આ ભોગાવો! – વિનોદ અધ્વર્યુ
આ ભોગાવો!?
લુખ્ખા તરસ્યા પહોળા પટમાં
જરઠ કાળના ભાંગ્યા ટુકડા
વેરાયા થૈ પ્હાણ….
સૂસવતી… ભમે સતીની આણ
(રેત પરે પણ પડે હજીયે ચિતા તણા પડછાયા
પથ્થર પથ્થર પર વરતાતી કોક અસૂરી છાયા!)
કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ…
દાઢ દબાવી ઉભો ગઢ
ભેંકાર મહીં, માતાના મઢ
વિધવાની વણજાર સમાં સૌ મકાન
વચ્ચે ભમતી ભૂખી ગલીઓ..
અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર
[હજીય ઝંખે કંકુપગલાં –
ચૂંદડિયાળાં ચીર] –
પથ્થર-ચીતર્યા ઘોડા ઘૂમે
પથ્થરના અસવારો કેરી પથ્થરની તલવાર ઝઝૂમે,
ગઢ-વેરાને રવડે માથાં થૈને પથ્થર પ્હાણ…
ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ…
ઓ ભોગાવો !
કોરી રેતી …કોરા પ્હાણ..
કાંઠે
ખાલી ખપ્પર લઈને
બળબળતા સૂરજની સામે
ધૂણી રહ્યું વઢવાણ!
– વિનોદ અધ્વર્યુ
સ્થળ-કાવ્યોમાં આગવી ભાત પાડતા આ કાવ્યમાં પ્રવેશતા પહેલાં કેટલાક સંદર્ભ-સંકેત સમજી લેવા આવશ્યક છે. ભોગાવો નદી અને એના કાંઠે આવેલ વઢવાણ ગામનું એક અરુઢ ચિત્ર કવિએ કટાવ છંદમાં રજૂ કર્યું છે. બારમી સદીમાં રાણકદેવીની સુંદરતાના વખાણ સાંભળીને સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી. યુદ્ધમાં રાણકદેવીના પતિ રા’ખેંગાર અને પુત્રો શહીદ થયા. સિદ્ધરાજ રાણકદેવીને લઈને જૂનાગઢથી પાટણ જતો હતો ત્યારે વર્ધમાનપુરા (વઢવાણ) ખાતે ભોગવતી (ભોગાવો) નદીના કિનારે એણે રાણકદેવીને પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. રાણકદેવીએ સિદ્ધરાજને નિઃસંતાન મરવાનો શ્રાપ આપ્યો અને પતિની પાઘડી ખોળામાં લઈને સતી થયાં. કહે છે કે, ત્યારથી ભોગાવો નદી બારેમાસ સૂકી રહે છે. (આજે તો અન્ય નદીઓનાં પાણી વાળીને એને પણ વહેતી કરાઈ છે!)
સૂકીભઠ ભોગાવો નદીમાં વેરાયેલા પથ્થરોમાં કવિને જરઠ કાળના ટુકડા દેખાય છે. સતી રાણકદેવીની આણ પવન સાથે સૂસવાતી સંભળાય છે. ગામ પણ નદી જેવું જ શુષ્ક ભાસે છે અને ગઢ-માતાનો મઢ, માકાનો અને ગલીઓ સઘળે નર્યો સૂનકાર વ્યાપી રહ્યો છે. અવાવરું વાવના પાણીમાં કોઈ ચુંદડીયાળી સુહાગનના કંકુપગલાંનું અજવાળું હવે થતું નથી. ઠેરઠેર વેરાયેલા પડેલ પથ્થરોમાં કવિને જે તે સમયના યુદ્ધની ભૂતાવળ નજરે ચડે છે. નદીકિનારે નિર્જન ભાસતું નિષ્પ્રાણ વઢવાણ સમયના તાપ સામે ખાલી પાત્ર લઈને ધૂણી રહ્યું હોય એમ લાગે છે…
(સંદર્ભ સૌજન્ય: શ્રી રમેશ આચાર્ય તથા ગૂગલદેવતા)