એક કડવાની આખ્યાન-ગઝલ – જવાહર બક્ષી
(મુખબંધ)
ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા
જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા
(ઢાળ)
મળવા પહેલાં એના હોવાના થોડા અણસારા બાંધ્યા
બાંધી કંઈ અટકળ, કંઈ અફવા બાંધી, કંઈ ભણકારા બાંધ્યા
ખાલી હાથનો જીવ, લઈ શું જાઉં, છતાં અડખેપડખેથી
મુઠ્ઠીભર કંઈ ઝાકળ બાંધી, મુઠ્ઠીભર કંઈ તડકા બાંધ્યા
એમ થયું એ ઉછીનાં ઉજાશભીનાશ નહીં સ્વીકારે
તડકો ઝાકળમાં, ઝાકળ આંખોમાં, આંખે ટશિયા બાંધ્યા
વચ્ચે વચ્ચે કેવા કેવા નાજુક નાજુક જોખમ ખેડ્યાં
ચહેરો યાદ નહીં તો પણ બે નજરો વચ્ચે રસ્તા બાંધ્યા
(વલણ/ઊથલો)
બે નજરોના રસ્તા જાણી જોઈ અમે પણ કાચા બાંધ્યા
આંખો મીંચી ખોલી, મીંચી ખોલી, પાછા પાછા બાંધ્યા
ડગલે પગલે જાણ્યાં-અજાણ્યાં સ્મરણોના મઘમઘ મેળા
મેળે મેળે અટ્ક્યા-ભૂલ્યા-ભટ્ક્યા-ના કંઈ જલસા બાંધ્યા
એની ગલીમાં ઉછીનું અંધારું પણ છોડી દેવાયું
છૂટ્યા સૌ પડઘા પડછાયા જે જન્મોજન્મારા બાંધ્યા
(ઉપસંહાર)
તેજતિમિરની હદઅનહદની સાવ વચોવચ અમને ઝાલ્યા
છૂટ દીધી હોવાની અમને એના જેવા છુટ્ટા બાંધ્યા
(ફલશ્રુતિ)
એનાં આગતસ્વાગત જેણે સપનામાં પણ ક્ષણભર માણ્યાં
એણે પરપોટે પરપોટે સાચે સાચા દરિયા બાંધ્યા
– જવાહર બક્ષી
પ્રેમાનંદના આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી કવિતાનો આગવો અવાજ છે. આજની પરિભાષામાં કહીએ તો આખ્યાન એટલે એ જમાનામાં લખાતી પદ્ય નવલકથા. નવલકથામાં પ્રકરણ હોય તેમ આખ્યાનમાં કડવું યાને કે ઢાળ. આ આખ્યાન-ગઝલમાં જોકે સાંપ્રત જમાનાની લાઘવની અપેક્ષાની એરણ પર ખરા ઉતરવા કવિ એક જ કડવાની આખ્યાન-ગઝલ લઈ આવ્યા છે. નવલકથાની પ્રસ્તાવના એટલે આખ્યાનનું મુખબંધ. અહીં નવલકથામાં શું વાત આવવાની છે એના અણસારનો પિંડ બંધાય છે. વલણ અથવા ઊથલો સામાન્યરીતે બે પંક્તિનું હોય જેમાં પહેલી પંક્તિમાં વહી ગયેલી વાર્તાનો ટૂંકસાર અને બીજી પંક્તિમાં આવનારી વાર્તાનો સંકેત હોય છે. અહીં જો કે એક જ કડવાની ગઝલ હોવાથી કવિ ઊથલો ત્રણ શેર સુધી લંબાવવાનું વલણ રાખે છે. ઉપસંહાર એટલે આખી નવલકથાનો સાર અને આખ્યાનના અંતે આવે છે ફળશ્રુતિ. એ જમાનામાં પુસ્તકો લખાતા નહોતા અને કવિતાઓ લોકમુખે જ જીવતી રહેતી. એટલે કવિતાનું વારંવારનું પુનરાવર્તન જ એને જીવતી રાખી શક્શે એ વાતથી અભિપ્રેત કવિ કવિતાના અંતે ફળશ્રુતિ રાખતા જેમાં આ આખ્યાનનો પાઠ કરવાથી વાચકને કેટલો ફાયદો થશે અને એને કેટલું પુણ્ય મળશે એનો અણસારો દઈ ‘પોઝીટીવ ઈન્સેન્ટીવ’ આપવામાં આવતું.
ઈશ્વરને મળવાની વાત છે. આયખાની ક્ષણભંગુરતા ‘ભગ્ન સમય’, સોયની અણી’ અને ‘પરપોટા’ વડે સૂચક રીતે બતાવી કવિ શરૂઆત કરે છે. પરપોટાનું આયુષ્ય આમેય કેટલું? અને એ પણ વળી સોયની અણી પર હોય તો ?
ઈશ્વર છે કે નહીંની શાશ્વત ચર્ચાઓ ગૂંથે ભરીને કવિ નીકળ્યા છે. સુદામાનો સંદર્ભ ઝળકે છે. હાથ ખાલી હતા એટલે આડોશપાડોશમાંથી મુઠ્ઠીભર તાંદુલ લઈ કૃષ્ણને મળવા નીકળેલ સુદામાની જેમ કવિ જીવનની તડકી-છાંયડી માંગીતુંસીને સાથે લે છે. મળવાનો રસ્તો પણ જાણી જોઈને કાચો બાંધે છે. કાચો હોય તો તૂટે અને તૂટે તો ફરીફરીને બાંધવાની તક મળે. અને અંતે ઈશ્વર ભક્તને ક્યાં ઝાલે છે એ જુઓ ! તેજ અને તિમિરની વચ્ચે, હદ અને અનહદની વચ્ચે અને જેણે ભક્તને ‘હોવાપણાં’ની છૂટ બક્ષી છે એ ભક્તને સ્ત્રી જેમ વાળ છુટ્ટા બાંધે છે એમ છુટ્ટા બાંધે છે !
અંતે કવિ સોનેટ જેવી ચોટ કરે છે. ઈશ્વરનું સાંનિધ્ય જેણે સાચુકલું નહીં પણ સ્વપ્નમાંય અને વધુ નહીં ક્ષણભર પણ માણ્યું છે એણે પરપોટા જેવા જીવતરમાં પણ સાચો અનંત સાગર પ્રાપ્ત કરી લીધો છે. કવિ અહીં ગઝલારંભની ક્ષણભંગુરતા અને પરપોટાની વાત સાથે પુનઃસંધાન સાધીને કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે…
pragnaju said,
April 18, 2009 @ 1:48 AM
એનાં આગતસ્વાગત જેણે સપનામાં પણ ક્ષણભર માણ્યાં
એણે પરપોટે પરપોટે સાચે સાચા દરિયા બાંધ્યા
તમારા રસદર્શન મુજબ- ઈશ્વરનું સાંનિધ્ય જેણે સાચુકલું નહીં પણ સ્વપ્નમાંય અને વધુ નહીં ક્ષણભર પણ માણ્યું છે એણે પરપોટા જેવા જીવતરમાં પણ સાચો અનંત સાગર પ્રાપ્ત કરી લીધો છે. કવિ અહીં ગઝલારંભની ક્ષણભંગુરતા અને પરપોટાની વાત સાથે પુનઃસંધાન સાધીને કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે…
અ દ ભૂ ત !
એક પરપોટો અમારી સાહ્યબી તોય સામા વહેણમાં કેવું તયાô? …
મંડૂકોપનીષદની વાત યાદ આવી
સૌ દેડકાંને પાણીની અંદર એક વાર પરપોટો કાઢવાનો હક આપવામાં આવ્યો. જે કાંઠે વધારે પરપોટા થાય તે કાંઠાના દેડકાને ત્રિશૂળ નીચે ઊભા રહેવાનું મળે એમ ઠર્યું. પહેલાં તો દેડકીઓએ પરપોટા કરવા કે નહીં તે અંગે મતભેદ થયા. બંને પક્ષને ખાતરી થઇ કે દેડકીઓના પરપોટા પણ પોતાના દેડકાઓની સાથે જ થશે, ત્યારે તેમને પરપોટા કરવાની છૂટ અપાઇ.
બેઉ ઉમેદવાર દેડકાઓ ખાબોચિયાને બે છેડે જઇને બેઠા. પણ બીજા દેડકાઓને પોતાના જીવન – વ્યાપારમાં પરપોટા કરવાની ફુરસદ નહોતી. તેથી બંને ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો. પહેલાં બંનેએ પોતાની પ્રશંસા કરી. પછી ધીરે ધીરે પોતાની પ્રશંસા સામેનાની નિંદામાં પરિણમી. આજે પણ પરપોટા ની આ મારામારી ચાલુ જ છે…
pradip sheth said,
April 18, 2009 @ 9:07 AM
અસ્મિતાપર્વ માં રજુ થયેલી સુન્દર રચના…..
ઊર્મિ said,
April 18, 2009 @ 9:28 AM
મજાની આખ્યાન ગઝલ… પૂરી સમજૂતી આપવાં બદલ આભાર વિવેક!
ઉપસંહાર અને ફલશ્રુતિનાં અશઆર તો ખૂબ જ ગમ્યાં.
sapana said,
April 18, 2009 @ 9:49 AM
વિવેક્ભાઈ,
સરસ આખ્યાન.તમે સમજુતી આપી એટ્લે જાણે પરદા ખુલી ગયાં.ખરેખર ખુબ ઉંડાંણવાળુ આખ્યાન છે.
સરસ હીરા શોધી લાવો છો!!!!
સપના
sudhir patel said,
April 18, 2009 @ 11:02 AM
અનોખી અને સુંદર આખ્યાન-ગઝલ અને એવી જ સરસ એની સમજૂતી – બન્ને હ્રદય પૂર્વક માણ્યાં!
આભાર, વિવેક્ભાઈ!
સુધીર પટેલ.
પંચમ શુક્લ said,
April 18, 2009 @ 5:03 PM
તેજતિમિરની હદઅનહદની સાવ વચોવચ અમને ઝાલ્યા
છૂટ દીધી હોવાની અમને એના જેવા છુટ્ટા બાંધ્યા
આખ્યાન ગઝલનો પ્રયોગ જાણ્યો અને માણ્યો. ઉમદા કાવ્ય અને અર્થસભર આસ્વાદ બદલ આભાર.
PRAFUL THAR said,
April 19, 2009 @ 3:22 AM
ડૉ.શ્રી વિવેકભાઇ,
સુંદર રજૂઆત….પરપોટાનું આયુષ્ય આમેય કેટલું? અને એ પણ વળી સોયની અણી પર હોય તો ?
એથી વિશેષ કવિ સોનેટે કરેલી ચોટ ખરેખર સુંદર છે કે ઈશ્વરનું સાંનિધ્ય જેણે સાચુકલું નહીં પણ સ્વપ્નમાંય અને વધુ નહીં ક્ષણભર પણ માણ્યું છે એણે પરપોટા જેવા જીવતરમાં પણ સાચો અનંત સાગર પ્રાપ્ત કરી લીધો છે.
જો કે દરેક શબ્દોમાં આનંદ મળે છે.
લી.પ્રફુલ ઠાર
Lata Hirani said,
April 19, 2009 @ 4:19 AM
જવાહર બક્ષીની ગઝલ તો સરસ જ પણ ઉપર આ વાંચ્યું
શક્યતાને આ રીતે સાંધો નહીં,
>>>ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.< < <
એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.
અંકિત ત્રિવેદી
એમાં બીજી લાઇનમાં કંઇક ટેકનીકલ ભૂલ નથી લાગતી ???
વિવેક said,
April 19, 2009 @ 4:39 AM
આસ્થા ચેનલ પર આ વર્ષના અસ્મિતાપર્વમાં આ ગઝલ જવાહર બક્ષીના મોઢે ‘લાઈવ’ સાંભળી. અને કાર્યક્રમનું સંચાલન રઈશભાઈના હાથેમાં હોવાથી કાર્યક્રમ પત્યો કે તરત એમની મદદ લઈ શ્રી જવાહર બક્ષી સાથે વાત કરી એમની આ રચના માંગી લીધી અને નવનીત સમર્પણ, 2002ના અંકનું જે પાનું એ આ ગઝલ વાંચવા માટે ફાડી લાવ્યા હતા એ એમણે રઈશભાઈ સાથે સુરત મોકલાવી આપ્યું…
અને લતાબેન, અંકિત ત્રિવેદીની જે ગઝલ વિશે આપ ટેકનિકલ ખામીની વાત કરો છો એ શેર વિશે મારું શું મંતવ્ય છે એ આપ નીચેની લિંક પર જોઈ શકો છો:
સુરેશ જાની said,
April 19, 2009 @ 5:31 AM
એક સાવ નવા જ પ્રકારમાં તત્વ વીચાર માણવાની મજા આવી.
છુટ્ટા બાંધ્યા
આ શબ્દ પ્રયોગ બહુ ગમ્યો . આ બે શબ્દોમાં જ બધો સાર આવી ગયો.
mahesh dalal said,
April 19, 2009 @ 7:38 AM
ઘણિ એ સુન્દેર રચના . ગમ્યુ.. અખ્યાન નુ સ્વ્ રુપ ..
Kishore Modi said,
April 19, 2009 @ 9:19 AM
ઘણી સુંદર આખ્યાન ગઝલ. ખૂબ ગમી
hemansu patel said,
April 19, 2009 @ 1:07 PM
a good poetry always reminds you good work of art and it’s depth.bakshi is and was always deep and creative, on top of that a good friend indeed!bakshi you are always something inside the word-narikelipak’
Pinki said,
April 20, 2009 @ 12:59 AM
Committed , Dedicated to gazal એવા
જવાહર અંકલની ભજન-ગઝલ, ગરબી-ગઝલ અને હવે આખ્યાન ગઝલ !!
ખૂબ જ સુંદર ગઝલ ………..
preetam lakhlani said,
April 20, 2009 @ 8:30 AM
ભાઈ ફનાની આ ગઝલ ફનાની જેમ બહુ બોલતી નથી તેની મજા કઈ ઑર છે, મોન મા પણ કેટલી શકિત હોય છે, આ ગઝલ કઈ આપે છે.શુ મૉનથી બીજી કોઈ માતૂભાસા હોય શકે ખરી ?…..જ્વાહ્ર્ર આ ગઝલ બે ધડી બહુ જ ગમી….મુબઈ ના મિત્રોને ખાસ યાદ્ ખાસ કરીને ઉદયન અને હેમેનને……..
chetan framewala said,
April 23, 2009 @ 9:26 AM
૧૮મી ઍપ્રિલના ગુજરાતી સાહિત્ય પરિષદ, મુંબઈ ના નેજા હેઠળ યોજાયેલ વર્ક શૉપ ” ઊત્તમ ગઝલ કેવી રીતે લખવી અને માણવી” માં જવાહર બક્ષી સાહેબે એમની આ આખ્યાન ગઝલના સર્જન સફરની સુંદર અનુભૂતિ કરાવી તથા ગઝલ લેખન વિશે ૨ કલાક સુંદર માર્ગદર્શન આપ્યું.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
vikram jodhani said,
May 28, 2010 @ 4:02 AM
વચ્ચે વચ્ચે કેવા કેવા નાજુક નાજુક જોખમ ખેડ્યા,
ચહેરો યાદ નહિ તોપણ બે નજરો વચ્ચે રસ્તા બાન્ધ્યા!
બે નજરોના રસ્તા જાણી જોઇ અમે પણ કાચા બન્ધ્યા,
આખો ખોલી, મીચી, ખોલી, મીચી પાચ્હા પાચ્હા બાન્ધ્યા…!
ખૂબ જ સરસ.. વર્ણન કરવા માટે શબ્દો નથિ મલતા……………