ગીતા પરીખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 10, 2009 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીતા પરીખ
હઠે તિમિરના થરો લઘુક જ્યોતિરશ્મિ થકી,
ધીમી અનિલ-લ્હેરખી પણ ભરે
અહો જડ સૂકેલ પર્ણ-ઢગમાં કશી ચેતના !
અને કથવું શું ?
જરીક ચમચી જ છાશ થકી દૂધ થાતું દધિ;
કરી શકું ન શું
પ્રયાસ મહીં માહરા તવ મળે અમીદૃષ્ટિ જો ?
-ગીતા પરીખ
પ્રિયજનની એક જ અમીદૃષ્ટિ જીવનમાં કેટલું વિધાયક પરિણામ લાવી શકે છે એની વાત કવિ ત્રણ નાનકડાં ઉદાહરણથી કેવી સુપેરે સમજાવે છે ! નાના અમથા પ્રકાશના કિરણ વડે અંધારાના થર હટી જાય છે, ધીમી સરખી પવનની લહેરખી સૂકાં પાનનાં ઢગલામાં ચેતના આણે છે અને ચમચીક છાશના મેળવણથી દૂધ દહીં બની જાય છે…
પૃથ્વી છંદમાં લખાયેલું આ લઘુકાવ્ય કેવું ચોટુકડું બન્યું છે !
Permalink
February 26, 2009 at 10:46 PM by ધવલ · Filed under ગીતા પરીખ, મુક્તક
અભ્યાસ કક્કા સમ જિંદગીનો
આરંભ કીધો ‘અ’ થકી અહો મેં,
અંતે પહોંચી ‘જ્ઞ’ સુધી છતાંયે,
રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ’ !
– ગીતા પરીખ
આખી જિંદગી ભારે અભ્યાસમાં રચ્યા પચ્યા રહેતા લોકો ખરા જીવનને ચૂકી જાય છે. મુકુલભાઈનો યાદગાર શેર છે: હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા / પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા !
Permalink
April 21, 2006 at 3:23 PM by ધવલ · Filed under ગીત, ગીતા પરીખ
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
નજરુંની બાંધી દીધી બેડી!
હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં
અણબોલ વાણી તે જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
પૂનમની ચાંદની માણી.
પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
– ગીતા પારેખ
Permalink