(સાંજતડકો) – નલિન રાવળ
પર્ણપોચી વૃક્ષટોચે
ઝૂલતા કો’ પંખી-શો
આ સાંજતડકો
ભૂખરા ઢોળાવ પર ઝૂલે,
પવન નાની નદીના કાનમાં કૂજે,
હળુ હલતી, અટકતી, ડોલતી આકાશમાં ઊડે
ફૂલે પથરાયલી એ ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો
સાંજતડકો
સહેજ ડોલ્યો,
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્ય લયમાં કાય ઝૂલવી,
તારકો જેવાં ચળકતાં ડગ ભરી ગોરાં,
ધીરે ઢોળાવ ઊતરી
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી
અહીં
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર
શું જોઉં ?
ભીની પાંપણોની પાર
રમતો સ્નેહ પોચો, ગાઢમીઠો, રવભર્યો અંધાર
કે આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.
-નલિન રાવળ
સાંજના સમયે શાંત નદીના કિનારે ઢોળાવ પર વૃક્ષ પાસે ફૂલોની પથારીમાં સૂતેલી એક ઝૂંપડી અને એની ટોચેથી નીકતા ધુમાડાનું સુંદર મજાનું ચિત્ર કવિએ કલમના લસરકે ઉપસાવી આપ્યું છે. વૃક્ષની ઠેઠ ઉપરની નાજુક ડાળી પંખીનું વજન ઝીલી ન શક્તાં જે રીતે ઝૂલે એ રીતે સાંજનો તડકો વૃક્ષના છાંયાથી ભૂખરી દેખાતી ટેકરી પર જાણે ઝૂલી રહ્યો છે ! એક નાની કુમળી વયની નદી પર ધીમે ધીમે લહેરાતા પવન અને આછા પવનના કારણે ઝૂંપડીમાંથી નીકળતા લગભગ અગતિશીલ ધુમાડાની જેમ બાળા હળવી ગતિએ ઢોળાવ ઉતરતી નજરે ચડે છે. એનાં પગલાં કવિની સાંજના આકાશમાં ડોકિયું કરવાનું શરૂ કરતા તારા જેવા ચળકતાં દેખાય છે. એક તરફ ઢળતો સૂરજ છે તો બીજી તરફ જાણે આ ઊગતો સૂરજ છે. બંને સૂરજને એકમેકની સન્મુખ સ્થાપીને કાવ્યનાયકની આંખ જરા ભીની થઈ જાય છે… કુદરતની કરામતને નિહાળવી કે કુદરતના સર્જનને નિહાળવું એ પ્રશ્નના દ્વિભેટે આવીને કાવ્ય પૂરું થાય છે અને એક શાંત નીરવ છંદ ભાવકના મનોમસ્તિષ્કમાં રણઝણી ઊઠે છે…
પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય નખશિખ શુદ્ધ ‘ગાલગાગા’ના આવર્તનો લઈ ગતિ કરે છે…
Rina said,
September 29, 2012 @ 12:58 AM
Beautiful……
La'Kant said,
September 29, 2012 @ 3:15 AM
પર્ણપોચી વૃક્ષટોચે…જાણે કવિએ બન્ને હાથની હથેળીઓથી વૃક્ષની ટોચ સ્પર્શી લીધી ન હોય !
ઝૂંપડી,ધુમ્રસેરો,ઢોળાવ , પંખી,સાંજતડકો,નદી,ગુંજતો પવન…એક માહોલ રચી આપે છે.
“ભીની પાંપણોની પાર
રમતો સ્નેહ પોચો, ગાઢમીઠો, રવભર્યો અંધાર,કે આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.” -‘દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી’એક બાલાની અંગત અનુભૂતિ,સચોટ શબ્દ ચિત્ર સાથે ગ્લેરીન્ગલી હાઈલાઈટ કરી ઉપસાવી આપે છે.
કંઈક સમય માટે એક છાપ છોડી જાય ..એવું લાગ્યું…
-નલિન રાવળને અને પ્રસ્તુતીકાર્તા ને ધન્યવાદ…
pragnaju said,
September 29, 2012 @ 9:12 AM
મધુરું મધુરું અછાંદસ છંદયુક્ત ઊર્મિકાવ્ય
ભીની પાંપણોની પાર
રમતો સ્નેહ પોચો, ગાઢમીઠો, રવભર્યો અંધાર
કે આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.તમરાંની વાણી પાયલના ઝંકાર સમી ભાસે છે તો હવાના મિસરાઓમાં તેમને ઉદાસીની એંધાણી વર્તાય છે
યાદ
એ રાત હતી ખામોશ અષાઢી, અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમ ત્રમ વાણીમાં કાંઈ પાયલનો ઝંકાર હતો
જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ શીતલ ને કુંજાર હતો.
માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો.
ઊર્મિનું કબૂતર બેઠું’તું, નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવન સ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.
La'Kant said,
September 30, 2012 @ 9:55 PM
pragnaju said,ઃ-September 29, 2012 @ 9:12 am મધુરું મધુરું અછાંદસ છંદયુક્ત ઊર્મિકાવ્ય અંગે…કહીશ કે….યાદ-દાસ્ત જો દગો ન દેતી હોય તો…..” યાદ ” અંતર્ગત મૂકાયેલું ‘પીસ’ .. લગભગ .વેણીભાઈ પુરોહિત( કે કલાપી )નું છે ? વિમાસુ છું !!!? ઉમ્રભરના અઢળક શ્રવણ,વાંચન , મનન, ચિંતન,દર્શન, અભિપ્રાય પ્રદર્શનમાં ક્વચિત સેળભેળ કે ભેળસેળ થઇ જવાના ઘણા ..મહદ અંશે ચાન્સીસ છે!
ગુસ્તાખી ના સમજશો..પ્રજ્ઞાજુજી…જસ્ટ ભીતરથી ઉભરી આવ્યું…ને લખાયું છે…ક્યાંક ભૂલ-ચૂક હોય તો ક્ષમત્વ પણ અભિપ્રેત છે!
તમારા લખાણો…માં વધુ કરીને અધ્યાત્મિક ઝોકની ઝલક દેખાય છે અનુભવ અને પરિપક્વતાની સાહેદી પૂરે છે…અભિનંદન અને આભાર પણ..કારણકે એથી મારામાં ક્યાંક કશુંક ઉચ્ચતર ઉમેરાયું છે એનો એકરાર કરવામાં નાનામ નથી જ…-લા’કાન્ત / ૧-૧૦-૧૨
La'Kant said,
September 30, 2012 @ 10:06 PM
ફરી એકવાર…., September 29, 2012 @ 9:12 am pragnaju said, માં….
યાદ અંતર્ગત મૂકાયેલી વાત લગભગ “વેણીભાઈ પુરોહિતનું પીસ હોય એવું સ્મૃતિમાંથી ઉભરાઈ આવે છે…ઉમ્રભારના શ્રાવણ…વાંચન,મનન,મંથન,ચિંતન ,દર્શન ,મત-અભિપ્રાય/કોમેન્ટ્સ દ્વારા ભેળસેળ થવાની શક્યા નકારી ન જ શકાય!
ગુસ્તાખી લાગે તો ક્ષમત્વ પણ અભિપ્રેત છે.
બાકી એક વાત ચૂકાસ કહીશ કે પ્રગ્નાજુજી ના લ્સ્ખાનોમાં તેમના અનુભવ,પરિપક્વતા અને પચાવેલા જ્ઞાન નું દર્શન થાય છે…અને એ બધું વાંચીને મારામાં ક્યાંક..ભીતરમાં કશુંક ઉચ્ચતર ઉમેરાયું પણ છે એમ હું અનુભવું છું. માટે તેમનો આભાર અને તેમને આદરપૂર્વક અભિનંદન પણ…
-લા’કાન્ત / ૧-૧૦-૧૨
લયસ્તરો » સાંજ – વિનોદ અધ્વર્યુ said,
November 2, 2012 @ 12:31 AM
[…] એક ચિત્ર થોડા દિવસો પહેલાં આપણે લયસ્તરો પર જોયું હતું. આજે આવું જ એક મજાનું […]