રોજ મારી બેડીઓને તાકું છું;
રોજ એવું લાગતું કે તૂટશે!
‘અગન’ રાજ્યગુરુ

અષાઢે – ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. અષાઢે0

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. અષાઢે0

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી. અષાઢે0

-ઉશનસ્

એક નાનું અમસ્તું કાવ્ય પણ કેવું મીઠું ! અષાઢથી ફાગણ સુધી લંબાતી આખી વાતમાં કવિ પ્રેમ, વર્ષા અને વસંતને એક જ તાંતણે કેવી હોંશિયારીથી બાંધી દે છે ! ઘાસના તણખલાંમાં તો ધરતીના શ્વાસ કહી એને તોડવાની ના ફરમાવી કવિ ખરેખર શું કરવું જોઈએ એ પણ તુર્ત જ કહી દે છે. અષાઢના ભીના-ભીના ઘાસમાં તો આડા પડીને એની સુગંધ માણવાની હોય. હું તો સુરતી બોલીમાં વપરાતો ‘પીમળ’ શબ્દ ગુજરાતી કવિતામાં પહેલવહેલી વાર વાંચીને જ આ કવિતાના પ્રેમમાં પડી ગયો…

આખા કાવ્યમાં સવારનો જ મહિમા છે. પરોઢની ખટઘડીએ સૂઈ ન રહેવાનું તો આદિ કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે. ઉશનસ્ એમની જ વાતમાં સૂર પુરાવતા હોય એમ કહે છે કે પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ રહીએ તો પ્રકાશ અને વાયુ બંને પાછાં વળી જઈ શકે છે. આત્માને ઉજાળવો હોય કે શ્વાસને સીંચવો હોય, મનુષ્યનું ‘જાગવું’ ખૂબ જરૂરી છે અને એથી વધુ જરૂરી છે અજ્ઞાનની પછેડી માથેથી હટાવવાનું…

8 Comments »

  1. jina said,

    August 7, 2008 @ 1:50 AM

    વિવેકભાઈ, ‘પીમળ’ એટલે? સમજાવશો?

  2. વિવેક said,

    August 7, 2008 @ 2:28 AM

    પીમળ એટલે સુગંધ, પરિમલ.

  3. Pinki said,

    August 7, 2008 @ 6:10 AM

    સાચે જ રોમરોમમાં પ્રકૃતિનો સહવાસ માણી શકાય…..

  4. pragnaju said,

    August 7, 2008 @ 9:22 AM

    અષાઢે તણખલું ના તોડીએ જી,
    એ જી, એ તો ફૂટતું ઘાસ,
    એમાં ધરતીના શ્વાસ,
    એની પત્તીની પીમળમાં પોઢીએ જી. અષાઢે0
    હંમણા જ લોન મુવ કરી અને પત્તીની પીમળ લીધી તો વડીલો કહે-પાંદડામાંથી જે સુગંધ આવે છે તેમાં ઘણા કાર્બનિક દ્રવ્‍યો રહેલા છે તેમાં ખાસ પ્રકારનું તેલ હોય છે તેમાં બીટા-બિસાબેલેની, બીટા-કાર્યાફિલીન, બીટા-એલીમીને, બીટા-ગુર્જુનીન, વીટા-ફિલેડ્રેનીન, બીટા-પાઇનીન, બીટા-ટ્રાન્‍સસોકીમીન, બીટા-થાઇનીન, આલ્‍ફા-સેલિનીન, આલ્‍ફા પાઇનીન ,મોનો તેમજ સેકવીટર્પીન્‍સ , કેલ્શિયમ તથા વિટામીન બી , પ્રોટીન, ચરબી, શર્કરા, સ્‍ટાર્ચ,એમિનો એસિડ વગેરે મળે છે!

  5. ધવલ said,

    August 7, 2008 @ 7:58 PM

    બહુ જ સરસ …

  6. પંચમ શુક્લ said,

    August 8, 2008 @ 5:05 AM

    એની પત્તીની પીમળમાં પોઢીએ જી. …

    કેવું ભર્યું ભર્યું કાવ્ય!

  7. Suresh Shah said,

    February 27, 2016 @ 4:37 AM

    કેવું ભર્યું ભર્યું કાવ્ય!
    તમે બધું જ કહી દીધું, પંચમ શુક્લજી.

    આવા ભર્યા ભર્યા કાવ્યનો આસ્વાદ કરાવવા બદલ આભાર, વિવેકભાઈ.

    – સુરેશ શાહ, સિંગાપોર

  8. વિવેક said,

    February 27, 2016 @ 7:17 AM

    આભાર, સુરેશભાઈ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment