વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.
– અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કિસ્મત કુરેશી

કિસ્મત કુરેશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નયન કાળાં – કિસ્મત કુરેશી

ભ્રમરના સંગના રંગે નથી થાતાં સુમન કાળાં
ગિરિની શ્યામ છાયાથી કદિ ના થાય વન કાળા.

ગળ્યા જે અંધારે, રંગ પાછા કાઢવા પડશે,
અમાસી રાતથી ના થઈ શકે નીલાં ગગન કાળા.

ઘણીએ ચીજ આલમમાં નથી તજતી અસિલયતને,
વસીને કોલસા વચ્ચે નથી પડતાં રતન કાળા.

નિહાળી હું શકું છું ઉજળાં મન ઓથમાં એની,
નથી ભરમાવી શકતાં મારી દૃષ્ટિને વદન કાળાં.

કહે છે કોણ કે કાળાશ પણ મોહક નથી હોતી?
રૂપાળા હર વદન પરનું આકર્ષણ નયન કાળાં.

રખે સાબિત કરે મરનારનાં એ કામ કાળાંને ,
જગત એથી જ કોઈને નથી દેતું કફન કાળાં.

તિખારાને રુપાળા રંગ સાથે શી અદાવત છે?
કે ‘કિસ્મત’, આગ ચાંપી એ કરી દે છે ચમન કાળાં.

– કિસ્મત કુરેશી

પરંપરાના શાયરની સાદ્યંત સુંદર રચના…

Comments (1)

એ નહીં મળે – કિસ્મત કુરૈશી

રોકી લે અશ્રુધાર, હવે એ નહીં મળે,
આશાનો દીપ ઠાર, હવે એ નહીં મળે.

અંધારે જે ન આવ્યાં, શું આવે ઉજાસમાં ?
ખીલી ગયું સવાર, હવે એ નહીં મળે.

પગલાં ન થાય એનાં કદી પાનખર વિશે,
વીતી ગઈ બહાર, હવે એ નહીં મળે.

મન, એને જીતવાના નકામા છે ઓરતા,
આપી ગયા જે હાર, હવે એ નહીં મળે.

જન્મારાના ફળ્યા ન અજંપા-ઉજાગરા
જંપી જા મારા પ્યાર, હવે એ નહીં મળે.

કિસ્મતને એ જ કહેવાને આવી ચડી કઝા,
જેનો છે ઈંતેઝાર, હવે એ નહીં મળે.

– કિસ્મત કુરૈશી

એ નહીં જ મળેની ખાતરી દરેક શેર સાથે પ્રબળતમ થતી હોવા છતાં નિરાશાનો સૂર બળકટ થતો નથી એ વાત ધ્યાન ખેંચે છે…

Comments (7)

મુક્તક – કિસ્મત કુરેશી

એક કોરે કાળજું ને એક કોરે છે શિલા,
કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય;
કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં,
એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.

– કિસ્મત કુરેશી

Comments (5)

SIX -ભાષી ગઝલ – કિસ્મત કુરેશી

जब इबादत की हमें फ़ुरसत मिली,                    (ઉર્દૂ)
ચાલતા’તા શ્વાસ ત્યારે આખરી.                        (ગુજરાતી)

मन खुदारा दोस्ते मन दारम हनोज़,                   (ફારસી)
ના મને એથી તો દુનિયાની પડી.                     (ગુજરાતી)

In the desert stream I couldn’t find,   (અંગ્રેજી)
પ્રાણ મુજ તરસ્યા રહ્યા’તા તરફડી.                    (ગુજરાતી)

तस्य वचनम् – संभवामि युगे युगे,                    (સંસ્કૃત)
આશ દર્શનની ન શાને રાખવી ?                        (ગુજરાતી)

प्राप्त की किस्मत ने ईश्वर की कृपा,                      (હિન્દી)
SIX-ભાષી આ ગઝલ એણે રચી.                      (ગુજરાતી)

– કિસ્મત કુરેશી

લયસ્તરો પર આજકાલ મિશ્રભાષી ગઝલો ની મોસમ ખીલી છે. ક્યારેક ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ, ઊર્મિની હિંદી રદીફવાળી तेरे जाने के बाद અને तेरे आने के बाद તો પંચમની ગઝલ બનતી નથીની વાત પર સત્તર શેરની લાં..બીલચ્ચ ગઝલ. આવી ઋતુમાં IPL 20-20 મેચના DLF maximum જેવો એક છગ્ગો… એક જ ગઝલમાં છ-છ ભાષાઓ વણી લઈને 1989માં લખાયેલી કિસ્મત કુરેશીની એક મજાની ગઝલ…

(मन खुदारा दोस्ते मन दारम हनोज़, ના મને એથી તો દુનિયાની પડી = હું ખુદા માટે છું અને અત્યાર સુધી ઈશ્વરને જ મારા મિત્ર તરીકે રાખ્યો છે એથી જ તો મને આ દુનિયાની કંઈ પડી નથી. ) (આ ફારસી મિસરાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરવા બદલ આઝમ ઘડિયાળી અને રઈશ મનીઆરનો આભાર!)

Comments (20)