જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા,
સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.
શૂન્ય પાલનપુરી

કપૂરી સુગંધો – પંચમ શુક્લ

મિલન-પળ અધૂરી કદી આવજો ના,
કશી બેસબૂરી કદી આવજો ના.

અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિનજરૂરી કદી આવજો ના.

સૂરજને ન હોયે જરાયે રહેમ તો,
આ રણમાં ખજૂરી કદી આવજો ના.

ન દેતી ગડેડાટ, વર્ષા, ન ભીનપ,
નયનમાં બિજુરી કદી આવજો ના.

ઊડી જો જવાની ઘડીભરમાં હો તો,
સુગંધો કપૂરી કદી આવજો ના.

અડો ત્યાં બિડાતી છૂઈમૂઈની માફક,
પરસમાં ફિતૂરી કદી આવજો ના.

જળેલો ય ગમછો ન પસવારે કોઈ,
તો મીઠી વલૂરી કદી આવજો ના.

છે સ્વપ્નોની પીડા દિવાસ્વપ્નોથી કમ,
અનિદ્રા મધુરી કદી આવજો ના.

પ્રણયની આ ખાટીમીઠી જહાંગીરીમાં,
જૂઠી જીહજૂરી કદી આવજો ના.

છે ધપવાનું ખાંડાની ધારે સુમારે,
કદમ પર કસૂરી કદી આવજો ના.

અહલ્યાની શિલા રહે ના સદાયે,
સદાની નિઠુરી કદી આવજો ના.

– પંચમ શુક્લ

આજે 20:20ના જમાનામાં બહુ ઓછા કવિઓ લાંબી ગઝલ લખવી પસંદ કરે છે પણ પંચમભાઈ રાજેન્દ્ર શુક્લના ભત્રીજા છે… એ લાંબી ગઝલ તો લઈને આવ્યા જ છે, સાથે “કદી આવજો ના” જેવી શરતવાચક નિભાવવી અઘરી પડે એવી રદીફ પણ લાવ્યા છે પણ લગભગ બધા જ શેરમાં કવિએ રદીફ બ-ખૂબી નિભાવી છે અને સરવાળે આપણને મળે છે એક સાદ્યંત સંતર્પક રચના…

*

પરસ : સ્પર્શ
ફિતૂરી: નખરાંબાજી, ઢોંગ
જળેલું: જૂનું, જીર્ણ, ઘસાયેલું
ગમછો: ટુવાલ,શરીર લૂછવાનું કપડું
જહાંગીરી : આપખુદી, જોહુકમી, અમીરી
સુમારે: અટકળે, અંદાજે, હિસાબે
કસૂરી: ભૂલચૂક, ખામી, અપરાધ, દોષ

5 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    December 23, 2016 @ 1:48 AM

    વાહ! ક્યા બાત હૈ!
    ઊડી જો જવાની ઘડીભરમાં હો તો,
    સુગંધો કપૂરી કદી આવજો ના.

  2. Pravin Shah said,

    December 23, 2016 @ 3:05 AM

    Very nice Panchambhai… I enjoyed all shers with a radif difficult to maintain…

  3. ધવલ said,

    December 23, 2016 @ 2:19 PM

    વાહ ! આવી ગઝલોને લીધે જ તો પંચમને હું poet’s poet ગણું છું … ‘ગમછો’ જેવો મઝાનો શબ્દ તો હવે વાતચીતમા ય ક્યાંય સાંભળવા મળતો નથી … તે ગઝલમાં જોવા મળે એની મઝા જ અલગ છે !

  4. Sudhir Patel said,

    December 23, 2016 @ 11:31 PM

    અદભૂત ગઝલ ફરી માણવાની એટલી જ મજા પડી!

    સુધીર પટેલ.

  5. પંચમ શુક્લ said,

    December 24, 2016 @ 6:35 AM

    આભાર વિવેકભાઈ અને મિત્રો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment