હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું ? જઈ પૂછ વિરહની રાતો ને,
અહીં રોજ નિરાશા ફણગે છે અહીં રોજ નિસાસા ઊગે છે.
મિલિન્દ ગઢવી

(હયાતી છે) – મુકુલ ચોકસી

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.

બીજાને તૂટતા જોવા કરે છે આવું એ ?
આ આયનાનું વલણ કેમ આત્મઘાતી છે ?

ને આભ જેવા નિસાસાઓ ઢાંકવા માટે,
આ નાના-નાના પ્રપંચોની ખૂબ ખ્યાતિ છે.

સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે ?

ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે.

જો સ્થિરતા જ અનિવાર્ય હોય, હે મિત્રો,
ઢળી જવાની જરૂરિયાત પણ તો તાતી છે.

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.

– મુકુલ ચોકસી

માણસમાત્રના યયાતિપણાથી શરૂ થતી આ ગઝલ મરણ ને હયાતિના અવિચ્છિન્ન સંબંધ પર આવીને અટકે છે ત્યાં સુધીમાં બહુ વિશાળ ફલકને આવરી લે છે. પહેલો શેર વધુ અર્થ ઊઁડાણ ધરાવે છે. પણ મારા પોતાના પ્રિય શેર (કારણ કે વારંવાર ટાંકવામાં વપરાય છે) આ છે – ભરાઈ ગઈ’તી... અને જો સ્થિરતા જ…

16 Comments »

  1. sudhir patel said,

    May 20, 2009 @ 9:48 PM

    સરસ મિજાજથી ભરપૂર ગઝલ!
    સુધીર પટેલ.

  2. ઊર્મિ said,

    May 20, 2009 @ 10:18 PM

    વાહ મુકુલભાઈ… મજા આવી ગઈ!

    સંધ્યાનાં રાતા રંગોનાં કારણરૂપે સૂરજનાં ખૂન થવાનું કલ્પન… ક્યા બાત હૈ!

    છેલ્લા બે અશઆર જરા વધુ ગમ્યા…! એમાંયે ‘તાતી’ શબ્દનો વપરાશ તો ખૂબ જ ગમ્યો…

  3. sapana said,

    May 20, 2009 @ 10:52 PM

    સુંદર રચના.

  4. વિવેક said,

    May 21, 2009 @ 12:29 AM

    મુકુલભાઈની શરૂના દિવસોની યાદગાર ગઝલ…

  5. Jina said,

    May 21, 2009 @ 1:33 AM

    ખૂબ હ્રદયસ્પર્શી રચના…

  6. RJ MEET said,

    May 21, 2009 @ 1:41 AM

    મુકુલભાઈ આમ તો નોખા કવિ છે..આવી રચનાની અપેક્ષા હંમેશા એમની પાસે રખાતી આવી છે,પણ તેઓ ભાગ્યે જ તેને પુરી કરતા હોય છે.માનવસ્વભાવના અભ્યાસુ મુકુલભાઈ આમ જ અપેક્ષા પુરી કરતા રહે એવી અપેક્ષા રાખીએ..

    -મીત

  7. વિવેક said,

    May 21, 2009 @ 4:37 AM

    ધવલની વાત સાચી છે. પહેલો શેર વધુ અર્થ ઊંડાણ ધરાવે છે.

    યયાતિ એટલે નહુષનો બીજા નંબરનો પુત્ર જેને મોટા ભાઈ યતિના પરમહંસ થવાના કારણે ગાદી મળી હતી. શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે એના લગ્ન થયા પણ દેવયાનીની દાસી શર્મિષ્ઠા સાથે અનૌરસ સંબંધ રાખી ત્રણ પુત્રોના પિતા બન્યા હોવાના કારણે શુક્રાચાર્યે એને કવેળાનું વૃદ્ધત્વ આપ્યું હતું… પણ યયાતિને યુવાનીનું ઘેલું હતું… પોતાના પુત્રને પોતાનું વૃદ્ધત્વ ભેટ આપીને પણ એણે યુવાવસ્થા પુનઃપ્રાપ્ત કરી હતી…

    હવે આ ગઝલનો પહેલો શેર પાછો વાંચીએ….

  8. mrunalini said,

    May 21, 2009 @ 5:01 AM

    પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
    ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.
    આપણે બધા જ યયાતિ….
    અને છેવટે વિવેક લાધતા
    જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
    થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.

  9. Angel Dholakia said,

    May 21, 2009 @ 5:42 AM

    hello!Vivekbhai.
    very nice.પ્રથમ વાર માં જ વાંચિ ને પ્રથમ શે’ર ખુબ જ ગમ્યો.સ-રસ અને સત્ય.

  10. preetam lakhlani said,

    May 21, 2009 @ 7:31 AM

    આ ગઝલ લાજવાબ છે તેમા કોઈ બે મત નથી……… mukul chokshini, કઈ ગઝલ નબળી છે તે શોધવા માટે ધોળે દિવસે દીવો લઈ ને નીકળવુ પડે, આ એક હકિક્ત છે કોઈ કલ્પના નથી………..આ ગઝ્લ ગમતા નો ગુલાલ છે……..

  11. deepak said,

    May 21, 2009 @ 8:34 AM

    ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
    બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે

    આ શેર ખુબ ગમ્યો…

    વાહ!…ખુબજ સુંદર ગઝલ…

  12. sunil shah said,

    May 21, 2009 @ 9:39 AM

    સરસ મઝાની ગઝલ..
    મત્લા અને મક્તાના શેર અદભૂત થયા છે.

  13. Vijay Bhatt ( Los Angeles) said,

    May 23, 2009 @ 4:43 AM

    સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
    આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે ?

    ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
    બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે.

    જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
    થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.

    આ ત્રણ શેર ખુબ જ ગમ્યા….!! સ્ ર સ ક્ વિતા થઇ….!!!
    આભાર વિવેક ભાઈ!!!
    -વિજય ભટ્ટ્

  14. ashwin ghaghada said,

    May 24, 2009 @ 6:12 AM

    દિલ ખુશ થઈ ગયુ. સુરજ…..ક્યા બાત હે

  15. Kamal Bhagat said,

    May 25, 2009 @ 3:36 AM

    આખરી શેર માં અસ્તીત્વનૉ એહસાસ છે, મહીમા છે. કમલ ભગત

  16. પંચમ શુક્લ said,

    May 25, 2009 @ 9:53 AM

    મુકુલભાઈની એક ઔર સુંદર ગઝલ.

    ‘ માણસમાત્રના યયાતિપણાથી શરૂ થતી આ ગઝલ મરણ ને હયાતિના અવિચ્છિન્ન સંબંધ પર આવીને અટકે છે ત્યાં સુધીમાં બહુ વિશાળ ફલકને આવરી લે છે’ – I agree Dhaval.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment