યુનિકોડ ઉદ્યોગ – પંચમ શુક્લ
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
બિલાડીના ટોપ સમાં
અહીં તહીં લ્યો ઊગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
છપ્પનિયાના હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફાં ભરડી ભરડી-
બે હાથે આરોગે શબ્દોઃ કવિ, લેખક, સહુ લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
સેલ્ફ-પઝેસ્ડ સંચાર જણાયો સન્નિધ સહજ યોગ.
બુદ્ધિ લચીલી, તૂર્તજ ખીલી,
ઝબકારે ઝીલી રજ્જુહીન સંયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુશાસન રચતું નિરાકાર આયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
હૃસ્વ-ઇ, દીર્ઘ-ઈ, ઊંઝો-વીંઝો, તોડો-જોડો કે મચકોડો,
લલિત લઠંગ ઘટા ઘાટીલી
રૂપ ધરે, બહુરૂપ વરે
ને અડકો ત્યાં રોમાંચ સરે,
આ રતિક્રીડા કે અર્થોનું ઉત્થાન અરે!
વર્ણ વર્ણનું છદ્મ-સંકરણ કરે ઉઘાડે-છોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
યુનિકૉડના સહજ પ્રવેશે
કુંચન-મર્દનને અનુસરતો
ફૉન્ટલૅસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
– પંચમ શુક્લ
આજે ઈન્ટરનેટ યુગનું ગીત માણો. એમાં વાંસળી, રાધા, વર્ષા કે પ્રેમ કશું નથી. એમાં તો યુનિકોડ, ફોન્ટ ને બ્લોગની વાત છે 🙂
આ કવિતાનું નામ ‘યુનિકોડ ઉદ્યોગ’ કેમ છે ઘણા લોકોને ખ્યાલ નહીં આવે. માંડીને વાત કરું તો આજે જે તમે ઈંટનેટ પર જરાય તકલીફ વગર ગુજરાતી (ને બીજી બધી ભારતીય ભાષાઓ) વાંચી શકો છો એ સાહેબી છેલ્લા પાંચ વર્ષમાં જ ઊભી થઈ છે. એ પહેલા બધા અલગ અલગ જાતના ‘ફોન્ટ’ વાપરતા. દરેક વેબસાઈટ દીઠ જુદા ફોન્ટ એટલે એક લખે તે બીજાને ન વંચાય. દરેક ફોન્ટ દીઠ વળી જુદા કી-બોર્ડ લે-આઉટ હતા. ટૂંકમાં કહું તો ઈન્ટરનેટ પર ગુજરાતી વાંચવા-લખવાનું કામ મહીના કોતરમાંથી રસ્તો કાઢવા જેવું હતું.
આ બધી સમસ્યાનો ઉકેલ જે જાદુઈ ચિરાગથી આવ્યો એ ચિરાગ તે યુનિકોડ. બધે એકસરખી રીતે ગુજરાતી લખાય અને વંચાય એ યુનિકોડથી જ શક્ય બન્યું. અને એકવાર આ યુનિકોડનો પ્રયોગ શરૂ થયો એટલે ચારે બાજુથી ઉત્સાહી લોકોએ ગુજરાતીને ઈન્ટરનેટ પર મૂકવાનું કામ શરૂ કર્યું. આ રીતે શરૂ થયો – યુનિકોડ ઉદ્યોગ !
કવિએ વર્ણસંકર ગીતમાં શરૂઆતમાં ગુજરાતી નેટ-જગતને નડેલા અવરોધો (ગુણવત્તાની અછત, પુખ્તતાની કમી, ઊંઝા-સાર્થ જોડણી વચ્ચેના તણખા) અને નવી સગવડો (સર્જકોને ભાવકો સુધી પહોંચવાનો સીધો રસ્તો, લખવા-વાંચવાની સરળતા, વિશ્વવ્યાપી વાંચકગણ) બન્નેને ગીતમાં મઝાના વણી લીધા છે. આધુનિક વિષય સાથે પરંપરાગત ભાષા-પ્રયોગો સરસ ‘કોંટ્રાસ્ટ’ સર્જે છે.
Rakesh Thakkar, Vapi said,
July 19, 2011 @ 3:27 AM
ઈન્ટરનેટ યુગનું વાસ્ત્વિક ગીત
Atul Jani (Agantuk) said,
July 19, 2011 @ 3:44 AM
પંચમદા સરસ વાત લઈને આવ્યા.
અલબત્ત યુનીકોડને પણ ફોન્ટ તો જોઈએ જ – હા તે યુનિવર્સલ હોવાથી ઉપયોગ કરનારને ખબર નથી હોતી. સામાન્ય રીતે ગુજરાતી ભાષા માટે શ્રુતિ ફોન્ટનો ઉપયોગ થાય છે.
Rutul said,
July 19, 2011 @ 8:08 AM
પંચમભાઈ જોરદાર કવિતા લઈને આવ્યા છે.
જે રીતે ઈન્ટરનેટ પર માહિતી પ્રકોપ શરુ થયો છે તે જોતા તેમના જેવા અક્ષરધ્યાન ધરતા કવિ ખળભળી ન ઉઠે તો જ નવાય. તેમના ચાબખા ય કેટલાય URL દૂર સુધી સંભળાશે. વાહ, મજા પડી!!
ઋતુલ
Kalpana said,
July 19, 2011 @ 2:52 PM
સુંદર હાસ્યલેખ કવિતાના રૂપમા અતિ દિલચસ્પ બનાવ્યું છે કવિશ્રીએ. ધવલભાઈની સમજ મારા જેવાના દિમાગ સુધી પહોંચવા સક્ષમ બની છે. આભાર ધવલભાઈ.
કલ્પના
DHRUTI MODI said,
July 20, 2011 @ 6:17 PM
શબ્દો પાસેથી જોરદાર કામ લેવાની આવડત પચંમભાઈ પાસે સુંદર છે. જોરદાર કવિતા.
pradip dabhi said,
July 21, 2011 @ 7:39 AM
લઅજવબ કવિત લખિ ચ્હે પન્ચમ્ભૈ તમે.ચ્હપનિય દુસ્કલ થિ લૈને મોદેર્ન જમાના સુધિનિ.
વિવેક said,
July 21, 2011 @ 8:45 AM
સુંદર !
kishoremodi said,
July 23, 2011 @ 2:56 PM
દર વખતની જેમ પંચમ શુક્લ નવીનતા લઈને આવ્યા છે.અભિનન્દન.
Maheshchandra Naik said,
July 24, 2011 @ 5:40 PM
નવિનતમ કાવ્ય……………..
Manoj Shukla said,
August 6, 2011 @ 12:07 AM
ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુશાસન રચતું નિરાકાર આયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
સુંદર સુંદર