ભીતરથી ઊઠે એનો ક્યાં જઈ થઈ શકે ઇલાજ ?
દીપકનો દાહ હોય તો ઝટ જાવ વડનગર.
વિવેક મનહર ટેલર

પગલું – ગીતા પરીખ

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
         ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
         નજરુંની બાંધી દીધી બેડી!

હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં
         અણબોલ વાણી તે જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
         પૂનમની ચાંદની માણી.

પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
         આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
         ને તેં તો લંબાવી દીધી કેડી !

– ગીતા પારેખ

Leave a Comment