મહોબત છેડ એવા સૂર કે તડપી ઉઠે બેઉ
નયન દીપકને ઝંખે છે ને હૈયું મલ્હાર માગે છે
– અમર પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કેતન કાનપરિયા

કેતન કાનપરિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – કેતન કાનપરિયા

અશ્રુ જેવાં ફૂલ ખીલે આંખની આ ડાળ પર
થાક ખાવા રોજ બેસે પાંપણોની પાળ પર

બાગમાં બેઠી તું સાંજે તો નમી ગઈ ડાળખી
ને સવારે દોડ્યું ઝાકળ પાંદડના ઢાળ પર

કોઈ પૂછે ભૂલથી ગીતો લખો છો પ્રેમના ?
જિંદગી આખી લખી દઉં પ્રેમ જેવા આળ પર

આભમાં પંખીડું ઘાયલ તીર ને ભાલા વિના,
તીર જેવી મેશ આંજીને તું બેઠી માળ પર

યાદ તારી એમ કૂદે બેસું જો લખવા ગઝલ
જેમ કૂદે માછલી જળમાં પડેલી જાળ પર

– કેતન કાનપરિયા

ગઈકાલે જ ઓળઘોળ થઈ જવાનું મન થાય એવો ‘પાંપણની પાળ પર’નો શેર માણ્યો ત્યાં આજે ફરી એકવાર પાંપણની પાળ જડી ગઈ… લ્યો ! હવે અહીં બેસીને થાક ખાઓ અને માણો ચૂકવી ન પોસાય એવી મજાની ગઝલ…

Comments (21)