ચામડું ઓઢી સતત ફરતો હતો
ને હવે ફરિયાદ કે ઢોલક થયો ?
નયન દેસાઈ

આ ભોગાવો! – વિનોદ અધ્વર્યુ

આ ભોગાવો!?
લુખ્ખા તરસ્યા પહોળા પટમાં
જરઠ કાળના ભાંગ્યા ટુકડા
વેરાયા થૈ પ્હાણ….
સૂસવતી… ભમે સતીની આણ
(રેત પરે પણ પડે હજીયે ચિતા તણા પડછાયા
પથ્થર પથ્થર પર વરતાતી કોક અસૂરી છાયા!)
કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ…
દાઢ દબાવી ઉભો ગઢ
ભેંકાર મહીં, માતાના મઢ
વિધવાની વણજાર સમાં સૌ મકાન
વચ્ચે ભમતી ભૂખી ગલીઓ..
અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર
[હજીય ઝંખે કંકુપગલાં –
ચૂંદડિયાળાં ચીર] –
પથ્થર-ચીતર્યા ઘોડા ઘૂમે
પથ્થરના અસવારો કેરી પથ્થરની તલવાર ઝઝૂમે,
ગઢ-વેરાને રવડે માથાં થૈને પથ્થર પ્હાણ…
ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ…
ઓ ભોગાવો !
કોરી રેતી …કોરા પ્હાણ..
કાંઠે
ખાલી ખપ્પર લઈને
બળબળતા સૂરજની સામે
ધૂણી રહ્યું વઢવાણ!

– વિનોદ અધ્વર્યુ

સ્થળ-કાવ્યોમાં આગવી ભાત પાડતા આ કાવ્યમાં પ્રવેશતા પહેલાં કેટલાક સંદર્ભ-સંકેત સમજી લેવા આવશ્યક છે. ભોગાવો નદી અને એના કાંઠે આવેલ વઢવાણ ગામનું એક અરુઢ ચિત્ર કવિએ કટાવ છંદમાં રજૂ કર્યું છે. બારમી સદીમાં રાણકદેવીની સુંદરતાના વખાણ સાંભળીને સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી. યુદ્ધમાં રાણકદેવીના પતિ રા’ખેંગાર અને પુત્રો શહીદ થયા. સિદ્ધરાજ રાણકદેવીને લઈને જૂનાગઢથી પાટણ જતો હતો ત્યારે વર્ધમાનપુરા (વઢવાણ) ખાતે ભોગવતી (ભોગાવો) નદીના કિનારે એણે રાણકદેવીને પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. રાણકદેવીએ સિદ્ધરાજને નિઃસંતાન મરવાનો શ્રાપ આપ્યો અને પતિની પાઘડી ખોળામાં લઈને સતી થયાં. કહે છે કે, ત્યારથી ભોગાવો નદી બારેમાસ સૂકી રહે છે. (આજે તો અન્ય નદીઓનાં પાણી વાળીને એને પણ વહેતી કરાઈ છે!)

સૂકીભઠ ભોગાવો નદીમાં વેરાયેલા પથ્થરોમાં કવિને જરઠ કાળના ટુકડા દેખાય છે. સતી રાણકદેવીની આણ પવન સાથે સૂસવાતી સંભળાય છે. ગામ પણ નદી જેવું જ શુષ્ક ભાસે છે અને ગઢ-માતાનો મઢ, માકાનો અને ગલીઓ સઘળે નર્યો સૂનકાર વ્યાપી રહ્યો છે. અવાવરું વાવના પાણીમાં કોઈ ચુંદડીયાળી સુહાગનના કંકુપગલાંનું અજવાળું હવે થતું નથી. ઠેરઠેર વેરાયેલા પડેલ પથ્થરોમાં કવિને જે તે સમયના યુદ્ધની ભૂતાવળ નજરે ચડે છે. નદીકિનારે નિર્જન ભાસતું નિષ્પ્રાણ વઢવાણ સમયના તાપ સામે ખાલી પાત્ર લઈને ધૂણી રહ્યું હોય એમ લાગે છે…

(સંદર્ભ સૌજન્ય: શ્રી રમેશ આચાર્ય તથા ગૂગલદેવતા)

12 Comments »

  1. Kajal kanjiya said,

    February 9, 2022 @ 12:43 PM

    સરસ કાવ્ય

  2. Varij Luhar said,

    February 9, 2022 @ 1:05 PM

    ખૂબ સરસ કાવ્ય નું સુંદર રસદર્શન

  3. સુષમ પોળ said,

    February 9, 2022 @ 2:01 PM

    ખૂબ સુંદર કાવ્ય

  4. હર્ષદ ત્રિવેદી said,

    February 9, 2022 @ 3:02 PM

    અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર
    [હજીય ઝંખે કંકુપગલાં –
    ચૂંદડિયાળાં ચીર] –
    આ સંદર્ભ માધાવાવનો છે. જેમાં પાણી નહોતું આવતું. જાણતલ જોશીના કહેવા મુજબ દીકરો ને વહુ પધરાવવામાં આવ્યાં. મતલબ કે ભોગ આપવામાં આવ્યો એ પછી પાણી આવ્યું. આ ઘટનાને આલેખતું જાણીતું ગીત છે ‘બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર તોય ના’વ્યાં જી રે…’

  5. વિવેક said,

    February 9, 2022 @ 5:27 PM

    @ શ્રી હર્ષદ ત્રિવેદી:

    પૂરક માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર

    🙂

  6. pragnajuvyas said,

    February 9, 2022 @ 8:29 PM

    વિનોદ અધ્વર્યુનુ સુંદર અછાંદસ,
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

  7. જયેન્દ્ર ઠાકર said,

    February 9, 2022 @ 9:44 PM

    વિધવાની વણજાર સમાં સૌ મકાન
    વચ્ચે ભમતી ભૂખી ગલીઓ..
    અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર…
    હ્ર્દય વેધક વર્ણન!

    ગામના બધા પથ્થરો પાળીયા થઈ ગયા.
    આ સાથે પાર્શવ ભુમિકા માટે ખુબ આભાર.

  8. Chetan Shukla said,

    February 10, 2022 @ 9:33 AM

    એક અદભુત દ્રશ્ય તમારી સામે રચી નાખે એવું કાવ્ય છે.
    વિનોદભાઈને તેમના છેલ્લા વર્ષોમાં ઘણીવાર મળવાનું થયું, દરેક વખતે તેમની વિદ્વતા અને જ્ઞાનપિપાસા આંખે ઊડીને વળગે. નવું લખેલું કાવ્ય સાંભળવાની ઈંતેજારી પણ એટલી જ અને તેમની પાસે જૂની વાતોનો ભંડાર પણ અઢળક.

  9. DILIPKUMAR CHAVDA said,

    February 11, 2022 @ 8:01 AM

    ખૂબ સરસ રીતે પ્રસંગનું વર્ણન …
    નવું જાણવા પણ મળ્યુ…

  10. Poonam said,

    February 11, 2022 @ 9:14 AM

    ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ…
    ઓ ભોગાવો ! – વિનોદ અધ્વર્યુ – samvedna…

    Aasawad vagar Adhuru 👌🏻

  11. Lata Hirani said,

    February 11, 2022 @ 10:50 PM

    ધ્રુજાવે એવુ વર્ણન !!

  12. લતા હિરાણી said,

    February 20, 2022 @ 1:31 PM

    અસરકારક ચિત્ર ઊભું થયું છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment