકુશલમયીં હારયિષ્યન્ પ્રવૃત્તિમ્।
    સ પ્રત્યગ્રૈઃ કુટજકુસુમૈઃ કલ્પિતાર્ઘાય તસ્મૈ

    પ્રીતઃ પ્રીતિપ્રમુખવચનં સ્વાગતં વ્યાજહાર॥

    ધૂમજ્યોતિઃસલિલમરુતાં સંનિપાતઃ ક્વ મેઘઃ

    સન્દેશાર્થાઃ ક્વ પટુકરણૈઃ પ્રાણિભિઃ પ્રાપણીયાઃ।
    ઇત્ય્ ઔત્સુક્યાદ્ અપરિગણયન્ ગુહ્યકસ્ તં યયાચે

    કામાર્તા હિ પ્રકૃતિકૃપણાશ્ ચેતનાચેતએષુ॥૧.૫॥

    જાતં વંશે ભુવનવિદિતે પુષ્કરાવર્તકાનાં

    જાનામિ ત્વાં પ્રકૃતિપુરુષં કામર્ઊપં મઘોનઃ।
    તેનાર્થિત્વં ત્વયિ વિધિવશાદ્ દૂરબન્ધુર્ ગતો ऽહં

    યાચ્ઞા મોઘા વરમ્ અધિગુણે નાધમે લબ્ધકામા॥

    સંતપ્તાનાં ત્વમસિ શરણં તત્ પયોદ પ્રિયાયાઃ

    સંદેશં મે હર ધનપતિક્રોધવિશ્લેષિતસ્ય।
    ગન્તવ્યા તે વસતિર્ અલકા નામ યક્ષેશ્વરાણાં

    બાહ્યોદ્યાનસ્થિતહરશિરશ્ચન્દ્રિકાધૌતહર્મ્યા॥

    ત્વામ્ આર્ઊઢં પવનપદવીમ્ ઉદ્ગૃહીતાલકાન્તાઃ

    પ્રેક્ષિષ્યન્તે પથિકવનિતાઃ પ્રત્યયાદ્ આશ્વસન્ત્યઃ।
    કઃ સંનદ્ધે વિરહવિધુરાં ત્વય્ય્ ઉપેક્ષેત જાયાં

    ન સ્યાદ્ અન્યો ऽપ્ય્ અહમ્ ઇવ જનો યઃ પરાધીનવૃત્તિઃ॥

    ત્વાં ચાવશ્યં દિવસગણનાતત્પરામ્ એકપત્નીમ્

    અવ્યાપન્નામ્ અવિહતગતિર્ દ્રક્ષ્યસિ ભ્રાતૃજાયામ્।
    આશાબન્ધઃ કુસુમસદૃશં પ્રાયશો હ્ય્ અઙ્ગનાનાં

    સદ્યઃ પાતિ પ્રણયિ હૃદયં વિપ્રયોગે રુણદ્ધિ॥

    મન્દં મન્દં નુદતિ પવનશ્ ચાનુકૂલો યથા ત્વાં

    વામશ્ ચાયં નદતિ મધુરં ચાતકસ્ તે સગન્ધઃ।
    ગર્ભાધાનક્ષણપરિચયાન્ નૂનમ્ આબદ્ધમાલાઃ

    સેવિષ્યન્તે નયનસુભગં ખે ભવન્તં બલાકાઃ॥

    કર્તું યચ્ ચ પ્રભવતિ મહીમ્ ઉચ્છિલીન્ધ્રામ્ અવન્ધ્યાં

    તચ્ છ્રુત્વા તે શ્રવણસુભગં ગર્જિતં માનસોત્કાઃ।
    આ કૈલાસાદ્ બિસકિસલયચ્છેદપાથેયવન્તઃ

    સંપત્સ્યન્તે નભસિ ભવતો રાજહંસાઃ સહાયાઃ

  2. Dinesh said,

    September 12, 2009 @ 6:48 AM

    શ્રી ધવલભાઈ,
    મહાકવિ કાલિદાસ્ રચિ નાટક ‘મેઘદૂત’ નું વિરહિણી નું ગુજરાતી મા અનુવાદિત કાવ્ય વાંચી ખૂબ આનંદ થયો અનુવાદ ખુબ જ સરસ છે ધન્યવાદ એ વાચી મને શકુંતલા નાટક્મા શકુંતલાની કણ્વ ઋષિના આશ્રમમાંથી વિદાયનુ કાવ્ય જે ગુજરાતી પાઠ્ય પુસ્તક્મા ભણવામા આવતું હતું તે યાદ આવ્યુ આપ તે અહીં મૂકી શકો હું આપનો ખૂબ જ આભારી થઇશ.

  3. sapana said,

    September 12, 2009 @ 12:30 PM

    શ્રી કાલિદાસનું આ કાવ્ય વ્યથાથી ભરપૂર છે.અને અમને એનો આનંદ મળ્યો વિવેકભાઈ તમારા બ્લોગને લીધે.
    આભાર.
    સપના

  4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 13, 2009 @ 6:02 AM

    અનુવાદ ખરેખર સરસ થયો છે.
    મૂલ શ્લોક અને એનો અનુવાદ સાથસાથ મૂકી શકાય તો ઉત્તમ સેવાકાર્ય થયું ગણાશે.

  5. Kirtikant Purohit said,

    September 13, 2009 @ 10:29 AM

    ધન્યવાદ. હું પણ પ્રવિણભાઇ સાથે સહમત થાઉં છું. આપણો અમર વારસો છે આ તો.

  6. Tejal jani said,

    September 14, 2009 @ 12:21 AM

    ‘MEGHDOOT’- all time great creation of Kalidas…
    Gujrati anuvad pehli var vanchyo… Gamyo..
    Shu aakhu ‘MEGHDOOT’ Gujrati ma anuvadit thayu che?

  7. ઊર્મિ said,

    September 14, 2009 @ 9:35 PM

    અદભૂત…! મને તો આસ્વાદ વગર અધૂરું જ લાગત…

  8. Pancham Shukla said,

    September 15, 2009 @ 8:18 AM

    આપણો અમૂલ્ય વારસો.
    કાલિદાસે તો મંદાક્રાંતાને ઘૂંટી ઘૂંટીને રસ્યો છે પણ અનુવાદ પણ મંદાક્રાંતામાં વાંચી આનંદ થયો.
    રસદર્શન પણ મઝાનું.

  9. MG Dumasia said,

    September 21, 2009 @ 8:30 AM

    સ્ર્સ ક્િવ્તાઓ પણ ગુજરાતી બરાબર ન્થ્ી.્

  10. Prabhulal Tataria"dhufari" said,

    September 23, 2009 @ 12:36 PM

    ભાઇશ્રી વિવેકભાઇ
    હું પણ પ્રવિણભાઇના મત સાથે સહમત છું,તમારા બ્લોગ પર આ સમ શ્લોકી ભાષાંતર વાંચી આનંદ થયો.ભાઇશ્રી કિલાભાઇ ઘનશ્યામને અંતરની ઊર્મિથી ધન્યવાદ.જેટલા અલંકારી શબ્દો સંસ્કૃતમાં વપરાયા છે એટલા જ ગુજરાતીમાં પ્રયોજવા સહેલા નથી.
    આભાર અને અભિનંદન
    પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment