નશો – હેમેન શાહ
હજી જીભમાં વાસના છે અધૂરી
ઊગે છે હજી આંખમાં પણ ખજૂરી
ફક્ત નામ ઉચ્ચારવાનો નશો છે
અલંકાર કે ના વિશેષણ જરૂરી
– હેમેન શાહ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
હજી જીભમાં વાસના છે અધૂરી
ઊગે છે હજી આંખમાં પણ ખજૂરી
ફક્ત નામ ઉચ્ચારવાનો નશો છે
અલંકાર કે ના વિશેષણ જરૂરી
– હેમેન શાહ
ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઈની થૂકદાની નથી
અણગમો આવે તો તોડી નાખીએ
શબ્દ કંઈ જાત ઈન્સાની નથી
બસ નથી ગમતું અને પીતો નથી
આ કોઈ મારી મુસલમાની નથી
પેટ ફૂટે તોય ના ભાગી છૂટે
એટલો આ જીવ અજ્ઞાની નથી
સ્પર્શની એકેય નિશાની નથી
આ ત્વચામાં એવી નાદાની નથી
– ભરત વિંઝુડા
થોડા દિવસ પહેલા જયશ્રીએ પહેલો શેર યાદ કરાવ્યો અને આ ગઝલ આખી યાદ આવીને ઊભી રહી. લોકો કારણ વિના જે બોલ્યા કરે એ આપણે કારણ વિના સાંભળ્યા કરવાની કોઈ જરૂર નથી. બાકીના શેર પણ એકથી એક વધારે અલગારી થયા છે. છેલ્લા શેરમાં કવિ જતા જતા એક વ્યંગનો ચાબખો મારતા જાય છે. પણ એનો કોઈ સોળ આપણી ચામડી પર દેખાવાની શક્યતા નથી… આપણી ચામડીમાં પણ એવી નાદાની ક્યાં છે ?
હું દુર્ભાગ્યને ધૂળધાણી કરું છું,
જ્યાં પાણી નથી ત્યાં ઉજાણી કરું છું.
મેં ભીતરનો આનંદ માણી લીધો છે,
હવે વહાલની રોજ લહાણી કરું છું.
કલમ માત્ર શાહીનો ખડિયો ન માંગે,
હું તેથી આ લોહીનું પાણી કરું છું.
દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?
તું આદમ વખતથી મને ઓળખે છે,
અને ભૂલ પણ હું પુરાણી કરું છું.
– ગૌરાંગ ઠાકર
ગઝલ-કવિતા કમાણીનું સાધન નથી પણ એ ભીતરી દશાને યોગ્ય દિશા આપવામાં મદદરૂપ થાય તોય ઘણું… કવિએ બે લીટીમાં કેવી ઊંચી વાત કરી દીધી !
(પૃથ્વી)
અહો જલની ઉગ્રતા !
તૂટી મૂશળધાર, તોડી તટકેરી માઝા, ધસી
રચે પ્રલયકાળ; વજ્ર નિજ અદ્રિશૃંગે ઝીકે;
પ્રચંડ બની ધોધ રેત કરી દેતું ગ્રાવા ધસી
ચરાચર સમસ્તનાં કરત સ્તબ્ધ હૈયાં બીકે.
અહો જલનું માર્દવ !
ઊંચેથી ઊતરી ધીમે કુસુમથી ય હળવા બની
હથેલી મહીં પુષ્પની જેવું ઝીલાઈ, વા પૃથ્વીની
રજે ભળી જઈ ઊંડે ઊતરી બીજને ભીંજવી
સુકોમલ તૃણોરૂપે પ્રગટવી નવી જિંદગી.
અહો જલની ઉગ્રતા, જલતણું અહો માર્દવ !
વિનષ્ટિ સૃજને કશો પ્રગટ તાહરો વૈભવ !
– જયન્ત પાઠક
જળના બે આંત્યંતિક સ્વરૂપોને સામસામે ગોઠવી કવિ મજાનું કાવ્ય કરે છે ! મૂશળધાર વરસીને કાંઠા તોડી પર્વતના શિખરોને ય તહસ-નહસ કરી નાંખી રેતી-રેતી કરી દે એવું સમસ્ત સૃષ્ટિના ધબકારા અટકાવી દે એવું જળનું સ્વરૂપ એક સામે છે તો બીજી તરફ હળવેથી જેમ ફૂલ હથેળીમાં ઝીલાય છે એ રીતે ધરતીમાં ભળી જઈ એક બીજને નવાંકુરિત કરી નવી જિંદગી જન્માવતું ઋજુદિલસ્વરૂપ છે… બંને સ્વરૂપે ઈશ્વરનો જ ખરો વૈભવ પ્રગટ થાય છે…
(અદ્રિશૃંગ = પર્વતની ટોચ; ગ્રાવા = પર્વત, પથ્થર; ચરાચર = જડ-ચેતન; વિનષ્ટિ= વિનાશ)
પુષ્પ લિપિમાં હું તારું અધિકરણ વાચું
ને મ્હેકમ્હેકમાં હું રંગીન વ્યાકરણ વાચું
અરે ઓ ધૂળ ! છે તારી નિશાળ અલગારી
રંગને, મ્હેકને, ફૂલોને હું અભણ વાચું !
– રમેશ પારેખ
નથી માત્ર મારું, આ દુ:ખ છે બધાનું,
ઉતાવળમાં કોરું રહી જાય પાનું.
જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
પછી કહી શકીશું તને આવવાનું.
જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?
ઘણાં દર્દ વેઠીને આવ્યો છું અહીંયાં,
નથી ગમતું તેથી આ પાછા જવાનું.
ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
હે ઈશ્વર ! તું તો શિલ્પ જાણે હવાનું.
– કિરણસિંહ ચૌહાણ
ઉતાવળમાં કોઈ પાનું કોરું રહી જાય એનો વસવસો તો જીંદગીભર રહી જાય છે. સૌથી મઝાનો શેર જે આયાસપૂર્વક… થયો છે.
જાતને અમુક હદથી વધુ છેડવા જેવી નથી
હોતી અને જગતને છંછેડવા જેવું નથી
હોતું. જાત હોય કે જગત હોય –
અમુક હદથી વધુ કોઈની પણ નજીક
જવાય નહીં. નજદીક જવાનો
અર્થ એટલો જ કે ક્યારેક એનાથી
દૂર જવું પડશે. ભાગ્યે જ કોઈનો
સંબંધ અકબંધ રહે છે. સંબંધનો
એક અર્થ ઉઝરડા કરીએ તો
આપણે કદાચ ખોટા નહીં પડીએ.
સંબંધનો જોડણીકોશનો અર્થ
અને જીવનકોશનો અર્થ એક નથી હોતો.
-સુરેશ દલાલ
અછાંદસના કેટલાક આયામોમાંથી એક સિદ્ધ કરતું સરસ કાવ્ય. પહેલી દસ લીટીમાં જે રીતે કાવ્યનો પિંડ અનવરત બંધાય છે અને આખરી બે લીટીમાં જે રીતે સોનેટની જેમ ચોટ ઉપસી આવી છે એ જોતાં એમ વિચાર આવે કે જો બે લીટી વધુ લખાઈ હોત તો આજકાલ સુરેશભાઈ જેના પર વધુ હાથ અજમાવી રહ્યા છે, એ મુક્ત સૉનેટ આપણને મળી શક્યું હોત.
ધ્યાનથી જોઈએ તો પહેલી દસ લીટીમાં કવિતા એક જ લયમાં વહેતી રહે છે. નદી જેમ પથરાની પરવા કર્યા વિના વહેતી રહે છે એમ દરેક કડી બીજી કડીમાં અટક્યા વિના વહેતી રહે છે. પંક્તિ પૂરી થાય છે ત્યાં વાક્ય પૂરું થતું નથી અને વાક્ય પૂરું થાય છે ત્યાં પંક્તિ ચાલુ જ રહે છે. એક લય આ પણ છે અછાંદસનો !
जब इबादत की हमें फ़ुरसत मिली, (ઉર્દૂ)
ચાલતા’તા શ્વાસ ત્યારે આખરી. (ગુજરાતી)
मन खुदारा दोस्ते मन दारम हनोज़, (ફારસી)
ના મને એથી તો દુનિયાની પડી. (ગુજરાતી)
In the desert stream I couldn’t find, (અંગ્રેજી)
પ્રાણ મુજ તરસ્યા રહ્યા’તા તરફડી. (ગુજરાતી)
तस्य वचनम् – संभवामि युगे युगे, (સંસ્કૃત)
આશ દર્શનની ન શાને રાખવી ? (ગુજરાતી)
प्राप्त की किस्मत ने ईश्वर की कृपा, (હિન્દી)
SIX-ભાષી આ ગઝલ એણે રચી. (ગુજરાતી)
– કિસ્મત કુરેશી
લયસ્તરો પર આજકાલ મિશ્રભાષી ગઝલો ની મોસમ ખીલી છે. ક્યારેક ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ, ઊર્મિની હિંદી રદીફવાળી तेरे जाने के बाद અને तेरे आने के बाद તો પંચમની ગઝલ બનતી નથીની વાત પર સત્તર શેરની લાં..બીલચ્ચ ગઝલ. આવી ઋતુમાં IPL 20-20 મેચના DLF maximum જેવો એક છગ્ગો… એક જ ગઝલમાં છ-છ ભાષાઓ વણી લઈને 1989માં લખાયેલી કિસ્મત કુરેશીની એક મજાની ગઝલ…
(मन खुदारा दोस्ते मन दारम हनोज़, ના મને એથી તો દુનિયાની પડી = હું ખુદા માટે છું અને અત્યાર સુધી ઈશ્વરને જ મારા મિત્ર તરીકે રાખ્યો છે એથી જ તો મને આ દુનિયાની કંઈ પડી નથી. ) (આ ફારસી મિસરાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરવા બદલ આઝમ ઘડિયાળી અને રઈશ મનીઆરનો આભાર!)
કવિતાને કારણે
વરસાદ નહીં વરસે
કવિતાને કારણે
સૂરજ નહીં ઊગી શકે
કવિતાને કારણે
નહીં ભરી શકાય પેટ.
પણ કવિતા
જરૂર બતાવી શકે છે રસ્તો –
પાણી લાવવાનો
રાત પસાર કરવાનો
ભૂખ ભાંગવાનો
– મદન ગોપાલ લઢા
(અનુ. સુશી દલાલ)
કવિતા પ્રકટપણે કોઈ ચમત્કાર કરી શક્તી નથી એમ લાગે પણ હકીકતમાં જે ચમત્કાર અપ્રકટપણે કવિતા સર્જી શકે છે એ અતુલ્ય અને અમાપ છે… કવિતાની ખરી તાકાતનો સાચો નિચોડ આ રાજસ્થાની કવિએ થોડી જ પંક્તિમાં કેવો સચોટ કાઢી બતાવ્યો છે !
પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.
બીજાને તૂટતા જોવા કરે છે આવું એ ?
આ આયનાનું વલણ કેમ આત્મઘાતી છે ?
ને આભ જેવા નિસાસાઓ ઢાંકવા માટે,
આ નાના-નાના પ્રપંચોની ખૂબ ખ્યાતિ છે.
સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે ?
ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે.
જો સ્થિરતા જ અનિવાર્ય હોય, હે મિત્રો,
ઢળી જવાની જરૂરિયાત પણ તો તાતી છે.
જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી
માણસમાત્રના યયાતિપણાથી શરૂ થતી આ ગઝલ મરણ ને હયાતિના અવિચ્છિન્ન સંબંધ પર આવીને અટકે છે ત્યાં સુધીમાં બહુ વિશાળ ફલકને આવરી લે છે. પહેલો શેર વધુ અર્થ ઊઁડાણ ધરાવે છે. પણ મારા પોતાના પ્રિય શેર (કારણ કે વારંવાર ટાંકવામાં વપરાય છે) આ છે – ભરાઈ ગઈ’તી... અને જો સ્થિરતા જ…
બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.
ખોખલા જઝબાતથી ગઝલ બનતી નથી,
પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી.
શ્યામ કે અવદાતથી ગઝલ બનતી નથી,
ઉષ્ણથી કે શાતથી ગઝલ બનતી નથી.
તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
પારકી પંચાતથી ગઝલ બનતી નથી.
છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.
શેરની તાકાતથી ગઝલ બનતી નથી,
બેતની તાદાતથી ગઝલ બનતી નથી.
મીરની મીરાતથી ગઝલ બનતી નથી,
ખુદાઈ ખેરાતથી ગઝલ બનતી નથી.
ખ્યાત કે અખ્યાતથી ગઝલ બનતી નથી,
જ્ઞાત કે અજ્ઞાતથી ગઝલ બનતી નથી.
સાથ કે બાકાતથી ગઝલ બનતી નથી,
એકથી કે વ્રાતથી ગઝલ બનતી નથી.
અર્થ કે અર્થાત્-થી ગઝલ બનતી નથી,
તર્કના ઉધમાતથી ગઝલ બનતી નથી.
કેમ ને કસ્માત્-થી ગઝલ બનતી નથી,
પ્રશ્નના વરસાતથી ગઝલ બનતી નથી.
બુદ્ધિના ધણિયાતથી ગઝલ બનતી નથી,
ઊર્મિની બારાતથી ગઝલ બનતી નથી.
શબ્દની સોગાતથી ગઝલ બનતી નથી,
મર્મની ઓકાતથી ગઝલ બનતી નથી.
એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી.
ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.
સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.
એમ કહીએઃ જાતથી ગઝલ બનતી નથી,
એમ નહિઃ જગ-તાતથી ગઝલ બનતી નથી!
– પંચમ શુક્લ
આ ગઝલમાં ‘ગઝલ’ શબ્દ ગઝલ માટે જ નહીં પણ જીવનમાં જે કાંઈ સૂક્ષ્મ અને સુંદર છે એ બધા માટે વપરાયો છે. જ્યાં સુધી ‘ગઝલ’ની ‘રેસિપી’માં કોઈ અગમ્ય અને અદભૂત રસ ન ભળે ત્યાં સુધી ખરા અર્થમાં સર્જન શક્ય જ નથી.
(ત્રાત=રક્ષણ, બચાવ; અવદાત=શ્વેત, વ્રાત= સંઘ, સમૂહ, કસ્માત્= શાથી, કયે કારણ; વ્યાત્ત્= ખુલ્લું, ઉઘાડું; સ્યાત્= કોઈ પ્રકાર, કોઈ અપેક્ષા, કોઈ માર્ગ)
પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એક લાભની તક શોધે છે;
આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ?
આંસુમાં ગરીબોના નમક શોધે છે.
– મરીઝ
(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)
આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.
સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.
કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.
આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.
શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!
તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.
ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.
– ઊર્મિ (૭ મે ૨૦૦૯)
ગયા અઠવાડિયે જ મૂકેલી અને બધાને ખૂબ ગમી ગયેલી तेरे जाने के बाद ગઝલ ના બીજા ભાગ જેવી આ ગઝલ હિન્દી અને ગુજરાતી બન્નેના ઉપયોગ ઉપરાંત ‘ગઝલ-બેલડી’ના આ નવા પ્રયોગને કારણે પણ યાદ રહેશે. શબ્દ અને કલ્પનોની સાદગી આખી ગઝલને ઉષ્મા અને ઘેરી અસરકારકતા બક્ષે છે. પાંપણ પર તગતગતા આંસુમાં પણ કોઈના આવવાથી સાતે રંગ દેખાવા માંડે એ આ ભાવવિશ્વની ચરમસીમા છે !
![]()
(ખાસ લયસ્તરો માટે પંકજ વખારિયાના પોતાના અક્ષરોમાં એક અક્ષુણ્ણ ગઝલ)
*
શીખવી ગઈ કૈંક પરદાની કળા
દૃશ્યથી પર થઈને જોવાની કળા
દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા
ક્યાં હવે એ બાજુથી થઈએ પસાર ?!
યાદ ક્યાં છે રસ્તો ભૂલવાની કળા
કેટલાં દિવસે મળી બારીમાં સાંજ !
તાજી થઈ પાછી ઝૂરાપાની કળા
દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા
શબ્દની કરતાલમાં રણકી ઊઠી
જિંદગી નામે ભરોસાની કળા
એક-બે વાતો અધૂરી રાખીએ
બીજી તો કઈ પાછા મળવાની કળા
-પંકજ વખારિયા
દુલા ભાયા કાગની પંક્તિ યાદ છે?- હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે… પણ આજે જમાનો જરા જુદો છે. આજે ‘આવ’ માંથી ‘ભાવ’ સાવ જ નીકળી ગયો છે. અપેક્ષાથી વિપરીત સૂકો અને સૂનો આવકાર મળે ત્યારે દરવાજેથી જ પાછા વળી જવાનું મન ન થાય ?
આવ લઈ, જે વાતને સમજી શકે,
દર્દ, એની જાતને સમજી શકે.
ચાંચ એમાં સૂર્યની ડૂબે નહીં,
લાવ કે જે રાતને સમજી શકે.
કંટકો સાથે રહ્યા જે ડાળની,
પાનખરની ઘાતને સમજી શકે.
શ્વાસ લેતા પત્થરો છે સૌ અહીં,
એ વળી જઝબાતને સમજી શકે ?
તારલાનો તું હશે આશિક ભલે,
બોલ, ઉલ્કાપાતને સમજી શકે ?
હોય શ્રદ્ધાનાં સુમન જેની કને,
એ જ મારા તાતને સમજી શકે.
– આબિદ ભટ્ટ
શીઘ્ર પ્રત્યાયનક્ષમતાની શરતને પૂરી કરતી મજાની ગઝલ… બહુધા પરંપરાને અનુસરતી આ ગઝલના બીજા શેરનું કલ્પન એને આધુનિક ગઝલની કક્ષાએ લઈ જાય એટલું સશક્ત છે…
રસ્તો થવું ગમે છે મને ભીડની તળે
મંઝિલ બનું તો લોક ફકત એક બે મળે
છળના અફાટ રણમાં પીગળતો આ આયનો
મૃગજળ થઈને આજ ફરીથી મને છળે
વાતો તણો સબંધ હવે ક્યાં રહ્યો છતાં
અફવા જરાક અમથી બધા કાન સાંકળે
પીળા કરમ કરીને બધાં પાંદડાં ખરે
લીલું મઝાનું પુણ્ય ઊગે એક કૂંપળે
તુલસી નહીં, ન જળ કોઈ જીહ્વા ઉપર હશે
રમતું તમારું નામ સતત આખરી પળે
– ડૉ. જગદીપ નાણાવટી
મુસાફરીમાં જે મજા છે એ મંજિલમાં નથીની વાત કવિ સાવ અનૂઠી રીતે જ લાવ્યા છે. ટોચ પર હંમેશા એકલતા જ હોવાની. વળી કવિની વાતમાં જે સમર્પણની ભાવના છે એની અહીં ખરી મજા છે. કવિ પોતે નથી મુસાફર કે નથી મુસાફરીમાં, પણ અન્યની મુસાફરીમાં પાયાનો આધાર- રસ્તો-બનવાની ખેવના કરે છે અને રસ્તો પણ એટલા માટે બનવા ચહે છે કે અનેકોને ધ્યેયપૂર્તિમાં કામ આવી શકે, મંઝિલ બની જાય તો એકાદ-બે જણને જ સંતોષનો ઓડકાર અપાવવાનું નિમિત્ત બની શકે…
પ્રથમ એક બારી ઉઘાડીને રાખી,
પછી આંખ વચ્ચે લગાડીને રાખી.
ભીતરથી હતી સાવ ભીની એ ઘટના,
વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી.
અમે સાચવ્યો શબ્દ-વનનો મલાજો,
અમે ખૂબ કોમળ કુહાડીને રાખી.
તમે છાતીએ લહેરખીઓ લપેટી,
અને આખી મોસમ દઝાડીને રાખી.
ગઝલ એક કસ્તૂરી-મૃગ છે ખરેખર,
નથી કોઈ અફવા ઉડાડીને રાખી !
– સુરેન્દ્ર કડિયા
નાજૂક કલ્પનોથી સજાવેલી ગઝલ. અમે સાચવ્યો … અને તમે છાતીએ… શેર ખાસ સરસ થયા છે.
મને એવું સ્વપ્ન આવ્યું
કે મેં મારી સામે જ
તલવાર ઉગામી છે.
આનો અર્થ શું ?
એટલો જ કે હું તને
થોડીક વારમાં જ મળી શકીશ
– કાસા
પોતાની જાતને ઓગાળી નાખવાની તૈયારી એ ગમતા માણસને મળી (-માં ભળી) જવાનું પહેલું પગથિયું છે એ વાતમાં કવિએ બહુ સહજતાથી કરી છે.
ઘુવડે શિખર પરના કૂકડાને કહ્યું
તારે સૂરજને કદી ગાવો નહીં
સૂરજ કંઈ મહત્વનો નથી
શિખરના કૂકડાએ પોતાની કવિતામાંથી
સૂરજની બાદબાકી કરી
ઘુવડે શિખરના કૂકડાને કહ્યું
તું કલાકાર નથી
અને ત્યાં ચારે બાજુ
કેવળ અંધકાર હતો
– રેઈનર કુંજે
કળા તો સંસ્કૃતિનો આત્મા છે. કળાને રાજકીય અભિપ્રાયો અને ‘વાદ’થી મુક્ત રાખવી એ આપણી સામાજીક જવાબદારી છે. રાજ્યને ગાવા માટે કળા નથી હોતી, કળાને ગાવા માટે રાજ્ય હોય છે. જ્યાં રાજ્ય કળાના ધોરણો ઘડવા માડે તે સંસ્કૃતિનો અસ્ત નિશ્ચિત જ સમજવો.

(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)
આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.
સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.
મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.
તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.
તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.
‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.
– ઊર્મિ (૬ મે ૨૦૦૯)
સ્નિગ્ધ એકલતાની નખશિખ સુંદર ગઝલ. ગયા અઠવાડિયે મૂકેલી ઝફરસાહેબની ગુજરાતી રદીફવાળી હિન્દી ગઝલ જોઈ લઈ, એની સાથે સરખાવશો.
હું ચાહું તને
જાણું નહીં – કેમ, ક્યારે, ક્યાંથી
હું ચાહું તને –
સરલપણે, ન સંકુલતા ન અહંકાર
એમ હું ચાહું તને –
કારણ કે એ સિવાય બીજી કોઈ રીત જાણતો નથી:
અસ્તિત્વ મારું ન હોય ને તારું યે ન હો
એટલાં નિકટ કે મારી છાતી પરનો
તારો હાથ મારો હોય,
એટલાં નિકટ કે ઊંઘમાં
સરી હું પડું ને
નેત્ર બંધ તારાં થાય…
-પાબ્લો નેરુદા
અનુ. : હેમન્ત દવે
પ્રેમની સાવ સાદી અને સહજ વાત પણ અનુભવવી અને અમલમાં મૂકવી એટલી જ કપરી… પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી… પણ પ્રેમનો સીધો અર્થ એટલે ઓગળવું. એવી રીતે ઓગળવું કે એકબીજામાં ભળી જવાય. એવી રીતે ભળી જવું કે છૂટા જ ન પડી શકાય…
મારું નામ
કીડી.
હું આઠ માળ ચઢી
તો પણ
હાંફી નહીં
ને
પડી
તો
છેક નીચે ગઈ
પણ
મરી નહીં.
મારું બળ મારી ગતિ છે
હું ચાલું છું
ધીમી
પણ
દોડું છું પૂરપાટ.
મને કોઈ કહે કે માણસ થવું છે ?
તો
હું ના પાડું.
માણસ થવાથી
આઠ માળ ચઢીને
હાંફવું પડે છે
અને
પડી જઈને
છેક નીચે જઈ શકાતું નથી
અને
અધવચ્ચે જ
અથડાઈ-કુટાઈને મરવું પડે છે.
એથી તો ભલી
હું
કીડી
નાની
ને
અમથી.
મારો કોઈને ભાર નહીં,
મને પણ.
– મનહર મોદી
આ ‘ટૂંકી બહેર’નું અછાંદસ સ્વયંસિદ્ધ છે… એને એમ જ માણીએ… હું કીડી નાની ને અમથી. મારો કોઈને ભાર નહીં, મને પણ – આટલી વાત પણ સમજી શકાય તો ઘણું !
સાંજ પડે ને તું યાદ આવે; સાંજ પડે ને…
ટહુકો પણ પાંખો ફફડાવે ! સાંજ પડે ને…
મન હવે છે પાંખ વગરના પંખી જેવું
ઝાડ ભલેને ડાળ નમાવે; સાંજ પડે ને…
કટાઈ ગયેલી એકલતા સાથે જીવવાનું
દીવો એકાંતો ચળકાવે સાંજ પડે ને…
શબ્દો ગોઠવતા રહેવાનો યત્ન કરું છું
થાકેલી એક પંક્તિ આવે સાંજ પડે ને…!
કેવળ તારા એક જવાથી શું શું ખોયું ?
સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…
શ્વાસ કહો; નિશ્વાસ કહો; ભરતા રહેવાનું
હવા મને એવું સમજાવે સાંજ પડે ને…
પડછાયો પણ ઘરમાં મારી સાથ ન આવે
ઉજ્જડતા એને અકળાવે સાંજ પડે ને…
– રિષભ મહેતા
સાંજનો રંગ ઉદાસીનો રંગ છે. સાંજના રંગ જેમ જેમ વધુ ઘુંટાતા જાય છે, પ્રિયજનની યાદ બળવત્તર બનતી જાય છે. ઝાડ ભલે ઝુકીને આમંત્રણ આપે પણ પાંખ વગરના પંખી જેવું મન ક્યાંથી ઊડી શકવાનું ? સાંજના અંધારામાં પંડનો પડછાયો પણ અદૃશ્ય થઈ જાય છે, કદાચ પ્રિયજનના ન હોવાની ઉજ્જડતા એને અકળાવતી હશે ?
કબરનાં જર્જર પેટાળમાંથી ફૂટેલાં
અજાણ્યાં ફૂલોની મત્ત ગંધનો
શ્વાસ લેનાર
ચૂડો ફૂટ્યો એ રાતે
સ્વપ્નમાં, પોતાના સ્તનોને
હંસયુગલ બનીને ઊડી જતાં જોતી
જુવાન વિધવાના ધ્રુજતા
નિ:શ્વાસ નાખનાર
અને
અલકાનગરીનેય કાળકોટડીમાં
ફેરવી નાખતી મિલની
ચીમનીઓની વરાળના
ઉચ્છવાસ કાઢનાર
મને – અહીં
કામનાના ક્રોસ ઉપર
નામના ખીલા વડે
ખોડી દેવામાં આવ્યો છે.
– રાધેશ્યામ શર્મા
શોક-ટ્રીટમેન્ટ જેવા કાવ્યમાં કવિ – શ્વાસ, નિ:શ્વાસ અને ઉચ્છવાસ – એ ત્રણ પગલાનું કાળુભમ્મર ચિત્ર દોરે છે. આવી ગતિનું ગંતવ્ય પોતાની કામનાનો ક્રોસ જ હોઈ શકે. યાદ રહે કે માણસ આખી જીંદગી આ જ ક્રોસને કાળજીથી પોતાના ખભે ઊંચકીને ફરે રાખે છે.
મારી પ્રિયતમા માટે
પામ વૃક્ષની ટોચ પરથી
ફૂલો ચૂંટું છું ત્યારે
નીચેની ડાળીઓ
મને ઝાકળથી ભીંજવી દે છે.
*
ગ્રીષ્મના ખેતરમાં
અફવાઓ ઝાંખરાંની જેમ ઊગે છે:
મારી પ્રિયતમા અને હું સૂઈએ છીએ
બાહુપાશમાં બંધાઈને.
*
બાંધે
ને છૂટા થઈ જ જતા:
ન બાંધે તો કેટલા લાંબા રહેતા !
કેટલાય દિવસોથી
હવે હું તારી સામે નથી –
તારો અંબોડો અકબંધ રહે છે ?
– મિકાતા યામી
(અનુવાદ – હરીન્દ્ર દવે)
જાપાની કવિતાઓ એટલે લાઘવ અને અનુભૂતિની સચ્ચાઈ. એક ક્ષણના આશ્ચર્યને જાણે સદાને માટે શબ્દોમાં કેદ કરી લીધું હોય એવી સ્ફટિકસમ રચનાઓ તરત જ દિલને અડકી લે છે.
તારી સાથે
સતત
પ્રેમની વાતો કરવી ગમે છે
જાણે કે
હું
વરસાદમાં વસ્ત્રો સૂકવવાનો પ્રયત્ન કરું છું.
– પન્ના નાયક
સત્તર શબ્દમાં ઘેરો સૂનકાર ઘેરી વળે એટલી અસરકારક વાત કરી છે. જે રંગ ચડતા પહેલા જ ધોવાતો જાય એની વાત કોને કરવી ? પણ જોવાની વાત એ છે કે આ પરિસ્થિતિમાં પણ કવિને તો પ્રેમની વાતો કરવી ગમે છે. આવો નિરર્થક પ્રયત્ન કરવો ભલે દુ:ખદાયક હોય, પણ આવો પ્રયત્ન ન કરવો એનાથી પણ વધારે દુ:ખદાયક હોય છે.
ખાલી લગા મકાન તમારા ગયા પછી
ગેહરા થા આસ્માન તમારા ગયા પછી
જૈસે ગયે નહીં હો અભી પૂરી તરહ સે
ઐસા રહા ગુમાન તમારા ગયા પછી
સિગરેટને કુછ મઝા ન દિયા દેર તક મુઝે
કડવા લગા થા પાન તમારા ગયા પછી
સારી સુની સુનાઈ કિનારે લગી કહીં
થી ખત્મ દાસ્તાન તમારા ગયા પછી
ઐસી ઉઠી કે બૈઠ ગયા સબ ગુબારે દિલ
ઇક દર્દ કી ઉઠાન તમારા ગયા પછી
બે પર હી રહ ગયા થા સચ્ચી કહું તો મેં
ભૂલી થી હર ઉડાન તમારા ગયા પછી
સારી ખુદાઈ પર કોઈ પરદા સા તન ગયા
દેખી ખુદા કી શાન તમારા ગયા પછી
ઐસા હુવા કે નીંદ નહીં આઈ ફિર મુઝે
દેના પડા લગાન તમારા ગયા પછી
કદમોં કી ચાપ સાફ ‘ઝફર’ કો સુનાઈ દી
બજને લગા થા કાન તમારા ગયા પછી
– ઝફર ઈક્બાલ
ઉર્દૂના સમર્થ શાયર અને આદિલ મન્સૂરીના ખાસ મિત્ર ઝફર ઈકબાલે આદિલસાહેબના આગ્રહને માન આપી ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલોનો વિશિષ્ટ પ્રયોગ કરી આવી ૧૨૧ ગઝલોનો સંગ્રહ ‘તરકીબ’ આપણને ભેટ આપ્યો છે. નવાઈ લાગે પણ આ કવિના આ પહેલાં ૨૭ ગઝલસંગ્રહ તથા ચાર સમગ્ર ગઝલસંચય બહાર પડી ચૂક્યા છે…
‘તમારા ગયા પછી’ – આ ગુજરાતી રદીફ કવિએ ઉર્દૂ ગઝલમાં એવી બખૂબી વણી લીધી છે કે બે ભાષાઓનો અહીં સંગમ થાય છે ત્યારે કોઈ સાંધો કે રેણ નજરે ચડતાં નથી. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર એકદમ ગમી ગયા. તમારા ગયા પછી જે ઉજાગરા થાય છે એ તમારી સાથે આટલો સમય રહ્યા હતા એનું લગાન છે!!! વાહ…
(ચાપ= પગરવ)
ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,
ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
પ્રફુલ્લ કુસુમો તણી, વિવિધરંગ વસ્ત્રે ભરી,
સરોવર, તરુવરો, જળભરી નદીઓ ભળી
મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળી
પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુર્જરી !
ભરી તુજ કૂખે મનોરમ વિશાળ લીલોતરી
સદા હૃદય ઠારતી; અવર કો ન તું પે ભલી.
નહીં હિમસમાધિમાં શિખર નીંદરે, કે ખરે
ઉષાકમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમા
નથી, ઘણું નથી: પરંતુ ગુજરાતના નામથી
સદા સળવળે દિલે ઝણઝણે ઊંડા ભાવથી
સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા, અરે
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.
– ચંદ્રવદન ચી. મહેતા
આજે પહેલી મે. ગુજરાત સ્થાપના દિન. ગરવી ગુજરાતના ગરવા ગુજરાતી હોવાનો ગર્વ કોના હૈયે ન હોય? કવિ મજાની વાત લઈને આવે છે. આખાયે ભારતદેશની એક-એક જગ્યાઓ ખૂંદી વળી બધી જગ્યાની તમામ લાક્ષણિક્તાઓ જોઈ વળો તો પણ જે વાત ગુજરાતમાં છે એ તમને બીજે ક્યાંય નહીં જ મળે એ હકીકત પર કવિ મુશ્તાક છે. અન્યત્ર હોય એવું ઘણું અહીં નથી છતાં ગુજરાતના નામમાત્રથી જે ભાવ અને ભક્તિ હૃદયમાં જાગે છે એ બીજે ક્યાંય નથી અને એથી જ તો કવિ મૃત્યુ પણ આજ ભૂમિમાં મળે એવી અભીપ્સા વ્યક્ત કરે છે.
ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે
ત્યાં સુધી ઘડિયાળના હોઠો, બીડેલા હોય છે
એમની ટક-ટક ભલે વેળા-કવેળા હોય છે
હાથ ઝાલી, સાચવી ટાણું, ઊભેલા હોય છે
ચાહ સાતે, છાપું સાડા સાત, આઠે ફોન પર
આઠ પાંચે, અંતરે ઈશ્વર વસેલા હોય છે
એક દિવસ એમને હળવેકથી હડસેલજો
સંવતોનાં બારણાં તો અધખૂલેલા હોય છે
લ્હેરી લાલો હોય તો ખિસ્સામાં રાખીને ફરે
સૌએ કાંડાં, આમ તો, સોંપી દીધેલાં હોય છે
– ઉદયન ઠક્કર
સમય તમારા પર સવાર થઈ જાય એ પહેલા સમય પર સવાર થઈ જવું એ જીંદગી જીતી જવાનો કીમિયો છે. કમનસીબે મોટા ભાગના માણસો ઘડિયાળને સમયની હાથકડી સમજીને જીવે છે. એક સાચી ક્ષણે તમે જરા હળવેકથી હડસેલો તો સમય ખુદ તમને ગત દિવસોના બધા રહસ્યો કહેવા તૈયાર જ હોય છે. એટલી રાહ જોવાની કદાચ આપણી જ તૈયારી હોતી નથી.
કોઈ ક્યારેક નામ પૂછે છે
ફરી મળું તો કામ પૂછે છે
છે અજબ શહેર ! આંસુઓ જોઈ
વળે છે ટોળે, દામ પૂછે છે
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?
માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?
વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં !
ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન;
તારા હૈયે કૈં જ ભટકાયું નહીં ?
ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?
ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’
રંજ એવો, દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.
કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !
– રતિલાલ ‘અનિલ’
આ દેશમાં અઢળક વરસાદ છે, પણ ચોમાસું નથી. લીલોતરીનો સંબંધ વર્ષા સાથે છે એનાથી વધારે ઉષ્મા સાથે છે. એટલે અહીં રહીને અષાઢના પ્રથમ દિવસની કલ્પના વધુ રોમાંચક લાગે છે. વરસાદમાં જ્યારે ‘શબ્દોથી રહેવાયું નહીં’ ત્યારે સરી પડેલી આ ગઝલના જોરે ઊનાળો કાઢી નાખો દોસ્તો … અષાઢ એટલો બધો દૂર પણ નથી !
જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી.
મુસાફરીઓ થતી રહે :
બચપણથી પુખ્તતા સુધી
તારુણ્યથી વૃદ્ધત્વ સુધી
નિષ્કપટતાથી સાવધતા સુધી
અજ્ઞાનથી જ્ઞાન સુધી
મૂર્ખતાથી નુક્સાન સુધી
અને ત્યાંથી કદાચ ડહાપણ સુધી
નબળાઈથી તંદુરસ્તી સુધી
અને ક્યારેક વળી તંદુરસ્તીથી માંદગી સુધી
ફરી ફરી તંદુરસ્તીની આશા સુધી
દોષથી ક્ષમા સુધી
એકલતાથી પ્રેમ સુધી
આનંદથી કૃતકૃત્યતા સુધી
પીડાથી રાહત સુધી
દુઃખથી સમજણ સુધી
ભયથી વિશ્વાસ સુધી
પરાજયથી પરાજય
અને પરાજય સુધી
અંતથી માંડી છેક શરૂઆત સુધી
જોઈ વળો તો વિજય
સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
બિરાજિત નથી
પરંતુ
પગલે પગલે કંડારાતી
પુનિત યાત્રામાં જ નિહિત છે.
– આલ્બર્ટ આઈન્સ્ટાઈન
અનુવાદ : રમણીક અગ્રાવત
E=MC2 જેવો સાપેક્ષવાદનો અટપટો સિદ્ધાંત આપનાર વીસમી સદીના મહાનતમ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન કલમ લઈ ક્યારેક કવિતા પર પણ હાથ અજમાવતા હતા એવું જાણીએ તો સાશ્ચર્યાનંદ જ થાય ને ! કવિ મુસાફરીની વાત લઈને આવે છે અને જીવનમાં આપણે નાનાવિધ સ્વરૂપે જે જે સફર અનવરતપણે કરતા રહીએ છીએ એ બધાની વાત કરે છે. યાદી લંબાતી જાય ત્યારે એમ થાય કે વૈજ્ઞાનિક કવિતામાં પણ સમીકરણો લઈને બેસી ગયા કે શું ? પણ બધી મુસાફરીઓમાં અંતે જ્યારે પરાજયથી પરાજય અને પરાજય સુધી આવે ત્યારે એક થડકો અનુભવાય… આ કેવી મુસાફરી છે જ્યાં હાર પર હાર અને હાર પછી હાર જ આવે છે ! પણ આ એક મહાન વૈજ્ઞાનિકની વાત છે. અહીં સત્ય સીધેસીધું આવી ભેટે એવી અપેક્ષા વધારે પડતી છે. જીવનનું સૌથી મોટું સત્ય વૈજ્ઞાનિક કવિતાના અંતે ખોલે છે કે હકીકતમાં વિજય કોઈ ઉચ્ચાસને નથી વિરાજતો, સાચો વિજય તો હોય છે વિજય માટેની પવિત્ર યાત્રાના હરએક પગલાંમાં…. માત્ર પગલાંમાં !
મંજિલ અનહદ દૂર પ્રવાસી,
છે ધુમ્મસનાં પૂર પ્રવાસી.
ઠોકર એક જ વાગે એવી,
સપનાં ચકનાચૂર પ્રવાસી.
હામ ધરી લે હૈયે હો જી,
શાને તું મજબૂર પ્રવાસી !
સમજી લે કલરવની બોલી,
વન મળશે ઘેઘૂર પ્રવાસી.
તમસ ભલેને કરતું લટકા,
આતમનાં છે નૂર પ્રવાસી.
થાજે ના બેધ્યાન કદી પણ,
હો ભીતરના સૂર પ્રવાસી.
મરણ મળે તો જા ઓવારી,
જન્નતમાં છે હૂર પ્રવાસી !
– આબિદ ભટ્ટ
ટૂંકી બહેરની મુસલસલ ગઝલ. મંજિલ દૂર છે અને માર્ગ અડાબીડ ધુમ્મસથી ભર્યો છે, જિંદગી એક જ ઠોકરમાં ભલભલાં સપનાંને ચકનાચૂર કરી દે એવી કડવી વાસ્તવિક્તા છે પણ મજબૂર ન થઈ દિલમાં હિંમત રાખી આત્માના અજવાળાના સહારે બેધ્યાન થયા વિના મુસાફરી કરનાર એની મંઝિલે અચૂક પહોંચે જ છે…
અશ્રુ જેવાં ફૂલ ખીલે આંખની આ ડાળ પર
થાક ખાવા રોજ બેસે પાંપણોની પાળ પર
બાગમાં બેઠી તું સાંજે તો નમી ગઈ ડાળખી
ને સવારે દોડ્યું ઝાકળ પાંદડના ઢાળ પર
કોઈ પૂછે ભૂલથી ગીતો લખો છો પ્રેમના ?
જિંદગી આખી લખી દઉં પ્રેમ જેવા આળ પર
આભમાં પંખીડું ઘાયલ તીર ને ભાલા વિના,
તીર જેવી મેશ આંજીને તું બેઠી માળ પર
યાદ તારી એમ કૂદે બેસું જો લખવા ગઝલ
જેમ કૂદે માછલી જળમાં પડેલી જાળ પર
– કેતન કાનપરિયા
ગઈકાલે જ ઓળઘોળ થઈ જવાનું મન થાય એવો ‘પાંપણની પાળ પર’નો શેર માણ્યો ત્યાં આજે ફરી એકવાર પાંપણની પાળ જડી ગઈ… લ્યો ! હવે અહીં બેસીને થાક ખાઓ અને માણો ચૂકવી ન પોસાય એવી મજાની ગઝલ…
શહેરમાં વરસાદ વરસ્યો રાતભર,
તોય લત્તો એક તરસ્યો રાતભર
ખળભળી ગઈ પાળ પાંપણની જરી,
ઓરડો આખોયે પલળ્યો રાતભર
ભર બજારે ભીડમાં કચરાઈ ને,
ઘેર ઘાયલ જીવ કણસ્યો રાતભર
જ્યાં હતો સાંજે, સવારે ત્યાં જ છે,
પગ ન જાણે ક્યાંક લપસ્યો રાતભર
નામ સરનામું નહીં યજમાનનું
ને મુસાફર વ્યર્થ રખડ્યો રાતભર
ગાઢ અંધારૂ અને ‘પૂજક’ હતા,
આગિયો એકાદ ઝબક્યો રાતભર.
– મૂળશંકર ‘પૂજક’
આંખનો ઓરડો રાતભર પલળે અને પાંપણની પાળ જરા ખળભળે એ એક જ કલ્પન પર આખેઆખો દિવાન આપી દેવાનું મન થઈ જાય એમ છે…!!!
મોરલા હો ! મુને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ:
ખોવાયેલી વાદળીને હું
છેલ્લી વાર સાદ પાડી લઉં.
ઈંદ્રધનુ ! તારા રંગ-ધોધોમાંથી
એક માગું લીલું બુન્દ:
સાંભરતાંને આંકવા કાજે
પીંછી મારી બોળવા દેજે !
મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
ખેંચવા દે એક તાર:
બેસાડીને સૂર બાકીના
પાછી સોંપી દૈશ હું વીણા.
ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
આપજે એક કલ્લોલ:
હૈયું એક નીંદવિહોણું-
ભાલે એને વાયરો ઢોળું.
રાતરાણી ! તારા ઝાકઝમાળનું
મારે નથી કાંઈ કામ:
ગાઢ અંધકાર પછેડા
ઓઢાડી દે ઊંઘની વેળા.
– ઝવેરચંદ મેઘાણી
(મૂળ કવિતા- રવીન્દ્રનાથ ટાગોર)
‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા મેઘાણીની આ રચના પહેલી નજરે રાષ્ટ્રીય ચેતનાની એમની શૈલીથી થોડી અલગ લાગે પણ પોત તપાસીએ તો ખબર પડે કે આમાંય વ્યક્તિચેતનાની વાત જ છે. કુદરતની મબલખ સંપત્તિમાંથી કવિ માત્ર પોતાને જેની સાચોસાચ જરૂર છે એવા બુંદમાત્રની જ યાચના કરે છે. અહીં કોઈ મનુષ્યસહજ સંગ્રહવૃત્તિ નજરે ચડતી નથી. અને કવિ જે ઈચ્છે છે એ પણ કોઈ ખોવાયેલાને સાદ દેવા કે યાદ કરનારને ચિતરવા યા ઊંઘવિહોણાને મદદ કરવા જ માંગે છે… કોઈ ઝાકઝમાળભર્યા સૌંદર્યનીય કવિને અપેક્ષા નથી, કવિ માત્ર અંતિમવેળાએ ગાઢ અંધકારની પછેડી જ તાણવા માંગે છે…
જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
આ માર્ગ પછીની મંઝિલ એ મારું ઘર છે
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંઝિલ પણ મારું ઘર છે
-હરિન્દ્ર દવે

સમજો તો કાંઇ નથી, નહિ તો પ્રશ્નો ઢગલા મોઢે છે;
હ્રદય કહે તે કરજો, અહીંયા તર્કો ઢગલા મોઢે છે !
મૌન બને જો વાહક તો સંવાદ અનેરો થઇ શકશે,
શબ્દ બધાં પાજી છે, એકના અર્થો ઢગલા મોઢે છે !
ચાલ સમયની ભેદી છે, ગુપચુપ ગુપચુપ હરપળ સરકે;
ક્ષણના પણ ફાંફાં પડશે, છો વર્ષો ઢગલા મોઢે છે !
માર પલાંઠી ને બેસી જા અંતરના ઊંડાણ મહીં,
ઈશ્વર પણ છે મૂંઝવણમાં કે ધર્મો ઢગલા મોઢે છે !
ક્યારેક વખત આવ્યે કોઈ ખભે માથું ઢાળું ‘સુધીર’,
એક મળે તો બહુ થયું, તાલી મિત્રો ઢગલા મોઢે છે !
– સુધીર પટેલ
લયસ્તરો માટે સુધીરભાઈએ ખાસ મોકલાવેલી ગઝલ. મૌન બને જો વાહક … શેર સરસ થયો છે અને છેલ્લો શેર તો સરસ છે જ.
[audio:http://dhavalshah.com/audio/ghero.mp3]
(સ્વર અને સંગીત : શોનક પંડ્યા)
એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.
હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.
લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.
ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.
બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!
શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.
હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.
શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
– વિવેક મનહર ટેલર
આજે વિવેકની એક સ્વરબદ્ધ ગઝલ માણો. ગઝલ તો લયસ્તરોના વાંચકો પહેલા માણી જ ચૂક્યા છે. સ્વર અને સંગીત સુરતના કલાકાર શૌનક પંડ્યાના છે.
અડબંગ= જક્કી, હઠીલું, અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)
(સોરઠા)
ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
સૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.
મચવે ધૂન મલ્હાર કંઠ ત્રિભંગે મોરલા,
સળકે અન્તરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં.
ખીલી ફૂલબિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલપલ પલટે છાંયડી.
ઘમકે ઘૂઘરમાળ સમદરની રણઝણ થતી,
એમાં તારી યાદ અન્તર ભરી ભરી ગાજતી.
નહિ જોવાં દિનરાત : નહિ આઘું, ઓરું કશું;
શું ભીતર કે બહાર, સાજણ ! તુંહિ તુંહિ એક તું.
નેન રડે ચોધાર તોય વિજોગે કેમ રે ?
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?
– મનસુખલાલ ઝવેરી
પ્રણય, વિરહ અને વિરહની તીવ્રતાનો અદભુત રંગ અહીં ઊઘડે છે. કવિ જાણે ચિત્રકાર હોય એમ કલમથી અમૂર્ત સૌંદર્યને જાણે કે મૂર્ત કરે છે. આષાઢી મેઘ ગાજે એના પડઘા ડુંગરાઓ ઝીલે છે. મોર ત્રિભંગી કરી મલ્હાર રાગ જાણે કે આલાપે છે અને અંતરમાં પ્રિયજનના લાખો સપનાંઓ આકાર લે છે. ફૂલો એમ ખીલ્યા છે જાણે ચાદર ન બિછાવી હોય અને ઘાસ પણ કંઈ આ સ્પર્ધામાં પાછળ રહે એમ નથી. અષાઢી વાદળો ઘડીમાં કાળા, ઘડીમાં ધોળા, પળમાં સૂરજને ઢાંકે તો પળમાં ખોલે એમ તડકી-છાંયડી વેરે છે. સમુદ્રમાં જેમ મોજાંઓ રણઝણે એમ દિલમાં પ્રિયજનની અફાટ-અસીમ યાદ માઝા મૂકે છે. આવામાં દિવસ શું ને વળી રાત શું? આઘું શું ને વળી નજીક શું? અંદર શું ને વળી બહાર શું? અત્ર-તત્ર-સર્વત્ર તું જ- તુંનો પોકાર છે… છેલ્લી બે પંક્તિઓમાં તો વળી સૉનેટમાં જોવા મળે એવી ચોટ છે… વિયોગમાં અંતરની અને બહારની સૃષ્ટિ જો આ રંગ-રૂપ લેતી હોય તો પ્રિયજન જો આવી ચડે તો તો પછી વાત જ શું પૂછવી?
(મુખબંધ)
ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા
જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા
(ઢાળ)
મળવા પહેલાં એના હોવાના થોડા અણસારા બાંધ્યા
બાંધી કંઈ અટકળ, કંઈ અફવા બાંધી, કંઈ ભણકારા બાંધ્યા
ખાલી હાથનો જીવ, લઈ શું જાઉં, છતાં અડખેપડખેથી
મુઠ્ઠીભર કંઈ ઝાકળ બાંધી, મુઠ્ઠીભર કંઈ તડકા બાંધ્યા
એમ થયું એ ઉછીનાં ઉજાશભીનાશ નહીં સ્વીકારે
તડકો ઝાકળમાં, ઝાકળ આંખોમાં, આંખે ટશિયા બાંધ્યા
વચ્ચે વચ્ચે કેવા કેવા નાજુક નાજુક જોખમ ખેડ્યાં
ચહેરો યાદ નહીં તો પણ બે નજરો વચ્ચે રસ્તા બાંધ્યા
(વલણ/ઊથલો)
બે નજરોના રસ્તા જાણી જોઈ અમે પણ કાચા બાંધ્યા
આંખો મીંચી ખોલી, મીંચી ખોલી, પાછા પાછા બાંધ્યા
ડગલે પગલે જાણ્યાં-અજાણ્યાં સ્મરણોના મઘમઘ મેળા
મેળે મેળે અટ્ક્યા-ભૂલ્યા-ભટ્ક્યા-ના કંઈ જલસા બાંધ્યા
એની ગલીમાં ઉછીનું અંધારું પણ છોડી દેવાયું
છૂટ્યા સૌ પડઘા પડછાયા જે જન્મોજન્મારા બાંધ્યા
(ઉપસંહાર)
તેજતિમિરની હદઅનહદની સાવ વચોવચ અમને ઝાલ્યા
છૂટ દીધી હોવાની અમને એના જેવા છુટ્ટા બાંધ્યા
(ફલશ્રુતિ)
એનાં આગતસ્વાગત જેણે સપનામાં પણ ક્ષણભર માણ્યાં
એણે પરપોટે પરપોટે સાચે સાચા દરિયા બાંધ્યા
– જવાહર બક્ષી
પ્રેમાનંદના આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી કવિતાનો આગવો અવાજ છે. આજની પરિભાષામાં કહીએ તો આખ્યાન એટલે એ જમાનામાં લખાતી પદ્ય નવલકથા. નવલકથામાં પ્રકરણ હોય તેમ આખ્યાનમાં કડવું યાને કે ઢાળ. આ આખ્યાન-ગઝલમાં જોકે સાંપ્રત જમાનાની લાઘવની અપેક્ષાની એરણ પર ખરા ઉતરવા કવિ એક જ કડવાની આખ્યાન-ગઝલ લઈ આવ્યા છે. નવલકથાની પ્રસ્તાવના એટલે આખ્યાનનું મુખબંધ. અહીં નવલકથામાં શું વાત આવવાની છે એના અણસારનો પિંડ બંધાય છે. વલણ અથવા ઊથલો સામાન્યરીતે બે પંક્તિનું હોય જેમાં પહેલી પંક્તિમાં વહી ગયેલી વાર્તાનો ટૂંકસાર અને બીજી પંક્તિમાં આવનારી વાર્તાનો સંકેત હોય છે. અહીં જો કે એક જ કડવાની ગઝલ હોવાથી કવિ ઊથલો ત્રણ શેર સુધી લંબાવવાનું વલણ રાખે છે. ઉપસંહાર એટલે આખી નવલકથાનો સાર અને આખ્યાનના અંતે આવે છે ફળશ્રુતિ. એ જમાનામાં પુસ્તકો લખાતા નહોતા અને કવિતાઓ લોકમુખે જ જીવતી રહેતી. એટલે કવિતાનું વારંવારનું પુનરાવર્તન જ એને જીવતી રાખી શક્શે એ વાતથી અભિપ્રેત કવિ કવિતાના અંતે ફળશ્રુતિ રાખતા જેમાં આ આખ્યાનનો પાઠ કરવાથી વાચકને કેટલો ફાયદો થશે અને એને કેટલું પુણ્ય મળશે એનો અણસારો દઈ ‘પોઝીટીવ ઈન્સેન્ટીવ’ આપવામાં આવતું.
ઈશ્વરને મળવાની વાત છે. આયખાની ક્ષણભંગુરતા ‘ભગ્ન સમય’, સોયની અણી’ અને ‘પરપોટા’ વડે સૂચક રીતે બતાવી કવિ શરૂઆત કરે છે. પરપોટાનું આયુષ્ય આમેય કેટલું? અને એ પણ વળી સોયની અણી પર હોય તો ?
ઈશ્વર છે કે નહીંની શાશ્વત ચર્ચાઓ ગૂંથે ભરીને કવિ નીકળ્યા છે. સુદામાનો સંદર્ભ ઝળકે છે. હાથ ખાલી હતા એટલે આડોશપાડોશમાંથી મુઠ્ઠીભર તાંદુલ લઈ કૃષ્ણને મળવા નીકળેલ સુદામાની જેમ કવિ જીવનની તડકી-છાંયડી માંગીતુંસીને સાથે લે છે. મળવાનો રસ્તો પણ જાણી જોઈને કાચો બાંધે છે. કાચો હોય તો તૂટે અને તૂટે તો ફરીફરીને બાંધવાની તક મળે. અને અંતે ઈશ્વર ભક્તને ક્યાં ઝાલે છે એ જુઓ ! તેજ અને તિમિરની વચ્ચે, હદ અને અનહદની વચ્ચે અને જેણે ભક્તને ‘હોવાપણાં’ની છૂટ બક્ષી છે એ ભક્તને સ્ત્રી જેમ વાળ છુટ્ટા બાંધે છે એમ છુટ્ટા બાંધે છે !
અંતે કવિ સોનેટ જેવી ચોટ કરે છે. ઈશ્વરનું સાંનિધ્ય જેણે સાચુકલું નહીં પણ સ્વપ્નમાંય અને વધુ નહીં ક્ષણભર પણ માણ્યું છે એણે પરપોટા જેવા જીવતરમાં પણ સાચો અનંત સાગર પ્રાપ્ત કરી લીધો છે. કવિ અહીં ગઝલારંભની ક્ષણભંગુરતા અને પરપોટાની વાત સાથે પુનઃસંધાન સાધીને કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે…
વિચારો કરેલાં રજૂ રોષપૂર્વક
નથી બસ કશું પણ નથી દોષપૂર્વક
ગયેલું હતું મોજુ આક્રોશપૂર્વક
કિનારો કહે એ જ અફસોસપૂર્વક
ઉભા શુષ્ક ગ્રીવા લઈ શોષપૂર્વક
કરો સ્નિગ્ધ એને પરિતોષપૂર્વક
કહો શબ્દ આજે પ્રતિઘોષપૂર્વક
ગઝલ પણ લખો તો લખો હોંશપૂર્વક
હૃદયમાં ઉમળકા હતા જોશપૂર્વક
થઈ આંખ ભીની જરા ઓસપૂર્વક
-કવિ રાવલ
કવિની એક સુંદર મત્લા ગઝલ.વળી આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ પણ છે.’ લગાગા’ના આવર્તન ગઝલની મૌસિકી વધારે છે અને એકધારા આવ્યા કરતા મત્લા એમાં ચાર ચાંદ લગાવે છે. એક જ શબ્દના અડધિયા ‘પૂર્વક’ને રદીફની જેમ વાપરીને કવિ જે રીતે નવા શબ્દો ‘કોઈન’ કરે છે એ જોવા જેવું છે !
તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા
એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા
આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા
શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા
ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા
આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા
હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા
– મનહર મોદી
નરસિંહ મહેતાના ‘જાગ ને જાદવા’ પદના ઝુલણા છંદને હૂ-બ-હૂ મળતા આવતા ‘ગાલગા’ના સંગીતમય આવર્તનોથી આ ગઝલની લયાત્મક્તા વધે છે. નરસૈયો જગતના તાતને જગાડવા આર્દ્ર સ્વરે વિનંતી કરે છે, મનહર મોદી પોતાની જાતને જગાડવા તારસ્વરે ગાય છે. ગઝલ જેમ આગળ વધે છે એમ અર્થનું ઊંડાણ વધતું જાય છે. છેલ્લા ત્રણ શેરમાં તો પોત ખાસ્સું ગાઢું બને છે. ઊંઘ આવી ન જાય એમ ઊંઘવું અને એટલું જાગવા માટે જાગવાની ટકોર- બંને મિસરામાં એક જ શબ્દની દ્વિરુક્તિથી કવિ જે ભાવ વ્યંજિત કરે છે તે ભાવકને શેરના પ્રત્યેક પુનરાવર્તન પર નવી ચેતના બક્ષે છે. અહીં ‘ઊંઘ’ અને ‘જાગવું’ બંને ધ્યાન માંગી લે છે.
આજકાલ ભારતમાં ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે. આપણે સૌ ભારતીયો ગંદા રાજકારણને સુધારવાની કાયમ વાત કરતા હોઈએ છીએ. એ જ રાજકારણ અને નેતાઓને બદલવાનો મોકો દરેક નાગરીક પાસે છે જ, મતદાન ! પરંતુ જ્યારે ચૂંટણીમાં મત આપવાની વાત આવે ત્યારે સાવ નિરાશાવાદી વલણ અપનાવીએ છીએ… કે આપણા એક મતથી શું થવાનું હતું? પરંતુ જેમ કાંકરે કાંકરે પાળ બંધાઈ અને ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક નહીં અપાયેલાં મતોની સંખ્યા કેટલી હશે એ કદી વિચાર્યું છે? બની શકે કે એ નહીં અપાયેલા મતો જ રાજકારણનો આખો ઈતિહાસ બદલવા માટે સમર્થ હોઈ…! પરંતુ જ્યાં સુધી મત આપશો નહીં ત્યાં સુધી તમને કેમ ખબર પડશે…?! તો દરેક નાગરીકને મત આપવા માટે ઉત્સાહિત કરવા માટે મુકુલ-મેહુલની જોડીએ સૌને મતદાન કરવાની પ્રેરણા આપવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે… લાઈન લગાવો… તો ચાલો મિત્રો, અત્યારે આ ગીતને સાંભળવા માટે તો તમારે લાઈન લગાવવાની બિલકુલ જરૂર નથી… પરંતુ હા, એપ્રિલની 30મી મતદાન કરવા માટે તો તમે જરૂર લાઈન લગાવશો ને?!
લાઈન લગાવો… લાઈન લગાવો
હિન્દુસ્તાનના ભાવિને ઉંચે લઈ જઈએ આવો
ચુંટવાની તાકાતથી રંગી નાખો સૌ ચુનાવો
લાઈન લગાવો…
લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો
બૂથોને છલકાવી દઈ મતદાનની ધુમ મચાવો
લાઈન લગાવો…
એક બટન દાબીને આખે આખો દેશ બચાવો
લોકશાહીના માથા પર મતનું એક તિલક લગાવો
પરિકલ્પના : મુકુલ ચોકસી
સંગીત : મેહુલ સુરતી
દિગ્દર્શક : યુનુસ પરમાર
કેમેરા : નીલેશ પટેલ
એડિટર : અમિત ભગત
ગાયકો: મેહુલ, ભાવિન, આશિષ, રૂપાંગ, નૂતન, ધ્વનિ
સોંગબર્ડ ફિલ્મ ડિવિઝન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
અને
સિનિયર સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટની પ્રસ્તુતિ
એક માણસ મુક્તિફળ લેવા ગયો હતો
એણે કહેલું, હું પાછો આવીશ
રાહ જોજે.
ખબર નથી એ ક્યાં ગયો છે
ક્યા એકાકી હિમ અરણ્યમાં
કે કોઈક નીલિમા-ભૂખ્યા પહાડને શિખરે
ખબર નથી એની સામે કેવી આકરી મુશ્કેલીઓ ખડી છે
ખબર નથી એ કેવા અસહનીય સાથે
સંગ્રામ ખેલે છે.
એણે મુક્તિફળ લાવવાનું કહેલું
એણે રાહ જોવાનું કહેલું
હું બાર વર્ષ એની રાહ જોઈશ
એ પછી પણ જો એ પાછો નહિ આવે તો
મારે જવું પડશે.
હું પણ પાછો નહિ આવું તો જશે મારાં સંતાનો.
– સુનિલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)
કવિ એવા મુક્તિફળની વાત કરે છે જે લઈને કોઈ પાછું આવતું (ને કદાચ આવવાનું પણ) નથી. વચનની કિંમત છે અને ધ્યેયની ઈજ્જત છે. આ ધ્યેયને છોડી દેવાનું તો વિચારી શકાય એમ પણ નથી. એક પછી એક પેઢી હોમાતી જાય તો પણ આ શોધ ચાલુ જ રહેવાની છે.
આ આખી વાત વાંચીને હસવું આવે – ભલા આવા મુક્તિફળ પાછળ સમય બગાડવાની શું જરૂર છે ? જેના હોવા કે ન હોવા વિષે પણ ખબર નથી એની પાછળ જીંદગી બગાડવાની શી જરૂર છે ? જે લઈને કોઈ કદી પાછું આવ્યું નથી એની પાછળ એક પછી એક પેઢીઓએ ઢસડાવાની શું જરૂર ? …..
પણ હકીકત તો એ છે કે આખી દુનિયા સદીઓથી આ જ કામ કરી રહી છે ! કોઈએ ખરી મુક્તિ જોઈ નથી પણ એને પામવાની ઈચ્છા જગતની શરૂઆતથી આજ લગી ચાલ્યા જ કરી છે. આ ઘાણીમાંના બળદ જેવી વૃત્તિ છે કે પછી એક ચિંતન-વંતી, સ્વપ્ન-ગર્વિત, બાહોશ પ્રજાનું લક્ષણ છે ?
એ તો તમે જાણો !
મહેંદી હસનના નિરામય દીર્ઘાયુષ્યની પ્રાર્થના માટે સુરત ખાતે યોજાયેલો કાર્યક્રમ જબરદસ્ત સફળતાને વર્યો. હકડેઠઠ ભરાયેલ ગાંધી સ્મૃતિ ભવન મધ્યાંતર પછી પણ એ જ રીતે ભરાયેલું રહ્યું. અમદાવાદથી આવેલ અનિકેત ખાંડેકર, મુંબઈના વિકાસ ભાટવડેકર તથા રાજકોટના ગાર્ગી વોરા ઉપરાંત સુરતના અમન લેખડિયાએ રઈશ મનીઆરના રસતરબોળ કરતા સંચાલન હેઠળ મહેંદી હસને ગાયેલી ગઝલ, લોકગીત અને હીરની રમઝટ બોલાવી સતત ત્રણ કલાક શ્રોતાજનોને ભીંજવ્યા. આ કદાચ વિશ્વભરમાં મહેંદી હસનની આર્થિક સહાય માટે કરવામાં આવેલી સર્વપ્રથમ ટહેલ હતી અને આખા કાર્યક્રમનું પ્રારંભબિંદુ ઇન્ટરનેટ અને ગુજરાતી બ્લૉગ્સ- લયસ્તરો.કોમ, ટહુકો.કોમ અને ઊર્મિસાગર.કોમ બન્યા હતા. આ કાર્યક્રમી થોડીક ઝલક ટૂંકસમયમાં ટહુકો.કોમ અને ઊર્મિસાગર.કોમ પર માણવા મળશે. અભિયાન જેવું લબ્ધપ્રતિષ્ઠ સામયિક પણ આ કાર્યક્રમની નોંધ લેવાનું ચૂક્યું નહીં… સદભાવના દર્શાવનાર અને મદદ માટે હાથ લંબાવનાર તમામ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…
(અભિયાન…… …..૧૮-૦૪-૨૦૦૯)
તુંગી મય-ઈ-લાલ ખ્વાહમ ઓ દિવાની
સાદ-ઈ રમકી બાયદ ઓ નિસ્ફ-ઈ-નાની,
વાંગહ મન ઓ તુ નિશાસ્તા દર વિરાની,
ખૂવશ્ત બુવદ અઝ મામલાકત-ઈ-સુલ્તાની.
– ઉમર ખૈયામ
( એક લાલ મદિરાની સુરાહી અને કવિતાનું એક પુસ્તક હું ઈચ્છું છું. શરીર અને આત્માને સાથે રાખવા માટે રોટીનો એક ટુકડો પર્યાપ્ત છે. પછી હું અને તું બેઠા હોઈએ આ વિરાનમાં. આ સ્થિતિ કોઈ સુલતાનની સલ્તનત કરતા પણ વધારે આનંદદાયક હશે. અનુવાદ: બકુલ બક્ષી)
એક રોટી ઘઉંની, એક શીશામાં અંગૂરી અસલ,
શાંત નિર્જનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ;
ભલભલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે,
ભોગવું છું વાસ્તવમાં ઐશ હું એવો વિરલ.
– શૂન્ય પાલનપુરી
Here with a loaf of bread beneath the bough
A flask of wine, a book of verse, and Thou,
Beside me singing in the wilderness –
And wilderness is Paradise now !
– Edward FitzGerald
ઉમર ખૈયામની અતિ પ્રસિદ્ધ રુબાઈના આ ત્રણ સંસ્કરણ છે. કહે છે તમારી દરેક કવિતામાં માના દૂધનો સ્વાદ હોય છે. એટલે કે તમે જે વાતાવરણમાં ઉછરેલા હો એ વાતાવરણની અસર હંમેશ કવિતામાં દેખાવાની જ. ખૈયામની સલ્તનત ફિટ્ઝેરાલ્ડની કવિતામાં paradise બની જાય છે. જ્યારે ‘શૂન્ય’ની પ્રિયા તો ગઝલને વીણા પર વગાડે છે ! એક કવિતા કઈ રીતે સમય અને સંસ્કૃતિના પરિબળોથી બદલાય છે – અને છતાં ય એનો મૂળ વિચાર એટલો જ મોહક રહે છે – એનું આ સરસ ઉદાહરણ છે.
ઉઘાડાં હાં રે અમે ક્યમ કરી હાલીએ ?!
આવ્યો સીમ-કેડો, તોય ના’વ્યો હાથ છેડો,
બઇ ! કે’ને અમે ઘૂંઘટડો ક્યમ કરી ઢાળીએ ? ઉઘાડાં0
હલમલતી હેલ્ય માથે, વળી કડ્યે બેડલાં,
ને છેડલાંની સંગ ભૂંડો વાયુ કરે ચેડલાં !
ઝાલું ઝાલું ને ઊડી જાય
બઇ ! કે’ને વેરી વાયરાને ક્યમ કરી ટાળીએ ? ઉઘાડાં0
પથરાળી ભોંય માંહી ઝીણી ઝીણી કાંકરી,
પાવલે ચૂમે ને જાય બેડલિયાં ઢળી ઢળી !
ખાળું ખાળું ને ઓછાં થાય
બઇ ! કે’ને નીર નેતરતાં ક્યમ કરી ખાળીએ ? ઉઘાડાં0
દૂરદૂર ઝાકળિયા વંનમાં વજાડે ઘેલો,
વ્હાલપની વેણુ મારા મંનનો તે માનેલો !
વાળું વાળું ને દોડી જાય
બઇ ! કે’ને ભોળા દલ્લડાને ક્યમ કરી વાળીએ ? ઉઘાડાં0
-પ્રદ્યુમ્ન તન્ના
કોઈપણ ભાષામાં સાહિત્યકારની સહુથી મોટી જવાબદારી ભાષાને જીવતી રાખવાનું છે. કવિતા જે તે સમાજના સાંપ્રત સમયની આરસી છે. પ્રદ્યુમ્ન તન્નાની નખશીખ તળપદી ભાષામાં લખાયેલી કવિતાઓ વાંચીએ ત્યારે કલ્પના પણ ન આવે કે વરસોથી આ કવિ માભોમના વાડા ઓળંગી ઇટલી જઈ વસ્યા હશે. માથે છલકાતી હેલ અને કેડે પાણીના બેડાં હોય, કૂવેથી પાણી ભરીને ગામ ભણી આવતાં સીમઢૂંકડી આવી ઊભે અને વેરી વાયરો છેડો ઊડાડતો હોય એવામાં કાવ્યનાયિકા કેવો મીઠો ક્ષોભ અનુભવે છે ! અધૂરામાં પૂરું પગમાં કાંકરીઓ ભોંકાય છે અને લાખ સાચવવા છતાં પાણી ઢોળાતું જ રહે છે. ગીતનો પલટો નાયિકાના મનના માણીગરની દૂર વનમાં વાગતી વેણુ પાછળ દોડી જતા મન અને એને ન વારી શકવાની વિડંબના સાથે આવે છે… આખું ગીત મનની ઈચ્છા કંઈ અને થતી હકીકત કંઈની કશ્મકશના રંગોથી રંગાયું છે…
ધૂમ્ર વિખરાયો ન તો ધૂણી ઠરી વરસો સુધી,
નામ એ જલતું રહ્યું બે અક્ષરી વરસો સુધી.
ત્યાં પછી ક્યારેય ના ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.
ગોખલે, નળિયે ફફડતા ચોંકતા પંખી સમી,
ઉમ્ર એ માહૌલમાં ઊડતી ફરી વરસો સુધી.
સૂર્ય- સડકે રેબઝેબ રઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ના જાણ એની થઈ જરી વરસો સુધી.
ક્યાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ ?
કેટલી પ્યાલી ભરી, ખાલી કરી વરસો સુધી.
ફૂલ-પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
એવી અફવાઓ ઊગી, ખીલી, ખરી વરસો સુધી.
મેઘલી સાંજે હવે આજે અચાનક થઈ સજળ,
પથ્થરી આંખે ન ફૂટ્યું જળ જરી વરસો સુધી.
-કિસન સોસા
નિતાંત પ્રતીક્ષાની ઋજુ મુસલસલ ગઝલ. પ્રિયપાત્રનું નામ એ કદી ન બુઝાય એવી ધૂણી છે. સૂર્યનું પ્રતીક કિસનભાઈનું ચહીતું છે. એમના મોટાભાગના કાવ્યસંગ્રહના નામમાં પણ સૂર્યના દર્શન થાય છે. ધુમાડા અને આગથી શરૂ થઈ બારી, ગોખલા, સડક, બગીચામાં રઝળતી ઈંતેજારી અંતે આંખમાં આંસુ બનીને ઠરે છે ત્યારે એક ડૂમો આપણી ભીતર પણ ભરાતો હોય એવું નથી અનુભવાતું ?
હઠે તિમિરના થરો લઘુક જ્યોતિરશ્મિ થકી,
ધીમી અનિલ-લ્હેરખી પણ ભરે
અહો જડ સૂકેલ પર્ણ-ઢગમાં કશી ચેતના !
અને કથવું શું ?
જરીક ચમચી જ છાશ થકી દૂધ થાતું દધિ;
કરી શકું ન શું
પ્રયાસ મહીં માહરા તવ મળે અમીદૃષ્ટિ જો ?
-ગીતા પરીખ
પ્રિયજનની એક જ અમીદૃષ્ટિ જીવનમાં કેટલું વિધાયક પરિણામ લાવી શકે છે એની વાત કવિ ત્રણ નાનકડાં ઉદાહરણથી કેવી સુપેરે સમજાવે છે ! નાના અમથા પ્રકાશના કિરણ વડે અંધારાના થર હટી જાય છે, ધીમી સરખી પવનની લહેરખી સૂકાં પાનનાં ઢગલામાં ચેતના આણે છે અને ચમચીક છાશના મેળવણથી દૂધ દહીં બની જાય છે…
પૃથ્વી છંદમાં લખાયેલું આ લઘુકાવ્ય કેવું ચોટુકડું બન્યું છે !