પ્રસ્ફૂરણ – પંચમ શુક્લ
હાથ શ્યામલા હોમ છાંટતાં,
શૈલ ગુચ્છ પર રોમ છાંટતાં.
લોધ્ર પુષ્પ શિલીન્ધ્ર મઘમઘે,
મેઘ વૃન્દ સહુ વ્યોમ છાંટતાં.
ઇન્દ્રકેત આચ્છાદ વાયરે,
સ્વર્ણભસ્મરજ ભોમ છાંટતાં.
જાત્ય વર્ષતાં પર્ણ નીલજલ,
જલજ બિંમ્બ જલ જોમ છાંટતાં.
ગ્રહ નિશીથ સોલ્લાસ ઝરમરે,
ખર્વ ખર્વ હરિઓમ છાંટતાં.
– પંચમ શુક્લ
આ ગઝલ વિષે પંચમભાઈ કહે છે, પ્રસ્ફૂરણ એટલે વિશિષ્ટ સ્ફૂરણ…દૈવી વર્ષા! આમ મુખ્ય ભાવ છે વર્ષાનો પરંતુ પ્રાચીન પતીકો અને શબ્દાવલિઓનો વિનિયોગ અને ગઝલનું કલેવર વર્ષાનાં એક જુદા જ ભાવ વિશ્વનું નિર્માણ કરે છે. જાણે કે ઈન્દ્ર સ્વયમ આહુતિ રૂપે પર્વત શૃંગો પર લીલા ઘાસ રૂપી રોમવલ્લીનું નિર્માણ કરે છે. હિમાલય પર થતા લોધ્ર અને શિલીન્ધ્ર પુષ્પો આખું આકાશ ભરીને મઘમઘે એવો મેઘ વરસે છે. વર્ષા ભીની પવન લહેરમાં ઇન્દ્ર્કેતનો છોડ એના સ્વર્ણપરાગે ભૂમિને સોનેરી કરી દે છે. પાંદડા પરથી હળવેથી ટપકતાં આભજળનાં બિમ્બો નવા જોમનું સિંચન કરે છે. જાણે કે બ્રહ્માંડ આનંદિત થઈને અગણિત ‘હરિઓમ’ નાદનો છંટકાવ કરે છે.
પ્રાકૃત શબ્દો અને પૌરાણિક રૂપકોનો ઉપયોગ આ ગઝલને જુદી જ શ્રેણીમાં મૂકી દે છે. પહેલી વાર વાંચતા આનો અર્થ મને પણ કાંઈ સમજાયલો નહીં, એ હવે વારંવાર વાંચ્યા પછી અને કવિની ‘હીંટ્સ’ની મદદથી સમજાયો. આ વાંચતા શ્રી હરિવલ્લભ ભાયાણીએ સંસ્કૃતમાંથી અનુવાદ કરેલા મુકતકો ને સુભાષિતોની યાદ આવી જાય છે.
Sandhya Bhatt said,
June 19, 2009 @ 2:02 AM
ગઝલની એક જુદી જ સુગંધ અનુભવવા મળી..