ઓળખાણ – પ્રભા ગણોરકર (અનુ. જયા મહેતા)
જોઈ લઉં છેલ્લી વાર આ ભૂમિને આંખ ભરીને,
કોને ખબર છે આ ગામ ફરી જોવા મળશે કે નહીં.
આ ધુમ્મસમાંથી ઊઠતાં ઘરો આ મંદિરો હસતા આ તારા,
કોને ખબર છે આ હાસ્ય આવું જ હશે કે નહીં !
આ વૃક્ષો તો ગઈ કાલથી જ થયાં છે તટસ્થ – પારકાં,
કોને ખબર છે, જોઈને હાથ હલાવશે કે નહીં.
ઓળખાણ કેટલી જલદી ભૂલી જાય છે બધા માણસો,
કોને ખબર છે મારી આંખમાં પણ આ આર્દ્રતા હશે કે નહીં.
– પ્રભા ગણોરકર
(અનુ. જયા મહેતા)
આ કવિતા વાંચતાવેંત આદિલ મન્સૂરીની ‘મળે ન મળે’ ગઝલ તરત આંખ સામે આવી ચડે. પણ આ કાવ્ય મનસૂરીના કાવ્યથી ખાસ્સું અલગ પડે છે… અહીં કવિતા વિશ્વથી શરૂ થઈને સ્વ સુધી આવે છે. ગામ છોડવાનું થાય- કારણ ગમે એ હોય- એ ઘટના જ હૃદયવિદારક છે. જે તારાઓ સામું જોઈને હસતા હતા એ હવે હસશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. પણ મૂળ પ્રશ્ન પ્રકૃતિનો નહીં, આપણી પોતિકી જાત વિશેનો છે… મરાઠી કવયિત્રીને શંકા છે કે આજે ભલે આ બધું મારી આંખો ભીંજવી રહ્યું છે પણ આવતીકાલે હું જાતે જ આ બધાને ભૂલી ગઈ તો?