કરે છે એક ને પીડાય છે બીજો જ સતત
પુરુ છે દેહ ને મન આપણું યયાતિ છે.
ડેનિશ જરીવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પંચમ શુક્લ

પંચમ શુક્લ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કપૂરી સુગંધો – પંચમ શુક્લ

મિલન-પળ અધૂરી કદી આવજો ના,
કશી બેસબૂરી કદી આવજો ના.

અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિનજરૂરી કદી આવજો ના.

સૂરજને ન હોયે જરાયે રહેમ તો,
આ રણમાં ખજૂરી કદી આવજો ના.

ન દેતી ગડેડાટ, વર્ષા, ન ભીનપ,
નયનમાં બિજુરી કદી આવજો ના.

ઊડી જો જવાની ઘડીભરમાં હો તો,
સુગંધો કપૂરી કદી આવજો ના.

અડો ત્યાં બિડાતી છૂઈમૂઈની માફક,
પરસમાં ફિતૂરી કદી આવજો ના.

જળેલો ય ગમછો ન પસવારે કોઈ,
તો મીઠી વલૂરી કદી આવજો ના.

છે સ્વપ્નોની પીડા દિવાસ્વપ્નોથી કમ,
અનિદ્રા મધુરી કદી આવજો ના.

પ્રણયની આ ખાટીમીઠી જહાંગીરીમાં,
જૂઠી જીહજૂરી કદી આવજો ના.

છે ધપવાનું ખાંડાની ધારે સુમારે,
કદમ પર કસૂરી કદી આવજો ના.

અહલ્યાની શિલા રહે ના સદાયે,
સદાની નિઠુરી કદી આવજો ના.

– પંચમ શુક્લ

આજે 20:20ના જમાનામાં બહુ ઓછા કવિઓ લાંબી ગઝલ લખવી પસંદ કરે છે પણ પંચમભાઈ રાજેન્દ્ર શુક્લના ભત્રીજા છે… એ લાંબી ગઝલ તો લઈને આવ્યા જ છે, સાથે “કદી આવજો ના” જેવી શરતવાચક નિભાવવી અઘરી પડે એવી રદીફ પણ લાવ્યા છે પણ લગભગ બધા જ શેરમાં કવિએ રદીફ બ-ખૂબી નિભાવી છે અને સરવાળે આપણને મળે છે એક સાદ્યંત સંતર્પક રચના…

*

પરસ : સ્પર્શ
ફિતૂરી: નખરાંબાજી, ઢોંગ
જળેલું: જૂનું, જીર્ણ, ઘસાયેલું
ગમછો: ટુવાલ,શરીર લૂછવાનું કપડું
જહાંગીરી : આપખુદી, જોહુકમી, અમીરી
સુમારે: અટકળે, અંદાજે, હિસાબે
કસૂરી: ભૂલચૂક, ખામી, અપરાધ, દોષ

Comments (5)

નિર્વ્યાજસ્તુતિ – પંચમ શુક્લ

IMG_9422

તમે સનાતન લીલા ભગવન્ …
અમે વિનાશી ટીલાં ભગવન્ …

તમે કપિ સુગ્રીવના સ્નેહી,
અમે અબુધ ગોરીલા ભગવન્ …

તમે સહસ્રાક્ષોની દૃષ્ટિ,
અમે ગૌતમીશીલા ભગવન્ …

તમે નેતરાં મંદરાચળના,
અમે ધૂંસરાં ઢીલાં ભગવન્ …

તમે અગોચર પવનપાવડી,
અમે રગશિયા ચીલા ભગવન્ …

તમે અહર્નિશ જલઅંબુજવત્ …
અમે હમેશા गीला ભગવન્ …

– પંચમ શુક્લ

જીવ અને શીવઃ આ વિષય પર ઘણા કાવ્યો છે. પણ આ કાવ્યની અલગ મજા છે. કલ્પનોની નવીનતા અને શબ્દોની પસંદગી તો દાદ માંગી લે તેવી છે જ. એ ઉપરાંત, આટલા ગહન-ગંભીર વિષયના કાવ્યમાં પણ સૂક્ષ્મ વિનોદ વણી લીધો છે એ અલગ.

Comments (12)

યુનિકોડ ઉદ્યોગ – પંચમ શુક્લ

અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
બિલાડીના ટોપ સમાં
અહીં તહીં લ્યો ઊગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

છપ્પનિયાના હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફાં ભરડી ભરડી-
બે હાથે આરોગે શબ્દોઃ કવિ, લેખક, સહુ લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

સેલ્ફ-પઝેસ્ડ સંચાર જણાયો સન્નિધ સહજ યોગ.
બુદ્ધિ લચીલી, તૂર્તજ ખીલી,
ઝબકારે ઝીલી રજ્જુહીન સંયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુશાસન રચતું નિરાકાર આયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

હૃસ્વ-ઇ, દીર્ઘ-ઈ, ઊંઝો-વીંઝો, તોડો-જોડો કે મચકોડો,
લલિત લઠંગ ઘટા ઘાટીલી
રૂપ ધરે, બહુરૂપ વરે
ને અડકો ત્યાં રોમાંચ સરે,
આ રતિક્રીડા કે અર્થોનું ઉત્થાન અરે!
વર્ણ વર્ણનું છદ્મ-સંકરણ કરે ઉઘાડે-છોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

યુનિકૉડના સહજ પ્રવેશે
કુંચન-મર્દનને અનુસરતો
ફૉન્ટલૅસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

– પંચમ શુક્લ

આજે ઈન્ટરનેટ યુગનું ગીત માણો. એમાં વાંસળી, રાધા, વર્ષા કે પ્રેમ કશું નથી. એમાં તો યુનિકોડ, ફોન્ટ ને બ્લોગની વાત છે 🙂

આ કવિતાનું નામ ‘યુનિકોડ ઉદ્યોગ’ કેમ છે ઘણા લોકોને ખ્યાલ નહીં આવે. માંડીને વાત કરું તો આજે જે તમે ઈંટનેટ પર જરાય તકલીફ વગર ગુજરાતી (ને બીજી બધી ભારતીય ભાષાઓ) વાંચી શકો છો એ સાહેબી છેલ્લા પાંચ વર્ષમાં જ ઊભી થઈ છે. એ પહેલા બધા અલગ અલગ જાતના ‘ફોન્ટ’ વાપરતા. દરેક વેબસાઈટ દીઠ જુદા ફોન્ટ એટલે એક લખે તે બીજાને ન વંચાય. દરેક ફોન્ટ દીઠ વળી જુદા કી-બોર્ડ લે-આઉટ હતા. ટૂંકમાં કહું તો ઈન્ટરનેટ પર ગુજરાતી વાંચવા-લખવાનું કામ મહીના કોતરમાંથી રસ્તો કાઢવા જેવું હતું.

આ બધી સમસ્યાનો ઉકેલ જે જાદુઈ ચિરાગથી આવ્યો એ ચિરાગ તે યુનિકોડ. બધે એકસરખી રીતે ગુજરાતી લખાય અને વંચાય એ યુનિકોડથી જ શક્ય બન્યું. અને એકવાર આ યુનિકોડનો પ્રયોગ શરૂ થયો એટલે ચારે બાજુથી ઉત્સાહી લોકોએ ગુજરાતીને ઈન્ટરનેટ પર મૂકવાનું કામ શરૂ કર્યું. આ રીતે શરૂ થયો – યુનિકોડ ઉદ્યોગ !

કવિએ વર્ણસંકર ગીતમાં શરૂઆતમાં ગુજરાતી નેટ-જગતને નડેલા અવરોધો (ગુણવત્તાની અછત, પુખ્તતાની કમી, ઊંઝા-સાર્થ જોડણી વચ્ચેના તણખા) અને નવી સગવડો  (સર્જકોને ભાવકો સુધી પહોંચવાનો સીધો રસ્તો, લખવા-વાંચવાની સરળતા, વિશ્વવ્યાપી વાંચકગણ) બન્નેને ગીતમાં મઝાના વણી લીધા છે. આધુનિક વિષય સાથે પરંપરાગત ભાષા-પ્રયોગો સરસ ‘કોંટ્રાસ્ટ’ સર્જે છે.

Comments (10)

ગઝલ બનતી નથી – પંચમ શુક્લ

બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.

ખોખલા જઝબાતથી ગઝલ બનતી નથી,
પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી.

શ્યામ કે અવદાતથી ગઝલ બનતી નથી,
ઉષ્ણથી કે શાતથી ગઝલ બનતી નથી.

તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
પારકી પંચાતથી ગઝલ બનતી નથી.

છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.

શેરની તાકાતથી ગઝલ બનતી નથી,
બેતની તાદાતથી ગઝલ બનતી નથી.

મીરની મીરાતથી ગઝલ બનતી નથી,
ખુદાઈ ખેરાતથી ગઝલ બનતી નથી.

ખ્યાત કે અખ્યાતથી ગઝલ બનતી નથી,
જ્ઞાત કે અજ્ઞાતથી ગઝલ બનતી નથી.

સાથ કે બાકાતથી ગઝલ બનતી નથી,
એકથી કે વ્રાતથી ગઝલ બનતી નથી.

અર્થ કે અર્થાત્-થી ગઝલ બનતી નથી,
તર્કના ઉધમાતથી ગઝલ બનતી નથી.

કેમ ને કસ્માત્-થી ગઝલ બનતી નથી,
પ્રશ્નના વરસાતથી ગઝલ બનતી નથી.

બુદ્ધિના ધણિયાતથી ગઝલ બનતી નથી,
ઊર્મિની બારાતથી ગઝલ બનતી નથી.

શબ્દની સોગાતથી ગઝલ બનતી નથી,
મર્મની ઓકાતથી ગઝલ બનતી નથી.

એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી.

ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.

સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.

એમ કહીએઃ જાતથી ગઝલ બનતી નથી,
એમ નહિઃ જગ-તાતથી ગઝલ બનતી નથી!

– પંચમ શુક્લ

આ ગઝલમાં ‘ગઝલ’ શબ્દ ગઝલ માટે જ નહીં પણ જીવનમાં જે કાંઈ સૂક્ષ્મ અને સુંદર છે એ બધા માટે વપરાયો છે. જ્યાં સુધી ‘ગઝલ’ની ‘રેસિપી’માં કોઈ અગમ્ય અને અદભૂત રસ ન ભળે ત્યાં સુધી ખરા અર્થમાં સર્જન શક્ય જ નથી.

(ત્રાત=રક્ષણ, બચાવ; અવદાત=શ્વેત, વ્રાત= સંઘ, સમૂહ, કસ્માત્= શાથી, કયે કારણ; વ્યાત્ત્= ખુલ્લું, ઉઘાડું; સ્યાત્= કોઈ પ્રકાર, કોઈ અપેક્ષા, કોઈ માર્ગ)

Comments (46)

હવા અડી અગ્નિને.. – પંચમ શુક્લ

હવા અડી અગ્નિને ભડભડ ભડકો થઇ ગઇ,
ચાંદની એમજ ચળક ચળકતો તડકો થઇ ગઇ.

ચોમાસમાં છલબલ કરતી બેય કાંઠડે,
નદી ધધખતે ધોમ કણેકણ કડકો થઇ ગઇ.

લીલા ખેતર પર ચકરાતી બાજ નજર આ,
નીચે પડી ત્યાં સાંકડ-મોકડ સડકો થઇ ગઇ.

બેમાની બુધ્ધિના સઘળાં બંધ ફગાવી,
ઝલમલ ઝીણી ધડકન પાક્કો થડકો થઇ ગઇ.

ખભા ઉલાળી નીકળેલી આ મનની મસ્તી,
મજા પડી ત્યાં અડુક-દડુક બસ દડકો થઇ ગઇ.

– પંચમ શુક્લ

આ ગઝલમાં મને તો બુધ્ધિના બંધનો તોડીને ધડકન થડકો થઈ ગઈ એ શેર ખાસ પસંદ પડી ગયો છે. ઉપરાંત, ખેતરને પચાવી પાડવા માટે બાજની જેમ ચકરાતી નજરો જ્યારે આખરે ખેતર પર ત્રાટકવામાં સફળ થાય ત્યારે ખેતર સાંકડ-માકડ સડકોવાળું શહેર થઈ જાય છે એ વાત પણ બહુ સચોટ રીતે આવી છે. અને છેલ્લો રમતિયાળ શેર પણ ગણગણવો ગમે એવો થયો છે. આ ગઝલ મોકલવા માટે આભાર, પંચમ.

Comments (2)

પ્રસ્ફૂરણ – પંચમ શુક્લ

હાથ શ્યામલા હોમ છાંટતાં,
શૈલ ગુચ્છ પર રોમ છાંટતાં.

લોધ્ર પુષ્પ શિલીન્ધ્ર મઘમઘે,
મેઘ વૃન્દ સહુ વ્યોમ છાંટતાં.

ઇન્દ્રકેત આચ્છાદ વાયરે,
સ્વર્ણભસ્મરજ ભોમ છાંટતાં.

જાત્ય વર્ષતાં પર્ણ નીલજલ,
જલજ બિંમ્બ જલ જોમ છાંટતાં.

ગ્રહ નિશીથ સોલ્લાસ ઝરમરે,
ખર્વ ખર્વ હરિઓમ છાંટતાં.

– પંચમ શુક્લ

આ ગઝલ વિષે પંચમભાઈ કહે છે, પ્રસ્ફૂરણ એટલે વિશિષ્ટ સ્ફૂરણ…દૈવી વર્ષા! આમ મુખ્ય ભાવ છે વર્ષાનો પરંતુ પ્રાચીન પતીકો અને શબ્દાવલિઓનો વિનિયોગ અને ગઝલનું કલેવર વર્ષાનાં એક જુદા જ ભાવ વિશ્વનું નિર્માણ કરે છે. જાણે કે ઈન્દ્ર સ્વયમ આહુતિ રૂપે પર્વત શૃંગો પર લીલા ઘાસ રૂપી રોમવલ્લીનું નિર્માણ કરે છે. હિમાલય પર થતા લોધ્ર અને શિલીન્ધ્ર  પુષ્પો આખું આકાશ ભરીને મઘમઘે એવો મેઘ વરસે છે. વર્ષા ભીની પવન લહેરમાં ઇન્દ્ર્કેતનો છોડ એના સ્વર્ણપરાગે ભૂમિને સોનેરી કરી દે છે. પાંદડા પરથી હળવેથી ટપકતાં આભજળનાં બિમ્બો નવા જોમનું સિંચન કરે છે. જાણે કે બ્રહ્માંડ આનંદિત થઈને અગણિત ‘હરિઓમ’ નાદનો છંટકાવ કરે છે.

પ્રાકૃત શબ્દો અને પૌરાણિક રૂપકોનો ઉપયોગ આ ગઝલને જુદી જ શ્રેણીમાં મૂકી દે છે. પહેલી વાર વાંચતા આનો અર્થ મને પણ કાંઈ સમજાયલો નહીં, એ હવે વારંવાર વાંચ્યા પછી અને કવિની ‘હીંટ્સ’ની મદદથી સમજાયો. આ વાંચતા શ્રી હરિવલ્લભ ભાયાણીએ સંસ્કૃતમાંથી અનુવાદ કરેલા મુકતકો ને સુભાષિતોની યાદ આવી જાય છે.

Comments (1)

એ તો કો’ ! – પંચમ શુક્લ

કડક સાદ દઈ ડાંટું કોને એ તો કો’ !
વાંક વગર ગાળાટું કોને એ તો કો’ !

એલફેલ આ લાગે એને, કરવું શું ?
મારું આ દુ:ખ બાંટું કોને એ તો કો’ !

મનનો મૂંઝારો મનમાં કયાં લગ રાખું ?
હાક-છીંક થઈ છાંટું કોને એ તો કો’ !

ડફણાં ખાઈનેજ પછી કૈં સમજું છું,
જોરદાર દઉં પાટું કોને એ તો કો’ !

દાઝ્યાં ઉપર ડામ દઈને ફૂંકો દઉં,
આ હંધુયે હા’ટુ કોને એ તો કો’ !

અમથાં અમથાં અથડાવાનું, એમાં શું ?
અંધારામાં આંટું કોને એ તો કો’ !

– પંચમ શુક્લ

આ ગઝલ મોકલવા માટે પંચમ શુક્લનો ખૂબ આભાર. એમની વધારે કૃતિઓ એમના વેબપેજ પર માણી શકો છો.

Comments (4)