ઇચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવી’તી તાળી.
-રાજેન્દ્ર શુક્લ

સાંજ પડે ને… – રિષભ મહેતા

સાંજ પડે ને તું યાદ આવે; સાંજ પડે ને…
ટહુકો પણ પાંખો ફફડાવે ! સાંજ પડે ને…

મન હવે છે પાંખ વગરના પંખી જેવું
ઝાડ ભલેને ડાળ નમાવે; સાંજ પડે ને…

કટાઈ ગયેલી એકલતા સાથે જીવવાનું
દીવો એકાંતો ચળકાવે સાંજ પડે ને…

શબ્દો ગોઠવતા રહેવાનો યત્ન કરું છું
થાકેલી એક પંક્તિ આવે સાંજ પડે ને…!

કેવળ તારા એક જવાથી શું શું ખોયું ?
સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…

શ્વાસ કહો; નિશ્વાસ કહો; ભરતા રહેવાનું
હવા મને એવું સમજાવે સાંજ પડે ને…

પડછાયો પણ ઘરમાં મારી સાથ ન આવે
ઉજ્જડતા એને અકળાવે સાંજ પડે ને…

– રિષભ મહેતા

સાંજનો રંગ ઉદાસીનો રંગ છે. સાંજના રંગ જેમ જેમ વધુ ઘુંટાતા જાય છે, પ્રિયજનની યાદ બળવત્તર બનતી જાય છે. ઝાડ ભલે ઝુકીને આમંત્રણ આપે પણ પાંખ વગરના પંખી જેવું મન ક્યાંથી ઊડી શકવાનું ? સાંજના અંધારામાં પંડનો પડછાયો પણ અદૃશ્ય થઈ જાય છે, કદાચ પ્રિયજનના ન હોવાની ઉજ્જડતા એને અકળાવતી હશે ?

25 Comments »

  1. mukesh Variawa, Surat said,

    May 7, 2009 @ 1:22 AM

    શબ્દો ગોઠવતા રહેવાનો યત્ન કરું છું
    થાકેલી એક પંક્તિ આવે સાંજ પડે ને…!

    પડછાયો પણ ઘરમાં મારી સાથ ન આવે
    ઉજ્જડતા એને અકળાવે સાંજ પડે ને…

    ખુબ સરસ. પાન લિલુ જોયુ ને તમે યાદ આવ્યા ગિત યાદ આવિ ગયુ.

  2. Priyjan said,

    May 7, 2009 @ 1:34 AM

    “કેવળ તારા એક જવાથી શું શું ખોયું ?
    સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…”

    જાય છે ત્યારે એક વ્યક્તિ જ નથી જતી એની સાથે ગણુ બધુ જાય છે અને ખરેખર એનો કોઇ હિસાબ નથી માંડી શકાતો……પ્રિયજન ને બેફામ ઝીલ્યા પછી ખાલીપો પણ બેફામ જ હોય – કોઈ પણ હિસાબ વગરનો !!!

  3. pragnaju said,

    May 7, 2009 @ 3:12 AM

    શ્વાસ કહો; નિશ્વાસ કહો; ભરતા રહેવાનું
    હવા મને એવું સમજાવે સાંજ પડે ને…

    પડછાયો પણ ઘરમાં મારી સાથ ન આવે
    ઉજ્જડતા એને અકળાવે સાંજ પડે ને…
    સુંદર
    યાદ આવી
    અવ્યક્ત પાનખર
    કોણ જાણે ક્યાં લાગી,
    વાતો કરતા રહ્યાં વૃક્ષો
    વસંતની, અને નગરના દરવાજે
    પાનખરનો રાજ્યાભિષેક થઈ ગયો
    હું હવે
    ફૂલ થઈ ખીલવાને બદલે
    કોશેટો થાઉં કદાચ
    એક કવચ તો મળે સલામત
    જવા દો વાત જ
    સબંધોના અર્થ ખોવાઈ જાયે
    એટલી હદે એકલતા
    જેમ કે લીલાછમ માંડવાનો
    તાજો કોલાહલ એક કમનીય
    વળાંક લઈ લે પછી બધું જ
    બધ્ધું જ ખાલીખમ્મ
    એકલતાથી ઘેરાઈ જઈએ તો
    ત્રિરાશી માંડવી કઈ રીતે ?
    એમાં પણ ત્રણ અંક તો જોઈએ જ
    આ લાંબી રાતના કાળમીંઢ
    કારાવાસની બારીમાંથી ડોકિયું
    કરી જોઉં તો
    હું ચારેકોર અંધકારમાં
    તલખવલખ
    રહી નથી હવે રિસાવવા મનાવવાની મોસમ
    છે ફક્ત ઓશિકા પલાળવાની મોસમ
    એક એક ડાળી પર પાનખરના પગલાં
    પવનનાં કલ્પાંત વચ્ચે
    મારામાં જાણે રોપાઈ રહી છે
    એક અવ્યક્ત પાનખર
    જ્યારથી તું નથી
    યામિની

  4. Pinki said,

    May 7, 2009 @ 6:16 AM

    સાંજ પડે ને… સરસ રદ્દીફ !!

    શબ્દો ગોઠવતા રહેવાનો યત્ન કરું છું
    થાકેલી એક પંક્તિ આવે સાંજ પડે ને…!

    સાંજ જેવાં જ અવનવાં ગઝલનાં રંગો…. !!

  5. sudhir patel said,

    May 7, 2009 @ 7:36 AM

    ખૂબ જ સરસ ગઝલ! મજા આવી.
    પ્રજ્ઞાબેનના પ્રતિભાવમાં યામિનીનું ‘અવ્યક્ત પાનખર’ કાવ્ય પણ એટલું જ દર્દ સભર!
    સુધીર પટેલ.

  6. ઊર્મિ said,

    May 7, 2009 @ 10:00 AM

    ખૂબ જ સુંદર ગઝલ… મને તો એનો રદીફ બહુ ગમી ગયો… “સાંજ પડે ને…”

    સાંજ પડે ને તું યાદ આવે; સાંજ પડે ને…
    ટહુકો પણ પાંખો ફફડાવે ! સાંજ પડે ને…

    કેવળ તારા એક જવાથી શું શું ખોયું ?
    સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…

    આ બે અશઆર ખૂબ જ ગમી ગયા…!

    “હવા” ને ગા તરીકે લીધું છે એ જરા કઠ્યું…!

  7. sapana said,

    May 7, 2009 @ 11:12 AM

    સરસ ગઝલ!
    સાંજ પડે એટલે પ્રિયજનની યાદ ખરેખર બળવત્ત થાય છે.દિલમાંથી આહ નીકળે તો આવી જ ગઝલ લખાય.
    સપના

  8. sunil shah said,

    May 7, 2009 @ 1:06 PM

    મસ્ત મઝાની ગઝલ…
    બધા જ શેર સુંદર થયા છે.

  9. Pancham Shukla said,

    May 7, 2009 @ 6:37 PM

    ગાગા ગાગા ગાગા ગાગા, ગાગા ગાગા

    ના આવર્તનોમાં આટલી સુંદર ગઝલ ત્યારે જ શક્ય બને જ્યારે છંદ અને લય પર પાકી હથોટી હોય અને સંગીતની ઊંડી સમજ હોય. આજથી લગભગ ૧૬ વર્ષ પહેલા દાહોદમાં (પરવેઝના ઘરે) એમને હાર્મોનિયમ વગાડતાં અને ગાતા સાંભળ્યાનું સાંભરણ આછું આછું યાદ આવે છે.

    મજ્જનેી વાત તો એ છે કે અહીં પાછું ગીતની જેમ ‘સાંજ પડે ને…’ રદ્દીફ્નું ત્રણ ટપકાથી ચાલુ રહેવું એ દરેક શેરનું મત્લાના પહેલા મિસરા સાથે અનુસંધાન છે એમ પણ સૂચિત કરે છે. એટલે કે ફ્ફડાવે, નમાવે જેવા કાફિયા પછી પાછું ‘સાંજ પડેને તું યાદ આવે’ નું આખું પુનરાવર્તન બેવડે દોર કાફિયાને અનુપ્રાસનું સૌષ્ઠવ આપે, અને ગાગા ના ૬ આવર્તનને બદલે ૮ આવર્તનનો પ્રવાહી લય પણ મળે.

    ઊર્મિ,
    “હવા મને એવું સમજાવે સાંજ પડે ને…” માં હવાને ‘ગા’ તરીકે નહીં પણ ‘લગા’ તરીકે જ લીધું હોય એવું મને લાગે છે. ‘લગા ગાલ’ કે ‘ગાલ લગા’ એ ‘ગાગાગા’ના માપમાં બેસી શકે. વિવેકભાઈનું શું કહેવું છે?

  10. ધવલ said,

    May 7, 2009 @ 6:59 PM

    કેવળ તારા એક જવાથી શું શું ખોયું ?
    સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…

    પડછાયો પણ ઘરમાં મારી સાથ ન આવે
    ઉજ્જડતા એને અકળાવે સાંજ પડે ને…

    બહુ સરસ ! ‘સાંજ’ના ત્રણ પ્રિય શેર સાથે યાદ કરી લીધા – https://layastaro.com/?p=90

  11. urvashi parekh said,

    May 7, 2009 @ 8:25 PM

    કેવળ એક તારા જવાથી શું શું ખોયુ?
    સરવાળો કરતા ના ફાવે સાંજ પડે ને…
    ખુબ જ સરસ…

  12. Gaurang Thaker said,

    May 7, 2009 @ 10:54 PM

    મન હવે છે પાંખ વગરના પંખી જેવું
    ઝાડ ભલેને ડાળ નમાવે; સાંજ પડે ને…
    કેવળ તારા એક જવાથી શું શું ખોયું ?
    સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…
    વાહ વાહ બહુ સરસ ગઝલ છે.પણ ત્રીજા શેરંમાં એકાંતનુ બહુવચન એકાંતો કઠે છે

  13. deepak said,

    May 7, 2009 @ 11:49 PM

    સાંજ પડે ને તું યાદ આવે; સાંજ પડે ને…/
    ટહુકો પણ પાંખો ફફડાવે ! સાંજ પડે ને…/

    મન હવે છે પાંખ વગરના પંખી જેવું /
    ઝાડ ભલેને ડાળ નમાવે; સાંજ પડે ને…

    કેવળ તારા એક જવાથી શું શું ખોયું ?
    સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…

    ખુબ જ સરસ…

    આમ તો બધાજ શેર સરસ છે….

  14. વિવેક said,

    May 8, 2009 @ 12:32 AM

    ગાગાગાગા ગાગાગાગા, ગાગાગાગા

    -અહીં ગાગાગાગાના આવર્તનની જગ્યાએ લગાલગાગા અથવા ગાલલગાગા અથવા ગાલગાલગા લઈ શકાય. એ પ્રમાણે ગઝલમાં છંદ યોગ્ય જ જળવાયો છે.

    પંચમભાઈ મજાની વાત કરી.. સાચે જ આ ગઝલ એક ગીતનુમા ગઝલ છે… અધૂરી રહી જતી રદીફ દર વખતે મત્લાના શેર સાથે પુનઃસંધાન પ્રાપ્ત કરતી હોય એમ લાગે જાણે કે એક ઊછળતું કૂદતું ઝરણું વારંવાર સાગરને ભેટવા ન દોડતું હોય…

    ગૌરાંગભાઈની વાત પણ સાચી છે… એકાંતનું બહુવચન કરવું જરા ખટકે એવું છે…

  15. Mukti Shah said,

    May 8, 2009 @ 1:01 AM

    શ્વાસ કહો; નિશ્વાસ કહો; ભરતા રહેવાનું
    હવા મને એવું સમજાવે સાંજ પડે ને…!!

    એકદમ સાચ્ચી વાત…કાશ, કોઇ કહે માનવીને કે કેટલા શ્વાસોચ્છવાસ આમ જ ભરતા ને કાઢતા રહેવાનું છે? ક્યાં સુધી? આખરે ક્યાં સુધી આમ ને આમ આ ઉજ્જડ શ્વાસોચ્છવાસના સરવાળા બાદબાકી કરતા રહેવાનું?

  16. Bhargav said,

    May 8, 2009 @ 2:38 AM

    વાહ,
    છંદ ની મને તો બહુ ખબર નથી પડતી, પણ જેમ જેમ વાંચતો ગયો,
    તેમ તેમ મજા વધતિ જ ચાલી…..
    એક પછી એક શેર ચડિયાતા છે….

    આવુ ને આવુ સાહિત્ય બનતુ અને પિરસાતુ રહ્યુ તો કોણ કેહે છે કે ગુજરાતી લાંબુ નહી ખેંચે.

    આભાર,
    રિષભભાઈ
    ધવલભાઈ

  17. Mukti Shah said,

    May 8, 2009 @ 7:33 AM

    વિવેકભાઈ આ ગઝલની composition date જણાવી શકશો?

  18. Mukti Shah said,

    May 8, 2009 @ 7:34 AM

    sorry, not the composition date; but the date of publication.

  19. વિવેક said,

    May 8, 2009 @ 7:57 AM

    પ્રકાશન તારીખ?

    મુક્તિ, એ હું કઈ રીતે કહી શકું? વધારેમાં વધારે હું નવનીત સમર્પણના એ અંકનો મહિનો જણાવી શકું જેમાંથી મેં આ ગઝલ વાંચી હતી…

  20. Mukti Shah said,

    May 9, 2009 @ 5:58 AM

    oh ok. મને એમ હતું કે એમનાં કોઇક collection માં પ્રકાશિત થઈ હશે…

  21. બંકિમ said,

    May 9, 2009 @ 7:51 PM

    ખરેખર એક સુંદર ,યાદ રહી જાય તેવી ગઝલ.વાહ!

  22. Ateet said,

    May 19, 2009 @ 12:23 AM

    This gazal is written on 25-November-2007.

  23. Just 4 You said,

    July 30, 2009 @ 11:59 PM

    સાંજ પડે ને તું યાદ આવે; સાંજ પડે પણ તું ન આવે…

    શ્વાસ કહો; નિશ્વાસ કહો; ભરતા રહેવાનું
    હવા મને એવું સમજાવે સાંજ પડે ને…

    પડછાયો પણ ઘરમાં મારી સાથ ન આવે
    ઉજ્જડતા એને અકળાવે સાંજ પડે ને…

  24. કુણાલ said,

    April 29, 2011 @ 1:46 AM

    excellent gazal …. strange thing is I saw this one for the first time !!

  25. Aparna said,

    April 30, 2011 @ 4:12 AM

    I wouldl like to wirte in GUJLISH!!!!
    Atyant Hridaysparshi Gazal.
    Prem ma swas ane niswaas na sarwala ne badbaki karvani maja j kain alag chhe.
    Ane virah ma je maja che te milan ma nathi………………………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment