એકધારા શ્વાસ ચાલુ છે હજી,
જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

ગઝલ – આબિદ ભટ્ટ

મંજિલ અનહદ દૂર પ્રવાસી,
છે ધુમ્મસનાં પૂર પ્રવાસી.

ઠોકર એક જ વાગે એવી,
સપનાં ચકનાચૂર પ્રવાસી.

હામ ધરી લે હૈયે હો જી,
શાને તું મજબૂર પ્રવાસી !

સમજી લે કલરવની બોલી,
વન મળશે ઘેઘૂર પ્રવાસી.

તમસ ભલેને કરતું લટકા,
આતમનાં છે નૂર પ્રવાસી.

થાજે ના બેધ્યાન કદી પણ,
હો ભીતરના સૂર પ્રવાસી.

મરણ મળે તો જા ઓવારી,
જન્નતમાં છે હૂર પ્રવાસી !

– આબિદ ભટ્ટ

ટૂંકી બહેરની મુસલસલ ગઝલ. મંજિલ દૂર છે અને માર્ગ અડાબીડ ધુમ્મસથી ભર્યો છે, જિંદગી એક જ ઠોકરમાં ભલભલાં સપનાંને ચકનાચૂર કરી દે એવી કડવી વાસ્તવિક્તા છે પણ મજબૂર ન થઈ દિલમાં હિંમત રાખી આત્માના અજવાળાના સહારે બેધ્યાન થયા વિના મુસાફરી કરનાર એની મંઝિલે અચૂક પહોંચે જ છે…

7 Comments »

  1. પ્રણવ said,

    April 26, 2009 @ 1:35 AM

    સમજી લે કલરવની બોલી…થાજે ના બેધ્યાન કદી પણ,હો ભીતરના સૂર પ્રવાસી……બહુ સરસ.

  2. Lata Hirani said,

    April 26, 2009 @ 1:43 AM

    ઠોકર એક જ વાગે એવી,
    સપનાં ચકનાચૂર પ્રવાસી.

    એવુઁ યે બને

    સપનું એક જ લઇને જીવતા
    કરચો અનરાધાર જી

  3. pragnaju said,

    April 26, 2009 @ 4:07 AM

    તમસ ભલેને કરતું લટકા,
    આતમનાં છે નૂર પ્રવાસી.

    થાજે ના બેધ્યાન કદી પણ,
    હો ભીતરના સૂર પ્રવાસી.

    સુંદર
    ંમણા જ બહાર પડેલ કવિવર રાજેન્દ્ર શુક્લના પુસ્તકમાંથી
    સ્હું તો ધરાનું હાસ છું,
    હું પુષ્પનો પ્રવાસ છું,
    નથી તો ક્યાંય પણ નથી
    જુઓ તો આસપાસ છું ! –

  4. Pinki said,

    April 26, 2009 @ 4:41 AM

    સરસ લયબદ્ધ ગઝલ ……
    અનહદ મંઝિલનો સુંદર પ્રવાસ !!

  5. KIRANKUMAR CHAUHAN said,

    April 26, 2009 @ 5:43 AM

    સુંદર… પ્રાસાદિક ગઝલ.

  6. ઊર્મિ said,

    April 26, 2009 @ 2:10 PM

    વાહ… ખૂબ જ સુંદર ગઝલ….

    તમસ ભલેને કરતું લટકા,
    આતમનાં છે નૂર પ્રવાસી.

    આ શે’ર તો ખૂબ જ ગમી ગયો.

  7. sapana said,

    April 29, 2009 @ 9:40 AM

    ઠોકર એક જ વાગે એવી,
    સપનાં ચકનાચૂર પ્રવાસી.
    આ પંક્તિ હ્રદયસ્પર્શી છે.

    સપના તો બન્યા તુટવા,
    તું ચાલતો જા પ્રવાસી.
    સપના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment