બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
મરીઝ

મુક્તિ – સુનિલ ગંગોપાધ્યાય

એક માણસ મુક્તિફળ લેવા ગયો હતો
એણે કહેલું, હું પાછો આવીશ
                                રાહ જોજે.

ખબર નથી એ ક્યાં ગયો છે
ક્યા એકાકી હિમ અરણ્યમાં 
                                કે કોઈક નીલિમા-ભૂખ્યા પહાડને શિખરે
ખબર નથી એની સામે કેવી આકરી મુશ્કેલીઓ ખડી છે
ખબર નથી એ કેવા અસહનીય સાથે
                   સંગ્રામ ખેલે છે.
એણે મુક્તિફળ લાવવાનું કહેલું
                    એણે રાહ જોવાનું કહેલું

હું બાર વર્ષ એની રાહ જોઈશ
એ પછી પણ જો એ પાછો નહિ આવે તો
                    મારે જવું પડશે.

હું પણ પાછો નહિ આવું તો જશે મારાં સંતાનો.

– સુનિલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

કવિ એવા મુક્તિફળની વાત કરે છે જે લઈને કોઈ પાછું આવતું (ને કદાચ આવવાનું પણ) નથી. વચનની કિંમત છે અને ધ્યેયની ઈજ્જત છે. આ ધ્યેયને છોડી દેવાનું તો વિચારી શકાય એમ પણ નથી. એક પછી એક પેઢી હોમાતી જાય તો પણ આ શોધ ચાલુ જ રહેવાની છે.

આ આખી વાત વાંચીને હસવું આવે – ભલા આવા મુક્તિફળ પાછળ સમય બગાડવાની શું જરૂર છે ? જેના હોવા કે ન હોવા વિષે પણ ખબર નથી એની પાછળ જીંદગી બગાડવાની શી જરૂર છે ? જે લઈને કોઈ કદી પાછું આવ્યું નથી એની પાછળ એક પછી એક પેઢીઓએ ઢસડાવાની શું જરૂર ? …..

પણ હકીકત તો એ છે કે આખી દુનિયા સદીઓથી આ જ કામ કરી રહી છે ! કોઈએ ખરી મુક્તિ જોઈ નથી પણ એને પામવાની ઈચ્છા જગતની શરૂઆતથી આજ લગી ચાલ્યા જ કરી છે. આ ઘાણીમાંના બળદ જેવી વૃત્તિ છે કે પછી એક ચિંતન-વંતી, સ્વપ્ન-ગર્વિત, બાહોશ પ્રજાનું લક્ષણ છે ?

એ તો તમે જાણો !

7 Comments »

  1. વિવેક said,

    April 15, 2009 @ 1:31 AM

    અદભુત કવિતા… જેટલી સરળ ભાસે છે એટલી જ ઊંડી!!!

  2. santhosh said,

    April 15, 2009 @ 1:42 AM

    अच्छी ब्लॉग हे / आप की लेखनी पड़कर बहुत खुश हुवा / आप गुजराती मे टाइप करने केलिए कौनसी टाइपिंग टूल यूज़ करते हे ?

    रीसेंट्ली मैने यूज़र फ्रेंड्ली इंडियन लॅंग्वेज टाइपिंग टूल केलिए सर्च कर रहा ता, तो मूज़े मिला… ” क्विलपॅड “… आप भी ‘क्विलपॅड’ http://www.quillpad.in को यूज़ करते हे क्या…?

  3. pragnaju said,

    April 15, 2009 @ 6:34 AM

    હું બાર વર્ષ એની રાહ જોઈશ
    એ પછી પણ જો એ પાછો નહિ આવે તો
    મારે જવું પડશે.

    હું પણ પાછો નહિ આવું તો જશે મારાં સંતાનો.

    કોઈએ ખરી મુક્તિ જોઈ નથી પણ એને પામવાની ઈચ્છા જગતની શરૂઆતથી આજ લગી ચાલ્યા જ કરી છે…ચીંતન માંગી લે તેવી અદભૂત દ્રુષ્ટિ

  4. sudhir patel said,

    April 15, 2009 @ 9:26 AM

    સુંદર ચિંતનાત્મક કવિતા અને એવું જ માર્મિક રસ-દર્શન!
    ગીતામાં પણ આ મુક્તિ માટેની મથામણ અને એનાં ઉપાયોની ચર્ચા છે જ.
    સુધીર પટેલ.

  5. Pinki said,

    April 15, 2009 @ 10:18 AM

    સુંદર……. માર્મિક રચના !!

  6. ઊર્મિ said,

    April 15, 2009 @ 10:38 AM

    સ-રસ ગહન કવિતા… અને મજાનો આસ્વાદ પણ !

  7. Pinki said,

    April 16, 2009 @ 12:35 AM

    કિરણભાઈએ કહ્યું એમ,

    મુક્તિ માટે કંઈ ખુલાસા જોઈએ,
    પ્રાણ ત્યાગું એટલું કાફી નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment