ટૂંકુંટચ હતું “સો”થી “રી”નું આ અંતર,
જીવન તોય ટૂકું પડ્યું કાપવામાં.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
January 15, 2007 at 1:00 AM by ધવલ · Filed under ગઝલ, સરૂપ ધ્રુવ
સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !
હજારો વરસથી મસાલો ભરેલું ખયાલોનું શબ છું ને ખડખડ હસું છું,
મળ્યો વારસો દાંત ને ન્હોરનો, બસ! અસરગ્રસ્ત ભાષામાં ભસું છું હું, મિત્રો !
અરીસા જડેલું નગર આખું તગતગ, પથ્થર બનીને હું ધસમસ ધસું છું,
તિરાડો વચ્ચેનું અંતર નિરંતર, તસુ બે તસુ બસ, ખસું છું હું, મિત્રો !
સવારે સવારે હું શસ્ત્રો ઉગાડું, હથેલીમાં કરવતનું કૌવત કસું છું;
પછી કાળી રાત્રે, અજગર બનીને, મને પૂંછડીથી ગ્રસું છું હું, મિત્રો !
નથી મારી મરજી, છતાં પણ મરું છું, સતત ફાંસલામાં ફસું છું હું, મિત્રો !
પણે દોર ખેંચાય, ખેચાઉં છું હું, અધવચ નગરમાં વસું છું હું, મિત્રો !
સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !
– સરૂપ ધ્રુવ
સરૂપ ધ્રુવના કાવ્યો સ્વભાવે વિદ્રોહી છે. એમનો એક એક શબ્દ તણખા જેવો છે. ડાબેરી કવયિત્રીએ એમના સંગ્રહનું નામ પણ ‘સળગતી હવાઓ’ આપેલું. પોતાની જાત માટે હજારો વરસથી મસાલો ભરેલું શબ અને અસરગ્રસ્ત ભાષામાં ભસું છું એવી વાત એમની કવિતામાં જ આવે. ખયાલોનું શબ, હજારો વરસ અને મસાલા ભરીને કરવામાં આવેલી જાળવણી આ ત્રણેય વસ્તુ ખળભળાવી દે એવી ગતિશૂન્યતા અને પ્રગતિશૂન્યતા સૂચવે છે. સમાજના ખયાલો વર્ષો, દાયકાઓ કે શતકો સુધી નહીં, હજ્જારો વર્ષો લગી એમના એમ મૃતઃપ્રાય જ રહે છે, એ કદી બદલાતા નથી. એમાં કોઈ સુધારો શક્ય નથી. બીજાને વડચકાં ભરવાનો જે વારસો માનવજાતને મળ્યો છે, એના બાચકાંઓથી આખી ભાષા જ અસરગ્રસ્ત થઈ હોવાથી હવે અહીં કશો બદલાવ શક્ય નથી. એ પોતાના અસ્તિત્વ માટે અધવચ નગરમાં વસું છું એવું રૂપક વાપરે છે. રોજ શસ્ત્રો અને શસ્ત્રો ચલાવવાની શક્તિ વધારીને માણસ પોતાને જ કરડે છે એ વાત કવિ અહીં ધાર કાઢીને રજૂ કરે છે.
આ કવિતા રમેશ પારેખની સોનલ અને પ્રિયકાંત મણિયારના કાનજીથી તદ્દન જુદી દુનિયાની કવિતા છે. આ કવિતા છાતીમાં તણખા ભરી અને સળગતી હવાઓનો શ્વાસ લઈને લખી છે, એને ક્રાંતિથી ઓછું કાંઈ ખપે એમ નથી.
Permalink
January 14, 2007 at 3:52 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ દાવડકર
કોઈ મને કાયમ એવું પૂછે અંદરથી,
તું જીવે છે પણ જો કૈં ખૂટે અંદરથી.
આ હોવું પોલા વાંસ સમું છે અંદરથી,
ને એ પાછું ફાંસ સમું ખૂંચે અંદરથી.
હદથી વધારે ફૂલે તો એ પણ ફૂટે છે,
ફુગ્ગો પણ અંતે કેટલું ફૂલે અંદરથી.
કાયમ અકબંધ અહીં રહેવું અઘરું છે,
કે માણસ રોજ તડાતડ તૂટે અંદરથી.
હરણા જેમ કશે હું ભાગી પણ ના શકું,
કે એક પછી એક તીર છૂટે અંદરથી.
મારું અસ્તિત્વ ખરલમાં નાખી રોજ વ્યથા,
જડીબુટ્ટીની જેમ મને ઘૂંટે અંદરથી.
-મહેશ દાવડકર
માણસ જન્મ્યો ત્યારથી જીવન વિશેની એની અવઢવ અને અટકળનો કદાપિ અંત આવ્યો નથી. કશુંક સતત અંદરથી ખૂટતું હોય એમ લાગ્યા કરે એ જ જીવતર. આપણું હોવાપણું વાંસળીની જેમ પોલું તો છે જ, વળી વાંસની ફાંસની જેમ સતત ખૂંચતું પણ રહે છે. અહીં અકબંધ રહેવાનું પણ અઘરૂં છે ને ભાગી છૂટવાનું પણ દોહ્યલું છે. વ્યથા તમને કાયમ ઘૂંટતી જ રહેવાની અંદરથી. દરેક શેર પર થોભવા માટે મજબૂર કરી દે તેવી આ સુંદર ગઝલ મારા જ શહેર સુરતના મહેશ દાવડકરની છે.
Permalink
January 13, 2007 at 3:51 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
આ સમય છે, ઘાવ પણ આપી શકે,
ને રીઝે સરપાવ પણ આપી શકે.
એક દર્શક જેમ હાજર હોય પણ,
એ અચાનક દાવ પણ આપી શકે.
જે લખે છે યુગ યુગાંતરની કથા,
પત્ર કોરો સાવ પણ આપી શકે.
ઝાંઝવાની પોઠ લઈ આવ્યા પછી,
તપ્ત રણમાં વાવ પણ આપી શકે.
ભરબજારે જાતના લીલામમાં,
સાવ સાચા ભાવ પણ આપી શકે.
– ઉર્વીશ વસાવડા
સમયની મજાની વાત લઈને માંડેલી આ ગઝલ નાની અને ભાવી જાય એવી છે. આજે પરિસ્થિતિ એવી છે કે તમે કદાચિત્ સાચું પણ બોલો તો કોઈ માને નહીં. આવી પરિસ્થિતિમાં શક્ય છે પોતાને વેચવા નીકળેલો કોઈ જણ પોતાનો ભાવ સાચો પણ આપતો હોય… પણ માનશે કોણ? જૂનાગઢના રેડિયોલોજીસ્ટ શબ્દોના એક્ષ-રે અને સોનોગ્રાફી પણ સરસ કરી જાણે છે.
Permalink
January 12, 2007 at 6:31 PM by ધવલ · Filed under ગઝલ, મણિલાલ હ. પટેલ
કાગળો અક્ષર વગર તે આપણે,
શબ્દ-વિણ ખાલી નગર તે આપણે.
લાગણીની ઓટ છે, ભરતી નથી,
સાવ ખારા દવ અગર તે આપણે.
આજ પાછી યાદ આવી છે તરસ,
વિસ્મરણથી તરબતર તે આપણે.
આજના છાપા સમા તાજા છતાં
જિંદગીથી બેખબર તે આપણે.
ટેરવાંમાં સ્પર્શ નામે શ્હેર છે
આમ જોકે ઘર વગર તે આપણે.
– મણિલાલ હ. પટેલ
અહીં ‘આપણે’માં કવિએ વાચકને પણ સમાવી લીધો છે. જીવનના ખાલીપણાને વર્ણવતી આ ગઝલમાં મારો સૌથી ગમતો શેર – આજના છાપા સમા તાજા છતાં, જિંદગીથી બેખબર તે આપણે. ને છેલ્લો શેર પણ ઘણો સરસ થયો છે.
Permalink
January 11, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગીત, મનોજ મુની
કોણ બોલે ને કોણ સાંભળે, કોઇને ક્યાં કોઇ સમજે રે!
બોલ વિનાના શબ્દ બિચારા, હોઠે બેસીને ફફડે રે! – કોણ બોલે ને….
પો’ ફાટે ને સૂરજ ઊગે, ઝાકળમાં થઇ લાલંલાલ,
ઝળહળતી આભાદેવી સારી, રાતની વેદના અપરંપાર,
આંખ રાતના કરી જાગરણ, આશ કિરણને શોધે રે!
પાંપણથી જ્યાં સ્વપ્ન રાત્રિના, ઓગળવા તરફડતા રે ! – કોણ બોલે ને….
સાંજની લાલી મેઘધનુષમાં રંગ સૂરજના ગણતી રે!
સાત રંગ જોઇ હૈયું જાણે, કામળી રાતની ઓઢે રે !
જોતી રહી એ આભની આભા, રંગ મળ્યા ના માણ્યા રે !
આનંદો મન વનફૂલે જ્યાં ઉપવન કોઇ ન થાતા રે ! – કોણ બોલે ને….
શ્યામલ નભના તારા વીણજે, અઢળક વેર્યા સૌને કાજ,
ચાંદ સૂરજની વાટ ન જોજે, ઊગે આથમે વારંવાર.
દુઃખ અમાપ ને સુખ તો ઝીણાં, સત્ય કોઇ ક્યાં સમજે રે!
ચૂંટજે ઝીણા તારલીયા, તારી છાબે ના એ સમાશે રે! – કોણ બોલે ને….
– મનોજ મુની
અહીં કવિને દિવસ નહીં પણ રાત્રિનું આકર્ષણ છે! સૂર્યપ્રકાશ અને મેઘધનુષનો નહીં પણ કાળી રાતનો મહિમા કવિ ગાય છે.સૂર્યકિરણથી ઝળહળ થતા ઝાકળબિંદુ તેમને પસંદ નથી. કારણકે, કદાચ કવિને જે ભાવની વાત કરવી છે; તે કોઇ સાંભળવા તૈયાર નથી;તેમનાં સ્વપ્નો માટે તો તેમને રાતનો મહોલ જ બરાબર લાગે છે. જીવનનાં અમાપ દુઃખ જેવા તારલા તેમને વધારે પસંદ છે!
સંતૂરના કર્ણપ્રિય રણકારની સાથે સોલી કાપડીયાના મધુર કંઠે ગવાતા આ ગીતનો મહિમા પણ અપરંપાર છે !
Permalink
January 10, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગીત, હર્ષદ ત્રિવેદી
કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ
અને મારામાં કાંકરી ખૂંચે છે !
પાંપણ ઢળે તો કહે અંધારું કેમ ?
અને મારામાં કાંકરી ખૂંચે છે !
એકાન્તે હોય તો ય એકલાં નહીં
ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,
આવનારાં આવે ને જાનારાં જાય
તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં;
કોઇ બારણું અધૂકડું ખોલી ક્હે આવ
અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી બે કાંઠે છલકાતું આખું તળાવ
અને મારામાં કાંકરી ખૂંચે છે !
મળવાનું સ્હેલું પણ ભળવાનું અઘરું
ને ખોવાનું એ જ ખરો ખેલ !
ઠરવાનાં ઠેકાણાં હડસેલે દૂર
ક્યાંક મળવાનો એવો પણ છેલ !
કોઇ માંડે છે મધરાતે મીઠી રમત
અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી ખીણમાં ધકેલાતો આખો વખત
અને મારામાં કાંકરી ખૂંચે છે !
– હર્ષદ ત્રિવેદી
Permalink
January 9, 2007 at 8:43 PM by ધવલ · Filed under પંથી પાલનપુરી, મુક્તક
ભૂલ વારંવાર નરબંકા ન કર !
તું અયોધ્યામાં ફરી લંકા ન કર !
આગ સોંસરવી સીતા નીકળી જશે,
રામ જેવો રામ થઈ શંકા ન કર !
– ‘પંથી’ પાલનપુરી
Permalink
January 8, 2007 at 11:29 PM by ધવલ · Filed under અછાંદસ, કમલેશ શાહ
સૂરજના સાતમાંથી છ ઘોડાનાં નામ
સરસ્વતીના ચમચાઓને લાંચ આપીને
ચમન જાણી લાવ્યો છે.
ચિંતા, દુ:ખ, રોગ, એકવિધતા, શૂન્યતા ને કંટાળો.
સરસ્વતી સુધી લાગવગ લગાડવા છતાં
સાતમા ઘોડાનું નામ
ચમનને જાણવા મળ્યું નથી.
સૂરજના એ સાતમા ઘોડાનું નામ
સુખ હશે, એમ માનીને
ચમન જીવ્યે રાખે છે.
– કમલેશ શાહ
કેટલીક કવિતાનો અર્થ દરેક વાંચક માટે અલગ અલગ હોય છે. તમારે મન સૂરજના સાતમા ઘોડાનું નામ શું છે ?
Permalink
January 7, 2007 at 9:20 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?
હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?
જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?
છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?
હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?
મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?
તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?
-રઈશ મનીઆર.
રઈશભાઈ અને એમની ગઝલો પ્રત્યે મને સદા એક પક્ષપાત રહ્યો છે. એટલે નહીં કે ગઝલના ગામની ગલીકૂંચીઓમાં એમણે આપેલી આંગળી પકડીને જ હું પ્રવેશ્યો ને ફર્યો છું, પણ એટલે કે એ મને હંમેશા ગુજરાતી ગઝલની ઉજળી આજ અને દેદિપ્યમાન આવતીકાલ સમી લાગી છે. ‘હું શું કરું?’નો પ્રશ્ન લઈને આપણી અંદર કશુંક ઝંઝોળતી આ ગઝલ મારી પ્રિય ગઝલોમાંની એક છે.
Permalink
January 6, 2007 at 9:12 AM by વિવેક · Filed under ગઝલ, જિતુ પુરોહિત
કહી દે એ વાતો દટાઇ જે મનમાં,
થઇ જા પછી સાવ હળવો વજનમાં.
તમારાથી જુદો નથી હું ઓ સંતો !
લખ્યું મેં ગઝલમાં , તમે જે ભજનમાં.
ભરી લે જે ગમતું હો આંખોમાં આજે ;
નથી એકે હોવાનું ગજવું કફનમાં.
અહીં જાત સાથે થયો શ્વાસ મઘમઘ ;
મહેક એવી કેવી ભળી આ પવનમાં.
રહસ્યો બધાં એનાં પામી જવાને;
ફર્યો ખૂબ રણમાં ને ભટક્યો હું વનમાં.
ફકીરી અમીરીથી ચડિયાતી લાગી;
કર્યો જો મેં ભરોસો એનાં વચનમાં.
ઉગાડયા છે બે-પાંચ સ્વપ્નોના રોપા;
છે અસબાબ સરખો બધાના ચમનમાં.
-જિતુ પુરોહિત.
મનની વાત મનમાં ન રાખતા કહી દેતા મળતી હળવાશની વાત કેટલી હળવાશથી કહી દીધી છે. એ જ નજાકતથી મર્યા પછી કશું સાથે લઈ જઈ શકાવાનું નથી એ પણ કવિ આબાદ રીતે કહી શક્યા છે.
Permalink
January 5, 2007 at 3:23 AM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?
– વિપિન પરીખ
ઈતિહાસ સાક્ષી છે કે સમય કરતા આગળ અને સમાજ કરતા અલગ હોવાની સજા દરેક મહાપુરુષોએ ભોગવી જ છે. નવી દિશામાં આંગળી ચીંધવાની કિંમત દર વખતે લોહીથી ચૂકવવી પડે એ તો કેવું શરમજનક કહેવાય. પરંતુ જોવાની વાત એ છે કે ક્રોસ કે બંદૂકની ગોળીનો પ્રતિભાવ ઈસુ અને ગાંધીએ એકસરખો જ આપેલો – સંપૂર્ણ ક્ષમા !
Permalink
January 4, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, મનોજ મુની
આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે.
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે.
– આજે ફરીથી…
ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.
– આજે ફરીથી…
હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.
– આજે ફરીથી…
આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે.
– આજે ફરીથી…
પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.
– આજે ફરીથી…
– મનોજ મુની
મને બહુ જ પ્રિય આ ગઝલ/ ગીત …
જીવનભર સાથે રહેવાના કોલ આપ્યા હોય, પણ છેલ્લી મુલાકાતમાં કદી ફરી મળવાની આશા ન હોય તેવી કરૂણ ક્ષણનો આ ચિતાર, જ્યારે સોલી કાપડીયાના ધીર ગંભીર સ્વરમાં અને સંતૂરના અત્યંત કર્ણપ્રિય, છતાં શોક ભર્યા સંગીતમા સાંભળીયે ત્યારે જુદાઇની છાયા આપણા ચિત્તને પણ ઉદાસીમાં ગરકાવ કરી દે છે.
ઢળતો સૂરજ ( નિષ્ફળ પ્રેમ), ચકચૂર ગગન (સમાજ), આછો ચાંદ (પ્રેમનો ઉદાસ દેવ) હસતી આંખમાં ઉદાસ કીકી(તમાચો મારીને ગાલ લાલ રખવા જેવી મનોવ્યથા) આ બધાં રૂપક એક કરૂણ સંવાદિતા ખડી કરી દે છે.
Permalink
January 3, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, સુધીર દવે
જે છે તે છે, ને જે નથી તે નથી.
નથીને છે કરવાનો વ્યર્થ કોઇ અર્થ નથી.
***
છે બધું, તત્ક્ષણ નથી,
કોઇને રક્ષણ નથી.
ઝાંઝવાને જઇ કહો,
તું નથી, હું પણ નથી.
સોનું ક્યાં સુંદર બને?
સાથ જો ઝારણ નથી.
વાત જે અધ્ધર કરે,
એ ખરો ચારણ નથી.
લોક તો કૈં પણ કહે,
વાતમાં કારણ નથી.
સત્યનું તો છે વજન,
એનું કૈં ભારણ નથી.
ભલ ભલો મનુષ્ય પણ,
કોઇનું તારણ નથી.
– સુધીર દવે
ચાલીસ વર્ષથી ડલાસમાં સ્થાયી થયેલા શ્રી. સુધીર દવેના બે કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે – ‘પ્રયાસ’ અને ‘અનુભવ’. સુધીરભાઇ કવિ ઉપરાંત સારા ગાયક અને સંગીતજ્ઞ પણ છે.
Permalink
January 2, 2007 at 7:18 PM by ધવલ · Filed under મરીઝ, મુક્તક
આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી
એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી !
-‘મરીઝ’
Permalink
December 31, 2006 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, શયદા
તમારા પગ મહીં જ્યારે પડ્યો છું ;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.
જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.
ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.
તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા બાદ મુજને જડ્યો છું.
ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.
પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!
મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઇ પંથે પડ્યો છું.
***
હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.
ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.
યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.
સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.
હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.
તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.
દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.
મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.
વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.
– શયદા ( હરજી લવજી દામાણી )
જે જમાનામાં અરબી કે ફારસી શબ્દોથી અને ચીલાચાલુ વિષયોથી ગુજરાતી ગઝલો પ્રચૂર રહેતી તે જમાનામાં શયદા નવો પ્રવાહ લઇ ને આવ્યા હતા. ( કલાપી અને મણિલાલ નભુભાઇની ગઝલો સાથે આ બે રચનાઓને સરખાવીએ તો આપણને આ વાતની પ્રતીતિ થશે. ) ગુજરાતી ગઝલના આ મહાન પ્રણેતાને ‘ગઝલ સમ્રાટ’ યોગ્ય રીતે જ ગણવામાં આવે છે.
Permalink
December 30, 2006 at 1:52 PM by વિવેક · Filed under ગીત, રવીન્દ્ર પારેખ
હરિ, ચલો કે.જી. માં –
નાનામોટાં ટાબરિયાં આવ્યાં પ્હેલી, બીજીમાં –
હરિ, માંડ ડોનેશન દઈને કર્યું તમારું પાકું,
એડમિશનમાં સ્કૂલો વાતેવાતે પાડે વાંકું,
અને તમે રડવા બેઠા છો અમથા નારાજીમાં ?
હરિ, તમારું નામ જૂનું છે, હરિનું કરીએ હેરી,
હવે તો ફેશન રૉ-હાઉસની, તમે શોધતા શેરી,
મેગી, બેગી ખાઈ લો થોડી, નથી કશું ભાજીમાં –
સ્કૂલબેગ કરતાં પણ ઓછું હરિ તમારું વેઈટ,
યુનિફોર્મની ટાઈ ન જડતાં હરિ તો પડતા લેઈટ,
પછી રડે એવું કે વર્ષા હો ચેરાપૂંજીમાં –
હરિ, કરો કન્વેન્ટ નહીં તો ઢોર ગણાશો ઢોર,
કે.જી., પી.જી. ના કરશો તો કહેવાશો કમજોર,
તમે ભણો ના તો લોકો ગણશે રેંજીપેંજીમાં –
હરિ, કહે કે કે.જી. કરીએ તો જ રહે કે અર્થ ?
અગાઉના નેતા કે મહેતા, કે.જી. નૈં તો વ્યર્થ ?
કે.જી. ના હો તો ય પલટતો મોહન, ગાંધીજીમાં.
-રવીન્દ્ર પારેખ
પહેલી નજરે રમત ભાસતા આ હરિગીતમાં રવીન્દ્રભાઈ સ્વભાવમુજબ કંઈ નવું અને તરત મનને અડે એવું લઈને આવ્યા છે. સ્કૂલોમાં ભણતરના નામે ફાલી નીકળેલા દૂષણોને ફક્ત દૂરથી અડી લઈને પણ એ મનને ભીનું અને હૃદયને બોજિલ કરી દે છે. ડોનેશન, મોડર્ન નામ, શેરી સંસ્કૃતિનો વિનાશ, ફાસ્ટ ફૂડ, સ્કૂલબેગનું વજન, યુનિફોર્મના જડતાભર્યા નિયમો, કન્વેન્ટનો આંધળૉ મોહ… શિક્ષણને નામે ફાટી નીકળેલી બદીઓને માત્ર ચલક-ચલાણી રમતા હોય એમ શબ્દોથી અછડતું અડીને રવીન્દ્રભાઈએ ગીતને વધુ ધારદાર કર્યું છે…
Permalink
December 29, 2006 at 11:12 PM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;
મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;
મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;
આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ… તે મારા હાથમાં નહોતું !
– જયન્ત પાઠક
આ કવિતામાં કવિ જ્યારે ત્રણ નાની માંગણીઓ ગણાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે પ્રેમ કેટલી સાદી, નાની ને સરળ વાતો પર ટકેલો હોય છે ! ‘હું છું ને’, ‘ઊભા રહો’ અને ‘કેમ છો?’ આટલી સામાન્ય લાગણીઓ પ્રેમનો પાયો હોય છે. એમ છતાંય આપણે રોજે રોજ પોતાના પ્રેમને ટૂંકો પડતો જોઈએ છીએ.
Permalink
December 28, 2006 at 1:00 AM by સુરેશ · Filed under ઊર્મિકાવ્ય, હરિશ્ચન્દ્ર ભટ્ટ
મારા ઉરે કોઇ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવાં નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું,ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું,
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઇ કરું પૂરાં.
– હરિશ્ચન્દ્ર ભટ્ટ
ગુજરાતી સાહિત્યમાં યુરોપિયન સાહિત્યનું આકંઠ પાન કરનાર કવિ.
Permalink
December 27, 2006 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
હા, બને ઘટનાઓ, પણ દૃષ્યો વગર;
ફૂલ મારાં ઊઘડે સૂર્યો વગર,
હું અવાજોની સપાટી પર તરું;
મારું પુસ્તક હોય છે પૃષ્ઠો વગર.
શ્વાસમાં છે ટેરવાંનું દળકટક;
પુષ્પને પામી શકું રંગો વગર.
સપ્તરંગી મારાં આકાશો નથી:
ઊડતાં શીખ્યો છું હું પાંખો વગર.
એક નહિં, પણ સૂર્ય ડૂબ્યા બે ભલે:
રથ તો ચાલે છે અહીં અશ્વો વગર.
ક્યાં છે? શું છે? કોણ છે? કેવુંક છે?
જીવવાની ટેવ છે પ્રશ્નો વગર.
રંગ, રેખા, રૂપ, આકારોથી દૂર;
તોય હું જીવ્યા કરું સૂર્યો વગર.
આંખ પર છે કાળા સૂરજનો કડપ;
કિન્તુ ક્ષણ પણ ક્યાં વીતે સ્વપ્નો વગર?
– ભગવતી કુમાર શર્મા
Permalink
December 25, 2006 at 12:31 PM by ધવલ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો;
કહીં સંસાર માંડે છે, ક્યાંક સાધુ થાય છે રસ્તો !
અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો !
હું ઈશ્વરની કને તો ક્યારનો પહોંચી ગયો હોત,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !
નથી જોતા મુસાફર એક બીજાને નથી જોતા,
નજરની શું થયું છે કે ફક્ત દેખાય છે રસ્તો !
મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો.
નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !
– રતિલાલ અનિલ
શુક્રવારે રતિલાલ ‘અનિલ’ની વાત નીકળી એટલે એમની આ સરસ ગઝલ યાદ આવી ગઈ. રસ્તાના પ્રતિકથી આ ગઝલમાં એમણે બહુ ઊંડી વાત કરી છે. છેલ્લો શેર તો યાદગાર શેરમાંથી એક છે. ખરી જ વાત છે, આપણે બધાને એ જ રસ્તાને તલાશ છે !
Permalink
December 24, 2006 at 4:36 AM by વિવેક · Filed under અખો, છપ્પા
તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.
(ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનું સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )
દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
(પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ )
સસાશિંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.
(સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)
આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.
( સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ )
અખો ભગત (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુનિયાના દંભ અને પાખંડ દેખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ (ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ કોટિના જ્ઞાની કવિ છે. આત્માના અનુભવને અને જ્ઞાનને એમણે ‘અખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર સંવાદ’ અને ‘અનુભવબિંદુ’ જેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે.
Permalink
December 23, 2006 at 4:33 AM by વિવેક · Filed under ગઝલ, રિષભ મહેતા
આ કંઈ રહેવા જેવું સ્થળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ
માણસો છે કે મૃગજળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
ઉપર ઉપરથી આઝાદી, વાસ્તવમાં તો કેદ છે સાદી
સંબંધો નામે સાંકળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
એમ છલોછલ લાગ્યા કરતી, ક્યાં આવે છે એમાં ભરતી ?
કેવળ કાગળ પર ખળખળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
ચારે બાજુ બસ અંધારું, હો તારું કે જીવન મારું
આ તો સપનાંની ઝળહળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
હોય ભલે વરસાદી મોસમ; તું સુક્કી હું કોરો હરદમ
છત કે છત્રી બંને છળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
હું ન લાગું માણસ જેવો; તું ન લાગે પારસ જેવો
ઓળખ બંનેની નિષ્ફળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
હુંય એકલો તુંય એકલો; કરીએ ઈશ્વર એક ફેંસલો
કોઈ ક્યાં આગળ પાછળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
મેં જોયા શબ્દોને ડરતા; અંદર અંદર વાતો કરતા;
‘જીર્ણ થયેલો આ કાગળ છે, ચાલ, અહીંથી ભાગી છૂટીએ !’
અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
-રિષભ મહેતા
આ સરસ મજાની ગઝલની બીજી એક ખૂબીએની આંતરિક પ્રાસરચના છે. દરેક શેરની પહેલી પંક્તિના બન્ને ટુકડામાં અંત્યાનુપ્રાસ જળવાયો હોવાથી ગઝલમાં એક અનોખો લય ઉપસી આવે છે. રિષભ મહેતા કોલેજમાં આચાર્ય છે. જન્મ: વેડછા ગામ (નવસારી), 16-12-1949. કાવ્યસંગ્રહો: ‘આશકા’, ‘સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.
Permalink
December 22, 2006 at 5:02 AM by ધવલ · Filed under મુક્તક, રતિલાલ 'અનિલ', સાહિત્ય સમાચાર
2006ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે સુરતના રતિલાલ ‘અનિલ’ના નિબંધસંગ્રહ ‘આટાનો સૂરજ’ની પસંદગી થઈ છે. સુરતના માનીતા સાહિત્યકાર એવા શ્રી રતિલાલ ‘અનિલ’ને અભિનંદન ! એ એમના નિબંધો ઉપરાંત ચાંદરણા અને મરકલાથી જાણીતા છે. એમણે સરસ ગઝલો પણ લખી છે. એમનું જ એક મુક્તક આજે માણીએ.
સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !
એમની વધુ રચનાઓ, ખાસ તો ઢગલાબંધ ચાંદરણાઓ, એમની વેબસાઈટ પર આપ માણી શકો છો.
Permalink
December 21, 2006 at 1:01 AM by સુરેશ · Filed under તઝમીન, રાઝ નવસારવી
ચીનુ મોદીનો પ્રખ્યાત શેર :
સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
આ શેર પરથી રચેલ તઝમીન :
રાત દિવસ દિલથી માલિકને ભજી,
ક્યારથી બેઠો છું દુનિયાને તજી,
મારી નિષ્ઠામાં છે તમને શક હજી?
સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
– ‘રાઝ’ નવસારવી
તઝમીન એટલે કોઈ બે પંક્તિઓ લઈને એના અર્થને અકબંધ રાખીને ત્રણ પંક્તિઓ ઉમેરીને બનાવેલી કુલ પાંચ પંક્તિની રચના. નવસારીમાં 9 ડીસેમ્બર 1935 ના રોજ જન્મેલા, નવસારીમાં જ હાલ રહેતા અને નિવૃત્ત શિક્ષક એવા આ શાયરનું નામ છે સૈયદ સગીરઅહમદ અલીજાન. તેમણે ઉપરોક્ત તખલ્લુસથી ગઝલો, મુક્તકો અને તઝમીન લખ્યાં છે. તઝમીન તેમની ખાસ વિશેષતા છે.
Permalink
December 20, 2006 at 1:00 AM by સુરેશ · Filed under દાસી જીવણ, ભક્તિપદ
અજવાળું, હવે અજવાળું
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું.
સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. – ગુરુ આજ
જ્ઞાન ગરીબી, સંતની સેવા,
પ્રેમભક્તિનો સંગ હવે પાળું. – ગુરુ આજ
ખીમ*ને ભાણ* રવિ* રમતા રામા, તે
જ તત્વમાં ગુરુ, તમને ભાળું. – ગુરુ આજ
દાસી જીવણ સત ભીમ*નાં ચરણાં,
અવર દુજો ધણી નહીં ધારું . – ગુરુ આજ
– દાસી જીવણ ( જીવણ સાહેબ)
( *= ગુરુઓના નામ )
18મી સદી ઉત્તરાર્ધના, રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ. દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા.
Permalink
December 19, 2006 at 6:50 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં
આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં
આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં
શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં
– અમૃત ઘાયલ
આ ગઝલ મોકલવા માટે આભાર વિરલ બુટાણી.
Permalink
December 18, 2006 at 9:12 PM by ધવલ · Filed under ગઝલ, શ્યામ સાધુ
પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે,
રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે !
જીવવા જેવી વાત ભીંતમાં ચણી છતાં પણ,
કમળપત્રની જેમ ક્યારનો કચવાયો છે !
અખબારોના ટોળાંઓમાં અક્ષર થઈને,
રોજ સવારે નાટક જેવું ભજવાયો છે !
માણસભીની મહેક નથી પણ અફવાઓ છે,
માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે !
– શ્યામ સાધુ
Permalink
December 17, 2006 at 4:12 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રીતમ લખલાણી
બારીએ
પંખીનો ટહુકો સાંભળી
મેજ પર પડેલ
કાગળને
ક્યારેક
પૂર્વજન્મ યાદ આવતો હશે ?!
-પ્રીતમ લખલાણી
અત્યંત ટચૂકડી હોવા છતાં આ રચનામાં કવિએ પ્રકૃતિપ્રેમની લાગણી એવી તીવ્રતાથી વણી લીધી છે કે લોહી અચાનક થીજી જતું જણાય. વૃક્ષમાંથી બનતી ત્રણ વસ્તુઓ બારી, મેજ અને કાગળ સાથે વૃક્ષ પર બેસનાર પંખીને સાંકળીને કવિએ ચમત્કૃતિ સર્જી છે.
Permalink
December 16, 2006 at 4:08 PM by વિવેક · Filed under ઉશનસ્, સોનેટ
(વસંતતિલકા સૉનેટ)
એ પ્રેમને શું કરવો, નવ પીગળે જે;
ને ના વહે દશદિશે થઈને પ્રવાહ ?
ના કોઈની પણ ફળાવી શકે જ આહ,
એવો અહં શું કરવો, નવ ઓગળે જે ?
એ પ્રેમનું શું કરવું, નિજમાં જ જે રહે,
ને કર્મમાં પરિણમે નહીં અન્ય કાજે ?
આટાટલાં અસુખથી જગના ન લાજે ?
એ બુંદને શું કરું જે પ્રસરે ન, ના વહે ?
એ પ્રીતનું શું કરવું, નવ વિસ્તરે જે
ભૂમા સુધી ? નવ શકે પડી ગાંઠ ખોલી ?
ના જે સહે ધીરજપૂર્વક રહૈ અબોલી
સૌ દુઃખ વિશ્વભરનાં ઊંચકી શિરે જે ?
જો દીપ કો તમસ અન્યનું ના ઉજાળતો
તો અગ્નિ તે, નિજમહીં ખુદને જ બાળતો.
ઉશનસ્
Permalink
December 15, 2006 at 8:37 AM by ધવલ · Filed under મનોજ ખંડેરિયા, મુક્તક
ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી જાતાં ચરણને શું કરું.
કાળમીંઢી શક્યતા પલળે નહીં,
તો ભીનાં વાતાવરણને શું કરું.
– મનોજ ખંડેરિયા
Permalink
December 15, 2006 at 1:00 AM by ધવલ · Filed under રાજેન્દ્ર શુક્લ, સાહિત્ય સમાચાર
ગુજરાતી ભાષાના સૌથી સમર્થ સર્જકોમાંથી એક એવા શ્રી રાજેન્દ્ર શુક્લએ અમદાવાદમાં યોજાયેલ કાવ્યસંગીત સંમેલનમાં ‘કવિતાનો શબ્દ’ એ વિષય પર વક્તવ્ય આપેલું. જેણે શબ્દની ધૂણી ધખવીને જીંદગી કાઢી હોય એ જ આવું વિરલ પ્રવચન કરી શકે. આ વક્તવ્યને આજે રીડગુજરાતી પર વાંચવાનું રખે ચૂકતા.
ઉમેરો : દિવ્ય-ભાસ્કરમાં કવિશ્રી સાથે સંવાદનો અહેવાલ વાંચો.
Permalink
December 14, 2006 at 1:00 AM by સુરેશ · Filed under ગીત, સ્નેહરશ્મિ
આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે?
આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?
કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે?
આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?
કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે?
આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?
આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?
– સ્નેહરશ્મિ
Permalink
December 13, 2006 at 1:00 AM by સુરેશ · Filed under અછાંદસ, જાવેદ અખ્તર, રઈશ મનીયાર
કરોડ ચહેરા
ને એની પાછળ
કરોડ ચહેરા
છે પંથ કે ભીડભાડ કેવળ
ધરા ઉપર દેહ સૌ છવાયા
ચરણ મૂકું ક્યાં અહીં તસુભાર જગ્યા ક્યાં છે?
નિહાળતાં એ વિચાર આવ્યો
કે હમણાં હું જ્યાં છું
શરીર સંકોરી ત્યાં જ રહું હું
કરું શું, કિન્તુ
મને ખબર છે
હું આમ અટકી ગયો તો
પાછળથી ભીડ જે ઉમટી રહી છે
ચરણ તળે એ મને કચડશે અને રોંદશે એ
હવે જો ચાલું તો
મારા પગમાં જ ભેરવાતાં
કોઇની છાતી
કોઇના બાહુ
કોઇનો ચહેરો
હું ચાલું ત્યારે
જુલમ થશે એ બીજાઓ ઉપર
ને અટકું તો ખુદ
સ્વયમ્ ઉપર હું જુલમ સહું છું
હે અંતરાત્મા ! તને અભિમાન બહુ હતું
તારી ન્યાય બુધ્ધિ ઉપર,ખરું ને?
હવે કહે જોઉં
આજે તારોય શો છે નિર્ણય?
જાવેદ અખ્તર
અનુવાદ – રઈશ મનીઆર
Permalink
December 12, 2006 at 12:40 AM by વિવેક · Filed under મરીઝ, મુક્તક, શબ્દોત્સવ
પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ,
શક્તિ ન હતી, અલ્પતા દેખાઈ ગઈ;
દરિયાનું માપ કાઢવા, નાદાન નદી,
ગજ એનો લઈ નીકળી, ખોવાઈ ગઈ.
*
જીવે તો અહીં સૌ છે ન કર એના વિચાર,
જોવું છે એ કે છે જનમ કે અવતાર;
મયખાનામાં યે સાચા શરાબી છે જૂજ,
મસ્જિદમાં યે છે સાચાં નમાઝી બે-ચાર.
*
શ્રદ્ધાથી બધો ધર્મ વખોડું છું હું,
હાથે કરી તકદીરને તોડું છું હું;
માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.
-મરીઝ
Permalink
December 12, 2006 at 12:35 AM by સુરેશ · Filed under અમૃત ઘાયલ, મુક્તક, શબ્દોત્સવ
જર જોઇએ, મને ન ઝવેરાત જોઇએ,
ના જોઇએ મિરાત, ન મ્હોલાત જોઇએ;
તારા સિવાય જોઇએ ના અન્ય કંઇ મને,
મારે તો દોસ્ત તારી મુલાકાત જોઇએ.
*
બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં જામ, આંખડીમાં ખુમાર;
આવી પહોંચી સવારી ‘ઘાયલ’ની,
બાઅદબ, બામુલાહિજા, હોશિયાર.
( એક મુશાયરામાં પ્રવેશ વખતે બહુ જ દાદ મેળવેલ મુક્તક )
*
ઉલ્લાસની ઉમંગની અથવા વિષાદની,
ફરિયાદની હો વાત, કે હો વાત યાદની;
થાતી નથી મુરખને કોઇ વાતની અસર,
કડછીને ‘જાણ’ હોતી નથી રસની, સ્વાદની.
– અમૃત ઘાયલ
Permalink
December 12, 2006 at 12:30 AM by ધવલ · Filed under મુક્તક, શબ્દોત્સવ, શેખાદમ આબુવાલા
આદમને કોઈ પૂછે : પેરિસમાં શું કરે છે ?
લાંબી સડકો પર એ લાંબા કદમ ભરે છે.
એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને !
પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છે !
– શેખાદમ આબુવાલા
Permalink
December 11, 2006 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, રૂસવા
આજે પાજોદ દરબાર શ્રી ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી – ‘રૂસ્વા’ મઝલૂમી – નો જન્મદિન છે. 91 વર્ષના આ શાયર ગુજરાતી સાહિત્યનું એક ઘરેણું છે. જેને માણસ કહી શકાય તેવા આ માણસે પોતે તો બહુ જ ઉચ્ચ કક્ષાની ગઝલો સરજી છે, પણ તેથી પણ વધારે સારું કામ તેમણે આપણા સાહિત્યના અણમોલ રત્ન જેવા બે ગઝલકારો અમૃત ‘ઘાયલ’ અને ‘શૂન્ય’ પાલનપુરીના ઘડતરનું કર્યું છે. તેમના જ બાગમાં આ બે છોડ પાંગર્યા હતાં. આ ઉપરાંત તેમણે લખેલી સ્વાનુભવ આધારિત વાર્તાઓ પણ અણમોલ રત્ન જેવી છે.
નવાબી ઠાઠમાં ઉછરેલા અને નવાબી શોખવાળા આ ‘માણસ’ને નવાબી જતાં જીવનના સંઘર્ષોનો ઘણો સામનો કરવો પડ્યો. છતાં 91 વર્ષની ઉમ્મરે પણ જળવાઇ રહેલી તેમની મગરૂરી અને જિંદાદિલી આ ગઝલોમાં બહુ સરસ રીતે ઉપસી છે.
આજના શુભ દિને આપણે તેમને શુભ કામનાઓ અર્પીએ અને કમ સે કમ આપણી ભાષાના આ પ્રેમને ટકાવી રાખી તેમને એહસાસ આપીએ કે, તેમણે ગુજરાતી સાહિત્યની કરેલી સેવા આપણે હંમેશાં યાદ રાખીશું.
તેમના જીવન વિશે વધુ જાણવા અહીં ‘ક્લીક’ કરો.
તેમની રચનાઓ – તેમના જ શબ્દોમાં – તેમના જીવન વિશે કેટલું બધું કહી જાય છે?
જીવન સિધ્ધિનો કેવળ સાર સાધનમાં નથી હોતો,
ફકીરી કે અમીરી ફેર વર્તનમાં નથી હોતો;
સદા રહેશે અમારો આ નવાબી ઠાઠ ઓ ‘રૂસ્વા’ ,
ખરો વૈભવ તો મનમાં હોય છે, ધનમાં નથી હોતો.
*** વધુ આગળ વાંચો…
Permalink
December 10, 2006 at 12:40 AM by વિવેક · Filed under નરસિંહરાવ દિવેટિયા, પ્રાર્થના, શબ્દોત્સવ
મંગલ મન્દિર ખોલો
દયામય ! મંગલ મન્દિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !
નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય-તૃષાભર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !
– નરસિંહરાવ દિવેટિયા
નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (જન્મ: 03-09-1859, મૃત્ય: 14-01-1937) પંડિતયુગના ઉત્તમકોટિના સર્જક છે. જાણીતા સાક્ષર કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી. વડનગરા નાગર. મુંબઈમાં ગુજરાતીના પ્રાધ્યાપક. પાછળથી ખેડા જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર. જેવા કવિ એવા જ સંવેદનશીલ ગદ્યસર્જક. ક્યારેક કોઈ એક જ કૃતિ પણ કવિને અમર કરી દેતી હોય છે. યુવાનપુત્ર નલિનકાન્તના મૃત્યુપર્યંત રચેલા ‘સ્મરણસંહિતા’ દીર્ઘકાવ્યમાંનું આ ભજનગીત એની સાબિતી છે. એમની એક બીજી અમર પંક્તિ છે: ‘છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી’.
કાવ્યસંગ્રહો: ‘કુસુમમાળા’, ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’, ‘સ્મરણસંહિતા’.
Permalink
December 10, 2006 at 12:35 AM by સુરેશ · Filed under ભક્તિપદ, શબ્દોત્સવ, સંત પુનીત
સમય મારો સાધજે વ્હાલા ! કરું હું તો કાલાવાલા.
અંત સમય મારો આવશે, ત્યારે નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન. – સમય મારો સાધજે વ્હાલા ….
જીભલડી મારી પરવશ થાશે, હારી બેસું હું હામ
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ. – સમય મારો સાધજે વ્હાલા….
કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરી શોર. – સમય મારો સાધજે વ્હાલા ….
આંખલડી મારી પાવન કરજે ને દેજે એક જ લ્હાણ,
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ‘પુનીત’ છોડે પ્રાણ . – સમય મારો સાધજે વ્હાલા ….
– સંત પુનીત
Permalink
December 10, 2006 at 12:30 AM by ધવલ · Filed under ભજન, શબ્દોત્સવ, હરીશ મીનાશ્રુ
સાધો, તંબૂર પણ તરફડશે
ભજનના એક જ ઘૂંટડા સારુ હરિ ઘૂંટણિયે પડશે.
મદિરા ભેગું મુરશિદ તેં
એવું શું દીધું પાઈ,
સાકી ને સાખીમાં અમને
ભેદ દીસે ના કાંઈ;
ભગતિનો પરસેવો સૂંઘી લીલાપુરુષ લડખડશે.
ખર્યા પાંદ પર દિકપાલે
બેસાડ્યા ચોકીપ્હેરા,
કરે ઠેકડી એક જ હળવી
મલયપવનની લ્હેરા;
ફરી વળગશે દીંટે જો હડફેટે સંતન ચડશે.
– હરીશ મીનાશ્રુ
ગુજરાતી ભક્તિપદોમાં આ અલગ ભાત પાડે એવું આ ભજન છે. એમાં એક તરફ કબીરના પદોની છાયા છે. તો બીજી બાજુ ઉર્દુ ગઝલમાં વપરાતા (મૂરશિદ અને સાકી) અને પ્રાકૃત(મલયપવન) રૂપકોની પણ હાજરી છે.અહીં બહુ passionate ભક્તિની વાત છે. પોતાની જાત માટે તંબૂર શબ્દ વાપર્યો છે. જ્યારે જાતમાં તરફડાટ જાગશે ત્યારે એ એક ભજનને ખાતર હરિના ચરણમાં જઈ પડશે. ગુરુ(મુરશિદ)એ ભક્તિની મદિરા સાથે એવુ શુ પીવડાવી દીધું છે કે હવે સાકી અને સાખી(ઈશ્વરની સાક્ષી)નો ભેદ ભૂંસાતો જાય છે. ભક્તિમાં એટલી જબરજસ્ત મહેનત હશે કે એના પરસેવાની સુંગધથી જ ઈશ્વર પીગળી જશે ! જીવનનું ખરેલું પાંદડું જે પવનમાં ધ્યેયહીન રખડી રહ્યું છે એ જો સંતની હડફેટમાં ચડશે તો ફરી પાછું ડાળ પર પહોંચશે. અહીં શબ્દોની પસંદગી જુઓ – સંતના સમાગમમાં આવવાની વાત ને માટે ‘હડફેટે ચડશે’ એવો મઝાનો અને તળપદો પ્રયોગ કર્યો છે. ફરી ફરી વાંચતા, આ લીસ્સા પથ્થર જેવું ગીત, મનને એક અલગ જ જાતની શાતા આપતું જાય છે.
Permalink
December 9, 2006 at 12:40 AM by વિવેક · Filed under રાજેન્દ્ર શાહ, શબ્દોત્સવ, હાઈકુ
ક્ષિતિજે સૂર્ય,
અહીં ઓસનાં અંગે
રંગ અપૂર્વ.
*
અર્ધ સોણલું
અર્ધ જાગૃતિ મળ્યાં
બાહુ બાહુમાં.
*
વરસે મેહ,
ભીનાં નળિયા નીચે
તરસ્યો નેહ.
*
વિદાય લેતું
અંધારું, તૃણ પર
આંસુને મેલી.
-રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી.
કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.
Permalink
December 9, 2006 at 12:35 AM by સુરેશ · Filed under શબ્દોત્સવ, સ્નેહરશ્મિ, હાઈકુ
બકતી હોડ
કલગી કૂકડાની
ઉષાની સામે
*
વાટ ભૂલ્યાની
ચમકી આંખ – દૂર
ભાંભરી ગાય.
*
આંગણે ભૂખી
અનાથ બાળા : દાણા
ચકલી ચણે
*
પોયણી વચ્ચે
તરે હંસલો : ચન્દ્ર
ચઢ્યો હિલ્લોળે.
***
ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
હજીયે નભે
– સ્નેહરશ્મિ
Permalink
December 9, 2006 at 12:30 AM by ધવલ · Filed under પન્ના નાયક, શબ્દોત્સવ, હાઈકુ
અડકું તને
પાંપણની કોરથી
ભરમેળામાં
– પન્ના નાયક
Permalink
December 8, 2006 at 12:40 AM by વિવેક · Filed under ગીત, ઝવેરચંદ મેઘાણી, શબ્દોત્સવ
લાગ્યો કસુંબીનો રંગ –
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo
વધુ આગળ વાંચો…
Permalink
December 8, 2006 at 12:35 AM by સુરેશ · Filed under કલાપી, ગીત, શબ્દોત્સવ
ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત, સખે!
અધુના કળી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે.
સુમહોજ્વલ આ કિરણો રવિનાં,
પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;
ન વિલમ્બ ઘટે, કંઇ કાલ જતે,
રવિ એ પણ અસ્ત થવા ઢળશે,
નમતાં શિર સૌ કુસુમો કરશે,
પછી ગંધ પરાગ નહીં મળશે,
ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!
નકી ઉત્તમ અગ્રિમ કાળ સખે!
ભર યૌવન આ હજુ રક્ત સખે!
ગતિ કાલની ચોક્કસ ન્હોય સખે!
ભરતી પછી ઓટ જ હોય સખે!
ફુલ વીણ, સખે! તક જાય, સખે!
ઢળતી થઇ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,
ફરી લે, રમી લે, હસી લે તું સખે!
મૃગલાં રમતાં,
તરુઓ લડતાં,
વિહગો ઉડતાં,
કલીએ કલીએ ભ્રમરો ભ્રમતા;
ઝરણું પ્રતિ હર્ષ ભર્યું કૂદતું,
ઉગતો રવિ જોઇ ન શું હસતું?
પછી કેમ વિમાસી રહ્યો તું સખે!
ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!
– કલાપી
Permalink
December 8, 2006 at 12:30 AM by ધવલ · Filed under ગીત, જગદીશ જોષી, શબ્દોત્સવ
પાંદડી તે પી પીને કેટલું રે પીશે
કે મૂળિયાંને પડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?
એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઊજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ !
નીંદરાતી આંખ મહીં ઊમટીને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ નહીં ડહોળું;
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ !
– જગદીશ જોષી
Permalink
December 7, 2006 at 12:40 AM by વિવેક · Filed under બાલમુકુન્દ દવે, શબ્દોત્સવ, સોનેટ
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !
– બાલમુકુન્દ દવે
બાલમુકુન્દ મણિશંકર દવે (જન્મ: 07-03-1916-મસ્તુપુરા, મૃત્યુ:28-02-1993,અમદાવાદ) એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતોથી આપણી ભાષાનો આગવો ટહુકો બની શક્યા છે. સરળતા, મધુરતા અને હૃદયસ્પર્શિતા એ એમની કવિતાની વિશેષતા.
ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. કૂખેથી કાણી ડોલ, ઢાંકણ વગરની બોખી શીશી, તૂટેલાં ચશ્માં અને આવો ઘણો બધો સામાન મધ્યમવર્ગના માનવીનું એક ચિત્ર વાચકના મનોજગતમાં દોરી રહે ત્યાંથી કવિતા આગળ વધે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ અસબાબ છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને છેલ્લી નજર નાંખે છે ત્યારે. અરે! આ તો એ જ ઘર, જ્યાં દામ્પત્યનો પહેલો મુગ્ધ દાયકો વિતાવ્યો હતો! અહીં જ તો ઈશ્વરકૃપા સમો પુત્ર મળ્યો! પણ એ સુખ ક્યાં કવિના નસીબમાં હતું જ? આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે ગમે ત્યાં સાથે તો લઈ જવાતી હતી ને! મહામૂલા પુત્રરત્નને તો અહીં જ મૂકી જવાનો હતો ને! મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.
કાવ્યસંગ્રહ: ‘પરિક્રમા’., ‘કુંતલ’. બાળકાવ્યસંગ્રહ: ‘સોનચંપો’, ‘ઝરમરિયાં’, ‘અલ્લક દલ્લક’.
Permalink
December 7, 2006 at 12:35 AM by સુરેશ · Filed under શબ્દોત્સવ, સુન્દરમ, સોનેટ
સલામ, ધરતી-ઉરેની મુજ છેલ્લી હે મંજિલ!
સલામ, દિન કો ઊગે, દિન તણી ઊગે કેડી–ઓ
પ્રલમ્બ, મધુરી પ્રભાની, કનકાભ કો મેખલા;
ધરા પ્રણય-ધૂસરા મુજ પદોની ધાત્રી થતી.
અહો સુખ ઉરે ઘણું – ભવન તાહરે, મંજિલ !
હૂંફાળી તવ ગોદ, હૂંફભર તારી શય્યા સુખી,
સુખી મધુર આસવો, સુખભર્યાં ભર્યાં ભોજનો-
સદાય વસવું ગમે સુખદ સોણલે તાહરે.
અરે, પણ સદા ન મંજિલ કદાપિ વાસો બને.
નિશા સમયની ઘડી અબઘડી અહીં ગાળવી :
પ્રભાત કૂકડાની બાંગ સહ વાટને ઝાલવી.
સદા સફરી કાજ તો સ્વ-પથ એ જ સંગાથ હા,
સલામ : મુખ ફેરવી પગ હવે જશે, હા જશે :
ફરી ન મુખ તાહરું દૃગપથે કદી આવશે.
– સુંદરમ્
(25-1-1952)
Permalink
December 7, 2006 at 12:30 AM by ધવલ · Filed under ઉમાશંકર જોશી, શબ્દોત્સવ, સોનેટ
સખી મેં કલ્પી’તી પ્રથમ કવિતાના ઉદય શી,
અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી
ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,
જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.
સખી મેં ઝંખી’તી જલધરધનુષ્યેથી ઝૂલતી,
અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.
પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,
સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ.
સખી મેં વાંછી’તી વિરલ રસલીલાની પ્રતિમા,
સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ,
અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી,
જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિત શી.
મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.
– ઉમાશંકર જોશી
(‘નિશીથ’)
આ ઉમાશંકરના શ્રેષ્ટ સોનેટમાંથી એક છે. સખીનું અદભૂત વર્ણન તો સુંદર છે જ. પણ આ સોનેટને યાદગાર બનાવે છે એનો સંદેશ – પ્રિયજનની અપૂર્ણતા પણ એની મધુરતા છીનવી શકતી નથી !
Permalink
December 6, 2006 at 12:40 AM by વિવેક · Filed under અછાંદસ, રાવજી પટેલ, શબ્દોત્સવ
મારા ખેતરના શેઢેથી
‘લ્યા ઊડી ગઈ સારસી !
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
એલે એઈ
બળદને હળે હવે જોતરીશ નંઈ…
મારા ખેતરને શેઢેથી –
-રાવજી પટેલ
ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામના વતની રાવજી પટેલ (જન્મ: 15-11-1939, મૃત્યુ: 10-08-1968) આયખાનો ત્રીસીનો આંકડો વતાવે એ પહેલા જ આ સારસીની પેઠે ઊડી નીકળ્યા. ક્ષયરોગની બિમારીમાં થયેલું અકાળ અવસાન આપણા સાહિત્યનો એક ગરવો અવાજ સમયથી પહેલાં છિનવી ગયું. કૃષિજીવન અને ગ્રામ્યપરિવેશ એમની કવિતાનો આત્મા. એ નિજત્વથી ભર્યો ભર્યો કવિ છે. એની સર્જકતાને કશું ગતાનુગતિક, કશું રૂઢ ખપતું નથી. અહીં આ કવિતામાં બહુ ઓછા વાક્યોમાં ગામડાના ખેતરનું ચિત્ર તાદ્દશ રચાય છે. ઉત્કટ પ્રેમના પ્રતીક રૂપ સારસીના એકાએક ઊડી ગયા બાદ નાયકની નકારાત્મક પદાવલિઓ ખેતર સમા જીવનના ખાલીપાના અર્થને અને એમાં કશું પણ ઉગાડી શકવાની ઈચ્છા અને શક્યતાઓને ઉજાગર કરે છે.
મરણોત્તર કાવ્યસંગ્રહ: ‘અંગત’.
Permalink
Page 107 of 118« First«...106107108...»Last »