આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.
મુકુલ ચોક્સી

દેવબાલ – ચંદ્રવદન મહેતા

ઈલા ! કદી હોત હું દેવબાલ !
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડીદાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.

ચાંદો ફરંતો નભથી હું લાવી,
બ્હેનાં રમ્યાં હોત દડો બનાવી;
ને એ દડે હું વીજરેખ બાંધું
એને ઉછાળી જળવ્યોમ સાંધું.

ને સાતરંગી ધનુવસ્ત્ર ચારુ
લાવે સજાવું તુજ અંગ ન્યારું;
ને શુભકીર્તિ થઈ દિવ્ય પંથે
ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે.

– ચંદ્રવદન મહેતા

10 Comments »

  1. Bhaskar Joshi said,

    January 26, 2007 @ 1:14 AM

    અતિ સુંદર વેબ સાઇટ. congratulations!!
    ઇલા કાવ્યોનો આખો સંગ્રહ પ્રગટ ના કરી શકો?

  2. લયસ્તરો » ખેતી - ચંદ્રવદન મહેતા said,

    March 26, 2007 @ 8:37 PM

    […] આગળ પણ એક ઈલા કાવ્ય રજૂ કરેલું એ પણ જોશો. ઈલા કાવ્યો પહેલી વાત છેક 1933માં પ્રગટ થયેલા. તે વખતે આ ગીતો રમેશ પારેખના સોનલ કાવ્યો જેટલા જ કે કદાચ એનાથી ય વધુ લોકપ્રિય થયેલા. (મારે માટે આ કાવ્યો વધુ ખાસ છે કારણ કે મારા ફોઈનું નામ ઈલા એટલે આ બધા ઈલા કાવ્યો મારા પપ્પાને ખાસ વહાલાં. અને એથી આ બધા કાવ્યો ઘરમાં અવારનવાર ગવાતાં.) […]

  3. Narendra Ammin said,

    October 10, 2008 @ 5:37 PM

    I am mad for Ella na kavyo and last time in 2006, I inquired at all book stalls in Princess Street, Mumbai to get this book. I could not get a new or an old book but I was informed that the book is never reprinted after it went out of stock long back. I am really excited to read this kavya,
    i would like to have a print of the following if some one can do a favour.
    “Aaje Ella chhu, Kani sahej nano, Baki ahi ubho Rahuj Sano
    Akash Patar Karu hoo Ek ane khudi varu sarva disa anek,
    Sat sagar ho jo ya same, toye kudi jaoo hu ek vame”
    I tried to type this in Gujarati but without success, henc switched over to english.
    Thanks, need not say this site is touching.
    Narendra Amin

  4. Nalini said,

    August 18, 2013 @ 8:34 PM

    ઈલા કાવ્યો મને પણ પ્રિય છે. મે લખવાનેી કોશિશ કરેી છે.

    આજે ઈલા છું કની સહેજ નાનો
    બાકી અહીં ઊભો રહું જ શાનો
    આકાશ પાતાળ કરું હું એક
    અને ખૂંદી વળું સર્વ દિશા અનેક
    સાત સાગર જો હોય સામે
    તોયે કૂદી જાઉં હું એક વામે .

  5. Narendra Amin said,

    March 22, 2015 @ 9:11 AM

    ચંદ્રવદન મહેતા
    ‘ઈલા ! કદી હોય સદા રજા જો,
    મૂકું ન આ ખેતરની મજા તો;
    જો સ્વર્ગથી આંહી સર્યું સુવર્ણ,
    એથી થયાં શોભિત ઘાસ પર્ણ.
    આવે મજેને કુમળે પ્રભાત,
    વ્હેલાં જવું ખેતરમાંહી સાથ,
    ને ન્યાળવા નિર્મળ દિવ્ય રંગ;
    હૈયા મહીં માય નહિ ઉમંગ.
    જો ખેતરો ડાંગર શેલડીના,
    વેલા વીંટેલા ફૂલવેલડીના,
    એમાં ઢળે આ મૃદુ તેજધાર,
    શોભા અહીં ખેતરની અપાર.
    હું તો કરું બ્હેન સદા ય ખેતી
    કાને ધરું ના જરી લોકકે’તી,
    વાવી લણું તો ધનધાન્ય સ્હેલ,
    જો ને પછી થાઉં ધનો પટેલ.’
    ‘હો હો, તું જો થાય ક ની પટેલ,
    તો એક રૂડી નકી માગું વ્હેલ;
    ને શેલડી ડાંગર જો ઉગાડે,
    તો હું ય વાવું વળી તે જ દા’ડે.
    ને શેલડીનો રસ પીલી કાઢું,
    ને હું જ પ્હેલાં મુજ કો’લુ માંડું;
    ને ગોળ મીઠો જરીમાં બનાવું,
    એ સાથ ધાણા ઘર વ્હેચડાવું.
    બે છોડ હું ડાંગરના ઉગાડું,
    ને એ લણી ભાત પછી ય ખાંડું,
    ને રોજ વ્હેલા ઊગતે પ્રભાત,
    તારે કપાળ વળી ચોડું ભાત.
    ને સૂર્ય શાં ભાવિ ઊજાળનારાં
    ઓવારણાં રોજ લઉં હું તારાં;
    ને રોજ હું તો ઊજવું ઉજાણી,
    એથી વધારે-નહિ ભાઈ જાણી.’
    ===================
    ભવિષ્યવેત્તા
    (ઈન્દ્રવજ્રા)
    કાલે રજા છે, ગઈ છું ય થાકી, વાંચીશ વહેલા સહુ પાઠ બાકી
    તારી હથેળી અહીં લાવ સાચું, હું ભાઈ આજે તુજ ભાગ્ય વાંચું

    કેવી પડી છે તુજ હસ્તરેખા, જાણે શું લાખે નવ હોય લેખાં
    પૈસા પૂછે છે? ધનની ન ખામી, જાણે અહોહો તું કુબેરસ્વામી

    છે ચક્રચિન્હો તુજ અંગુલિમાં, જાણે પુરાયા ફૂટતી કળીમાં
    છે મત્સ્ય ઊંચો, જવચિન્હ ખાસ્સાં, ને રાજવી લક્ષણ ભાઈનાં શાં

    વિદ્યા ઘણી છે મુજ વીરલાને, ને કીર્તિ એવી કુળહીરલાને
    આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ તણી તું ટાળ

    ને હોય ના વાહનખોટ ડેલે, બંધાય ઘોડા વળી ત્યાં તબેલે
    ડોલે સદા યે તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં વધુ કાંઈ આથી

    જો ભાઈ તારે વળી એક બહેન, ચોરે પચાવે તુજ પાટી પેન
    તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી

    મારે ય તારે કદી ના વિરોધ, રેખા વહે છે તુજ હેતધોધ
    એ હેતના ધોધ મહીં હું ન્હાઉં, ચાંદા ઝબોળી હરકે હું ખાઉં

    ડોસો થશે જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો મુજ મુક્કી હારું
    આથી જરા યે કહું ના વધારે, કહેતા રખે તું મુજને વિસારે

    જોજે કહ્યું તે સહુ સાચું થાય, ઈલા પછી તો નહિ હર્ષ માય
    પેંડા પતાસા ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે
    -ચંદ્રવદન ચીમનલાલ મહેતા
    ૨૨-૩-૨૦૧૫

  6. Narendra Amin said,

    March 22, 2015 @ 9:32 AM

    ઈલા, દિવાળી ! દીવડા કરીશું;
    તારા સર્યા વ્યોમ થકી અહીં શું ?
    કેવા ફટાકા આ અહીં ફૂટે છે !
    આ કાનના તો પડદા તૂટે છે.’

    ‘સુણ્યા નથી તેં વીજના કડાકા ?
    એ સ્વર્ગમાંના ફૂટતા ફટાકા !
    ત્યાં વાદળવાદળીઓ અફાળી
    સૌ દેવબાલો ઊજવે દિવાળી.’

    ‘તું બ્હેન જ્યારે કદી લે અબોલા,
    ઝીલું ન તારાં વચનો અમોલાં;
    મૂંગા ફટાકા દિલમાંહી ફૂટે
    ને એ સમે તો ઉરતંતુ તૂટે.’

    – ચંદ્રવદન મહેતા

  7. Dhaval Shah said,

    March 22, 2015 @ 10:25 PM

    વધારે ‘ઈલાકાવ્યો’ માટે આભાર, નરેન્દ્રભાઇ !

  8. Narendra Amin said,

    March 24, 2015 @ 1:06 AM

    ઇલા ! સ્મરે છે અહીં એક વેળા
    આ ચોતરે આપણ બે રમેલાં;
    દાદાજી વાતો કરતા નિરાંતે,
    વહેલા જમીને અહીં રોજ રાતે.
    ================
    આજે મને એક થઈ છ હોંશ,
    તે ભાઈ તારો નકી જોઉં જોશ;
    જન્મોત્રી તારી અહીં લાવ વારુ,
    એમાં ગણીને કહું ભાવી તારું.

  9. કલ્પના પાઠક said,

    May 20, 2021 @ 9:41 PM

    અદ્ભૂત…ખૂબ આભાર….🙏🙏

  10. દિલીપ કપાસી said,

    July 14, 2021 @ 8:55 PM

    Very nice. મે મારા ગાયેલા હારમોનિયમ પર બે ત્રણ ઇલા કાવ્ય યુટયુબ માં મુકયાં છે. Search for Ila kavya

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment